પાળિયા
પાળિયા
'પથ્થરના પાળિયા બનીને પૂજાવું મારે ઠાકોરજી નથી થાવું.'
"માયા, કેટલી સુંદર પંક્તિઓ, આ તો જાણે જીવનની વાસ્તવિકતા વણાઈ ગઈ. આ બે પંક્તિઓમાં તો તે જીવનનો સારાંશ કહી દીધો."
"હા, હેતા...આજ તો છે જીવનની સચ્ચાઈ. વાસ્તવિક પરિસ્થિતિમાં ક્યાં દેવ બનીને પૂજાવવાના નસીબ હોય છે ? સામાન્ય માણસે તો પરિવાર માટે મરીને પણ જીવવું પડે છે. દીકરી, બહેન, પત્ની, માતા, સાસુ, દાદી, નાની બધા પાત્રોમાં પોતાની જાતને ઢાળવા દરેક પરિસ્થિતિમાં ઝઝૂમવું પડે છે.
આંખોના અશ્રુ, મનના ઘાવ, હ્રદયની પીડાને ખામોશ કરી, ખુશી, સંતોષના રણકતા સ્વરે બધીજ પરિસ્થિતિને પહોંચી વળીને શ્રેષ્ઠ અદાકારનું પાત્ર નિભાવી જાણે, એજ સાચા અર્થમાં જીવનને સાર્થક કરી જાણે. ખુદ પર ફેંકેલા પથ્થરના પગથિયાં બનાવી સફળતાના શિખરો સર કરે, તે દરેક પરિસ્થિતિમાં પથદર્શક બને.
ધર્મને કર્મમાં વણીને જીવીએ તો દરેક પરિસ્થિતિમાં પ્રભુ પ્રેરણાસ્ત્રોત બને. આ જ છે સામાન્ય માનવીની જિંદગી. પ્રત્યેક પાળિયાનો એક નોંધનીય ઈતિહાસ હોય છે. પાળિયા બનીને પૂજાવવા માટે પણ યથાયોગ્ય જીવન જીવવું પડે છે."