Independence Day Book Fair - 75% flat discount all physical books and all E-books for free! Use coupon code "FREE75". Click here
Independence Day Book Fair - 75% flat discount all physical books and all E-books for free! Use coupon code "FREE75". Click here

Mitulbhai Gohil

Horror Tragedy Thriller


4.5  

Mitulbhai Gohil

Horror Tragedy Thriller


ઓપરેશન થંડરબોલ્ટ

ઓપરેશન થંડરબોલ્ટ

10 mins 23.6K 10 mins 23.6K

ઈઝરાયેલ

આજે જોઈએ આપણે દુનિયાના ઈતિહાસનું સૌથી શ્રેષ્ઠ અને ઓવર ધ ટોપ હોસ્ટેજ રેસ્ક્યુ ઓપરેશન. આ ઓપરેશનની વાત એટલી બધી રોમાંચક લાગે છે કે જાણે તેનું લખાણ ક્રિષ્ટોફર નોલાન કે કવિન્ટન ટેરેન્ટીનો જેવા કોઈ ડાયરેક્ટરે લખેલું હોય. બસ, અહીંયા હું વાત કરું છું ઈઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદ અને લશ્કર દ્વારા યુગાન્ડામાં કરવામાં આવેલા દિલધડક ઓપરેશન થંડરબોલ્ટની. પરંતુ તે પહેલાં હું તમને ટચુકડા એવા દેશ ઈઝરાયેલ વિશે થોડીક માહિતી જણાવી દવ.

વર્તમાન વડાપ્રધાન : બેન્જામીન નેતાન્યાહુ

વર્તમાન રાષ્ટ્રપતિ : રિયુવીન રિવલીન

સ્થાન : ઈઝરાયેલ પશ્ચિમ એશિયામાં એક દેશ છે, જે ભૂમધ્ય સમુદ્રના દક્ષિણ પૂર્વ કિનારા અને રાતા સમુદ્રના ઉત્તરી કાંઠે સ્થિત છે.

પાડોશી રાષ્ટ્રો : ઈજિપ્ત, સિરિયા, જોર્ડન અને લેબનોન. (કુલ 22 આરબ દેશોથી ઘેરાયેલો દેશ છે.)

બોર્ડર : તેની ઉત્તરમાં લેબનોન, ઉતર પૂર્વ બાજુએ સીરિયા, પૂર્વમાં જોર્ડન અને પશ્ચિમ કાંઠાના પેલેસ્ટિનિયન પ્રદેશો અને પશ્ચિમમાં ગાઝા પટ્ટી, અને દક્ષિણ પશ્ચિમમાં ઈજિપ્તની જમીની સરહદો છે.

ખ્યાતિ : દુશ્મનોના છક્કા છોડાવનાર સૌથી ખતરનાક દેશ તરીકેની.

ક્ષેત્રફળ : 22,145 ચો. કિલોમીટર (જે મણિપુર રાજ્ય કરતા પણ વિસ્તારની દ્રષ્ટિએ નાનો દેશ છે કારણ કે મણિપુરનું ક્ષેત્રફળ 22,327 ચો. કિલોમીટર છે અને ગુજરાતના ક્ષેત્રફળ કરતા લગભગ 9 ગણો નાનો દેશ છે. તમારી જાણ ખાતર કહી દવ કે ગુજરાતનું ક્ષેત્રફળ 1,96,024 ચો. કિલોમીટર છે.)

સેના : 30 લાખ સૈનિકો (તમારી જાણ ખાતર કહી દવ કે ભારતમાં સૈનિકોની સંખ્યા 13 લાખ છે.)

વાત છે ઈઝરાયેલની આઝાદી વખતેની. તે વખતે આરબ લીગ અને આરબ દેશોએ પેલેસ્ટાઈનનું વિભાજન કરવાનો અને ઈઝરાયેલની સ્થાપનાનો પણ વિરોધ કર્યો. પરંતુ, 14 મે, 1948 ના દિવસે ઈઝરાયેલ દેશ મુક્ત થયો. ત્યારબાદ આરબ લીગ અને આરબ દેશોએ નવા બનેલા દેશ ઈઝરાયેલ સાથે તરત જ યુદ્ધ શરૂ કરી દીધું. ઈઝરાયેલ દેશ કે જે આરબ દેશોથી જોડાયેલો છે તેની સાથે તેને અવારનવાર યુદ્ધો થતા રહ્યાં. 1960 ના દશકા સુધીમાં ઈઝરાયેલે પશ્ચિમી યુરોપ, ઉત્તર અને દક્ષિણ અમેરિકા તેમજ આફ્રિકાના મોટા ભાગના દેશો સાથે તેના ડિપ્લોમેટિક રિલેશન વધારી દીધા હતાં. ત્યાં સુધીમાં ઈઝરાયેલના જાસૂસો લગભગ પૂર્વ આફ્રિકામાં પણ ફેલાઈ ગયા હતાં. ઈઝરાયેલી જાસુસોએ જ તેમને એક વખત માહિતી આપી કે સિરિયા, જોર્ડન, ઈજિપ્ત, ઈરાક, અને લેબનોન સહિતના 6 દેશો ભેગા મળીને ઈઝરાયેલ પર હુમલો કરવાના છે. આ વાતની જાણ થતા જ ઈઝરાયેલ સક્રિય બની ગયું અને હવાઈ હુમલો કરવાનું નક્કી કરી લીધું. ઈઝરાયેલના 200 જેટલા વિમાનોએ ઈજિપ્તના લગભગ 18 જેટલા હવાઈ ક્ષેત્રોમાં આક્રમણ કરીને તેના 90 ટકા વિમાનોનો નાશ કરી દીધો હતો. સિરિયાના 6 મિગ ફાઈટર જેટ વિમાનોનો કચ્ચરઘાણ વાળી દીધો અને ઘણું બધું નુકસાન પહોચાડ્યું. ત્યારબાદ જોર્ડન, ઈરાક અને લેબનોનમાં પણ તબાહી મચાવી દીધી હતી. ઈઝરાયેલ અને આરબ દેશો વચ્ચેનું તે ત્રીજું યુદ્ધ કે જે ઈતિહાસમાં ‘છ દિવસીય યુદ્ધ’ અથવા ‘જૂન યુદ્ધ’ ના નામે ઓળખાય છે તેમાં ઈઝરાયેલનો વિજય થયો અને પેલેસ્ટાઈનને ઘણા ચોરસ કિલોમીટર વિસ્તાર ગુમાવવો પડ્યો. પરિણામે પેલેસ્તીનીઓને અહીંયા ઘણું કાઠું પડ્યું હતું અને તેમનો ગુસ્સો સાતમા આસમાને ચાલ્યો ગયો હતો. એટલે તે લોકોથી ના રહેવાતું હતું, ના સહેવાતું હતું કે ના કોઈને કહેવાતું હતું. અહીંથી જ તેઓએ વધારે પડતી અવળચંડાઈ ચાલુ કરવાનું નક્કી કર્યું કારણ કે તેઓ જાણતા હતાં કે સીધી રીતે તેઓ ઈઝરાયેલને હરાવી શકશે નહીં.

1967 ના આ યુદ્ધમાં ઈઝરાયેલે ઈજિપ્તથી સીનાઈનો દ્વીપકલ્પ અને સિરિયા પાસેથી ગોલાન હાઈટ્સ જેવા મહત્વના વિસ્તારો છીનવી લીધા હતાં. તેથી આ ગુમાવેલા પ્રદેશોને પાછા મેળવવા માટે સિરિયા અને ઈજિપ્તે 6 ઓક્ટોબર, 1973 ના દિવસે ઈઝરાયેલ સામે હાથ ધરેલા યોમ કિપુર ખાતેના યુદ્ધના સંયુક્ત ઓપરેશનમાં યુગાન્ડાના તાનાશાહ અમીને પણ ઈઝરાયેલ સામે લડવા માટે તેની સેના મોકલી હતી. ઈઝરાયેલે ભારે સંઘર્ષ કરતા વિજય તો મેળવ્યો, પરંતુ તેના બદલામાં 2700 યોદ્ધાઓનું બલિદાન તેમને આપવું પડ્યું હતું. જેથી વિજય થયો હોવા છતાં પ્રધાનમંત્રી ગોલ્ડા મેર અને ડિફેન્સ મિનિસ્ટરે રાજીનામા આપવા પડ્યા હતાં. જેના બદલામાં પ્રધાનમંત્રી તરીકે રબીન સાહેબ અને ડિફેન્સ મિનિસ્ટર તરીકે સિમોન પેરેઝ સાહેબ આવ્યા હતાં. 2700 જેટલા યોદ્ધાઓને ગુમાવવાના ઘાને 3 વર્ષ જેટલો સમય થયો હોવા છતાં હજુ રુઝાયા ન હતાં ને ત્યાં જ અહીંયા યુગાન્ડામાં ઈદી હાઈજેકર્સને સાથ આપીને બેઠો હતો. હવે આવીએ આપણી મૂળ વાત ઉપર.

વાત છે 27 જૂન, 1976 ના દિવસની. એર ફ્રાંસની એક ફ્લાઈટ “એર બસ A 300 B4 – 203” 147 પેસેન્જર્સ સાથે વહેલી સવારે ઈઝરાયેલ આવે છે. એરપોર્ટના કંટ્રોલ ટાવર પરથી પરમિશન મળતા પ્લેન સવારે 9 વાગ્યે ઈઝરાયેલના તેલ અવિવથી પેરિસ જવા માટે ઉડાન ભરે છે. ઈઝરાયેલથી ફ્લાઈટ ટેક ઓફ થઈ એટલે સ્વાભાવિક રીતે તેમાં ઈઝરાયેલના યાત્રીઓ પણ હોવાના જ. તેમાં કુલ 77 ઈઝરાયેલી કે યહૂદી પેસેન્જર્સે પોતાનું સ્થાન ગ્રહણ કર્યું હતું. પ્લેન ઈઝરાયેલના બેન ગુરીએન એરપોર્ટ પરથી યહૂદીઓ અને ફ્રેંચ બધા થઈને કુલ 224 પેસેન્જર્સ અને 12 ક્રુ મેમ્બર એમ કુલ 236 વ્યક્તિઓ સહિત ગ્રીસના એથેન્સ ખાતે જવા માટે ટેક ઓફ થયું. 1190 કિલોમીટરનું અંતર નોન સ્ટોપ કાપતા ફ્લાઈટને લગભગ બેથી સવા બે કલાક જેટલો સમય તો થાય જ. એટલે પ્લેન ગ્રીસના એથેન્સ પહોંચ્યા બાદ તેમાંથી 38 મુસાફરો ઉતરી ગયા અને ત્યાંથી કુલ 56 મુસાફરો પ્લેનમાં ચડ્યાં. તેમાં પેલા 4 હાઈજેકર્સ પણ નબળી સુરક્ષાને કારણે પ્લેનમાં ચડી ગયા. પેરિસ જવા માટે બપોરે 12:30 એ કંટ્રોલ ટાવરે મંજૂરી આપી એટલે પ્લેન ત્યાંથી પેરિસ જવા માટે નીકળ્યું. (તમારી જાણ ખાતર જણાવી દવ કે 1971 થી લઈને 1980 સુધીનો જે યુગ (સમય) હતો તે ખૂબ જ વિકટ અને અસ્થિર હતો. તેમાં 1971 માં ભારત પાક. યુદ્ધ પણ થયેલું અને ભારતને બાંગ્લાદેશના દાદા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. જે તમે બધા જાણતા જ હશો.) ફ્રેંચ પાયલોટ પણ પ્લેન બને તેટલી ઉંચી કક્ષાએ ઉડાવવા માંગતા હતાં કે જેથી હવાનું દબાણ ઓછું હોય, બળતણની મહત્તમ એવરેજ મળી રહે કે જેથી પ્લેન સરળતાથી વધારે ઝડપી ગતિ પકડી લે. હાઈજેકર્સ પણ આ જ રાહ જોઈને બેઠા હતાં કે પ્લેન બરાબર ઊંચે ચડે એટલે તેઓ પોતાનું કામ શરૂ કરી દે.

બપોરે 12:30 કલાકે પ્લેન એથેન્સથી પેરિસ જવા માટે નીકળ્યું એટલે લગભગ 10 જ મિનિટમાં તે 4 આતંકીઓ આ ફ્લાઈટને હાઈજેક કરી લે છે. પ્લેન નીકળ્યું હતું પેરિસ જવા માટે પણ આતંકીઓનો ઈરાદો હતો તેમના કોઈ જાણીતા સ્થળે પ્લેનને લઈ જવાનો. એક હાઈજેકરે પિસ્તોલ અને હેન્ડ ગ્રેનેડ હાથમાં લઈને બધાને જણાવ્યું કે, "સૌ જ્યાં છો ત્યાં જ બેસજો. નહીંતર તમારા બધાનું મોત નક્કી જ છે." બધા પેસેન્જરો ચોંકી ગયા. સન્નાટો થઈ ગયો. બધાના જીવ તાળવે ચોંટી ગયા. યાત્રીઓએ આગળ-પાછળ ફરીને જોયું તો બધા જ હાઈજેકર્સ સક્રિય થઈ ગયા હતાં અને બધાના હાથમાં પિસ્તોલ અને ગ્રેનેડ હતાં.

બીજો હાઈજેકર કોકપિટ બાજુ દોડીને કેપ્ટનને જણાવી આવ્યો કે, "કેપ્ટન, આ પ્લેન અમારા કબ્જામાં છે. મુસાફરોએ અને તમારે જીવતા રહેવું હોય તો પ્લેનને પેરિસ નહીં બેનગાઝી તરફ વાળો. અમારી પાસે હેન્ડ ગ્રેનેડ છે પ્લેનના ફુરચા નીકળતા વાર નહિ લાગે.” (બેનગાઝી લિબિયાનું એક મુખ્ય સીટી છે. તમારી જાણ ખાતર કહી દવ કે તે સમયનો લિબિયાનો તાનાશાહ કર્નલ મુઅમ્મર અલ ગદ્દાફી પણ ખૂબ હલકી માનસિકતા વાળો જ વ્યક્તિ હતો.) પ્લેને તેની દિશા બદલી એટલે એથેન્સના કંટ્રોલ ટાવરને બીક લાગી અને વાયરલેસ કોન્ટેક્ટ પણ તૂટી ગયો. રડાર પર પ્લેનનું જે ટપકું દેખાતું હતું તે દક્ષિણ દિશા તરફ આગળ વધવા માંડ્યું. એટલે એથેન્સના કંટ્રોલ ટાવર પર કઈક અજુગતું બનવાનો અણસાર આવી ગયો. હવે પ્લેનમાં કુલ 94 ઈઝરાયેલી મુસાફરો હતાં.

ઈઝરાયેલના એરપોર્ટ પર આ ખબર પડતાં જ ત્યાં પણ ધડબડાતી બોલી ગઈ. પ્લેન ભલે ફ્રાન્સનું હતું પણ તેમાં મોટાભાગે પેસેન્જરો ઈઝરાયેલના જ હતાં. ઈઝરાયેલ એરપોર્ટના સત્તાધીશો આ મેસેજ પ્રધાનમંત્રીને પહોંચાડે છે. જ્યારે આકાશમાં લોહીથી હોળી રમવાની આ રમત ચાલુ થવાની હતી ત્યારે ઈઝરાયેલની ધરતી પર ત્યાંના પ્રધાનમંત્રી યિત્ઝાક રબીન (Yitzhak Rabin) જેરુસલેમમાં એક મિટિંગ કરી રહ્યાં હતાં. તે સમયે એક આદમી હોલની અંદર આવે છે અને કાગળનો એક ટુકડો ડિફેન્સ મિનિસ્ટર પેરેઝ પાસે મૂકે છે અને પેરેઝ તે ટુકડાને પ્રધાનમંત્રી રબીનની પાસે મૂકી દે છે. રબીન પોતાના ચશ્માં પહેરે છે. કાગળના ટુકડામાં જે લખ્યું હોય છે, તે વાંચે છે અને ડરી જાય છે. તેઓ પોતાના ચશ્માં ઉતારે છે અને તરત જ કહે છે કે મિટિંગ કેન્સલ. તેમજ તરત પોતાના મિનિસ્ટર અને સિનિયર અધિકારીઓની એક મિટિંગ બોલાવે છે. પણ આશ્ચર્યજનક વાત એ હતી કે પ્લેન તો હજુ હવામાં જ હતું તો ચર્ચા કઈ કરવાની હતી?

બપોરે 3 વાગ્યે પ્લેન બેનગાઝી એરપોર્ટ પર ઉતર્યું. જબરદસ્તીથી પ્લેનમાં બળતણ પુરાવી લગભગ સાડા છ કલાક સુધી ત્યાં જ રોકી રાખવામાં આવ્યું. પેટ્રિશિયા માર્ટેલ નામની એક મહિલાની તબિયત વધુ બગડતા, હાઈજેકર્સની ખૂબ જ આનાકાની બાદ ત્યાં જ ડોકટરને બોલાવીને ખરાઈ કર્યા બાદ એ મહિલાને ત્યાં જ છોડી દેવાઈ. હકીકતમાં તે મહિલા પ્રેગ્નેન્ટ છે અને તેને કસુવાવડ થઈ જશે તેવો ડોળ જ કરતી હતી.

પછી રાતના 9.45 વાગ્યા આજુબાજુ ફરી પાછું પ્લેનને ધમકીથી ટેક ઓફ કરાવી વહેલી સવારના 3:15 એ યુગાન્ડાના એન્ટેબી એરપોર્ટ પર ઉતાર્યું. પ્લેન ઉતરતાની સાથે જ ત્યાં બીજા ત્રણ આતંકીઓ આ હાઈજેકર્સ સાથે ભળી ગયા. યુગાન્ડા પ્લેસ્ટાઈનનો મિત્ર દેશ હોવાથી ત્યાં લશ્કર પણ આવી ગયું. બધા જ પેસેન્જરોને બપોર સુધી પ્લેનમાં જ ગોંધી રાખ્યા બાદ હાઈજેકર્સે ઈદી અમીન જોડે વાત પૂર્ણ કરીને પેસેન્જર્સને જુની ટર્મિનલ બિલ્ડીંગ બાજુ જવાનો આદેશ આપ્યો. બંદૂકધારી યુગાન્ડા સૈનિકોની હરોળમાં તેઓ ચાલ્યા ગયા જુના ટર્મિનલમાં. મતલબ એ પણ સાવ સ્પષ્ટ હતો કે યુગાન્ડા અને ઈદી અમીન આ હાઈજેકિંગમાં સામેલ જ હતાં. બંધકોને એરપોર્ટની ધૂળવાળી જૂની ટર્મિનલ બિલ્ડીંગમાં રાખવામાં આવે છે. તે બિલ્ડિંગમાં આતંકીઓ 24 કલાક તે બંધકો પર નજર રાખે છે. આ બિલ્ડીંગની બહાર અને એરપોર્ટ પર યુગાન્ડન આર્મીના 50 જેટલા જવાનો આ આતંકીઓને સુરક્ષા પણ પ્રદાન કરતા હોય છે. પોતાના પ્લેનમાં બેસીને સાંજે 5 વાગે ને 20 મિનિટે ઈદી અમીન આર્મી યુનિફોર્મ સાથે ગ્રીન બેરેટ પહેરીને (આર્મી યુનિફોર્મમાં સૈનિકે માથા પર જે ટોપી પહેરી હોય તેને બેરેટ કહેવાય.) બંધકોની મુલાકાત લેવા માટે આવ્યો. ‘એ લોકો કે જેઓ મને જાણતા નથી,’ ઈદીએ જાહેર કર્યું કે, ‘હું ફિલ્ડ માર્શલ ડોક્ટર ઈદી અમીન દાદા છું.’ અહીંયા જ બંધકોને સૌથી મોટો ધ્રાસકો પડ્યો.

અમીન અને ઈઝરાયેલ વચ્ચેના સંબંધોમાં કડવાશ ત્યારે ઉભી થયેલી કે જ્યારે ઈઝરાયેલના પ્રધાનમંત્રી ગોલ્ડા મેરે 1972 માં યુગાન્ડાને પોતાના ફેન્ટમ જેટ વિમાનો વેંચવાની ના પાડી દીધી હતી. તેનાથી જ નારાજ થઈને ઈઝરાયેલ સાથે આ ધુની મગજના તાનાશાહ અમીને પોતાના બધા જ ડિપ્લોમેટિક સંબંધો તોડી નાખ્યા હતાં. તેમજ 24 કલાકમાં જે પણ ઈઝરાયેલી હોય તેમને યુગાન્ડા છોડી જવાનો આદેશ આપ્યો હતો. તેમજ 1972 ના ઓગષ્ટ મહિનામાં 80,000 એશિયન લોકોને પણ માત્ર 90 દિવસમાં જ યુગાન્ડા છોડી દેવા માટે હુકમ કર્યો હતો. જેમાં મોટાભાગે ગુજરાતી લોકો જ હતાં. તેમજ 1973 માં યોમ કિપોરના યુદ્ધમાં ઈઝરાયેલની વિરુદ્ધમાં પોતાની સેનાને પણ લડવા માટે મોકલી હતી. તેમજ આજે ઈઝરાયેલથી 4200 કિલોમીટર દૂર સેંકડો માસૂમ લોકોની જિંદગી આ ક્રૂર, આતંકી અને માથા ફરેલ તાનાશાહની મુઠ્ઠીમાં બંધ હતી.

હવે થોડીક વાત કરીએ તે સમયના યુગાન્ડાના જિદ્દી અને વિકૃત તાનાશાહ અમીનની. સાડા છ ફૂટની ઊંચાઈ, 135 કિલોગ્રામ જેટલું વજન, 6 પત્નીઓના કાળજાના કટકા જેવા પતિ અને 43 બાળકોના હવસખોર પિતા એવા ઈદીની હેવાનીયતનો અંદાજો તમે એ બાબત પરથી જ લગાવી શકો કે 1971 માં તે જ ઈદી, હજારો રાજકીય વ્યક્તિઓ અને પોતાના ભાઈઓને મારીને સત્તામાં આવ્યો હતો અને એટલે જ કદાચ ટાઈમ મેગેઝીને તેને ‘ધ વાઈલ્ડ મેન ઓફ આફ્રિકા’ નું બિરુદ આપેલું હતું. જે આમેય પોતાના ભાઈઓને મારીને સત્તામાં આવ્યો હોય, પોતાના ભાઈઓને પણ છોડ્યા ન હોય તે વળી કેવો હોય!!?? મારા મત મુજબ, તે માત્ર યુગાન્ડાનો કે આફ્રિકાનો જ નહીં પરંતુ વિશ્વ આખાનો સૌથી વધુ ક્રૂર, માથાભારે, નફ્ફટ, ઘાતકી, માથા ફરેલ, ચશ્કેલ ભેજાનો, હલકી માનસિકતા વાળો, સાવ નિમ્ન કક્ષાનો, વિકૃત અને આતંકી તાનાશાહ હતો. તેના માટે જેટલા વિશેષણો વાપરીએ એટલા ઓછા પડે એમ છે કારણ કે તેનો અંદાજ તમે એ બાબત પરથી લગાવી શકો કે તે જ અમીને તેના 8 વર્ષના કાર્યકાળ દરમિયાન લગભગ ઓછામાં ઓછી 1 લાખ વ્યક્તિઓની હત્યા કરી કે કરાવડાવી હતી. એ જ અમીન જાનવરો તો ઠીક પણ માણસને સુદ્ધા મારીને તેમના અંગ-ઉપાંગ કાપીને ખાઈ જતો હતો. અરે એવું પણ કહેવામાં આવે છે કે તે માણસ દરરોજ રાત્રે મોડે સુધી પોતાના મહેલમાં પાર્ટી કરતો, જીવતા માણસને મારીને તેનું લોહી પીતો, વેશ્યાઓને ભોગવતો અને વેશ્યાઓને ભોગવ્યા બાદ તેને મારી નાખતો, ત્યારબાદ તેના શબના અંગ ઉપાંગો સાથે મજા લઈને પોતાની હવસ સંતોષતો અને ત્યારબાદ તે જ અંગોને હવનકુંડમાં પણ હોમતો હતો. તેમજ તેનામાં ઈગો પણ એટલા જ પ્રમાણમાં હતો. આના ઉપરથી જ તમે તે વ્યક્તિનું વ્યક્તિત્વ માપી શકો. કદાચ આથી જ યાત્રીઓને આવા દેશમાં ઉતરાણને લીધે મોત દેખાયું હતું.

28 જૂન 1976 ના દિવસે એન્ટેબીથી એક ખબર એ આવે છે કે તે સમયના યુગાન્ડાના તો ખરા જ પરંતુ વિશ્વના સૌથી વધુ ક્રૂર અને કુખ્યાત તાનાશાહ ઈદી અમીને આ આતંકીઓનું સ્વાગત કરી લીધું છે અને તે લોકોને પોતાના ખાસ મહેમાન જાહેર કરી ચુક્યો છે. તેમજ ઈઝરાયેલના પ્રધાનમંત્રીને હાઈજેકર્સનો સંદેશો પહોંચાડવામાં આવ્યો કે તેઓ બધા જ યાત્રીઓને છોડી દેવા તૈયાર છે પરંતુ સામે પક્ષે શરત એ છે કે 5 દેશોમાં બંધ 53 આતંકીઓને છોડી મુકવામાં આવે અને તે ઉપરાંત ફ્રેંચ સરકાર હાઈજેકર્સને 50 લાખ અમેરિકન ડોલર આપે. 5 દેશોમાંથી 40 આતંકીઓ તો ખાલી ઈઝરાયેલની જેલમાં જ બંધ હતાં. બાકીના 13 આતંકીઓ ફ્રાંસ, વેસ્ટ જર્મની, કેન્યા અને સ્વિટ્ઝર્લૅન્ડની જેલમાં બંધ હતાં. પરંતુ આ તો ઈઝરાયેલ !

29 જૂન 1976 એટલે કે ત્રીજા દિવસે એવી ખબર પડી કે બેનગાઝી એરપોર્ટ પર છોડાયેલી પેલી મહિલા બીજી ફ્લાઈટ દ્વારા લંડન પહોંચી છે એટલે મોસાદના એજન્ટ્સે તરત જ તે સ્ત્રીને શોધી કાઢી અને બને તેટલી વિગતો કઢાવવા પ્રયત્ન કર્યો. આ ત્રીજો દિવસ પૂર્ણ થાય તે પહેલાં જ પ્રધાનમંત્રીને હાઈજેકર્સનો બીજો ધમકીભર્યો મેસેજ આવ્યો (ઈઝરાયેલના લોકલ સમય પ્રમાણે) કે, "1 જુલાઈ 1976 ના રોજ બપોરના બે વાગ્યા સુધીમાં ઈઝરાયેલ સહિત જુદા જુદા દેશોમાં જેલમાં રહેલા અમારા 53 સાથીદારોને છોડી દો અને 50 લાખ ડોલર પણ અમને આપો, નહીંતર રાહ જોયા વગર યાત્રીઓ સહિત આખા પ્લેનને જ અમે બોંબ વડે ફૂંકી દઈશું.” અહીંયા ઘણી વધારે તકલીફ ઊભી થઈ. ઈજિપ્તના રાષ્ટ્રપતિ શહાદત હુસેન જોડે વાતચીત કરવામાં આવી કે તેઓ હાઈજેકર્સને મનાવે. અહીં મનાવવાની વાત પણ એટલે માટે આવી કે ઈઝરાયેલને એમ હતું, ઈદી અમીન આ હાઈજેકર્સને હાંકી કાઢશે પરંતુ તે અને તેની સેના બંને હાઈજેકર્સના પક્ષમાં ઊભાં રહ્યાં હતાં. સેના તો હાઈજેકર્સને સાથ આપીને તેમને રક્ષણ પણ આપી રહી હતી. ઈઝરાયેલ અને તેની સેના માટે અહિયાં બે સમસ્યા એ હતી કે તેઓને યુગાન્ડાની આર્મી અને આતંકીઓ બંને સામે લડવાનું હતું કારણ કે જો 2-5 કે 10-15 આતંકીઓ હોય તો તેમની સામે તો લડી શકાય પણ આર્મીમાં તો ઘણા બધા સૈનિકો હોય તો કામ કઈ રીતે પાર પાડવું. બીજા દિવસે ઈદીએ બંધકોની મુલાકાત ન લીધી.

ક્રમશઃ


Rate this content
Log in

More gujarati story from Mitulbhai Gohil

Similar gujarati story from Horror