ઓપરેશન થંડરબોલ્ટ
ઓપરેશન થંડરબોલ્ટ
ઘણા જ રાજકીય દાવપેચ અજમાવ્યા બાદ પણ આનો કોઈ જ ઉપાય ન મળતા છેવટે આ મુશ્કેલી સાથે વાટાઘાટો કરવા માટે પ્રધાનમંત્રી રબીન સાહેબ એક મિનિસ્ટરી કમિટીની રચના કરી દે છે. 29 જૂન, 1976 ના દિવસે આ કમિટીની પ્રથમ મિટિંગ થાય છે. જ્યાં બંધકોને છોડાવવા માટેના કેટલાયે શ્રેષ્ઠ વિચારો પ્રધાનમંત્રીની સામે રાખવામાં આવતા હતા. કોઈક એર સ્ટ્રાઈક તો કોઈક સર્જીકલ સ્ટ્રાઈકનો વિચાર પણ આપે છે. એક તો એવો વિચાર પણ આપવામાં આવે છે કે કેમ મોરેશિયસમાં જ ઈદી અમીનને કિડનેપ ન કરી લઈએ? ને તેના બદલામાં આપણા બંધકોને છોડાવી લેવામાં આવે. પરંતુ સૌથી જોરદાર અને અફલાતૂન વિચાર આપવામાં આવે છે ઈઝરાયેલ એરફોર્સના કમાન્ડર બેન્ની પેલેડ તરફથી. તેઓ કહે છે કે કેમ આપણે આપણા એલિત ત્રુપ ની મદદથી યુગાન્ડા ઉપર હવાઈ હુમલો કરી ન શકીએ? યુગાન્ડા પર કબજો કરીને વિજય કરી લઈએ અને આપણા બંધકોને છોડાવી લઈએ. પરંતુ આ કામ માટે તેઓ મોટા 4 હર્ક્યુલસ વિમાનોનો ઉપયોગ કરવાની સલાહ પણ આપે છે. મિટિંગમાં રહેલા તમામ લોકોને બેન્નીનો આ પ્લાન ખૂબ જ ગાંડા જેવો લાગે છે સિવાય ડિફેન્સ મિનિસ્ટર સિમોન પેરેઝ સાહેબ. તેમના અનુસાર આ પ્લાન એકદમ યોગ્ય હતો અને વાસ્તવિક પણ. તેમજ ઈઝરાયેલ માટે યુગાન્ડા ઉપર કબજો કરવો કોઈ મોટી વાત પણ ન હતી. પ્રધાનમંત્રી સહિત બધા જ લોકો આ વિચારને તેમના મનમાંથી કાઢી નાખે છે. તેમજ ઈઝરાયેલને ખબર પણ પડી જાય છે કે પ્લેનને ઈઝરાયેલથી 4200 કિલોમીટર દૂર યુગાન્ડા સુધી લઈને જવું એ કઈ ખાવાના ખેલ નથી.
ચોથો દિવસ 30 જૂન 1976 : હાઈજેકર્સે આપેલી મુદતનો આજે છેલ્લો દિવસ. યાત્રીઓને છોડાવવા માટે ફક્ત 38 કલાકનો સમય જ બાકી!! જ્યારે યુગાન્ડા અને ઈઝરાયેલના સંબંધો ખૂબ સારા હતા ત્યારે ઈદીએ ઈઝરાયેલી ઈજનેરોને ઘણું બધું કામ યુગાન્ડામાં આપ્યું હતું. ઘણા બધા લશ્કરી અધિકારીઓ ઈદીના સંપર્કમાં આવતા હતા અને તેની સાથે દોસ્તી પણ હતી. એટલે સ્વાભાવિક છે કે તેઓ યુગાન્ડા વિશે ઘણું બધું જાણતા હોય. પરંતુ તે બધામાં ઈઝરાયેલી કર્નલ બોર્કા બાર્લયેવને ઈદી અમીન સાથે સૌથી વધુ બનતું હતું. સિમોન પેરેઝને તે ખબર પડ્યા એટલે પેરેઝે તરત જ તેમને બોલાવ્યા ને ઈદી સાથે વાત કરવા માટે કહ્યું. તેમણે મિત્રતાના સબંધને લીધે અમુક માહિતીઓ ફોન પર મીઠી મીઠી વાત કરીને એની પાસેથી કઢાવી. ત્યાં એન્ટેબીમાં પેસેન્જરો પણ મુંઝાયા હતા. આ બાજુ આ આતંકીઓ ખૂબ જ મોટી ભૂલ કરી બેઠા. આ આતંકીઓ યહૂદી બંધકોને બાકીના બંધકોથી અલગ કરી દે છે. જે બંધકો યહૂદી ન હતા તેમને છોડી દેવામાં આવે છે. આવું જ નાઝી લોકોએ યહૂદી લોકો સાથે બીજા વિશ્વયુદ્ધમાં કર્યું હતું. જેને યહુદીઓના ઈતિહાસનો સૌથી દુઃખદ અધ્યાય કહેવામાં આવે છે.
તેમણે ઈઝરાયેલી ન હોય તેવા કુલ 47 લોકોને છોડી દીધા. પછી એ યાત્રીઓને લઈને એક પ્લેન એન્ટેબીથી પેરિસ જવા માટે નીકળ્યું. આ વાતની જયારે ઈઝરાયેલમાં P.M.O. એ ખબર પડી એટલે ત્યારે મોસાદે તરત જ યુરોપમાં રહેલા પોતાના જાસુસોને ચેતવ્યા અને પેરિસ તરફ જવાનું કહ્યું. ત્યાં જઈને તે જાસુસો, પ્લેન આવ્યા પછી એ પસેન્જરોના સગા સંબંધીઓના ટોળામાં ભળી વાતવાતમાં પુછપરછ કરીને દરેક 47 પેસેન્જરોના નામ-સરનામાં મેળવી લીધા. અહીંયા પેરિસમાં પોતાના પરિવારના લોકો હેમખેમ પાછા ફરવાની ખુશીમાં ઘણા લોકો રાત્રે પાર્ટી પણ કરતા હતા. ત્યાર પછી મોડી રાતે ઘણા યાત્રીઓના ઘરના બારણે ટકોરા પડ્યા, તો ઘણા લોકોની પાર્ટીમાં પણ વિક્ષેભ ઉભો થયો. નકલી રિપોર્ટર તરીકે ઓળખ આપીને જણાવ્યું કે આ ઘટનામાં સામેલ વ્યક્તિનો ઈન્ટરવ્યૂ લેવો છે.
બસ, જેટલું જરૂરી હતું એ બધું જ એ લોકોએ મેળવી લીધું. જેમ કે, આંતકીઓ કેટલા હતા? કેવા હતા? એમનો પોશાક, હથિયાર? યુગાન્ડાના ઈદી અમીન/સૈનિકોનું વર્તન કેવું હતું? યાત્રીઓને ક્યાં રાખ્યા એવી સઘળી માહિતી મેળવી સ્વદેશ મોકલી આપી.
અહીંયા આ 4 દિવસ સુધીમાં તો બધા જ બંધકો આ આતંકીઓને સારી રીતે ઓળખી ગયા હતા અને તે દરેકને જુદા જુદા પ્રકારના ‘ધ કૃઅલ વન, ધ નાઇસ વન, ધ ફેટ વન, ધ પેરુવીયન’ જેવા નામ પણ આપ્યા હતા. એક બંધકનું કહેવું એ હતું કે આતંકીઓમાં પેલી સ્ત્રી સૌથી વધુ ભયાનક હતી કે જે તેમને વોશરૂમ જવું હોય તો પણ તેમની પીઠ પાછળ ગન રાખીને ત્યાં પણ તેમનો પીછો કરતી હતી. એટલે તે લોકોએ સતત વારાફરતી ત્યાં જવાનું નક્કી કર્યું કે જેથી તેને ક્યારેય આરામ જ ન મળે. અંતે તેણીએ મુસાફરોનો પીછો કરવાનું બંધ કર્યું. આ જ દિવસે ફ્રેંચ પાસપોર્ટ અને ઈઝરાયેલી ઓળખ ધરાવતા 26 વર્ષના નાચમ દહન નામના એક બંધકની આકરી કસોટી યુગાન્ડાના સૈનિકો અને આતંકીઓએ શરૂ કરી. આતંકીઓની પૂછતાછ દરમિયાન એક વખત તેને મોઢા પર લાત ખાવી પડી, પીઠ પાછળ માર ખાવો પડ્યો અને તેની આંગળીઓને પણ વાળવામાં આવી. આતંકીઓએ તેને એક મોટો અહેવાલ તૈયાર કરવાનું કહ્યું. તે રાત્રીએ તે દહનને બીજા ઈઝરાયેલી નાગરિકોથી અલગ કરી દીધો અને બારી પાસે બેસાડીને એક મોટો અહેવાલ તૈયાર કરવાનું કહેવામાં આવ્યું. અંતે જ્યારે પેલી આતંકી સ્ત્રીએ જઈને તેને સુવાનું કહ્યું ત્યારે જ બધા ઈઝરાયેલીઓએ રાહતનો દમ લીધો. હવે થયું એવું કે દરરોજની જેમ જ, ઈદી અમીન આજે પણ આ બંધકો અને હાઈજેકર્સને મળવા માટે આવે છે અને ત્યારબાદ ખૂબ જ આરામથી પોતાની ભાષણબાજી કરીને નીકળી જાય છે.
મોસાદની ઈન્ટેલિજન્સીના અનુસાર બે જર્મન નાગરિક હતા. એક પુરુષ અને
એક મહિલા બંને નકલી પાસપોર્ટ ઉપર આ ફ્લાઈટની ફર્સ્ટ ક્લાસની ટીકીટ લઈને એથેન્સથી બેઠા હતા. પુરુષનું સાચું નામ વિલફ્રેડ બોઝ હતું અને તે પોપ્યુલર ફ્રન્ટ ફોર લિબરેશન ઓફ પેલેસ્ટાઈન ગ્રૂપનો કમાન્ડર હતો. સ્ત્રીનું નામ હતું બ્રિજીટ કુહમેન અને તે બાદર મેનહોફ નામના જાણીતા જર્મન આતંકી ગ્રૂપની સભ્ય હતી. બાકીના બે હાઈજેકર્સ સામાન્ય એટલે કે ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરી રહ્યા હતા. જેમના નામ હતા અબુ હાલીદ અલ હિલાલી અને અલી અલ મિયારી. બંને ફિલિસ્તીનના નાગરિક હતા.
પાંચમો એટલે કે 1 જુલાઈ, 1976 નો દિવસ : આ સાહસ ઈમ્પોસીબલ જેવું હતું. કુલ 106 જણા યુગાન્ડાના એન્ટેબીમાં સશસ્ત્ર પહેરા નીચે નજરકેદ હતા. ઈઝરાયેલથી એન્ટેબી 4200 K.M. દૂર થાય. એમાય ઈઝરાયેલના સૈનિકવાહક વિમાનો દરેક આફ્રિકી દેશને વટાવતા ત્યાં સુધી પહુચે તો એકાદ દેશના રડારમાં આવ્યા વગર તેઓ રહે જ નહીં. જે તે દેશના રડાર ઓપરેટરો કદાચ એવું માનીલે કે ઈઝરાયેલના વિમાનો અહીં પોતાના દેશથી આટલે દૂર સુધી ના આવ્યા હોય, પરંતુ પાયલોટો વચ્ચેના સંદેશા સાંભળી જાય તો પણ ખાનગી મિશન ખુલ્લું પડી જાય ને બધો ખેલ ત્યાં જ પૂરો. ટૂંકમાં બધી બાબતે હતું તો અઘરું જ. આમ છતાં ઈંટનો જવાબ પથ્થરથી આપવાનો હતો એ પણ ફાઈનલ જ હતું. આ બાજુ યુગાન્ડામાં સામાન્ય રીતે સવાર પડી. સવાર પડતા જ દહનની પૂછતાછ શરૂ થઈ. આજે તો દહન પાસે 11 પાનાંનો પણ અહેવાલ લખાવવામાં આવ્યો. તેને મેદાન પર લઈ જઈને ધમકી પણ આપવામાં આવી. પછી તેને ઉપર આવવા દેવામાં આવ્યો.
કમાન્ડો એટેક કરવા માટે તે લોકોને ત્યાનું લોકેશન કેવું હોય એ આઈડિયા નહોતો આવતો. પણ ત્યારે જ એક અધિકારીના મગજમાં લાઈટ થઈ કે ટર્મિનલ્સનું બાંધકામ ઈઝરાયેલની જ પ્રાઈવેટ કંપનીએ કરેલું. આ વાત થતાં જ તાબડતોબ જાસૂસો એ કંપનીમાંથી બ્લ્યુ પ્રિન્ટ સહિતનો એ ટર્મિનલ્સનો ડાયાગ્રામ લઈ આવ્યા અને બીજા જાસૂસો પણ પૂર્વ આફ્રિકામાં પ્રવાસ કરવો છે એવો ડોળ કરીને બધી જ એરલાઈન્સના ટાઈમટેબલ લઈ આવ્યા. ખાસ કરીને એન્ટેબી એરપોર્ટ પર કયું પ્લેન રાત્રી દરમિયાન કેટલા વાગે લેન્ડ થાય છે અને ક્યારે ટેકઓફ થાય છે એ ધ્યાનમાં રહે એવી રીતે. આવી બધી તૈયારી વચ્ચે P.M. એ સવારે બરાબર 9 વાગ્યે વડાઓને બોલાવ્યા અને કહ્યું કે આપણા દેશબંધુઓને છોડાવવા માટે એન્ટેબી પર કમાન્ડો એટેક કરવાનો પ્લાન છે. એમાં ઝાઝો સમય ગુમાવ્યાં વગર ચર્ચા-વિચારણા બાદ સૌએ સહમતી દર્શાવી.
બપોરના 12.30 વાગ્યા. હવે તકલીફનો કોઈ પાર નહોતો કારણ કે સમય પૂર્ણ થવામાં માત્ર દોઢ કલાક જ બચ્યો હતો. અહીંયા આ બાજુ ઈઝરાયલ કલાક, મિનિટ અને સેકન્ડ્સની સંપૂર્ણ ગણત્રી કરતું સમય સાથે ચાલી રહ્યું હતું. ત્યાં જ નાટક કરવામાં માહેર પેલા કર્નલ સાહેબ, ઈદી સાથે સમય મુદત થોડી વધે એવા પ્રયાસ અજાણ થઈ કર્યા રાખતા હતા. એ ઈદી થોડા સમય પછી મૂડમાં આવી ગયો બાદ કર્નલે કહ્યું કે વાત મળ્યા મુજબ ઈઝરાયેલ સરકાર તમારાં ખોપથી ડરી ગઈ છે. સમાધાન કરી નાખશે. એ નવાઈ લાગે છે કે હજી સુધી તમને જણાવ્યું નહીં. આ વાત કરતા જ નક્કી કર્યા મુજબ ઈઝરાયેલે ફ્રેંચ સરકાર દ્વારા મેસેજ મોકલાવ્યો કે અમે સમાધાન કરવા તૈયાર છીએ પણ થોડોક સમય આપો. બસ આ સાંભળીને જ ઈદીએ કર્નલને કહ્યું કે બપોરે બે વાગ્યે રેડિયો પર જાહેરાત સાંભળજો. આ સાથે જ ઈદીએ હાઈજેકર્સ સાથે મળીને 4 જુલાઈ 1976 ના બપોરના બે વાગ્યા સુધી મુદત વધારી આપી. એટલે કે હજુ બીજા 3 દિવસ! આજે પણ ઈદી અમીન બંધકો અને હાઈજેકર્સને મળવા માટે પોતાના દીકરા સાથે આર્મી યુનિફોર્મમાં આવ્યો. સાથે જાહેરાત પણ કરી કે, ઈઝરાયેલી સરકાર વાટાઘાટો કરવા માટે તૈયાર થઈ ગઈ છે એટલે ડેડલાઈનને બીજા ત્રણ દિવસ સુધી વધારી દેવામાં આવી છે. અહીંયા પેસેન્જર્સને હૈયા ધારણ મળી.
આ દરમ્યાન ઈઝરાયેલી ના હોય એવા બાકીના સો પેસેન્જરો સાથે બીજું પ્લેન પેરિસ જવા ઉપડ્યું. હવે એ જુના ટર્મિનલ્સ પર રહ્યા કુલ 94 ઈઝરાયેલી મુસાફરો અને 12 ક્રુ મેમ્બર્સ. હવે આ ઈઝરાયેલી બંધુઓને બચાવવા માટે મોસાદ / લશ્કરને વ્યૂહરચના કરવા જણાવવામાં આવ્યું. આ અપ્રતિમ, અસામાન્ય અને અકલ્પનિય એડવેન્ચર એટલે ઓપરેશન થંડરબોલ્ટ!
આ રહસ્યમય મિશનની પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. તેમણે નક્કી કરી લીધું હતું કે યુગાન્ડામાં એરપોર્ટ ઉપર સ્ટ્રાઈક જ કરવી. આ મિશનની આગેવાની બે બાહોશ અધિકારીઓ એક ડાન શોમરોન અને બીજા સિયરેટ મટકલના ઓફિસર યોનાથન નેતાન્યાહુને સોંપવામાં આવી હતી. તે લોકોને એ પણ ખબર હતી કે એક કલાકમાં જ તેઓએ આ ઓપરેશન પૂર્ણ કરવાનું રહેશે. જો એક કલાકમાં તેઓ સફળ ન થાય તો યુગાન્ડન આર્મીને ખબર પડી જાય. તે લોકોએ બધી જ ઝીણામાં ઝીણી વિગતો અને સંપૂર્ણ સેકન્ડ્સ સાથેની ગણતરી કરી લીધી હતી કે યુગાન્ડાની આર્મીને શસ્ત્રસરંજામ સાથે એરપોર્ટ પર પહોંચવામાં એક કલાક તો થાય જ છે. તેથી તે લોકોની પાસે ફક્ત એક જ કલાક હતો. મતલબ કે જો એક કલાક કરતા વધુ સમય થાય તો ઈઝરાયેલી સૈનિકોને જાનથી મારી નાખવામાં આવે અથવા તો તેમને બંદી બનાવી લેવામાં આવે અને સ્થિતિ ખૂબ જ વણસી જાય કારણ કે પછી તો આખું યુગાન્ડા યુદ્ધમાં જ ફેરવાઈ જાયને. તેમાં પણ સૌથી અગત્યની વાત તો એ હતી કે બંધકોને સુરક્ષિત બહાર કાઢવાના હતા અને તમે આટલા 4200 કિલોમીટર સુધી દુર જાવ છો તો પ્લેનમાં ફ્યુઅલ ભરવા માટે વચ્ચે કોઈપણ એક દેશમાં તો ઉતરાણ કરવું જ પડે ને.