STORYMIRROR

Leena Vachhrajani

Inspirational

4  

Leena Vachhrajani

Inspirational

નયનમોતી

નયનમોતી

2 mins
290

“કવિ આવો અને આ સુંદર પુસ્તકનું વિમોચન કરો.”

નવલને હજી વિશ્વાસ નહોતો બેસતો. આટલા મોટા પ્રતિષ્ઠિત કલમકારોને મુકીને મારા હાથે વિમોચન ! મારું તો સમ ખાવા પૂરતુંય પુસ્તક નથી છપાયું. એવી આર્થિક પરિસ્થિતિ જ ક્યાં છે તે કલમને લાડ લડાવું !”

 ત્યાં ફરી માઈકમાં આમંત્રણ અપાયું. “કવિ નવલને વિનંતી કે એ પુસ્તકના વિમોચન માટે સ્ટેજ પર પધારે.”

સહેજ સંકોચમાં નવલે પગલું ઉપાડ્યું. આખી સુવ્યવસ્થિત પ્રસિધ્ધ લેખકની હરોળને ચીરીને નવલ સ્ટેજ પર પહોંચ્યા.

“પધારો કવિ.”

“આવડું મોટું સન્માન મને અચાનક! આમ કોઈ દિવસ મને કોઈએ યાદ કર્યો નથી અને અચાનક જ..!”

ત્યાં તો પત્ની સુરાલી અને દીકરો રજત દેખાયાં. “અરે!”

“હા નવલ તમે જિંદગીભર અમારી ઈચ્છાઓ પૂરી કરવામાં તમારા આ એક માત્ર સપનાને તમારા ટેબલ પર પેલા થોકબંધ લખીને રાખેલા પણ પુસ્તક સ્વરુપે ન અવતરેલા પાનાંઓની વચ્ચે ધરબી દીધું. સફાઈ દરમ્યાન એ કાગળ હાથમાં આવ્યો જેમાં તમે પુસ્તક બનાવવાનો અંદાજે ખર્ચ અને વિમોચન સમારોહની મહેચ્છા વ્યક્ત કરી હતી. તમારા ઉદાસ શબ્દો વાંચ્યા હતા.

“મારી કોઈ વિરાટ હસ્તી નથી કે હું મારી વિદાય પછી બહુ યાદ રહું. બસ મને શ્રધ્ધાંજલીમાં મારાં આ ટેબલ પર ફડફડ ઉડતાં પાનાંમાંથી જ બે ચાર શબ્દ કોઈ બોલશે તો મારા શબ્દોને આકાશ મળી જશે. અને મને મોક્ષ.”

અને તમારા આદર્શ શીખીને રજત સરસ ઘડાયો, સારી નોકરી મળતાં પહેલો પગાર આવ્યો અને એણે તમારાં સપનાંને વાસ્તવિક સ્વરુપ આપવાનું નક્કી કર્યું.  હા, અમે મા દીકરો ભવ્ય આયોજન નથી કરી શક્યાં પણ તમારા માનસસંતાન આ પુસ્તકને તમારા જ હાથે વિમોચન થાય અને એક બે પંક્તિઓ નહીં પણ બસો પાનાંને આકાશ મળે એટલું ગોઠવી શક્યાં.”

નવલે પાંપણે પરોવાયેલાં મોતીની આડશે પોતાનાં પ્રથમ પુસ્તક “નયનમોતી”નું વિમોચન કર્યું.



Rate this content
Log in

Similar gujarati story from Inspirational