ન્યાય
ન્યાય
અમદાવાદથી આવનારી ઇન્ટરસિટી મારવાડ પછી, સોજતનું સ્ટોપ ના લેતાં એ અકળાઈ ઉઠ્યા.
પછી સીધું "બ્યાવર" ઉતરવું પડ્યું.
સોજત નજીકના એક નાનકડા ગામમાં જવાનું હોઈ આ રસ્તો જરા લાંબો પડે.
નસીબની બલિહારી છે, ધાર્યું ધણીનું થાય...!
સ્ટેશન પર ઊતરી આસપાસ નજર નાખી.
પછી એક ચાની હોટલ જોઈ એટલે હળવાશ થઈ. એ તરફ ચાલવા લાગ્યા.
સાઠી વટાવી ગયેલું શરીર, એકવડિયો બાંધો, છ ફૂટ જેટલું ઊંચું કદ, આંખોમાં નીતરતી રહેલી અમીદ્રષ્ટિ, સફેદ કુરતો, પાયજામો અને માથે લાંબી કાળી મૌલાના શાહી ટોપી,પહેલી નજરમાં જ એવું લાગે જાણે ધર્મનો કોઈ ચુસ્ત અનુયાયી હશે..!
પણ હકીકત સાવ વિપરીત હતી. એમના માટે ઇન્સાનિયતથી મોટો કોઇ ધર્મ નહોતો.
મોઢું ખોલે ત્યારે 'ઉજ્જડ જમીનમાં એરંડો પ્રધાન'ની જેમ રહેલો એક માત્ર દાંત દેખાઇ આવતો.
હોટલની બહાર એક ટેબલ પર બેસી ચા પીધા પછી લંગરછાપ બીડીના કશ ખેચતાં એ વિચારવા લાગ્યા.
'તડકો માથે ચડી જશે પછી શરીર હોંફી જવાનું.'
મુસાફરી કષ્ટદાયક હતી છતાં એ સહન કરતા.
હજુ લોકોની ચહલપહલ વધુ શરૂ થઈ નહોતી. મોટાભાગની કતારબંધ દુકાનોનાં શટર ભીડાયેલાં હતાં.
હાથમાં રહેલી મોટી ઝીપર બેગને ખજાનો સંભાળતા હોય તેમ સાચવીને ખોળામાં લીધી, ત્યાં તો અણધાર્યો એક વ્યક્તિ એમની પાસે ધસી આવ્યો.
સફેદ કુરતો, ધોતિયું અને માથે ખેસ,
હાથમાં લાંબી ડાંગ. એનો ચહેરો બિહામણો હોઈ ઢાંકી લીધો.
પહેલી નજરે જ કોઈ ગામડિયો હોવાનું પ્રતીત થયું. જાણે મરેલા અદ્રશ્ય માણસનું મડદું આસપાસ ન પડ્યું. હોરરસીન એની આંખોમાં ઉતરી ગયો. હોય આસપાસ એવી ઘેરી દુર્ગંધ ફેલાઈ ગઈ...જાણે આપણે હૉસ્પિટલમાં કોઈ દાઝી ગયેલાં પેશન્ટ્સના વોર્ડમાં ના આવી ગયાં હોઈએ...!
ખેડૂત જેવા લાગતા એ આધેડ વ્યક્તિએ પોતાના બંને હાથો પર કોઈ સફેદ કપડું વીંટી રાખ્યું હતું.
એ ધારી-ધારીને બુઝુર્ગના મોઢા સામે કુતૂહલથી જોતો હતો. એનો ડરામણો ચહેરો, ભૂતની વાર્તાઓમાં આવતા રહસ્યમય વ્યક્તિ જેવો થઇ ગયેલો.
એનો ચહેરો વિચિત્ર લાગતો હતો. જગ્યા જગ્યાએથી ચામડી પીળી પડી હતી. જાણે એ કોઈ રક્તપિત્ત રોગી ન હોય..! જાણે નજર સામે આત્માઓનું ટોળું ઊભું હતું.
"બોલો શું છે...?" પેલા વૃધ્ધે મોઢું ખોલ્યું.
એ જોઈ ખુશીથી ખેડૂત જેવો લાગતો આગંતુક બે હાથ જોડી ઊભો રહ્યો.
"માય બાપ...અમારા દુઃખના બેલી તમે છો. અમારા ઘરે પધારો. હું તમને લેવા આવ્યો છું."
બુઝુર્ગને નવાઈ લાગી. આમ અજાણી ધરતી પર પોતાને કોઈ લેવા આવી શકે માની શકાય એમ જ નહોતું.
"પણ મારા રખોપા કરનારાના હજારો હાથ છે. કોઈ પણ જગ્યાએ કંઈ પણ સંભવી શકે!"
"કોણે મોકલ્યા? વાત શું છે?"
એ ઉભડક એમની સામે બેઠો.
"મારો આખો પરિવાર એક ભયાનક રોગના સકંજામાં છે. ઘણાં દવાખાના ફેરવ્યાં. પૈસો પાણીની જેમ રેલાયો છે. આશાઓ બધી ઠગારી નીવડી. ઘણીવાર એવું લાગતું કે પરિવાર પર આવેલી આફત કોઈ કુદરતી બીમારી નથી પણ શ્રાપ ઊતર્યો હોય જાણે અમારા પરિવાર પર...! કોઈનો પ્રકોપ છે જે ચારેબાજુથી અમને ભરડામાં લઈ રહ્યો છે. બાકી એકસાથે આખો પરિવાર એક જેવી યાતનાઓમાં સબડવા લાગે...? માન્યામાં ન આવે એવી વાત છે. અમારા પરિવાર પર ઉતરનારા શ્રાપના રહસ્યની કૂંચી તમારી જોડે જ છે મહારાજ...? અમારા પરિવાર પર ઉપકાર કરો. આ દર્દની વ્યાધિમાંથી અમને મુક્ત કરો."
"મૂળ વાત તમે ના કરી...મારા સુધી પહોંચ્યા કેવી રીતે?"
હજુ બુઝુર્ગનું આશ્ચર્ય શમ્યું નહોતું.
ખુલાસો કરતાં ખેડૂતે કહ્યું,
"મધરાતે એક સ્વપ્ન જોયું. એક દેવી મારી સામે પ્રગટ થયાં. મને કહે કે પરોઢ ઉગતાં પહેલાં બ્યાવરના સ્ટેશને પહોંચી જવું.એક ચાની હોટલ પર આછી એવી દાઢી અને માથે કાળી ટોપીવાળો એક બુઝુર્ગ બેઠા હશે. એને ઘરે લઇ આવો..! તારા દુઃખો પર લગામ લગાવાનું ઈલમ એની પાસે છે."
"પણ મા...હું એને ઓળખીશ કેવી રીતે?"
"તું એનું મોઢું ખોલાવજે. એના મોઢામાં એક દાંત હોય તો સમજી જજે કે એ જ તારા પરિવારનો તારણહાર છે."
"યા અલ્લાહ..!, એના મોઢેથી ઉદગાર નીકળ્યો. -મારે એ જ ટ્રેનમાં આવવાનું થયું. એનું રહસ્ય હવે સમજાયું. મારા ભાગ્યમાં નેકી લખાઈ હતી!"
ત્યાંથી સ્પેશ્યિલ ટેક્સી કરી બંને ભીમ ગામ આવ્યાં.
રાજસ્થાનનુ એક અંતરિયાળ ગામ...
જેમાં જગ્યા જગ્યાએ દેરી, દેરાઓ અને દેવી-દેવતાઓની પ્રતિમા ઓ જોવા મળે.
એક હવેલી જેવી કોઠી સામે ગાડી ઊભી રહી.
ઓસરીમાં એક આલીશાન હિંચકા ઉપર એક વૃદ્ધ યુગલ ઝૂલી રહ્યું હતું. દૂરથી જ એમને પેરાનોર્મલ પ્રવૃત્તિનો અણસાર આવી ગયેલો.
બંનેનાં શરીર સફેદ પછેડીથી ઢંકાયેલાં હતાં.
ઘરમાં બુઝુર્ગના પ્રવેશની સાથે હિંચકો ઊભો રહી ગયો.
ખેડૂતે એ બંનેના ચરણસ્પર્શ કરી કહ્યું,
"મહારાજને લઈ આવ્યો, બાપુજી."
બંનેએ બુઝુર્ગની સામે હાથ જોડ્યાં.
એક નોકર સોફા જેવી મુલાયમ ખુરશી મૂકી ગયો.
"અહીં બેસો,મહારાજ!" ખેડૂતે વિવેક કર્યો.
લાંબા લાંબા શ્વાસ ખેંચતાં એ બેઠા.
"કંઈ તકલીફ પડી હોય તો માફી ચાહીએ છીએ." હિંચકે બેઠેલા વૃધ્ધે ક્ષમાભાવ સાથે કહ્યું.
"આમ તો આવી બધી વાતોમાં માનીએ નહીં પણ જ્યારે એક સટિક ઘટના બની.
ચારેબાજુથી દોડાદોડ કરી હારી-થાકીને અમે મૃત્યુની સન્મુખ જઈ રહ્યાં હતાં ત્યારે કુળદેવીનો સ્વપ્ન સંકેત અમારા માટે મહત્વની ઘટના બની ગઈ....કેમ કે એક વ્યક્તિ બીજા વ્યક્તિને ઓળખવામાં ભૂલ કરી શકે પરંતુ એક દેવી..માણસને ઓળખવામાં ક્યારેય થાપ ન ખાય."
ઠંડા પાણીના ઘુંટ ભરતાં બુઝુર્ગને આખી વાત સમજાઈ ગઈ.
"પરિવારના સભ્યો કેટલા..?" એમણે એક સીધો સવાલ કર્યો.
''દસ સભ્યોનો પરિવાર છે. જેમાં ત્રણ પુત્ર,પુત્રવધૂઓ અને બે પૌત્ર. બધા સાથે જ છીએ."
વિશાળ હવેલીની છત પર ગોળગોળ નજર ફેરવતાં એ ચિત્ત મગ્ન થઈ ગયા.
"હું ઘરમાં એક ચક્કર લગાવી શકું?" એમને પગફેરાની ઇચ્છા વ્યક્ત કરી.
"હા..હા કેમ નહીં... ચાલો."
પેલો સાથે આવેલો વ્યક્તિ આગળ ચાલવા લાગ્યો. આખા ઘરમાં બળેલા માંસ જેવી દુર્ગંધ પ્રસરી હતી.
એ સમજી શક્યા કે ઘરના તમામ વ્યક્તિઓનાં શરીર પરની ચામડી જગ્યા જગ્યાએ પાક થઇ રસી નિંગળવા લાગી છે.
ઘર આખું એક ખરાબ બદબૂથી ભર્યુ છે.
જરા પણ મોઢું બગાડ્યા વગર એમણે આખા ઘરમાં રાઉન્ડ લગાવ્યો.
પછી આવીને ઓસરીમાં યથાસ્થાને ગોઠવાઈ ગયા.
"તમે કુળદેવી આશાપુરા સાથે ભૈરવ અને ઝુંઝારની પૂજા કરતાં'તા...?"
બુઝુર્ગે ખુલાસો કર્યો.
"પણ અમે કુળદેવીને જ પૂજીએ છીએ."
"હવે...નવા ઘરમાં આવ્યા પછી?"
"મહારાજ તમને કેવી રીતે ખબર પડી અમે નવા ઘરમાં આવ્યા છીએ?"
"નવું ઘર છે એટલે...મને જૂનાં ઘરની ખબર પડી..! તમે બહુ નઠારાં થઈ ગયાં.. સાહ્યબી શું જોઈ કે ઘરનાં માવતરને ભૂલ્યાં. તમારા ઘરમાં કુળદેવી સિવાય કોઈની મૂર્તિ નથી...મતલબ કે તમે ચૂક્યાં છો...!"
"જૂનાં ઘરની કોઈ વાત છે મહારાજ..?"
"હા...! બાજુના ગામમાં ફાર્મહાઉસ પરનું જૂનું ઘર...બાવળના લાકડાં અને કાંટે ભર્યુ છે."
પેલાં બંને વૃધ્ધોએ કાન પકડ્યાં. બંને એમના પગમાં પડ્યાં.
"મારા પગ નહીં...પણ જેને કાંટાળી શૂળો ભોંકાઈ છે એના ચરણ પકડી લો..!
ઝુંઝાર (નાગદેવ) જૂનાં ઘરના સ્થાનકમાં વિંધાયો છે...!"
મહારાજની વાત માની તાબડતોડ બધાં બાજુના ગામ ફાર્મહાઉસ પર આવ્યાં. ડરામણા વર્તમાને એમનું જીવન
ઘરમાં ભરેલાં કાંટા બહાર કઢાવ્યા..
"તમારા દેવને આંધળો કરી નાખ્યો.. પછી કહો છો..! બધાને મહાવ્યાધિ લાગ્યો છે..!
આ ઘરમાં પાઠ બેસાડો. પૂજા શરૂ કરો. આજના દી'થી રોગ વિદાય ન લે તો મારે ગામ આવી મારા માથે જૂતું મારજો!"
કહેતો પોતાના ઈલમનું અજવાળું પાથરી એ ચાલી નીકળ્યો પોતાના ઠેકાણા ભણી.
"બાપુ .. કંઈ આપવા કરવાનું..?"
"સેવા કરનારાઓને કંઈ ન ખપે..! મારે જે જોઈતું'તું એ મળી ગયું નેકી રૂપે.. એના તરફથી...." હાથ ઊંચો કરી એમણે કહ્યું.
"તમારા પરિવારની કુંવારિકાઓને જમાડી દેજો..!"
એમના અવાજમાં સચ્ચાઈનો રણકો હતો.
ન હતી ક્યાંય સ્વાર્થની બૂ....
ધૂપ દીવાની રોનકથી ઘર મહેકતું ઉજળું રહ્યું. રક્તપિત્તની જેમ ગંધાતાં શરીરોએ ફરી સુંવાળપ ધરી લીધી.
આખું ગામ બદબૂથી થૂંકતું જે તરફ....એ પરિવારનો વ્યાધિ મૂળસોતો ગયો જોઈને
મેળાવડો વળતો થયો.