મા દરવાજો ખોલ
મા દરવાજો ખોલ


આ મારા ગામનો વિસ્તાર ખૂબ જ હરિયાળો છે.
એનું કારણ એટલું કે અમારું ગામ અરવલ્લીની ગિરિમાળાઓના સાનિધ્યમાં આવેલ છે.
રાત પડે એટલે જંગલી જાનવરોનો આતંક પણ ખરો.
ડુંગરાળ પ્રદેશ હોવાથી આજુબાજુ આદિવાસીઓની વસ્તી ઘણી.
ગામથી એકાદ કિલોમીટર દૂર મારું ખેતર અને કૂવો એટલે મારું રહેઠાણ કૂવા પર.
સામે મોટા ડુંગર પરથી ધસમસતી નદી ઉતરી અમારા ઘર સામેથી પસાર થતી.
ચોમાસું સારું ગયું હોય એટલે શિયાળાના ચાર મહીના નદીમાં પાણી વહેતુંં રહેતું. લીલાછમ ઝાડી ઝાંખરા વચ્ચેથી નિર્મળ જળનો કલકલ નિનાદ વાતાવરણને આહલાદક બનાવી મૂકતો.
એમાં વળી વગડાઉ પંખીઓનો કલબલાટ ભળી જાય, પ્રભાતમાં મન મોહી લે એવું વાતાવરણ સર્જાઈ જતું.
પણ રાત પડે એટલે આખો પ્રદેશ બિહામણો બની જાય.
ચારેબાજુથી નિશાચર પક્ષીઓના અવાજો ભલભલાના ગાત્રો ઢીલા પાડી નાખે.
શીયાળવાંનુ રૂદન કૂતરાઓની રાડારાડ અને ફાહુડીના અવાજો નીંદર વેરણ કરી નાખે. રાતમાં ડરામણા ચહેરા કોઈ હોરર સ્ટોરીના સીન જેવા બની જતા.
ઘર આગળથી જ્યાંથી નદી પસાર થતી ત્યાં સિમેન્ટનો રસ્તો બનાવેલો.
નદીનું પાણી રસ્તા ઉપરથી ધોધ રૂપે નીચે પડતુંં એટલે રસ્તાની બીજીબાજુ પાણીનો મોટો ઝરો બની ગયેલો.
ધોધ પડવાને લીધે ઝરાનું ઊંડાણ ઘણુ વધી ગયેલું...
ગામમાંથી ઘણા છોકરાઓ એ ધરામાં ન્હાવા આવતા.
'ઝરામાં પાણી ઘણું ઊંડું છે ..' એવું હું બધાને કહેતો પણ કોઈ મારી વાત માનતું નહીં.
એકવાર એક છોકરો એક નાના છોકરાને ઉપાડી 'ઊંડા પાણીમાં લઈ જઉ' એમ કહી ડરાવતો હતો, કે ત્યાં જ તેનો પગ ઝરાના ઊંડાણવાળા વિસ્તારમાં ફસકી ગયો.
અને જોતજોતામાં બંને જણા ડૂબવા લાગ્યા. બીજા બધા છોકરાઓએ હો-હા કરી મૂકી.
કોઈને તરતા આવડે નહીં. હું દોડતો એક મોટી લાકડી લઈ આવ્યો..
નાના છોકરાને પાછળથી લાકડીનો છેડો અડાડ્યો.
તરત એને લાકડી પકડી લીધી.
અને બહાર આવી ગયો.
જ્યારે અમે બીજી વાર લાકડીનો છેડો લાંબો કર્યો.
પણ પેલો મોટો છોકરો પાણીમાં ડૂબી ગયો. તે ફરી ઉપર આવ્યો જ નહીં.
આખાય પંથકમાં સન્નાટો સોપો પડી ગયો. છોકરાઓ બધા ભાગી ગયા.
પવનવેગે ગામમાં વાત પ્રસરી ગઈ.
એકાદ-બે સારા તરવૈયા બોલાવી ઝરામાં શોધખોળ આરંભી.
લગભગ અડધા કલાકની મહેનત પછી પાણીનાં તળિયેથી એની લાશ હાથ લાગી. એની લાશ કિનારે પડી હતી.
ઉજળો વાન ધરાવતા છોકરાએ જરા પણ પાણી પીધું ન હતુંં.
એનો શ્વાસ રૂંધાવાથી મૃત્યુ થયું હતુંં. તરવૈયાઓએ એનું પેટ દબાવી જોયું. પણ પાણી પેટમાં હોય તો નીકળેને..?
છોકરાની માએ રોકકળ મચાવી દીધેલી. એકનો એક છોકરો ડૂબી મર્યો હતો. નજરની સામે અરેરાટી વ્યાપી જાય એવી ઘટના બની હતી. મારું આખેઆખું બદન કંપી રહ્યું હતુંં.
હું એને બચાવ
ી ન શક્યો એ વાતનો વસવસો પણ હતો.
એ આખી રાતની નીંદર ન આવી, રાત હવે ડરાવણી લાગતી હતી.
પાણીનો ઝરો ગોઝારો બની ગયો હતો.
પપ્પાએ કહ્યું. "રાતના મોડેથી આ રસ્તા પરથી નીકળવું નહિ. રસ્તો ભૂતિયા બની ગયો હતો. છોકરો અવગતિએ મૂઓ છે એટલે ક્યારેક ભટકાઈ જશે'
પણ પપ્પાની વાત માને ઈ બીજા.
સિનેમાઘરમાં છેલ્લો શો જોવાની આદત હવે છૂટે એમ નહોતી.
છોકરાના મરણ પછીનો એ પહેલો રવિવાર હતો. પપ્પાની વાત અવગણી ફિલ્મ જોવા ગયેલા. પેરાનોર્મલ પ્રવૃત્તિથી ફિલ્મનો પ્રાણ હતી.
છેલ્લો શો જોઈ હું અને મારો મિત્ર ગામમાંથી પગપાળા ઘરે આવવા નીકળ્યા.
રાત સૂમસામ હતી.
પંખીઓ જંપી ગયા હતા. કોઈપણ જાતનો અવાજ નહોતો.
ઘેરો સન્નાટો વ્યાપેલો હતો.
અમે બંને મિત્રો એકબીજાનો હાથ હાથમાં લઈ વેરાન રસ્તા પર ચાલ્યા આવતા હતાં.
ફિલ્મ જોયા પછી આમ તો અમારી જોડે ઘણી વાતો હોય. પરંતું આજ વાત કંઈક જુદી હતી. આજે મન કરતુંં હતુંં ચૂપ-ચાપ મૂંગા-મૂંગા હેમ-ખેમ ઘરે પહોંચી જવું.
કોઈપણ જાતનો અવાજ નહોતો એ વસ્તુ પર મારું ધ્યાન દોરાયું હતું.
ક્યાંય કંઈ નાની સરખી પવનની લહેરખી પણ નહોતી. અમે ઉતાવળા પગલે ભાગતા હતા.
રસ્તાની બન્ને બાજુ આંબાઓની કતારો હતી. એવું લાગતુંં હતુંં જાણે હમણા કોઈ આંબા પરથી કૂદકો મારી સામે આવી જશે.. મનમાં ફડફડાટ હતો ભય એવો લાગતો હતો. પાછળ ફરી જોવાની કોઈની હિંમત નહોતી. બરાબર વચ્ચે અમે પહોંચ્યા હતા કે ત્યાં સામેથી કોઈ ચાલ્યું આવતુંં હોય તેવું લાગ્યુ. મેં મારા મિત્રને ઈશારો કર્યો. એને પણ જોયુ.
"અડધી રાતે કોણ હોવું જોઈએ..?"
એક જ સવાલ બંનેના મનમાં હતો.
એ જે કોઈ હતુંં રસ્તાની જમણી બાજુએ ચાલતુંં હતુંં.
જેથી અમને ડાબી બાજુએ ચાલવાનું ઠીક લાગ્યું..
ધીમે ધીમે ધીમે નજીક આવતો ગયો. અજવાળી રાતમાં અમારી આંખો એને ઓળખવામાં થાપ ખાય એમ નહોતી.
તે એ જ છોકરો હતો જે પાણીના ઝરામાં ડૂબી ગયેલો.
અન્ડરવેર સિવાય એના શરીર પર કોઈ વસ્ત્રો નહોતા.
એ ઊંધુ માથું કરી મદમસ્ત હાથીની જેમ રસ્તા પર ચાલ્યો આવતો હતો. ભૂતની વાર્તાઓ સાંભળવા ટેવાયેલા અમારા માટે આ હોરર સીન સબક બની ગયો.
જરા પણ ડર્યા વિના અમે એની બાજુમાંથી પસાર થઈ ગયા.
ત્યાર પછી સુસવાટાભેર પવન ફૂંકાવા લાગ્યો.
કુતરાઓ જોરજોરથી રડવા લાગ્યા.
શિયાળો દૂરદૂરથી રડતાં હતાં.
વાતાવરણમાં થયેલા બદલાવની જાણ નહોતી એમ પણ નહોતુંં. બસ અમારે ઘરે પહોંચી જવુ હતુંં.
આમેય મનોમન ગાંઠ વાળી લીધી કે આ શો અમારા માટે છેલ્લો શો હતો.
બીજા દિવસે અમને જાણવા મળ્યું કે ડૂબી મર્યા પછી તે છોકરો રોજ રાત્રે એના ઘરે જઈ દરવાજો થપથપાવી બૂમો પાડતો.
"મા દરવાજો ખોલો..! મા દરવાજો ખોલો..!"