STORYMIRROR

Sujal Patel

Tragedy Thriller

4  

Sujal Patel

Tragedy Thriller

ન્યાય

ન્યાય

16 mins
58

આજ મારી મિત્રનાં મર્ડરને એક અઠવાડિયું થઈ ગયું હતું. પણ કોઈ એવું સબૂત હાથ નહોતું લાગ્યું, કે તેનાં ગુનેગારને પકડી શકાય. હવે તો પોલીસ પણ કેસને બંધ કરવાનું કહી રહી હતી. હવે મારે જ જાસૂસ બનીને સંજનાને ન્યાય અપાવવો પડશે.

મારી પાસે હવે સંજનાની ઘરે જઈને બધી વસ્તુઓ જાતે જ ચેક કર્યા સિવાય કોઈ રસ્તો નહોતો. હું બેડ પરથી ઊભી થઈને, પર્સ ખભે નાંખી, ઘરનાં દરવાજે તાળુ લગાવીને સંજનાની ઘરે જવા નીકળી પડી.

હાં, હું એકલી જ રહેતી. મારાં મમ્મી-પપ્પા ગામડે રહેતાં. હું બસ છ મહિના પહેલાં જ અમદાવાદ રહેવા આવી હતી. પણ સંજના મારી શાળા સમયની મિત્ર હતી. તો એને ન્યાય અપાવ્યા વગર મને શાંતિ મળે, એ શક્ય નહોતું. એનું માત્ર મર્ડર જ નહીં, રેપ પણ થયો હતો. પણ પોલીસ એમ કહી રહી હતી, કે રેપનું દુઃખ સહન ના થતાં, સંજનાએ આત્મહત્યા કરી હતી. હાં, કદાચ એકવાર માટે હું માની પણ લઉં કે સંજનાએ આત્મહત્યા કરી હતી. પણ તેનો રેપ જેણે કર્યો, તેને તો સજા મળવી જ જોઈએ. એ બાબતે પણ પોલીસ કાંઈ કરી રહી નહોતી.

પોલીસ મારો સાથ ના આપવા મજબૂર હતી. એ વાત તો હું અત્યાર સુધીમાં જાણી જ ગઈ હતી. કેમ કે, જેણે સંજના સાથે એવું કર્યું, એ બીજું કોઈ નહીં. પણ અમદાવાદનાં મોટાં બિઝનેસમેન મિ.રાયચંદનો એકનો એક દીકરો હાર્દિક હતો. એ મિ.રાયચંદની વાત અમદાવાદની પોલીસ જ નહીં. પણ આજુબાજુનાં કેટલાંય શહેરની પોલીસ એમની કોઈ વાત ટાળી ના શકતી.

મારે એ જ હાર્દિકને તેનાં મોંઢે પોતાનો ગુનો કબૂલ કરવા મજબૂર કરવાનો હતો. હું ગુનેગારને ઓળખતી હતી. પણ હું એને કહું, કે તું તારો ગુનો સ્વીકારી લે, ને એ પોતાનો ગુનો સ્વીકારીને જાતે જ જેલ ભેગો થઈ જાય. એ વાત તો અમાસની રાત્રે પૂનમનો ચંદ્ર દેખાવા જેવું હતું.

અનેકો વિચાર અને સંજનાને ન્યાય અપાવવાના મક્કમ ઈરાદા સાથે હું સંજનાની ઘરે પહોંચી ગઈ. ઘર એ જ હતું, પણ આજે મને ઘરનાં દરવાજે જોઈને ખુશ થનારી સંજના હાજર નહોતી. એક પળ માટે તો મારાં પગ અંદર જવા માટે ઉપડ્યા જ નહીં. આંખો બંધ કરતાં જ નજર સમક્ષ છ મહિના પહેલાંનું દ્રશ્ય ઘુમવા લાગ્યું.

સવારે સાત વાગ્યે સંજનાના ઘરનો ખુલ્લો દરવાજો, ઘરની વેરવિખેર વસ્તુઓ, ટીપોઈના તૂટેલાં કાચ પર પગ પડતાં લોહીવાળા પગનાં નિશાન, ઉપર બેડરૂમમાં જતાં જ નગ્ન હાલતમાં પંખે લટકતી સંજનાની લાશ, તેનાં શરીર પર નખ લાગવાનાં નિશાનો, બધું જ યાદ આવતાં મારામાં એક નવો જ વળાંક આવ્યો.

"મારી મિત્રની એવી હાલત કરનારને હું એવી સજા આપીશ, કે તે રોજ મરવા માટેની દુઆ માંગશે, પણ તેને મોત નહીં મળે." એમ બોલીને હું સીધી જ ઘરની અંદર પ્રવેશી ગઈ. આજે પણ બધી વસ્તુઓ એમની એમ જ પડેલી હતી. ૩/૧/૨૦૨૦ આ તારીખ મને બરાબર યાદ હતી. આજ એ દિવસ વીત્યાં ને બરાબર છ મહિના થયાં હતાં. એ દિવસ સંજનાના જીવનમાં એક મોટું તુફાન લઈને આવ્યું હતો. જે તેને ભરખીને જતું રહ્યું. પણ મારાં માટે એ તુફાનને પકડીને તેને સજા અપાવવાનું કામ છોડતું ગયું.

મેં તરત જ ઘરની દરેક વસ્તુઓ ચેક કરવાનું શરૂ કરી દીધું. સી.આઈ.ડી જોતાં જોતાં એટલું તો સમજાઈ ગયું હતું, કે કોઈ પણ ગુનેગાર ગુનો કરતી વખતે કોઈ ને કોઈ સબૂત તો છોડી જ જાય છે. મારે આજ બસ એ જ સબૂત શોધવાનું હતું.

મેં શરૂઆત નીચે હોલમાંથી જ કરી. હાર્દિક ઘરમાં આવ્યો હશે. ત્યારે વધું હાથાપાઈ તો હોલમાં જ થઈ હોય. આમ પણ બેડરૂમ કરતાં નીચેનો સામાન વધુ અસ્તવ્યસ્ત જણાતો હતો. મેં એક પછી એક બધી વસ્તુઓ બારીકાઈથી જોવાનું શરૂ કરી દીધું.

હાં, હું કંઈક શોધી રહી હતી. એ શોધવાનો વિચાર મને સંજનાએ કહેલી વાત પરથી જ આવ્યો હતો. મારો અહીં આવવા પાછળનો મુખ્ય હેતુ જ એ હતો. હાર્દિક પાસે સદાય માટે રહેતી તેની રિવોલ્વર ! જે તેને તેનાં પપ્પાએ ગિફ્ટ કરી હતી. આ જાણકારી મને સંજનાએ જ આપી હતી. કેમ કે, હાર્દિક તેનો બોયફ્રેન્ડ હતો. બસ આ જ સંજનાની મોટી ભૂલ હતી, કે તેણે હાર્દિક જેવાં વ્યક્તિને પ્રેમ કર્યો.

આખો હોલ ચેક કરવા છતાંય ક્યાંય કાંઈ ના મળ્યું. પાડોશી પાસેથી જાણવાં મળ્યું હતું, કે એ દિવસે સંજનાના ઘરમાંથી ગોળીનો અવાજ સંભળાયો હતો. પણ ગોળી સંજનાને નહોતી લાગી. તો એ ગોળી ક્યાંક તો લાગેલી હોવી જોઈએ. હોલની છત કે પછી કોઈ દિવાલ ! મેં તરત જ બધી દિવાલો ચેક કરવાનું શરૂ કર્યું. રિવોલ્વર તો હાર્દિક અહીં મૂકીને ના જાય. પણ ગોળી તો અહીં જ હોવી જોઈએ.

હવે મારો દિમાગ પણ થોડો તેજ થઈ ગયો હતો. પણ બસ એક જ વાતનો અફસોસ હતો, કે એ દિવસે પાડોશમાં રહેતાં મીના આન્ટીએ ગોળીનો અવાજ સાંભળ્યો, તો પણ તે સંજના પાસે ના આવ્યાં. હાં, માન્યું કે, સંજનાને તેનાં મમ્મી-પપ્પાએ નોકરી કરવાની હા પાડી. તેનાં લીધે મીના આન્ટીની વિશ્વાએ પણ નોકરી માટે જીદ પકડી. છોકરી નોકરી કરે, એમાં કાંઈ ખોટું નથી. તો પણ મીના આન્ટીએ વિશ્વાને નોકરી ના કરવા દીધી. ઉપર જાતા સંજનાએ તેને નોકરી માટે ભડકાવી એવું સંજનાના મોંઢે કહ્યું. બસ એ વાતનાં લીધે સંજના મીના આન્ટીને પસંદ નહોતી. પણ કોઈ વ્યક્તિ પસંદ ના હોય. તો મુસીબતના સમયે પણ તેની મદદ ના કરવી. એ વાત તો યોગ્ય ના જ કહેવાય.

ખેર, કોઈ માણસને આપણે બહારથી બદલી શકીએ. પણ અંદરથી તો માણસે જાતે જ બદલવું પડે. એમ વિચારી મેં મારી શોધ ચાલું જ રાખી. હજું સુધી મને ક્યાંય ગોળી નહોતી મળી. હું કંટાળીને ઉપર બેડરૂમમાં ગઈ. ત્યાં સંજનાએ મારી બનાવેલી પેઇન્ટિંગ લટકાવી હતી. એ હું જોવાં લાગી. સંજનાને પેઇન્ટિંગનો જબરો શોખ હતો. એક દિવસ તેણે મારી પેઇન્ટિંગ બનાવી હતી. મતલબ, પેઇન્ટિંગમા તેણે મારો ચહેરો બનાવ્યો હતો.

એ પેઇન્ટિંગ આજે પણ એવી ને એવી જ હતી. પણ એ પેઇન્ટિંગ બનાવવા વાળી મને એકલી મૂકીને દૂર જતી રહી હતી. અચાનક જ પેઇન્ટિંગ જોતાં જોતાં મારી નજર મારાં હોઠ પર પડી, ત્યાં કંઈક ખૂંચેલું હોય, એવું મને લાગ્યું‌. મેં દિવાલ પરથી પેઇન્ટિંગ નીચે ઉતારીને તેને મારાં ખોળામાં મૂકી, ને હું સોફા પર બેઠી.

પેઇન્ટિંગને બારીકાઈથી જોતાં ખબર પડી કે, ત્યાં ગોળી ખૂંચેલી હતી. મેં એ ગોળી ત્યાંથી કાઢી અને મારી પાસે રાખી લીધી. પણ આ એક નાની એવી ગોળી મને હાર્દિકને ગુનેગાર સાબિત કરવા પૂરતી નહોતી.

હું આખું ઘર ફેંદી વળી હતી. એમાં મને માત્ર એક ગોળી જ મળી હતી. પણ હું અહીં ખાસ એ જ શોધવાં આવી હતી. તો હાલ એ ગોળી પણ મારાં માટે એક મોટું સબૂત હતી. હવે મારે એક એવાં વ્યક્તિને મળવાનું હતું. જે આ કેસમાં મોટી ભૂમિકા ભજવવાનો હતો. એ ગોળીને પર્સમાં મૂકીને, હું એ વ્યક્તિ પાસે જવા નીકળી ગઈ.

"હેલ્લો, હું અભિષેક શર્માને મળી શકું??" અભિષેકનાં ઘરનો દરવાજો ખુલતાં જ હું સામે ઉભેલી આધેડ વયની સ્ત્રીને પૂછવા લાગી.

"જી, તમે કોણ??"

"હું નિશા અગ્રવાલ !"

"આવો, સાહેબ અંદર જ છે, તમારી જ રાહ જોવે છે."

અંદર જવાની પરવાનગી મળતાં જ હું ઘરની અંદર પ્રવેશી ગઈ. અભિષેક શર્મા ! હાર્દિકનો જીગરી દોસ્ત ! ને મારો મંગેતર ! પણ આ વાતથી બધાં અજાણ હતાં. અભિષેક એવો‌ વ્યક્તિ હતો, જે હાર્દિક સાથે રહીને તેને બચાવવાનાં બદલે તેને ફસાવવાનું કામ કરતો.

"હાય, સ્વીટી !"

"આજે કોઈ સ્વીટી નહીં. આજ માત્ર નિશા !"

"તો‌ મેડમ આજે સિરિયસ મોડ પર છે, એમ ને!!"

"આ ગોળી મળી છે. સંજનાના ઘરેથી ! હાર્દિકની રિવોલ્વરની છે. હવે ગમે તે વિચાર ! પણ હાર્દિક આ અઠવાડિયું પૂરું થતાં જેલની અંદર હોવો જોઈએ."

"ઠીક છે, તું સબૂત શોધવા જાય, ને સબૂત ના મળે ! એવું તો બને જ નહીં. મેં પ્લાન તૈયાર જ રાખ્યો છે."

"તો રાહ કોની જુએ છે?? અત્યારે શુભ શરૂઆત કરી દઈએ."

"એક નજર સમય ઉપર કરો મેડમ ! રાત પડવાં આવી છે. હવે પ્લાન પણ શરૂ નહીં થાય, ને તું અત્યારે ઘરની બહાર પણ નહીં જાય."

"અરે યાર, હું કાંઈ નાનું બાળક નથી."

"હાં, મારી લેડી ડોન ! તું બાળક નથી. પણ તું મારો‌ જીવ છે. તો મારાં ખાતર અત્યારે કોઈ પણ રિસ્ક ના લઈશ."

હવે મારી પાસે કોઈ રસ્તો નહોતો. મારે સવાર સુધી રાહ જોવી જ પડે એમ હતી. મન મારીને હું અભિષેકનાં રૂમમાં ગઈ. જમ્યાં વગર જ મેં બેડ પર લંબાવ્યું. પણ અભિષેક એમ જ સૂવા દે, એ શક્ય જ નથી. તે ડીનર ઉપર લઈને પહોંચી ગયો. મને પોતાનાં હાથે જમાડી, પોતે સોફા પર સૂતો, ને મને બેડ પર સુવડાવી.

હાર્દિક અને અભિષેક વચ્ચે જમીન આસમાનનો ફેર હતો. હાર્દિક માટે છોકરી એક રમકડું હતી. જ્યારે અભિષેક માટે દરેક છોકરી માટે માત્ર સારાં વિચારો જ હતાં. આજે મને સમજાયું હતું, કે અભિષેકને મારાં જીવનનો હિસ્સો બનાવીને મેં કોઈ ભૂલ નથી કરી. તેણે જ્યારે મને પ્રપોઝ કરી, ત્યારે તે હાર્દિકનો મિત્ર છે, એ વાતને લઈને મેં તેને અવગણી કાઢ્યો હતો. પછી જ્યારે મને ખબર પડી કે, એ હાર્દિકને ફરી સાચાં રસ્તે લાવવાં તેનો મિત્ર બન્યો છે, એટલે મેં અભિષેકનો પ્રેમ સ્વીકારી લીધો.

અભિષેકનાં મમ્મી-પપ્પા એક એક્સિડન્ટ દરમિયાન મૃત્યુ પામ્યાં હતાં. જેનાં લીધે અમારી સગાઈની જાણકારી અમદાવાદમાં કોઈને નહોતી. મારાં મમ્મી-પપ્પા ગામડે હોવાથી, અમે ત્યાં જ પરિવારની હાજરીમાં સગાઈ કરી લીધી હતી. બધી જૂની યાદો વાગોળતાં વાગોળતાં મારી આંખ લાગી ગઈ.

"હેય સ્વીટી, ઉઠી જા." સવારનાં આઠ વાગતાં જ અભિષેક મને ઉઠાડવા આવ્યો.

બેડ પરથી ઉભાં થઈને મારાં ગળામાં રહેલાં દુર્ગા માઁ ને આંખોએ અડકાડી, મેં અભિષેકે લાવેલી કોફીનો કપ હાથમાં લીધો. કોફી પૂરી કરીને હું તરત જ મારી ઘરે આવી ગઈ. અભિષેકે મને બધો પ્લાન મોબાઈલ પર મેસેજ કરી દીધો હતો. તે બહુ ચાલાક હતો. તેનાં ઘરનાં નોકરોને અમારાં પ્લાન વિશે ખબર ના પડે, એટલે તેણે મને પ્લાન પણ પોતાની ઘરે ના કહ્યો.

હું પ્લાન મુજબ મિ.રાયચંદના સેક્રેટરીને મળવાં નીકળી ગઈ. આ એ જ સેક્રેટરી હતો. જેની દીકરી સાથે હાર્દિક લગ્ન કરવાં માંગતો હતો. નારાયણ યાદવ!! મિ. રાયચંદની નાનામાં નાની જાણકારી સાચવીને બેઠાં હતાં. છ મહિના પહેલાં તેમની પાસેથી કોઈ પણ જાણકારી કઢાવવી મુશ્કેલ હતી. પણ હવે તે પોપટની જેમ બધી માહિતી આપી દેવાનાં હતાં. જેનું એક માત્ર કારણ હતું, તેની દીકરી સ્મિતા ! નારાયણ યાદવ સ્મિતાના લગ્ન હાર્દિક સાથે કરાવવાં નહોતાં માંગતાં. પણ મિ. રાયચંદ તેમની એકેય વાત સાંભળવા તૈયાર નહોતાં. કારણ‌ કે, દોઢ વર્ષ પહેલાં તેમણે જ કહ્યું હતું, કે સ્મિતાના લગ્ન પોતે હાર્દિક સાથે કરાવશે. પણ હવે હાલાત જૂદાં હતાં. મિ. રાયચંદ સાથે રહ્યાં પછી હાર્દિક હવે જેવો બની ગયો હતો. એવો‌ તે‌ દોઢ વર્ષ પહેલાં નહોતો.

"હેલ્લો, નારાયણ યાદવ!! હું અંદર આવી શકું??" નારાયણ યાદવનાં ઘરનાં દરવાજે ઊભાં રહી, મેં પૂછ્યું.

તેમણે મને અંદર આવવાનું પણ ના કહ્યું. માત્ર મારાં હાથમાં એક ફાઈલ મૂકીને જતાં રહ્યાં. જાણે એ પહેલેથી જાણતાં હતાં, કે મારે તેમની પાસેથી કંઈ વસ્તુ જોઈતી હતી !!

હું એ ફાઈલ લઈને મારી ઘરે આવી ગઈ. એ ફાઈલ ખોલીને જોયું તો એમાં માત્ર એક કાગળ હતો. જેનાં પર લખ્યું હતું, કે "આ ગુથ્થી સુલઝાવવા નું રહેવા દે. તને આમાંથી કાંઈ નહીં મળે." આ વાંચીને હું એક હતાશામાં ડૂબી ગઈ. મેં જ્યાંથી શરું કર્યું હતું, ત્યાં જ આવીને હું અટકી ગઈ હતી.

થોડીવાર થતાં જ મારાં મોબાઈલ પર કોઈ અજાણ્યા વ્યક્તિનો કોલ આવ્યો. રિસીવ કરતાં મને થોડો ડર લાગ્યો. પણ એનાં સિવાય છૂટકારો નહોતો.

"હેલ્લો, નિશા અગ્રવાલ??"

"હાં, તમે કોણ??"

"હું મિ.મહેતા!! મને નારાયણ યાદવે તમને કોલ કરવાનું કહ્યું હતું. મારે તમને એક સબૂત આપવાનું છે."

એ વ્યક્તિની વાત સાંભળી હું થોડીવાર વિચારોમાં પડી ગઈ. મારી નજર સામે નારાયણ યાદવનાં લખેલાં શબ્દો હજુ પણ અકબંધ હતાં. એવામાં આ વ્યક્તિ મને નારાયણ યાદવનાં કહેવાથી સબૂત આપવા માંગતો હતો. મને તો કાંઈ સમજાતું નહોતું.

"શું તમે મને હમણાં જ સાબરમતી રિવરફ્રન્ટ પર મળવાં આવી શકો??" મારાં તરફથી જવાબ ના મળતાં ફરી એ વ્યક્તિએ પૂછ્યું.

વાત અહીં સબૂતની હતી. મારી પાસે ના જવાનો કોઈ‌ ઓપ્શન જ નહોતો. મેં તરત હા પાડી દીધી. કોલ કટ કરીને હું સાબરમતી રિવરફ્રન્ટ તરફ નીકળી પડી. ત્યાં પહોંચીને મને વિચાર આવ્યો, કે હું તેને ઓળખીશ કેવી રીતે?? ત્યાં જ મારાં મોબાઈલ પર એક મેસેજની નોટિફિકેશન પોપ અપ થઈ.

"તમારી એક્ટિવાની સીટ પર એક બોક્સ મૂક્યું છે. એ‌ લઈને ઘરે નીકળી જાવ."

હું દોડીને એક્ટિવા પાસે પહોંચી. ખરેખર સીટ પર એક બોક્સ હતું. એ બેગમાં મૂકીને મેં એક્ટિવાને ઘર તરફ મારી મૂકી. સાંજના છ વાગી ગયાં હતાં. ધીમે-ધીમે અંધારું થવા લાગ્યું હતું. વરસાદની ઋતુ હોવાથી વાદળો ઘેરાવા લાગ્યાં હતાં. મેં એક્ટિવાની સ્પીડ વધારી. ફટાફટ ઘરે પહોંચીને સોફા પર બેસી મેં તરત જ એ બોક્સ ખોલ્યું.

બોક્સ ખુલતાં જ મને એક ઝટકો લાગ્યો. એમાં માત્ર એક લેટર અને એક સોનાનો ચેઈન હતો. લેટરમા કંઈક એમ લખેલું હતું, કે "આ ચેઈન લઈને આજે રાત્રે બાર વાગ્યે જનપથ સોસાયટી, ભાડવતનગર, ઘોડાસરમા સૃષ્ટિ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર ૨ પર રહેતી છાયાની ઘરે‌ લઈને જાજે. ત્યાં તેનાં ઘરનાં દરવાજે પડેલાં બોક્સમાં આ ચેઈન નાંખજે, એટલે છાંયા દરવાજો ખોલશે. પછી આગળની જાણકારી એ ખુદ જ તને આપશે."

આ ચેઈન અને સંજનાના રેપને શું લેવાદેવા હતાં?? એ જ મને ના સમજાયું. એમાં છાયાને હું ઓળખતી પણ નહોતી. તો રાત્રે બાર વાગ્યે એ વ્યક્તિની ઘરે જવું કેમ?? એ વિચાર જ મને ડરાવી મૂકતો હતો. પણ આ કાર્ય કરવું જરૂરી હતું. મેં થોડીવાર બેડ પર લંબાવ્યું. ત્યાં જ ધોધમાર વરસાદ ચાલું થઈ ગયો. હું ઊભી થઈને રૂમની બારી પાસે બેઠી. બારીના કાચ પર પડતાં પાણીનાં ટીપાં જોવાં લાગી. એક પર એક ટીપું પડી ભેગા થઈને એનાં રેલા બનતાં જતાં હતાં. બસ કંઈક આવી જ રીતે મારે એક એક કડી શોધીને હાર્દિકને જેલમાં પહોંચાડવાનો હતો. એક કડી તો મળી ગઈ હતી. બીજી કડી કદાચ આજે મળી જવાની હતી.

બારીએ બેઠાં બેઠાં જ અચાનક મને ઝોકું આવી ગયું. આશરે સાડા અગિયાર વાગ્યે વરસાદ બંધ થતાં મારી આંખ ખુલી. હું ઊભી થઈને મોઢું ધોઈને તરત જ ઘોડાસર જવાં નીકળી ગઈ. સૃષ્ટિ એપાર્ટમેન્ટ પર પહોંચી, હું સીડીઓ ચડીને ફ્લેટ નંબર ૨ પર પહોંચી. બધાં ફ્લેટના દરવાજા કરતાં આ દરવાજો કંઈક અલગ હતો. દરવાજા પર એક અલગ રંગનું ચોરસ બોક્સ હતું. જે દરવાજા અંદર જ ફીટ કરેલું હતું. હવે અંદર ફીટ કરેલાં બોક્સમાં ચેઈન કેવી રીતે નાંખવો?? એમ વિચારી મેં એ બોક્સ પર હાથ મૂક્યો. હાથ મૂકતાં જ એ બોક્સ બહાર આવ્યું. મેં એમાં ચેઈન નાખ્યો. ચેઈન નાંખતા જ દરવાજો ખુલી ગયો. હું અંદર પ્રવેશી. અંદર કોઈ દેખાતું નહોતું. હું કાંઈ વિચારું એ પહેલાં જ દરવાજો બંધ થઈ ગયો. મારાં શ્વાસ અધ્ધર ચડી ગયાં. બરાબર એ સમયે જ એક ચાલીસ વર્ષની સ્ત્રી મારી સામે આવીને ઊભી રહી ગઈ.

સાડા પાંચ ફૂટ ઊંચી, ગોરો વાન, ગોળ ચહેરો, સેંથીમાં લાલ સિંદૂર, ગળામાં છેક નાભિ સુધી પહોંચે એટલું લાંબુ મંગલસૂત્ર પહેરેલી એ સ્ત્રી મારી સામે જોઈને હસવા લાગી.

"તમે કોણ??"

"હું કોણ છું!! એ જાણવાં કરતાં તારે જે જાણવું જરૂરી છે, એ તું જાણી લે."

એ સ્ત્રીની વાતો મને કાંઈ સમજમાં ના આવી. દરવાજા પર જે બોક્સ હતું. એ બોક્સ અંદરની તરફ પણ ખુલતું હતું. એમણે એ બોક્સ ખોલીને, એમાંથી ચેઈન કાઢ્યો. એ ચેઈન લઈને તે રૂમમાં જતાં રહ્યાં. ત્યાંથી તેઓ એક પેન્ડન્ટ લઈને આવ્યાં. એ પેન્ડન્ટમાથી એમણે એક ચિપ કાઢી. જે તેમણે મારાં હાથમાં ધરી દીધી. પછી મને જવા માટે ઈશારો કર્યો. હું એ ચિપ લઈને ઘરે આવતી રહી.

મારી પાસે એક સબૂત તો હતું. પણ એ લેપટોપ સિવાય ખુલે એમ નહોતું. મારી પાસે સવારની રાહ જોવા સિવાય કોઈ રસ્તો નહોતો. સવારે અભિષેક પાસે ગયાં પછી જ એ સબૂત ખુલે એમ હતું. રાતનો એક વાગી ગયો હતો. હું મોબાઈલ પર વેબ સિરિઝ જોવાં લાગી. એ જોતાં જોતાં જ મને ઊંઘ આવી ગઈ.

વહેલી સવારે પાંચ વાગ્યે મારી આંખ ખુલી. એ ચિપ હજું પણ મારાં હાથમાં જ હતી. તેને કબાટમાં મૂકી, હું ટુવાલ લઈને બાથરૂમ તરફ ગઈ. નાહીને મેં મારાં ઘરની બાલ્કનીમા લગાવેલ ગુલાબનાં છોડને પાણી પાયું. પછી કોફી પીને તરત અભિષેકની ઘરે જવા નીકળી.

"આ ચિપ ખોલ, આની અંદર સબૂત છે." અભિષેકની ઘરે પહોંચતા જ મેં તેનાં હાથમાં ચિપ પકડાવી દીધી. એ પહેલેથી બધું જાણતો હોય, એમ એના રૂમમાંથી લેપટોપ લાવીને ચિપ એમાં લગાવી દીધી.

હું મનમાં ભગવાનનું નામ લેતાં લેતાં એમાં કોઈ મોટું સબૂત હોય, એવી પ્રાર્થના કરી રહી હતી. ત્યાં જ એ ચિપ ખુલી, ને એમાં જે દ્રશ્ય હતું. એ જોતાં મારાં તો હોંશ જ ઉડી ગયાં. હાર્દિકની બહેન અંકિતા અભિષેકનાં શર્ટના બટન ખોલી તેને પરાણે વળગી રહી હતી. દારૂનાં નશામાં ધૂત થયેલી અંકિતા અભિષેકને પોતાની તરફ આકર્ષિત કરવા મથી રહી હતી. ક્યારેક અભિષેકની ગરદનને ચૂમી રહી હતી. તો ક્યારેક પોતાના હોઠ અભિષેકનાં હોઠની નજીક લઈ જઈને તેને ચૂમવાની કોશિષ કરી રહી હતી.

એ ચિપનો વિડિયો પૂરો થતાં મારાં કપાળે પરસેવો વળી ગયો હતો. મારાં હાથ ધ્રૂજી રહ્યાં હતાં. મનમાં સતત એક જ વિચાર આવી રહ્યો હતો, કે આ વિડિયો બનાવ્યો કોણે?? આ ચિપ આપવાવાળી સ્ત્રી કોણ હતી?? શું અભિષેક પહેલેથી આ ચિપ વિશે જાણતો હતો?? મને સવાલોનાં વમળમાં ઘેરાયેલી જોઈને અભિષેકે મને પોતાની તરફ ખેંચીને પોતાની બાહોમાં સમાવી લીધી.

"હાં, મને આ બધાં વિશે પહેલેથી ખબર હતી. આ ચિપ આપવાવાળી સ્ત્રી નારાયણ યાદવની પત્ની હતી. આ વિડીયો પણ તેણે જ બનાવ્યો હતો."

"શું?? પણ નારાયણ યાદવની પત્ની તો એક વર્ષ પહેલાં જ મરી ગઈ હતી ને!!"

"નહીં, તે જીવે છે. પણ આ વાતની કોઈને ખબર નથી. એક વર્ષ પહેલાં મિ.રાયચંદે તેમને પોતાની હવસનો શિકાર બનાવી, મારવાની કોશિશ કરી હતી. પણ મેં તેમને બચાવી લીધાં. ત્યારે એ કોણ છે?? એ મને ખબર નહોતી. પછી એમની પાસેથી બધું જાણીને અમે મિ.રાયચંદને સજા અપાવવાનું બીડું હાથમાં લીધું. એ સમયે હાર્દિક સારો છોકરો હતો. એને વિશ્વાસમાં લઈને જ અમારે મિ.રાયચંદની દુઃખતી નસ સુધી પહોંચવાનું હતું. પણ હજું અમને કોઈ સબૂત મળે, એ પહેલાં જ હાર્દિક પણ ગેરમાર્ગે દોરાયો. તેણે જે દિવસે સંજના સાથે રેપ કર્યો, એ દિવસે જ અમને અંકિતા વિશે ખબર પડી. એ અમેરિકા કોલેજ કરતી હતી. જે દિવસે આ વિડીયો બન્યો, એ દિવસે તે મિ.રાયચંદને જણાવ્યાં વગર મારાં એક મિત્રની બર્થ-ડે પાર્ટી માટે અમદાવાદ આવી હતી. સંજોગોવસાત મારો મિત્ર એનો પણ મિત્ર હતો. બસ ત્યારે જ મિ.રાયચંદને બ્લેકમેઇલ કરવા મેં આ વિડીયો બનાવ્યો."

"પણ આ વિડીયોથી શું ફેર પડવાનો?? સંજના અને નારાયણ યાદવની પત્નીને ન્યાય કેવી રીતે મળશે??"

"મિ.રાયચંદને જેટલો હાર્દિક વ્હાલો નથી, એટલી તેમને તેમની દીકરી અંકિતા વ્હાલી છે. એમાં જો આ વિડીયો વાયરલ કરવાની ધમકી તેમને મળે, તો એ જરૂર પોતાની દીકરીને બચાવવાં પોતાનો ગુનો કબૂલ કરી લેશે."

"પણ સંજનાનુ શું?? એમાં એને કેવી રીતે ન્યાય મળે??"

જે વાત થઈ એમાં સંજનાના ન્યાયનો ક્યાંય કોઈ ઉલ્લેખ નહોતો. અભિષેક પણ એ વાત સમજી ગયો હતો. જેનાં લીધે એ મૌન હતો. અભિષેકનાં પ્લાનમા સંજનાને ન્યાય મળવો મુશ્કેલ હતો. એ બાબત જણાતાં જ હું અભિષેકની ઘરેથી મારી ઘરે આવી ગઈ.

બધું ફરી જ્યાંથી શરું કર્યું હતું, ત્યાં જ આવીને ઊભું રહી ગયું. હવે તો કદાચ ઘણીખરી બાબતો ગુંચવાઈ પણ ગઈ હતી. જાસૂસ!! આ શબ્દ જ પોતાની અંદર એક સસ્પેન્સ ધરાવતો હતો. જાસૂસ બનવું સહેલું નથી. એ હું સમજી ગઈ હતી. પણ કોઈ કાર્યની શરૂઆત કરી છે, તો અંત સુધી લડી લેવું એ મારી આદત હતી.

મેં ફરી એકવાર શરૂઆતથી અત્યાર સુધી બધું વિચાર્યું. વિચારતાં વિચારતાં જ મને એક જોરદાર ઝટકો લાગ્યો. મેં મોબાઈલ હાથમાં લઈ એક નંબર ડાયલ કર્યો, ને હું તરત જ ફરી અભિષેકની ઘરે પહોંચી ગઈ.

"ચોકવાની જરૂર નથી. જાસૂસ બનીને ઘણી જાસૂસી કરી લીધી. હવે જે સબૂતો મળ્યાં એની ઉપર એક નજર કરી લઈએ."

"ક્યાં સબૂતો??"

"અભિષેક... અભિષેક!! બહું નાટક કરી લીધાં. હવે રહેવા દે‌ ને!!"

"તું કહેવા શું માંગે છે??"

"હું બસ એ જ કહેવા માગું છું, કે સંજનાનો‌‌ રેપ પણ તે જ કર્યો છે, ને એનુ મર્ડર પણ તે જ કર્યું છે. ને એ બધું માત્ર ને માત્ર હાર્દિકને ફસાવવા અને અંકિતાને હાંસિલ કરવાં માટે!! તારો અંકિતા પ્રત્યેનો પ્રેમ કોઈથી અજાણ રહ્યો નથી. મને જેણે ચિપ આપી. એ કોઈ નારાયણ યાદવની પત્ની નહોતી. એ બધી તારી જ એક રમત હતી. મને ગેરમાર્ગે દોરવાની. જો એ‌ ખરેખર જીવતી હોત, તો‌ નારાયણ યાદવ એ વાત જાણતાં હોત.

તું એક વાતે સાવ કાચો નીકળ્યો. તારી સૌથી મોટી ભૂલ એ હતી, કે તે ખૂદ મને પેલી સ્ત્રી પાસે ચિપ લેવાં જવાની ચીઠ્ઠી લખીને આપી. કેમ કે, તું અંકિતાને મેળવવામાં એક વાત ભૂલી ગયો હતો, કે નારાયણ યાદવ મારાં પપ્પાના મિત્ર હતાં. એમણે પપ્પાનો સાથ છોડી, મિ.રાયચંદનો સાથ આપ્યો. તે દિવસ પછીથી અમારાં રસ્તા અલગ થયાં. છતાંય મને તેમની બધી વાતો, આદતો અને તેમનાં દ્વારા મારાં પપ્પાની કંપની માટે લખાયેલાં લખાણોના અક્ષરો બધું યાદ છે, ને તારી તો હું રગેરગથી વાકેફ છું. તારો પ્રેમ ખોટો હતો, મારો નહીં. તો તારાં અક્ષરોના વળાંકો કેમ કરી ભૂલી શકું!! બસ ત્યાંથી જ તું પકડાઈ ગયો.

એમાંય એક‌ સૌથી અગત્યની વાત!! તે માત્ર નારાયણ‌ યાદવની પત્નીને ન્યાય અપાવવાની વાત કરી. સંજનાને ન્યાય અપાવવાની વાત તો‌ તે ક્યારેય કરી જ નહીં. જ્યારે સંજનાના પોસ્ટમોર્ટમ રિપોર્ટની વાત આવી, ત્યારે પણ‌ તે એની ના પાડી દીધી. કેમ કે, પોસ્ટમોર્ટમ થાત તો‌ તારી ખબર ત્યારે જ બધાંને પડી જાત."

"તો તને સબૂત મળી જ ગયાં એમ ને!! આખરે તું પાક્કી જાસૂસ નીકળી હો!! મને હતું તું બેવકૂફ છે."

"એ બેવકૂફ નથી. બેવકૂફ તો હું હતો. તને સાચો મિત્ર ગણીને મેં તારાં પર વિશ્વાસ કર્યો, ને તે મારાં પ્રેમની સાથે જ એવું ખરાબ કૃત્ય કર્યું."

"તે માત્ર મને હાંસિલ કરવાં સંજના સાથે એવું ખરાબ કૃત્ય કર્યું. તું સાચે જ મને પ્રેમ કરતો હોત, તો એવું ક્યારેય ના કરેત. પ્રેમનો સાચો અર્થ જ તને ખબર નથી. જો ખબર હોત તો‌ તને હું કોઈ બીજાંને પ્રેમ કરું છું, એ વાતની જાણ થતાં જ તું મારાથી દૂર થઈ જાત."

"નિશા, મિ. રાયચંદ તે દિવસે તને મારાં કહેવાથી જ એ ફાઈલ આપીને ગયાં હતાં. અમે પહેલેથી બધું જાણતાં હતાં. પણ તને અમારી વાતો પર વિશ્વાસ ના આવત. કેમ કે, તું મને ગુનેગાર સમજતી હતી. જેનાં લીધે અભિષેક જેમ વિચારતો હતો, એમ થાય, એટલાં માટે મિ. રાયચંદે તે દિવસે તને કાંઈ ના કહ્યું. પછી જેવું અભિષેકે વિચાર્યું, એવું જ થયું. ને આજે એ બધાનું પરિણામ તારી સામે છે‌."

અભિષેકે ખરેખર ખોટું કર્યું હતું. પણ હવે સાચાં અર્થમાં સંજનાને ન્યાય મળશે. હાર્દિક અને અંકિતા બંને મારાં બોલાવવાથી અભિષેકની ઘરે પહોંચી ગયાં. મારો વર્ષો પછી હાર્દિક પર વિશ્વાસ મૂકવાનો નિર્ણય સાચો ઠર્યો.

"નિશા, મારાં પપ્પા અત્યારે જેલમાં છે. હવે અભિષેકને પણ જલ્દી જ સજા મળી જાશે."

અંકિતાની વાતો પર પહેલાં મને વિશ્વાસ ના આવ્યો. પણ જ્યારે પોલીસની ગાડી અભિષેકને લેવાં આવી, ત્યારે મિ.રાયચંદને એ ગાડીમાં બેઠેલાં જોઈ, મને અંકિતા અને હાર્દિક પર પૂરો વિશ્વાસ આવી ગયો.

"તો તારી જાસૂસી રંગ લાવી. તે સંજનાને ન્યાય અપાવી જ દિધો."

જાસૂસી!! આ શબ્દથી મને એક અલગ જ પ્રેમ છે. આ શબ્દ થકી મારાં જીવનમાં ઘણું બદલી ગયું. સંજનાને ન્યાય મળ્યો, પણ અભિષેક મારાથી દૂર થઈ ગયો. પ્રેમ ચાહે સાચો હોય કે ખોટો!! પ્રેમ આખરે પ્રેમ જ હોય છે.

ખેર, જે હોય તે!! સંજનાને ન્યાય મળી ગયો. એ વાત જ મારાં માટે આગળનાં જીવનની ખુશી બનશે.

સમાપ્ત


Rate this content
Log in

Similar gujarati story from Tragedy