નવી એપ
નવી એપ
તન્મય ચારેક વર્ષનો હતો ને એક અકસ્માતમાં એના બંને હાથ કપાઈ ગયા. માબાપ બંને ચિંતામાં પડી ગયાં. હાથ વગર હવે આ શું કરશે ? પણ બાળ તન્મયને તો કંઈ ફેર પડ્યો જ નહીં. નાનો હતો ત્યાં સુધી તો ઘરના બધાં એને મદદ કરતાં પણ જેમ જેમ મોટો થતો ગયો તેમ એનામાં સમજણ આવવા માંડી કે મારી જિંદગીનો ભાર મારે જ વહન કરવાનો છે. એટલે જેટલો જલ્દી હું સ્વાવલંબી બની જાઉં ત્યાં સુધી સારું. આખી જિંદગી કોઈ મદદ કરવાનું નથી. એ માટે ભણવું ખૂબ જરૂરી છે.
પહેલાં તો તન્મયે ધીમે ધીમે પગની મદદ લઈને પોતાના જરૂરી કામ જાતે કરવા માંડ્યા. સવારે ઊઠીને બ્રશ કરવાથી માંડીને રાત્રે બ્રશ કરી સૂવા સુધીના બધાં કામ તે પગની મદદ લઈને કરતા શીખી ગયો. એની મમ્મી સુધાબેનને ઘણી વખત દયા આવતી. તે એને મદદ કરવાં જતાં પણ તન્મય અને એના પપ્પા સુમનભાઈ ના પાડતા. તન્મયે ધીમે ધીમે આધુનિક ટેકનોલોજીનો આધાર લઈ કોમ્પ્યુટર એન્જિનિયરીંગમાં માસ્ટર ડીગ્રી મેળવી. આ માટે એને ઘણી મુસીબતોનો સામનો કરવો પડ્યો. પણ કહે છે ને કે મક્કમ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો.
જીવનમાં પોતાને સહેવી પડેલી મુશ્કેલીઓ પરથી એને પોતાના જેવી તકલીફ બીજાને સહન ન કરવી પડે. એટલા માટે એણે એક નવી એપ વિકસાવી જેનાથી દિવ્યાંગોને સરળતા રહે. એની એપને સરકાર તરફથી માન્યતા મળી અને નવી શોધ કરવા માટે મિડિયામાં એની નોંધ લેવામાં આવી. શિક્ષણના સહારે માણસ ધારે તો શું ન કરી શકે ? તન્મય તેનો જીવતો જાગતો દાખલો છે. આજે સુધાબેન અને સુમનભાઈની આંખોમાં આનંદના આંસુ આવી ગયાં. એક વખત જે લોકો તન્મય માટે બિચારો શબ્દ વાપરતાં હતાં તે બધાંની તો બોલતી જ બંધ થઈ ગઈ.
