નસીબના ખેલ 1
નસીબના ખેલ 1


વાત છે આ ખૂબ જૂની.... 1970ની....
આજે લગભગ અડધી દુનિયા ખુશી મનાવી રહી હતી નવા વર્ષની.. આજે 1 જાન્યુઆરી છે ને....
અને ધીરજલાલ પણ એક ખુશી સાંભળવાની રાહ જોતા હતાં. સાત સાત વર્ષના લગ્નજીવન બાદ, કાઈ કેટલીયે બાધા-આખડી પછી ભગવાને એમની સામું જોયું હતું. પગલીનો પાડનાર આવવાનો હતો. એમની પત્નીને દવાખાને લઈ ગયા હતા, એ પણ ત્યાં જ હતા, બસ હવે રાહ જોતા હતા કે ક્યારે નર્સ આવી ને સમાચાર આપે. એક એક ક્ષણ હવે બહુ લાંબી લાગતી હતી. અને ત્યાં જ તેમની આતુરતાનો અંત આવ્યો... તેમણે બાળક ના રોવાનો અવાજ સાંભળ્યો. ખૂબ હરખાઈ ગયા ધીરુભાઈ !
બાળકના રોવાના અવાજ પરથી એમને લાગ્યું કે પુત્રનો જન્મ થયો છે. મનોમન ઈશ્વરનો પાડ માનવા લાગ્યા. પણ ત્યાં તો નર્સે આવીને કીધું દીકરીનો જન્મ થયો છે.
હત્ તારી. ઘડીક વાર માટે આઘાત લાગ્યો. કીધું ય ખરું કે અવાજ પરથી તો બાબો લાગે છે. જા જઈને જો સરખું. પણ નર્સે કીધું મેં બરોબર જ જોયું છે દીકરી છે.
તરત સ્વસ્થ થઈ ને ધીરુભાઈ એ એને 11 રૂપિયા આપ્યા. એ જમાનામાં 11 રૂપિયા બહુ મોટી રકમ ગણાતી હતી. સંતાન માટે ઝંખતા હતા અને આટલા વર્ષોની રાહ જોયા બાદ ભલે દીકરી પણ પોતે બાપ તો બન્યા એ વાતની ખુશી જ અનહદ હતી.
ખુશી તો એમના પત્ની હંસાગૌરી ને પણ હતી, પોતે મા બન્યા હતા. સમાજમાં કોઈ હવે તેમને કાંઈ મહેણાં નહિ મારે એ વાતે એ ખુશ હતા. મા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. હા દીકરી આવી એ વાતનો થોડો રંજ જરૂર હતો. અને વળી 1970ની સાલ... દીકરીને સાપનો ભારો માનતા હતા એ વખતમાં તો.
પણ બન્ને પતિ-પત્ની આ ખોળાના ખૂંદનાર ને ભરપૂર પ્રેમ આપવા આતુર હતા. ખૂબ લાડથી તેને ઉછેરતા હતા. સમય ને જતા વાર પણ ક્યાં લાગે છે ? દીકરી થોડી મોટી થઈ. 3 વર્ષની થઈ ગઈ હતી... ધીરજલાલ એ એનું નામ ધરા રાખ્યું હતું. ખૂબ જ રમતિયાળ અને ચંચળ હતી ધરા.
ધરા 3 વર્ષની થઈ અને હંસાગૌરીને ફરી સારા દિવસો રહ્યા. દંપતી ની ખુશીનો પાર ન હતો. આ વખતે તો દીકરો જ આવશે એવી આશા હતી.
પણ...
(ક્રમશ:...)