STORYMIRROR

Leena Vachhrajani

Inspirational

4  

Leena Vachhrajani

Inspirational

નોટઆઉટ

નોટઆઉટ

2 mins
39

“નોટઆઉટ”

“ગુંજા તું આઉટ હતી.”

“ના મેં લાઈનની બહાર પગ નથી મૂક્યો. પાવની જૂઠું બોલે છે.”

“મારે નથી રમવું જા. કાયમ ગુંજા અંચઈ કરે છે.”

રોજની જેમ “કાકા-મામા” રમતાં રમતાં ફરી પાવની અને ગુંજા વચ્ચે ઝગડો થયો જ. બંને એક જ ફ્લોર પર એક દિવાલે રહે. આખી વિંગનાં બાળકો નીચે રમવા ઉતરે એમાં બંને સાથે જ ઉતરે પણ હંમેશાં એ બંને વચ્ચે લાઈનને અડી જવાની બાબતમાં તકરાર થાય જ અને બંને ઘેર અલગ અલગ મોં ફૂલાવીને જાય. રાતે બંનેની મમ્મી બારણા પર દૂધની થેલી ટિંગાડવા આવે ત્યારે મમ્મીની પાછળ સંતાઈને બંને એકબીજાને જોઈ લે અને રિસામણાં પૂરાં..

સવારે સ્કુલ પણ સાથે જ જવાનું ત્યારથી સાંજે રમવા સાથે ઉતરે એટલો સમય બંને લગભગ સાથે હોય. સમયની ઝડપ માનવ કરતાં વધુ એટલે વર્ષો વિતતાં ચાલ્યાં. કોલેજના ત્રીજા વર્ષમાં પાવની અને ગુંજા આવી ગયાં. યુવાનીના ઉંબરે બે સહેલી પહોંચી અને ભવિષ્યનાં સોનેરી સપનાની દૂનિયામાં ડોકાં કરતી થઈ ગઈ.

છેલ્લા થોડા સમયથી ગુંજા પાવની સાથે હોય તોય ખોવાયેલી રહેતી. પાવનીને ગુંજાનું બદલાયેલું વર્તન મુંઝવણ કરાવતું. અંતે ગુંજાની મમ્મીને એણે વાત કરી. “આન્ટી, ગુંજામાં તમને ફેર નથી દેખાતો ?”

“હા, હું તને પૂછવાની જ હતી બેટા.”

અને એ દિવસે બંનેએ દિલ ખોલીને વાત કરી.

પછી પાવનીએ “કુછ તો ગડબડ જરુર હૈ દયા” વાળી જાસૂસી શરુ કરી. 

આમતેમ તપાસ કરતાં ખબર પડી કે એના જ ક્લાસના સમીર સાથે ગુંજાની દોસ્તી વધતી જતી હતી. સમીર વિશે જરા ડિટેલમાં તપાસ કરી તો જાણવા મળ્યું કે,અમીર બાપનો બગડેલો દીકરો કેટલીય બે'નપણીને ફેરવતો હતો. અને ગુંજા જેવી કેટલીય માસુમ એની જાળમાં ફસાઈને બરબાદ થઈ ગઈ હતી. 

પાવનીને ખબર જ હતી કે ગુંજાને સાચી વાત ગળે ઉતારવી અઘરી હતી. એટલે એણે સમીરની લીલામાં અટવાયેલી મુગ્ધાઓ વિશે માહિતી મેળવીને એમને ગુંજાનો મોબાઈલ નંબર આપીને એને સમીરની દગાબાજીથી બચાવવા વિનંતી કરી.

એ પછી દસ દિવસ સળંગ ગુંજાના મોબાઈલ પર સમીરથી હેરાનગતિ પામેલી યુવતીઓના મેસેજ, એ લોકાની વ્યથા સતત આવતાં રહ્યાં. ગુંજાને હવે મનમાં અકળામણ થઈ.

બીજે દિવસે પાવનીને ગુંજાએ કહ્યું,“પાવની એક વાત કહું ?”

 કેટલાય દિવસથી મનમાં ઘોળાતી વાત, સમીર સાથેનો સંબંધ, એની દગાબાજી અને પછી પોતે તોડી નાખેલો સંબંધ એ બધી વાત ઉદાસ અવાજે ગુંજા પાવનીને કહેતી રહી. 

પાવની ગુંજાની હથેળી પસવારતી રહી. ગુંજા એકીશ્વાસે બોલીને શાંત પડી.

પાવનીએ ધીમેથી કહ્યું,“જે થયું તે સારું અને સમયસર થયું. આજે હું ફરિયાદ નહીં કરું કે, ગુંજા તું આઉટ હતી. કારણકે તું લાઈનની બહાર પગ મૂકતાં મૂકતાં બચી ગઈ અને રમતમાં જીતી ગઈ એનો સહુથી વધુ આનંદ મને થાય છે.”

ગુંજા પાવનીને ભેટી પડી. “તું મારી સાથે હોઈશ ત્યાં સુધી હું જિંદગીના રમતમાં નોટઆઉટ રહીશ એ મને ખાતરી છે.”


Rate this content
Log in

Similar gujarati story from Inspirational