નમાઝ- પ્રાર્થના એકબીજાનાં
નમાઝ- પ્રાર્થના એકબીજાનાં
આજે બરોબર 31 દિવસો થયા તેની સાથે વાત થયે કે 31 વર્ષો થયા..! સમયનું ભાન મગજ ગુમાવી રહ્યો હોઈ તેવું લાગે છે. વીતેલા 4 વર્ષોમાં ક્યારેય 31 મિનિટ પણ એકબીજા સાથે વાત કર્યા વગર ના રહી શકતાં હું અને નિશા આજે..!
નિશાનો અવાજ મારા માટે એક થેરાપી સમાન હતો, એક એવી થેરાપી જે મને હંમેશા ખૂશ કરતી, એક એવી થેરાપી જે મને હંમેશા ફ્રેશ રાખતી, એક એવી થેરાપી કે જેના વગર દિવસની શરૂઆત કરવા વિચારવું પણ અશક્ય છે મારા માટે. ક્યારેક હું નિશાને મસ્તીમાં કહેતો 'ચૂપ રહે નહીંતર એક મારીશ' ત્યારે તે કહેતી બેટા હું ચૂપ થઈ જઈશ ત્યારે જોજે તારો શું હાલ થાય.! આજે તે મસ્તી ખુબ ચૂભતી હોઈ તેવું લાગે છે.
મારા કાન આસપાસનાં અવાજને નફરત કરવા લાગ્યા છે, આવતા હજારો અવાજો વચ્ચે નિશાનો કલબલાટ, તેના મોઢે બોલાયેલ એક એક શબ્દોને શોધે છે તેના માટે તરસી રહ્યા છે કાન મારા. આજે, આંખોમાંથી ઝરતા લાવારસ જેવાં ધગધગતા આંસુઓ લુંછવા નિશાનાં કોમળ હાથ નહોતા, ઠંડીથી ઠુંઠવાઈને જડ બની ગયેલા તનને હૂંફ આપવા તેનું આલિંગન નહોતું, ઊંઘમાં તેના હાથ મારી આંખો પર મુક્યા તેવાં ભ્રમમાં જાણે મહાકાલની આરતીમાં વાગતા નગારા સમાન ધડકતા ધબકારાને શાંત કરવા તેની ઉપસ્થિતિ નહોતી.
*****
4 વર્ષ પહેલાની લગભગ વાત છે. એન્જિનિરીંગ કોલેજનાં કેમ્પસમાં બપોરે બ્રેક ટાઈમમાં મિત્રો સાથે કેન્ટીનમાં બેઠો હતો, અચાનક પાછળથી એક સુંદર અવાજ આવ્યો 'એક્સક્યુઝ મી' . હું પાછળ ફર્યો એટલે તરત જ તે સુંદર અવાજની સામ્રાજ્ઞિએ મને હાથમાં ગુલાબ આપીને 'આઈ લવ યુ' બોલી દીધું.
હું પણ હજુ પહેલા વર્ષનો સ્ટુડન્ટ જેટલો તેની સુંદરતા જોઈને ના ડઘાઈ ગયો તેનાથી વધુ અચાનક તેને કરેલા પ્રપોઝ ફાયરિંગથી ડઘાઈ ગયો.
ત્યાં તો તેની પાછળ બેઠેલા છોકરીઓના ગ્રુપે તેને તાળીઓથી વધાવી લીધી અને બોલ્યા નિશા તું ગ્રેટ છે તારી ડેર ક્મ્પ્લેટ. સાલી પછી મગજમાં લાઈટ થઈ તે લોકો ટ્રુથ એન્ડ ડેર રમતા હતા.
હું શરમાઈ નીચું જોઈ ગયો અને નિશાએ ફુલ એટિટ્યૂડ સાથે ક્યૂટ સ્માઈલમાં મને સોરી કહીને પોતાની બહેનપણીઓ સાથે બેસી ગઈ. આ હતી મારી અને નિશાની પ્રથમ મુલાકાત.
તે લોકોની ટ્રુથ એન્ડ ડેર રમત મારા માટે પહેલી નજરનો પ્રેમ બનતા વાર ના લાગી. નિશાનું નામ તો ખબર પડી જ ગયેલી હવે તેના વિશે જાણવાની કોશિશ કરી તો ખબર પડી મેડમ સેકન્ડ યર કોમ્પ્યુટર એન્જીનરીંગનાં સ્ટુડન્ટ છે અને ઉપરથી કોલેજનાં રેન્કર પણ. જાણીને જ પહેલી નજરનો પ્રેમ ધૂંધળો થતો લાગ્યો, હું નવાણીયો સ્ટુડન્ટ એ પણ બજરંગ દળ તરીકે પ્રખ્યાત મિકેનિકલ એન્જીનરીંગનો અને દેખાવે પણ એવરેજ અને તે સુંદરતાની મુરત. કઈ રીતે મેળ પડશે મારો .?
પણ મેં હાર ના માની, ફેસબુક પર નિશા લાખાણી સર્ચ કરતા તરત જ તેની આઈ-ડી મળી આવી અને મેં ફ્રેન્ડ રિકવેસ્ટ પણ મોકલી દીધી. રાહ જોવાઈ તેમ હતું નહીં મારાથી એટલે મેસેજબોક્સમાં મેસેજ પણ કરી જ દીધો કે "તમારું ગુલાબ રહી ગયું છે મારી પાસે ભૂલથી". થોડી જ ક્ષણોમાં રિકવેસ્ટ તો સ્વીકાર ના થઈ પણ મેસેજ નો જવાબ મળ્યો કે 'ગુલાબ તારી બુક વચ્ચે મૂકી દે એકાદ વર્ષમાં એકનાં બે થઈ જશે, લોલ(lol)'. મને કઈ સુજ્યું નહીં પણ સારી એવી મસ્તી થઈ ગઈ મારી તેવું લાગ્યું.
કોઈવાર કોલેજ કેમ્પસમાં તો કોઈવાર કેન્ટીનમાં અમે એકબીજા સામું જોઈ લેતા, નિશા પણ નિખાલસ ભાવે હલકી મુસ્કાન આપી મને ખૂશ કરી દેતી. આ બધું પાછુ હું મેસેન્જરમાં કહેતો કે આજે તે મને સ્માઈલ આપીને પોતાનો બનાવી લીધો અને તે મસ્તીમાં કહેતી જા જા તું એક્ષામની તૈયારી કર પહેલા. આવી રીતે અમારી લાગણીઓ એકબીજાને સ્પર્શવા લાગી.
*****
મને બરોબર યાદ છે કે નિશાને ત્રીજા વર્ષની ફાઇનલ એક્ષામ હતી અને મારે બીજા વર્ષની, અનાયાસે અમારો બન્નેનો સીટ-નંબર એક જ બેચમાં આવેલો. પહેલા ત્રણ પેપરમાં નિશા થોડી મૂડલેસ દેખાતી હતી પૂછ્યું તો કહેતી 'તબિયત ખરાબ છે મને નથી લાગતું આખી એક્ષામ આપી શકુ' ત્રીજું પેપર પતાવી દવા લઈને સૂઈ જવા કહ્યું મેં અને ચિંતા છોડ એક્ષામ પાછી આવશે તેમ મેં સમજાવ્યું. બીજા દિવસે પેપરનાં ટાઈમે મળ્યા નિશા આંખોમાં ડર સાથે બોલી 'હું શું લખીશ કઈ વાંચવા નથી મળ્યું'. પેપર લખવા બેઠા અમે, એટલે નિશાને પાસિંગ માર્ક્સનું તો આવડી ગયું પછી મેં તેનું પ્રશ્ન પત્ર લઈને પ્રશ્નો જોઈ સોલ્વ કરવાની હિન્ટ આપવા લાગ્યો અને નિશાને યાદ આવતા તેને બધું લખી નાખ્યું અને મને સુપરવ
ાઈઝર સાહેબે પેપર લઈને બહાર રવાના કરી દીધો.
ગઈ આખી રાત જાગી સિનિયરોને પાર્ટી આપીને ત્રીજા વર્ષના સબ્જેક્ટનાં ઈમ્પોર્ટન્ટ સવાલ મેળવી ગોખ્યા બાદ નિશાને મદદ કરવાંમાં જે ખુશી મળી તે સ્વર્ગસમી હતી મારા માટે. નિશાને બધી વાત જાણ થતા જ તેને મને મેસેજ કરી ગર્લ્સ હોસ્ટેલનાં બાજુના ગાર્ડનમાં બોલાવ્યો હું ગયો. મને જોતા જ પહેલાતો પાગલ, ભૂત જેવાં, કઈ ભાન પડે છે કે નહીં ગાળો આપતા આપતા નજીક આવીને મારા કોલર પકડીને મને એક લાંબી કિસ આપી દીધી. મંત્રમુગ્ધ થઈ તે ચુંબનનાં નશામાં મારાથી ગાર્ડનમાં જ નીચે બેસાઈ ગયું.
મારો હાથ પકડીને નિશા બોલી 'ચાલ હવે ઊભો થા, રોજ રોજનું લવ યુ મારાથી સહન નહીં થાય એટલે થયું તારા લવ યુ નો જવાબ આપી જ દઉં.' હું બસ કઈ બોલાતું ના હતું કઈ સમજાતું ના હતું એક અલૌકિક દુનિયામાં નિશા સાથે વિસરી રહ્યો હોઈ તેવી અનુભૂતિ, એક અખંડ આનંદનો અનુભવ.
*****
'જો નિસર્ગ, મેં તને મારી નમાઝનો દરજ્જો આપ્યો છે અને સર્વસ્વ તારી સાથે શેર કર્યું છે. કદાચ હું તને એટલી હદે ચાહવા લાગી છું કે ભાવિનું વિચારીને મને રડવું જ આવ્યા કરે છે. હવે કોલેજ પુરી થઈ ગઈ છે અને તારે પણ છેલ્લું વર્ષ છે, આપણાં સબંધોનું ભવિષ્ય શું હશે તે વિચારી મારો જીવ જાય છે' નિશા આંખોમાં આંસુ સાથે મારા આલિંગન કરી બોલી.
'બેટા મને ખબર છે કે હું તારી નમાઝ છું તો તારા પેરેન્ટ્સ અલ્લાહ છે અને તે પણ ખબર છે કે આપણાં સબંધો ખાતર તારા પેરેન્ટ્સને હેરાન થતા નહીં જોઈ શકે તું. હું તો પહેલેથી અનાથ આશ્રમ અને તે પછી હોસ્ટેલમાં ઉછરેલો છું, હું શું જાણવાનો માત-પિતાનો પ્રેમ? મારે તો ભગવાન પણ તું જ છે અને પ્રાર્થના પણ તું જ' નિશાના આંસુ લૂછતાં હું બોલ્યો.
'હું વિચારું છું કે આજે મારા અબ્બા સાથે તારા વિશે વાત કરું અને તેમને મનાવું. આપણા બન્નેનાં મન હળવા કરવાનો કદાચ બીજો કોઈ ઉપાય નથી.' નિશા આટલું બોલી મારા કપાળ પર ચુંબન કરી હોસ્ટેલ જવા રવાના થઈ.
મારી અને નિશા વચ્ચેની આ છેલ્લી મુલાકાત અને કદાચ મારી સૌથી મોટી ભૂલ કે મારાથી દૂર જવાની મેં જાતે જ તેને સહમતી આપી દીધી.
*****
નિશા અને રિઝવાનનાં નિકાહનું કાર્ડ મળ્યું, દર્દ મળ્યું, ઉદાસીનતા મળી, ઝેર મળ્યું. થોડીવાર થયું કે આવી બેવફાઈ, હજુ સહવાસની હૂંફ ઠંડી નથી થઈ ત્યાં ક્રૂર હૃદયે લીધેલો આવો નિર્ણય ? વિચારોનાં વંટોળ મગજને અસહ્ય પીડાઓ આપવા લાગ્યા, આંસુઓના પૂર આંખોના કિનારાને રગદોળી રહ્યા હતા. વેદના સમજ બહાર હતી. ડેસ્કમાંથી બ્લેડ લઈ બાથરૂમમાં ગયો શાવર શરુ કરી ખુબ રડ્યો, બ્લેડ કાંડા પર મૂકીને વારંવાર પાછી લીધી. પણ નિશા વગર મરવાનો પણ જીવ ના ચાલ્યો.
ખુબ વિચાર્યું અને પછી મનને મનાવ્યું કે નિશા મજબૂર હશે તેના પરિવાર આગળ અને કેટકેટલાય નાકામ પ્રેમના કિસ્સા થયા જ છે હું પણ કદાચ તેમાંથી એક હોઈશ. મંદિરે જઈને ભગવાનને પ્રાર્થના કરી ' ભગવાન તે જ્યાં હોઈ ત્યાં તેને ખૂશ રાખજે આબાદ રાખજે !
નિશાને યાદ કરીને પ્રાર્થના કરવાનો મારો નિત્યક્રમ બનવા લાગ્યો 31 દિવસ વીતી ગયા ના તેને કોઈ મારો કોન્ટેક્ટ કર્યો ના કોન્ટેક્ટ કરવા માટેનો કોઈ સોર્સ રાખ્યો. હા એક પણ મને યાદ કરતા તો તે નહીં જ રોકી શકે એટલે યાદ કરવાનો હક સમજીને તે ખૂશ રહે તેવી પ્રાર્થના કરતો રહું છું.
*****
આજે 32મોં દિવસ છે. મંદિરેથી ઘરે પાછો ફરતા બધા સ્થળો મને ચીડવતા હોઈ તેવો આભાસ થાય છે તે જ સ્થળો જ્યાં હું અને નિશા સાથે બેસતા, નિશા મારા ખભે માથું રાખી કાલુ-કાલુ બોલતી, અમે બન્ને એકબીજાને ખવડાવતા, ફિલ્મો જોવા જતા, બધા સ્થળો મને એકલો જોઈ હાંસી ઉડાવતા હોઈ તેવો ભાસ થાય છે. બહુ યાતનાઓ વચ્ચે ઘરે પહોંચું છું રોજે.
રૂમનો દરવાજો ખોલતા એક ટપાલ મળી મને. એક લાઈનનો મેસેજ હતો 'નિસર્ગ મારુ ગુલાબ મને પાછુ આપી જજે' - માત્ર તારી જ નિશા. નીચે સરનામું આપેલ હતું.
મેં સ્કૂટર કાઢ્યું, સરનામાં તરફ જવા ભગાવ્યું, ગાંડપણ માં એ પણ ખ્યાલ નાં રહ્યો કે 350KM દૂર નું સરનામું છે સ્કૂટર લઈને કેમ પહોંચીશ પણ નહીં નિશા તરફ જવા બધું મંજૂર છે. ઉતાવળમાં 2 વાર પડ્યો રસ્તામાં, ઈજાઓ અને લોહીના ડાઘ સાથે હું સરનામે પહોંચ્યો.
છોલાયેલા, લોહીથી લથપથ લાલ હાથે ખિસ્સામાંથી સૂકાયેલું ગુલાબ કાઢીને આક્રંદ કરતા નિશાની કબર પર મૂક્યું. તે કબરને આલિંગન કરીને ખુબ રડ્યો, હિબકા ભર્યા, પછડાયો પણ મર્યો નહી.