ઊગતા સૂર્યને સૌ નમે
ઊગતા સૂર્યને સૌ નમે
સભાગૃહમાં ખુરશીઓ ગોઠવાઈ ગયા બાદ હવે બધા પ્રધાનો અને સભાપતિને આવવાની રાહ જોવાઈ રહી હતી. ધીરે ધીરે એક પછી એક પ્રધાનો પોતાના નામની તકતી સામે મુકેલી ખુરશીમાં ગોઠવાઈ રહ્યા હતા. સભાપતિનાં આગમન સાથે બધા પ્રધાનો દ્વારા તેમનાં મનમાં ઊભા થઈ આદર આપવામાં આવ્યો.
સભાપતિએ બધાને બેસવાનો ઈશારો કરીને સંબોધનની શરૂઆત કરી. હું સ્વાગત કરું છું નવા નિમાયેલા તમામ પ્રધાન સભ્યોનો જે તાજેતરમાં જ આપણા પક્ષમાં જોડાયા છે. હું તેઓને ખાતરી આપું છું કે તેઓ જે અપેક્ષાઓથી આપણી સાથે જોડાયા છે તે તમામ અપેક્ષાઓ પૂર્ણ કરવામાં આવશે. તેવી પણ આશા રાખું છું કે તેઓ આપણા પક્ષ પ્રત્ય
ે વફાદાર રહેશે. આપણે છુટ્ટા પડતા પહેલા ભોજન સાથે લઈશું.
સભાપતિના ભાષણને બધાએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધો અને ભોજનાલય તરફ બધા આગળ વધ્યા. નવા આવેલા સભ્યો પ્રધાન પદ મળવાથી ખુશ હતા. જુના પ્રધાનો નવા આવેલા સભ્યો સાથે ચર્ચા કરવા ઉત્સુક હતા કે કેટલામાં ખેલ પાર પડ્યો !
જુના પ્રધાનનો જવાબ આપવા જતા નવનિયુક્ત પ્રધાનના શબ્દો કંઈક આવા હતા " વધારે જાહેરમાં વાત ના કરાય તમે તો અનુભવી છો સત્તાનાં. હાં પણ એટલું જરૂર કહીશ કે "ઊગતા સૂર્યને સૌ નમે". બધા નવનિયુક્ત પ્રધાનનો જવાબ સાંભળી હસી પડ્યા. ત્યાં જ એક પીઢ નિવૃત નેતા બોલ્યા કે પછી "લોભને થોભ ના હોય".