અંધારું
અંધારું
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
સુભાષ અને નવીન છૂટા પડવાની તૈયારી કરતા હતાં. બંને ઓલરેડી ત્રણ પેગ ડાઉન હતા. દિવાળીનો દિવસ હતો એટલે બંને પાર્ટી કરવાના ફૂલ મૂડમાં હતા.
એટલામાં નવીન બોલ્યો "ચાલને સુભાષ આ બોટલ પતાવી જ દઈએ, આજે તહેવાર છે ભઈલા આજે બૈરાંઓથી ડરવાનું ના હોય, ઘરે કોઈ બબાલ નહીં થાય."
સુભાષ પણ મીઠુ હસ્યો અને બોલ્યો "ચાલને ઠીક છે, જો આપ કહે, એમ કહેતા ફરી પ્યાલા ભરી લીધા."
કહેવતો અમસ્તા જ નથી બનતી. દારૂ હાથીનાં પેટમાં પણ બોલે માણસની શું વિસાત? થોડીવારમાં તો બંને ભાઈબંધો નશામાં ધુત થઈ ગયા. ઝૂમવા લાગ્યા, ગાવા લાગ્યા.
એટલામાં નવીનનું ધ્યાન ઘડિયાળમાં ગયું અને થોથરાતાં અવાજે બોલ્યો "ચાલ ભાઈ તને ઘરે ડ્રોપ કરી દઉં અને હું પણ ઘરે જાવ, ઘરે જઈ બાળકોને હજુ ફટાકડા પણ ફોડી આપવાનાં છે આટલું કહી બંને જણ ઘર તરફ જવા રવાના થયા."
'સુભાષ લે તારુ ફેવરિટ ગીત વગાડું છું' એમ કહેતા નવીને નશા શરાબમેં હોતા તો નાચતી બોટલ સોન્ગ ચડાવી કાર ને ચાલુ કરી અને ઘર તરફ બંને પોતાની મોજમાં નીકળી ગયા.
નશાની હાલતમાં નવીનને કારની ઝડપનું ભાન ના રહ્યું અને તે તો ગાયન ગાતો ગાતો ફુલ-ફાટ ગાડી ચલાવવાં લાગ્યો. અચાનક જ ધડામનાં અવાજ સાથે આગળ સાઈડમાં સાઇકલ પર જતા માણસ સાથે ગાડી અથડાઈ અને એ માણસ હવામાં ફંગોળાયો.
સુભાષ સફાળો હોશમાં આવ્યો અને બોલ્યો "અરે આ શું કર્યું તે, ગાડી સીધી કરી ભગાવ જલદી, બાકી લોકો મારી નાખશે આપણને, પોલીસ પકડશે તો બનશે આટલા કેસ ઠોકી મારશે પીયને ગાડી ચલાવવાના ગુનામાં. ભાઈ ભગાવ જલદી અહીંથી"
હેબતાઈ ગયેલા બંને મિત્રો ઘરે પહોંચ્યા. નવીનને હાંશકારો હતો કે નવી લીધેલી ગાડીની નંબર પ્લેટ હજુ આવી ના હતી અને બંને કોઈ કાંડમાં ફસાયા વગર ઘરે આવી ગયા હતા. થોડીવારમાં બંને સ્વસ્થ થઈ કંઈ થયું જ ના હોઈ તેમ પોતાના પરિવાર સાથે દિવાળી ઉજવવાં લાગ્યા.
શહેરની ભાગોળે આવેલ ઝૂંપડપટ્ટીમાં પણ દિવાળીનો ઝળહળાટ દેખાતો હતો. લક્ષ્મી પોતાની ઝૂંપડીમાં બેઠા બેઠા કોડિયામાં દીવા કરવાં રૂની વાટો બનાવી રહી હતી. આજુબાજુમાં બે ટેણીયા માઁ ફટાકડા ફટાકડાનું રટણ કરતા જીદ કરી રહ્યા હતા.
એટલામાં લક્ષ્મી ખીજાતા બોલી "અરે શાંત થઈ જા
વ ગાંડાવ, હમણાં તમારા બાપુ આવતા જ હશે કરિયાણું અને તમારા માટે ફટાકડા લઈને."
આ તરફ રસ્તા વચ્ચે લોહી-લુહાણ હાલતમાં પડેલો મગન હતો. બે-ત્રણ ફુલઝારનાં પેકેટ અને થોડા ફટાકડા આજુબાજુમાં વેરાયેલા હતા. એક નાના પાઉચમાંથી તેલ જેવું પ્રવાહી તૂટેલું પડ્યું હતું. ફાટેલી થેલીમાંથી થોડા શાકભાજી વેરાયેલા પડ્યા હતા. આજુબાજુ લોકો જમા થઈ ગયા. કોઈ પોલીસને બોલાવવા સલાહ આપતું તો કોઈ એમ્બ્યુલન્સને. અમુક લોકો મોબાઈલથી ફોટા ખેંચવામાં વ્યસ્ત હતા. મગનનાં માથાનાં ભાગ પર ગંભીર ઈજાઓ થઈ હતી. થોડીવારમાં તો મગનનાં માથા નીચે લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું.
એટલામાં એમ્બ્યુલન્સનો અવાજ આવ્યો. ધડા-ધડ સ્ટ્રેચર લઈને બે કમ્પાઉન્ડર અને એક ડોક્ટર નીચે ઉતરી મગન પાસે આવ્યા. ડોકટરે મગનનાં ધબકારા તપાસી તેને મૃત જાહેર કર્યો. થોડીવાર પોલીસ પણ ત્યાં આવી અને પંચનામું પતાવી પ્રાથમિક રિપોર્ટ નોંધી. મગનની લાશને એમ્બ્યુલન્સમાં સરકારી દવાખાને લઈ જવાઈ.
"અહીંયા લક્ષ્મી કોણ છે?" તોછડાઈ વાળી ભાષામાં કોન્સ્ટેબલ બોલ્યો.
"હું છું સાહેબ" દબાઈ ગયેલા અવાજે લક્ષ્મી બોલી.
"ચાલો તમારે સરકારી દવાખાને આવવાનું છે, તમારા મરદ અકસ્માતમાં મરી ગયા છે. લાશ લઈ જાઓ." રજાઓનાં દિવસોમાં પરાણે ડ્યુટી કરતો હોઈ તેમ લાપરવાહીથી કોન્સ્ટેબલ બોલ્યો.
લક્ષ્મીનાં બાળકો કંઈ ના સમજ્યા પણ લક્ષ્મી પર તો આભ જ તૂટી પડ્યું. બાળકો સામે ના રડાયું કે કોન્સ્ટેબલ સામે ના ભઠાયું. કદાચ લક્ષ્મીની હાલત તે સમયે એક તે પોતે અને બીજો ભગવાન જ જાણતા હશે. લક્ષ્મી ડૂસકા દબાવતી આંસુઓ લૂછતી જેમ તેમ હોસ્પિટલ પહોંચી અને પતિની ક્રિયાઓ પતાવી. પ્રકાશનાં શુભ પર્વે એક પરિવાર અંધકારમાં હોમાઈ ગયો.
શું થયું હશે મગનનાં પરિવાર સાથે આગળ. કદાચ છોકરાનાં પેટ ભરવા લક્ષ્મીને પણ ઠોકરો ખાવી પડતી હશે. કદાચ ફટાકડા માટે ઝંખતા બાળકો મજૂરીમાં ધકેલાઈ ગયા હશે. તેલની રાહ જોઈ રહેલા કોડિયા તૂટી માટી બની ગયા હશે. ઉજાળો ઉજવતો પરિવાર અંધકારને ચાહવા લાગ્યો હશે.
પોતે રોશની કરો કે નહીં પણ બીજાનાં કોડિયામાં સળગતી જ્યોતને ફૂંક ના મારશો. તમે મારેલી ફૂંક કદાચ કોઈના જીવનમાં અંધારું કરી શકે છે.