ચ્હા કે ચાહ
ચ્હા કે ચાહ
આમ તો ચંદુની તે ટપરીની ભૌતિકતાનું વર્ણન કરવું આસાન છે પણ તે ભૌતિકતા વચ્ચે છૂપાયેલ કોતરાયેલ કે સચવાયેલ હજારો લાગણીઓ ઈમોશન્સનું વર્ણન કરવું અઘરું હતું.
જ્યાં એક કટિંગમાં શરૂ થતી પ્રેમ કહાનીઓ પણ રચાઈ છે, જ્યાં કટિંગના સથવારે ભવિષ્યનાં અભરખા પણ સેવાયા છે, જ્યાં કેટલીય નિષ્ફ્ળ પ્રવાસ ટ્રીપ પ્લાન થઈ છે, જ્યાં કેટલાય સપનાઓયે આકાર લેવાની શરૂવાત કરી છે.
એક લંબચોરસ પેસેજમાં ચાર ટેબલ, પ્રત્યેક ટેબલની આસપાસ 3-3 ખુરશી ગોઠવેલી, એ નાનો પેસેજ પૂરો થતાજ પતરાથી બનાવેલી કેબિનમાં ચંદુની બધી જ સાહ્યબી. આદુ,ફુદીના અને ઈલાયચી આ ત્રણ બ્રાન્ડની ચ્હા ચંદુ ભાવથી પીવડાવે.
ચંદુની ચ્હાનું વર્ણન શબ્દોમાં તો નહીં થાય મારાથી પણ જો કલ્પના કરું તો સમુદ્રમંથન સમયે દેવતા અને દાનવો જે અમૃતનાં પ્યાલા માટે જંગે ચડ્યા હતા તે કદાચ આ ચંદુની ચ્હા જેવો જ ચમત્કાર હશે. કદાચ સુશેન વૈધે લક્ષમણ પ્રભુને સંજીવની જગ્યા આ ચંદુડાની ચ્હા પીવડાવી હશે. બસ આનાથી વધુ વર્ણન કરવાં બેસીશ તો ચ્હા ઠરી જશે.
આમ તો ચંદુને ત્યાં કેટલાય ગ્રાહકો આવતા હશે પણ મારે થોડો અલગ સંબંધ. ચંદુને ટપરી બંધ કરવાનો સમય થાય ત્યારે જ હું જતો. ચંદુમાં એક કળા બીજી પણ હતી. તે વાતો પણ તેની ચ્હા જેવી જ ચમત્કારિક કરતો. એટલે જયારે હું જાવ ત્યારે મસ્ત ચાનાં બે પ્યાલા તૈયાર રાખે અને ટપરીની સ્ટોરી ટોપિક પર ચંદુનાં મોઢે વાતો શરૂ થાય.
આજે તમને પણ ચંદુની વાતો વાર્તા કે અનુભવ કહો તેનાં મુખેથી સંભળાવું. દર્શકો તમારા માટે બ્રોડકાસ્ટનો પ્રવાહ ટપરી પરથી. હવે પછીની વાતો હશે મારી અને ચંદુ વચ્ચે.
આવો આવો મનનભાઈ તમારી જ રાહમાં આ ચાહ ઉકલી રહી છે. આજે છેલ્લા ખૂણાનાં ટેબલે બેસીએ. ત્યાંની એક વાર્તા તમારી હારે શેર કરવી છે. ચાલો ચંદુ શેઠ બેસીએ ત્યારે ત્યાંજ.
હું ચંદુ અને ચાહનાં પ્યાલા ગોઠવાયા છેલ્લા ટેબલ પર.
ચંદુ તું કઈ પણ શરૂ કરે તે પહેલા મારા સવાલનો જવાબ આપ. "તું ચ્હા ને ચાહ શું કામ બોલે છે ?"
વાહ મનનભાઈ મસ્ત સવાલ. પણ આનો જવાબ તમને આજની વાર્તાનાં અંતે મળી જશે એ વાયદો આપડો ચ્હાની ચુસ્કી લેતા ચંદુ બોલ્યો.
મનનભાઈ તમારી આંગળી આપો મને. ચંદુએ આંગળી પકડી ટેબલ પર ફેરવી જાણે કંઈક લખતો હોઈ પણ મને ખરબચડુ લાગ્યું.
પછી ફ્લેશલાઈટથી ચંદુએ આંગળી ફેરવેલ જગ્યા બતાવી અને કીધુ
ં જો મનનભાઈ એક સમયે આ દિલમાં કોતરેલા અક્ષર આ ટપરીની શાન હતા.
મે ધ્યાનથી જોયું તો ટેબલ ઉપર એક દિલ આકારમાં 'સી' અને 'એમ' લખેલા હતા. અને મને ઝબકારો થ્યો અને બોલ્યો અરે વાહ ચંદુ સી કોનો છે તે તો સમજાયું પણ આ 'એમ.' તું પણ છુપ્પારુસ્તમ નીકળ્યો હોં.
અરે મનનભાઈ આવુ કઈ નથી આ કહાની તો ચંદન અને મીનુની છે.
સામે જે મીઠીબાઈ કોલેજ આવી છે ને ત્યાં જ બંને અભ્યાસ કરતા હતાં. ચંદન એટલે ખુબ પ્રતિષ્ઠિત બ્રાહ્મણ કુટુંબનો છોકરો અને મીનુ એટલે વાલ્મિકી સમાજની મધ્યમ વર્ગીય છોકરી.
બસ હવે તેમને પરિવારે ભેગા નૈ થવા દીધા હોઈ વગેરે વગેરે એમજને ચંદુ? હું વચ્ચે ટપારતા બોલ્યો.
'અરે અરે પ્રભુ સાંભળો તો ખરા. બસ આ જ વાંધો છે અત્યારની પેઢીમાં, તરત ક્લાયમેક્સ ઉપર આવી જાય છે'. ચંદુ હસતા હસતા બોલ્યો
સમાજમાં પ્રવર્તતા દુષણોને આ પંખીડાએ જાણે રદિયો આપી દીધો. હજુ પણ નીચી જાત વાળાને દૂર બેસાડવામાં આવે છે. તેમનાં વાસણો અલગ રાખવામાં આવે છે. તેમને અડકવામાં નથી આવતા. ત્યારે ચંદન કહેતો કે ચંદુ એકજ પ્યાલામાં ચ્હા આપજે આજે મારે અભડાઈ જવું છે. આજે મારે દુષિત થઈ જવું છે.
લે મીનુ પહેલા તું ચ્હા ની ચુસ્કી લે પછી હું તારી ચાહની ચુસ્કી લઈશ. તારા સ્પર્શ માત્રથી આ ચ્હા ચાહ બની ગઈ મારા માટે. તારા હેતથી દુષિત અને તારા પ્રેમમાં જીવનભર અભડાઈ જવું છે. લે મીનુ તું ચુસ્કી લે.
આજે પણ જયારે ચંદન અને મીનુ આ વિસ્તારમાંથી પસાર થાય ત્યારે આ ટેબલે આવી જૂની યાદો જરૂરથી વાગોળે છે.
એટલે ચંદુ તે બન્ને સાથે છે ? હું આશ્રર્યથી બોલ્યો.
સાથે પણ છે અને ખુશ પણ છે. સમાજથી પ્રતાડીત માણસો માટે એનજીઓ ચલાવે છે. ચંદુ ગર્વથી બોલ્યો.
જયારે તેમનાં સફળ જીવનની શરૂઆત થઈ ત્યારે ચંદને મને કીધું હતું તારી ચ્હાનાં લીધે જ મારી ચાહ બરકરાર છે. તું ચ્હા નહીં ચાહ બનાવે છે. વહેંચે છે. ફેલાવે છે.
સમજદારને શિખામણ ના જ હોઈ મનનભાઈ બસ આ વાર્તામાંથી એક જ વસ્તુ શીખવા જેવી કે નાત જાત ફકત એક જ હોવી જોઈએ તે છે માણસાઈ. તેનાથી ઉપર બીજું કઈ નથી. અહીંયા કેટલાય દિલ સંધાતા પણ જોયા છે અને તૂટતાં પણ જોયા છે. બસ મારું તો એક જ કામ છે ચાહ પાથરવાનું. આશા રાખું તમને તમારા સવાલનો જવાબ પણ મળી ગ્યો હશે.
ચાનાં કપ લઈને ચંદુ ઊભો થ્યો અને હું પણ રવાના થ્યો અનંત પથ ઉપર.