Kalpesh Patel

Drama Tragedy Inspirational

5.0  

Kalpesh Patel

Drama Tragedy Inspirational

નિયતિ

નિયતિ

6 mins
1.8K


કેલિફોર્નિયાના બે એરિયાની ચકાચોંધ વચ્ચે નિયતિ દિવસે દિવસે માનસિક તણાવમાં તણાતી જતી હતી. સોમથી શુક્ર ગધ્ધાવૈતરા જેવી વોલમાર્ટની દસ કલાકની સ્ટેન્ડિંગ એન્ડ લિફ્ટિંગની જોબ. તેનો ડોલરિયા દેશના ગ્રીનકાર્ડ ધારક નકુલ દરબાર સાથે કરેલા લગ્નજીવનનો પહેલો દસકો થવા આવ્યો હતો. સતત દસ વરસ નિયતિએ તૂટી રહેલી ખોટી અમેરિકાની છબીના ઝટકા ખમ્યા, તેના વસવસા કરતાં તે માતૃત્વ પામી શકી નહીં એ વાતનો વરમો વસવસો હતો.

અમેરિકાની આધુનિક સારવાર, રવિવારની મંદિરની નિયમિત મુલાકાતો ” – તો ક્યારેક વતનથી એક્સપ્રેસ કુરિયરથી મંગાવેલ “દોરા –ઘાગા ”,તેમજ “હકિમ – ફકીર” ના કુંકેલા પાણી જેવા બધા તેના સાસુ આશાબહેનના પ્રયત્નો કરવા છતાં નિષ્ફળતા મળી. નકુલ આજે પણ તેના તરફ ઢળેલો હતો અને નિયતિનું દાંપત્ય જીવન સુખેથી ચાલતું રહેતું, પરંતુ તેની સાસુ “આશાબહેન”ની દરબાર કુટુંબના વારસદારની આશા અજેય હોવાથી રોજની કટ-કટથી તેના લગ્ન-જીવનમા ઘીમી રફતારે ભંગાણ પડતું ગયું. નકુલે તેની માતાને રાજી રાખતા તેના લગ્નજીવનનો અંત આવ્યો.

આટલા સમય દરમ્યાન તેમની પુત્રવધૂ દરબાર કુટુંબને વરસદારમાં એક પણ બાળક ન આપી શકી એટલે નિયતિને, આખરે આશાબહેનના વારસદારના દીવડામાં તેલ પૂરતા, નકુલે, નિયતિને એક વીકએન્ડની મંદિરની મુલાકાત પછી તરછોડી મૂકી.

પરદેશમાં નિયતિ આ અણધારેલ સંજોગોમાં સાવ એકલી પડી ગઈ. અમેરિકામાં રહેતા ભાઈએ ભાભીને ઈશારે બગલ બતાવતા હાથ ઊંચા કરી દીધા અને કહ્યું કે, બહેન, તું મને અહીં અમેરિકા લાવી અને મારી ઉપર ઉપકાર કર્યો તે ખરું. પણ તું તો જુએ છે મારુ ઘર કેટલું નાનું છે.. પણ તારે.. અમારી સાથે રહેવું હોય તો, તું મારા ગરાજમાં રાંધી ખાઈને રહી શકે છે. નિયતિ સ્વાભિમાની હતી, જેવી વિધાતાની મરજી, એવું માની, તેણે વર્કિંગ વુમન હોસ્ટેલમાં એકલા રહેવાનું પસંદ કર્યું.

નિયતિ હવે વોલમાર્ટની નોકરી સિવાય ફાઝલ સમયમાં તેના બ્લોકમાં બૂટિક ચલાવીને સ્વમાનથી રહેતી ધીરે ધીરે પરિસ્થિતિ સામે સમાધાન કરી પગભર થઈ જીવન જીવવા લાગી. નવરાશની પળોમાં તેને ક્યારેક એકલતા ભરડો લેવા લાગતી. હવે તે નવરાશની પળે ઈન્ટરનેટના સહારે હતી. એક દિવસ સર્ફિંગ દરમ્યાન “વી કેરયુ ડોટ કોમ” પ્રાણીક હિલિંગની સાઈટ ઉપર તેને જોડાવવા માટે મોબાઈલ ઉપર ઝૂમ મિટિંગની લિન્ક મળી. અને સાવ કુતુહુલની અવસ્થામાં તે લિન્ક તેનાથી ક્લિક થઈ ગઈ ત્યાં, એક દેશી યુવાન, સોનેરી ચમકતા સિંહાસન ઉપરથી ગુજરાતીમાં ઝૂમ મિટિંગ ઉપર વર્ક-શોપ ચલાવી રહ્યો હતો આ દરમ્યાન તેના જેવા ઘણા તે દિવસે ઓનલાઈન પ્રસારણનો હીસ્સો બનેલા હતા. વિચારહીન નિયતિ શાંતિથી ઈયર પ્લગ દ્વારા તે લાઈવ-પ્રવચન સાંભળવા જોડાઈ.

“જીવનની કોઈ પણ પરિસ્થિતિમાં મનુષ્યે હાર ન માનવી જોઈએ. યાદ રાખો...આ જગતમાં તમે ધારો તે મેળવી શકો છો !....દુ:ખી ન થાવ..તમે ભલે ખાલી હાથે આવ્યા છો પરંતુ, તમે ધારો તે તમારા હાથ કરી શકો છો ? શું સાથે લઈ જવાના છો તેવું વિચારી તમારી ઈચ્છાને દબાવો નહીં. મારા આશીર્વાદથી સૌ સારાવાના થશે ! દુઃખો ક્ષણ-ભંગુર છે, તે આજે છે કાલે નથી. ભૂતકાળની ભીતિ અને ભવિષ્યનો ભય છોડો, મારા “દિવ્ય મેરૂદંડ”ની કૃપા તમારી ઉપર રહેશે. અમારે શરણે આવો, જીવનમાં હંમેશા તાત્કાલિક સકારાત્મકતાનો અનુભવ થશે જ ".

ઈન્સ્ટ્રક્ટરના હૂંફાળા શબ્દો, નિયતિના સળગતા મનને શીતળતા આપવા લાગ્યા. તે દિવસનું પ્રવચન પત્યું ત્યારે નિયતિ એક અલગ જ વિશ્વમાં વિચરતી હોય એવી અનુભૂતી તેના અંતર મનમાં થઈ આવી.તેને સેશનના સંચાલક મેરૂ દંડ ધારણ સોનેરી હીરા જડિત ચશ્માની પાછળ પાણીદાર આંખ સાથે પ્રવચન કરતા રાસબિહારી સ્વામીના અવાજના પડઘા તેના કાને પડતાં હતા. નિયતિએ મનોમન ક્ષણિક રાહત સાથે તે દિવસે “દિવ્ય મેરૂદંડ”ની ધન્યતા અનુભવી. અને સહજમાં લિન્કને સબક્રીપશન નોટિફાય કરી ટોકન રજીસ્ટ્રેશનનો એક ડોલર પણ તેના ક્રેડિટ કાર્ડથી ચૂકવી દીધો.

 હવે રોજ સાંજે નિયતિના બ્લોકના વાતાવરણમાં ધૂપ અગરબત્તીની અવેજીમાં એર ડીફ્યૂઝરથી સુગંધ પ્રસરાવી “વી કેર યુ” સાઈટને જોઈન થાય. નિયતિ કોઈના હિપ્નોટિઝમ હેઠળ તેનું મન પાવન થતું સમજતી હતી. સ્વચ્છ અને સાત્વિક અને પાછા ગુજરાતીમાં અપાતાં પ્રવચનના સેશન ગમી ગયા. અમેરિકાની એકલતા કોરી ખાનાર નવરાશના સમયમાં નિયતિ આ પ્રવૃત્તિ સાથે જોડતા, તેને કોઈ એકલતાનો ભાર હવે હળવો થઈ ગયો હતો. રાસબિહારી સ્વામીજી દ્વારા થતી નવા નવા વિષયોની સરલ ભાષામાં રજૂઆતથી “ઝુમ સેશન”માં જોડાવનાર એક અગમ્ય નશામાં જકડાતા હતા.

ઝુમ સેશનના સમાપન દરમ્યાન નવા જુના બધા સભ્યો દ્વારા કરાતી કોમેન્ટ ઉપર રાસબિહારી સ્વામીજીના કોમ્પુટરનું ક્રશર ફરતું અને નિયતિએ કરેલી કોમેન્ટ પર અટકી જતું અને તેને અચૂક જવાબ આપતા.

એક દિવસે સાંજે રાસબિહારી સ્વામીજી તરફથી નિયતિને તેના પ્રાઈવેટ સેલ નંબર પર ઝુમ મિટિંગમાં ઓનલાઈન થઈ પોતાની આપવીતી કહેવા લિન્ક અને પાસ વર્ડ મોકલી સૂચન કર્યું. નિયતિ વધુ વિચારે ત્યાં તેના મોબાઈલ પર એક કોલ આવ્યો, આવાજ રાસબિહારી સ્વામીજીનો હતો. સંમોહિત અવાજથી નિયતિ તેના મગજનો કાબૂ ખોઈ ચૂકેલી હતી. આખરે તેણે તેની આપવીતી કહીં સંભળાવી.

પાર્શ્વસંગીત મિશ્રિત સિસ્ટમ રેકોર્ડ ઘેરા અવાજમાં નિયતિને ઉપદેશ આપતી સાઉન્ડ કેપસુલ ચાલુ થઈ

“ જે થવાનું હતું એ થઈ ગયું. આજથી તમને નવું જીવન મળશે. તમે સાચા સરનામે આવ્યાં છો. કલ્યાણ થાઓ.. મારા “દિવ્ય મેરૂદંડ”ની કૃપા હંમેશા તારી ઉપર છે દીકરી, હવે જ્યારે તું મારા શરણે છે ત્યારે, દુનિયા તારા પગમાં હશે.”

નિયતિ તો આવો ત્વરિત હિલિંગ મેસેજ પામીને ધન્ય ધન્ય થઈ ગઈ.

નિયતિ માટે આ રોજિંદો ક્રમ ચાલુ થયેલો હતો, તેમાં એક રવિવારે સવારે બ્લોકનો ડોર બેલ વાગ્યો અને જોયું તો એક પાર્સલ લઈ કુરિયરવાળો આવેલો, નિયતિને નવાઈ લાગી, તેણે કઈ ઓર્ડર નથી કર્યું, તો પાર્સલ ક્યાંથી ? તેણે કુરિયરવાળાને કહ્યું, ભાઈ તમે ખોટી જગ્યાએ આવ્યા છો.. મારો કોઈ ઓર્ડર પેન્ડિંગ નથી..! ત્યાં કુરિયરવાળાએ નિયતિનો ફોન નંબર જણાવી કહ્યું.. મેમ ઈંડિયાથી કોમ્પ્લીમેન્ટ્રી પાર્સલ રિકવેસ્ટ છે... હું યોગ્ય જગ્યાએ છું.. પ્લીજ તમારા મોબાઈલના મેસેજ ઈન બોક્સમાં લિન્કમાં રિસીપ્ટ કન્ફર્મ કરો, આ એક્સપ્રેસ તાઝા ફૂલના બુકેનો ઓર્ડર હોવાથી,તે બગડે નહીં માટે ડિલિવરી કરવા પહેલ વહેલો તમારે ત્યાં આવ્યો છું. મારે હજુ ઘણી જગ્યાએ જવાનું છે, માટે જલ્દીથી મને છૂટો કરો તો સારું. નિયતિએ એક નજર તે પાર્સલ ઉપર નાખી ને જોયું ફ્રોમ “wecareu.com” નું ટેગ જોયું, અને સંમોહિત અવસ્થામાં તેણે તેના મોબાઈલમાં આવેલ લિન્કને રિસીવ કરી ફૂલનો બુકે મેળવી તેના બેડ રૂમના વાઝમાં મૂકી મનોમન ધન્યતા અનુભવી સૂઈ ગઈ. તે દિવસ પછી “wecareu.com”તરફથી ક્યારેક પરફ્યુમ, તો ક્યારેક તરફથી આવતી સોપ જેવી મફતમાં નાની મોટી “ફોરમલ્સ ” નિયતિને રાસ આવી ગઈ હતી.

નિયતિને સમય જતાં હવે પોતાના વિચારો વ્યક્ત કરવા મંચ ઉપર આવવા ઓફર મળતી થતી. સક્રિય સેવીકાઓની ટિમમાં નિયતિનો પણ સમાવેશ થયેલો હતો. નિયતિતો પહેલેથી જ સાઈટ ઉપર પ્રસારિત થતી મીઠી વાણીથી પ્રભાવિત હતી. આ વળગણ યોગ્ય છે કે અયોગ્ય એ નિયતિને નહોતું સમજાતું,પણ તે એક સાત્વિક પવિત્ર પ્રવૃતિ સાથે જોડાઈ છે તેનો.. તેને આનંદ હતો. તેટલાથી તૃપ્ત થઈ. રાસબિહારી સ્વામીજીએ તેણે ઝુમ મિટિંગ લીડ કરવા કહ્યું, પરંતુ વર્ક લોડના લીધે તે વધારે સક્રિયતાથી દૂર હતી. નિયતિ કામની પળોમાં પણ હવે સાઈટ-સમુદાયના મેસેજ રિસીવ કેવી રીતે કરવા તે વિચારોમાં વિચરતી રહેતી. પરંતુ આ દરમ્યાન તેની અંગત ક્ષણોની અને આર્થિક – કે સામાજિક હિલચાલ આ બધું એક ગુપ્ત નજરમાં કેદ થતું રહેતું હતું એ વાતથી નિયતિ સાવ અજાણ હતી.

એક દિવસ જ્યારે તેનું ક્રેડિટ કાર્ડ અને બેન્ક એકાઉન્ટ લિન્ક્ડ ખાતાનું સ્ટેટસ અપડેટ કરાવવા તેના બેન્કર પાસે ગઈ ત્યારે.... નિયતિની નજર પહોળી થઈ ગઈ. નિયતિની આંખે અંધારા આવી ગયા… એ બેન્કના કાઉન્ટર પાસે જમીન પર ફસડાઈ પડી.

બઁકના મેનેજરે તાબડતોબ પાણી છાંટ્યું... અને બોલ્યો “બેન આવા મામૂલી કામ માટે નાહકનો બેન્ક સુધી ધક્કો ખાવ છો, તમે તો ઓન લાઈન ટ્રાન્જેક્શનમાં રેગ્યુલર અને સક્રિય છો... મેનેજરનું આવું સાંભળતા નિયતિ પાછી મૂર્છા અવસ્થામાં સરી ગઈ.. ત્યાં તેના ફોનમાં મેસેજ એલર્ટ આવ્યો.. મેનેજરે જોયું તો સ્ક્રીન ઉપર.. ઈન બોક્સમાં મેસેજ હતો..

“દુ:ખી ના થાવ “ ….જે થવાનું હતું એ થઈ ગયું. આજથી તમને નવું જીવન મળશે. તમે સાચા સરનામે આવ્યાં હતા. કલ્યાણ થાઓ.. મારા “દિવ્ય મેરૂદંડ”ની કૃપા હંમેશા તારી ઉપર રહેશે દીકરી ” હવે જ્યારે તું મારા શરણે છે ત્યારે, દુનિયા તારા પગમાં હશે ….. સૌ સારાવાના થશે. દુઃખો ક્ષણ-ભંગુર છે”

ગુજરાતીમાં મેસેજ જોઈ બેન્કનો મેનેજર હજુ વિસ્મય થયેલો.... આખરે તેણે નિયતિની “કે. વાય. સી”.. ડિટેઈલના સહારે નકુલને ફોન લગાવી. નિયતિની હાલતથી વાકેફ કર્યો. નકુલ આવ્યો ત્યાં સુધીમાં નિયતિને હવે “નિયતિ ” ની સાચી મરજી ખબર પડી ગયેલી હોઈ, તે આવી પડેલા આર્થિક ઝટકાની કળ ખાઈ સ્વસ્થતા મેળવી ચૂકી અને નકુલને ઈગનોર કરવા સક્ષમ હતી.


Rate this content
Log in

Similar gujarati story from Drama