નિષ્ફળ સફળતા
નિષ્ફળ સફળતા
ટ્રાફિક સિગ્નલ પાસે પોતાની નવી નક્કોર બાઈક પર ગર્વભેર સવાર સુનિલની નજર અચાનક જ બાજુમાં ઊભેલી આલિશાન કાર પર પડી. સુનીલ અને એ કાર ચાલકની નજર મળતા જ બંનેની આંખોમાં ચમક આવી ગઈ. કારચાલક તરત જ પોતાની બારીના કાચ ખોલીને બોલી ઉઠ્યો," અરે સુનિલ, બહુ સમય પછી દેખાયો." ગાડીમાં એના સ્કૂલ અને કોલેજ સમયનો મિત્ર મિહિર બેઠો હતો. સિગ્નલ ખુલતાની સાથે જ બંને જણાએ પોતાનું વાહન રોડની બાજુ પર કર્યા અને એકબીજાને મળ્યા. મિહિરનું ઘર નજીકમાં જ હોવાથી એણે સુનિલ ને પોતાના ઘરે આવવાનો આગ્રહ કર્યો. થોડી જ વારમાં બંને જણા મિહિરના ઘરે પહોંચ્યા. મિહિરનો આલિશાન બંગલો જોઈ ને સુનિલની આંખો પહોળી થઈ ગઈ. બંને વચ્ચે મિત્રતા ખૂબ જ સારી હતી માટે સુનિલે એકદમ સહજ ભાવથી મિહિર ને પૂછી નાખ્યું," અરે મિહિર, આપણે બંને જણાએ સાથે જ ડિગ્રી મેળવી અને લગભગ સાથે જ પોતાની કારકિર્દીની શરૂઆત કરી તો પણ તે ખૂબ જ ઓછા સમયમાં ખૂબ જ સારી પ્રગતિ કરી લીધી. મને પણ આટલી જલદી સફળ થવાનો કોઈ મંત્ર બતાવો ને. જવાબ મિહિર એ પોતાની આંખો ચડાવી અને માથું હલાવતા બોલ્યો," અરે ભાઈ જલદી પ્રગતિ કરવી હોય તો થોડું આઘું પાછું કરવું પડે. અને એ તારા જેવા સીધીલીટીના માણસનું કામ નહીં." અરે આઘુ પાછું એટલે શું ? સુનિલ એ પૂછ્યું." અરે એટલે વન ટુ કા ફોર અને ફોર ટુ કા વન" સમજ્યો ? કહીને મિહિર ખડખડાટ હસવા માંડયો. સુનિલને એ તો ખ્યાલ આવી જ ગયો કે મિહિર કોઈ ખોટા ધંધા કરતો હશે.
જીવનમાં પ્રગતિ કરવા માટે ઊંધા રસ્તે જવાનો માર્ગ સુનિલ મંજૂર ન હતો. એ પહેલેથી જ ખૂબ જ સરળ, પ્રમાણિક અને નૈતિકતા ધરાવતો વ્યક્તિ હતો. સુનીલના ચહેરાના હાવભાવ પરથી મિહિરને ખ્યાલ આવી ગયો કે સુનીલની વાતથી સહમત નથી. મિહિરે કહ્યું, જો ભાઈ, જીવનમાં ઝડપથી આગળ વધવું હોય અને પ્રગતિ કરવી હોય, પોતાના અને પોતાના સંતાનોના ભવિષ્યને સુરક્ષિત કરવા હોય, તો ધંધામાં થોડું આમતેમ તો કરવું જ પડે. પ્રામાણિકતા અને નૈતિકતા જેવી વાતો આજના જમાનામાં માત્ર પુસ્તકોમાં જ શોભે, વાસ્તવિક દુનિયામાં નહીં." સુનિલ હજી પણ મિહિરની વાતથી સહમત ન થયો પરંતુ એના મનમાં એક વિચાર આવી ગયો કે કદાચ મિહિરની વાત સાચી તો નથી. જ્યારથી સ્કૂલમાં ભણતો હતો ત્યારથી મિહિરને ઓળખું છું. પરીક્ષામાં નકલ કરીને પાસ થવું, એના માટે કોઈ નવી વાત ન હતી. કોલેજ સમયમાં પણ પોતાની વાક્ચાતુર્યતાથી છોકરીઓને પોતાની માયાજાળમાં ફસાવી લેવી એના માટે કોઈ નવાઈની વાત ન હતી. એ હંમેશા મનમોજી અને પોતાની શરતો પર જીવન જીવવાવાળો વ્યક્તિ રહ્યો છે. જેને ના તો કોઈ નિયમ લાગુ પડે છે કે ના તો કોઈ સિદ્ધાંત. ખોટા રસ્તે ચાલવા છતાં પણ એને ક્યારેય દુઃખી નથી જોયો અને અત્યારે પણ મારા કરતાં વધુ સુખી છે. શું હું સત્યના માર્ગ પર ચાલીને કોઈ ભૂલ તો નથી કરી રહ્યો ? પછી તરત જ બીજી ક્ષણે એની અંતરઆત્મા એ એને એની વાતનો જવાબ આપ્યો કે જીવનમાં પ્રગતિ થવી એટલે માત્ર પૈસા વધુ હોવા એ જ નથી. વધતી ઉંમરની સાથે માનસિક શાંતિ અને આંતરિક સુખ હોવું એ પણ પ્રગતિનો જ એક ભાગ છે. રાત પડી શાંતિથી ઊંઘ આવી જાય એનાથી વધુ સુખ શું હોઈ શકે ?
થોડા સમય પછી બંને મિત્રો વાતચીત કરીને કરી એકબીજાને મળવાનું વચન આપીને છુટા પડ્યા. એ વાતને થોડો સમય વીતી ગયો પછી એક દિવસ અચાનક સુનિલે જેવું સવારે ન્યૂઝપેપર હાથમાં લઈને વાંચ્યું એના પગ નીચેથી જમીન ખસી ગઈ. સમાચારમાં હતું કે મિહિર કોઈ મોટા કૌભાંડમાં ફસાયો હતો. એના ઘરે ઇન્કમટેક્સની મોટી રેડ પડી હતી અને સરકારે એની બધી પ્રોપર્ટી જપ્ત કરી લીધી હતી.એને જેલના સળિયા ગણવા દિવસો આવી ગયા હતા. સુનિલને સમાચાર વાંચીને ખૂબ જ દુઃખ થયું. એના મિહિરના પરિવારને સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ મિહિરનો ફોન તો પોલીસે જપ્ત કરી લીધો હતો અને એના ઘરમાં તાળું લાગી ગયું હતું.
થોડા સમય પછી અચાનક જ રસ્તામાં એને મિહિરના છોકરાને ભિખારી જેવી હાલતમાં જોયો. ત્યારે એને ખબર પડી કે મિહિરના જેલમાં ગયા પછી એની પત્નીને હૃદયરોગનો હુમલો થયો હતો અને એની તબિયત ખૂબ જ બગડી ગઈ હતી. ઘરમાં પૈસાની ખેંચ અરે ખાવાપીવાના ફાફા પડી ગયા હતા. થોડા દિવસ સગા સંબંધીઓ અને બીજા નજીકના લોકોએ મદદ કરી અને પછી ધીરે-ધીરે બધાએ મોં ફેરવી લીધા. સુનિલની પત્ની અને બાળકની હાલત કચરામા રહેતા ભિખારી જેવી થઈ ગઈ હતી. સુનિલને પોતાની મિત્રની અને એના પરિવારની દશા જોઈને ખૂબ જ દુઃખ થયું. પણ આજે એને એક વાતની ખાત્રી થઈ ગઈ કે જીવનમાં એણે જે પ્રમાણિકતા અને નૈતિકતાનો માર્ગ અપનાવ્યો હતો એ જ જીવન જીવવાનો સાચો માર્ગ હતો. અપ્રમાણિકતા અને અનીતિથી મેળવેલું સુખ ક્ષણભંગુર હોય છે. ખોટા માર્ગ પર જઈને કદાચ પહેલા સફળતા મળી પણ જાય પરંતુ અંતમાં તો એ નિષ્ફળતામાં જ પરિણમે છે.
