Shalini Thakkar

Inspirational

4.7  

Shalini Thakkar

Inspirational

નિર્ણય

નિર્ણય

3 mins
411


આકાશમાં ચારેબાજુ રંગબેરંગી પતંગો વચ્ચે હવામાં સ્થિર ઉડી રહેલી વંશની લાલ પતંગ ને જોઈને એની પાછળ ફિરકી લઈને ઊભા રહેલા દાદા કાંતિલાલ ભાઈના ચહેરા પર આજે હંમેશ જેવો ગર્વ નહોતો દેખાતો. કદાચ આજે એમનું ધ્યાન એ સ્થિર પતંગને બદલે કોઈ બીજાજ વિચારોમાં ખોવાઈ ને અસ્થિર થઈ ગયું હતું. હંમેશા પાછળ ફિરકી પકડીને ઊભા રહેતા દાદા સાથે પતંગ ચગાવવાની તક વંશ માટે જેટલી કીમતી અવસર સમાન હતી. એટલું જ કાંતિલાલભાઈ માટે વંશની ફિરકી પકડીને એની પાછળ ઊભા રહેવું એક લહાવો હતો.

પોતાની જુવાનીના સમયમાં પતંગ ચગાવવામાં નિષ્ણાંત કાંતિલાલભાઈ પોતાના અનુભવના આધારે વંશને પડખે ઊભા રહીને ક્યારે કોની સાથે પેચ લેવી, ક્યારેક પતંગની દોરીની ખેંચ મારવી અને ક્યારે ઢીલ છોડવી જેવી સૂચનાઓ આપતા રહેતા અને વંશ પણ દાદાજી ની સૂચનાને અનુસરીને પતંગ ચગાવવામાં નિપુણ થઇ ગયો હતો. પરંતુ આજે કાંતિલાલભાઈનું મન કંઈક અસમંજસમાં હતું. હંમેશા એકબીજામાં ઓતપ્રોત થઈને સાથે મળીને પતંગ ચગાવવાની મજા લેતા કાંતિલાલભાઈ અને વંશની વિચારો ની દુનિયા આજે અલગ દિશામાં ફંટાઈ ગઈ હતી. "કોના સાથે પેચ લેવી, દોરીને ખેંચ મારું કે પછી ઢીલ છોડી દઉં ?"પોતાની બાળસહજ દુનિયામાં વિહરી રહેલું વંશનું મન આ બધા નિર્ણય લેવામાં વ્યસ્ત હતું જ્યારે સાંસારિક જીવનના કેટલાય ગૂંચવાડામાં અટવાયેલું કાંતિલાલભાઈનું મન કંઈક અલગ જ નિર્ણયો લેવામાં વ્યસ્ત હતું. "જવું કે પછી ના જવું ? શું કરવું કંઈ સમજ નથી પડતી. એ નાનો ભાઈ છે તો શું થયું ? મોટો છું એટલે હંમેશાં મારે જ નમતું જોખવાનું. એણે હંમેશા ખેંચાયેલા જ રહેવાનું અને મારે જ ઢીલ છોડવાની ?"

"દાદાજી પેલા બાજુવાળા હર્ષના પતંગ સાથે મારો પેચ લાગ્યો છે. હુ દોરીની ખેંચ મારું એટલે તમે ફટાફટ એ દોરો પાછો ફીરકીમાં લપેટી લેજો નહિતર એમાં ગૂચ પડી જશે." જેવો વંશ પોતાની સ્થિર થયેલી પતંગની દોરી ને ખેંચ મારતા બોલ્યો, દાદાજીનું મન એમના સાંસારિક ગૂંચવાડામાંથી બહાર આવીને ફિરકીના દોરાના ગૂંચવાડા લપેટવામાં વ્યસ્ત થઈ ગયું.

હાથમાં ફિરકી પકડીને વંશના પતંગની ખેંચાયેલી દોરીના ગૂંચવાડા જમીન પર પડેલા જોઈને દાદાજી ફરી પાછા અતીતમાં જતા રહ્યા." એક નાની બાબતને લઈને વાતનું વતેસર કરી નાખ્યું નાના એતો. આખરે એ મારા કરતા નાનો છે. ક્યારેક ગુસ્સામાં કઈ બોલાઈ ગયું હોય તો મોટો સમજીને એણે મને માફ કરી દેવો જોઈએ. એમાં એટલું બધું તો શું માઠું લાગી ગયું કે સગો કાકો થઈને મારી એકની એક દીકરીના લગ્ન પ્રસંગમાં પણ હાજરી ના આપી ? હવે હું પણ શું કામ એને ત્યાં લગ્ન પ્રસંગમાં જાઉં ? પણ હું જો એને ત્યાં પ્રસંગમાં ના જાઉં તો સમાજમાં કેવું લાગે ? આખરે હું મોટો છું અને મારે મન મોટું રાખીને બધું ભૂલી જઈને એના પ્રસંગમાં જવું જોઈએ."

કાંતિભાઈનું મન બગીચામાં ઉચક નીચક રમી રહેલા બાળકની જેમ ક્યારેક ઉપર ઉઠતું તો ક્યારેક નીચે પડી જતું. પોતાના નાના ભાઈ સાથે થયેલો ખટરાગ યાદ રાખીને એ બગડેલા સંબંધના ગૂંચવાડામાં અટવાઈ રહેવું કે પછી એ ગૂંચવાડાને ખોલીને સંબંધને ફરી એક નવો વળાંક આપીને ઉકેલી લેવું. વિચારોમાં મગ્ન કાંતિલાલભાઈએ ઈશ્વર પાસે કોઈ ઉકેલ માંગી રહ્યા હોય એમ આકાશ તરફ પોતાની દ્રષ્ટિ કરી.

"અરે જુઓ દાદાજી, મારી પતંગ કપાઈ ગઈ." પોતાની કપાયેલી પતંગ જોઈને નિરાશ થયેલો વંશ બોલ્યો. દાદાજીએ પોતાનું ધ્યાન વંશ તરફ કેન્દ્રિત કર્યું અને એની કપાયેલી પતંગ ને જોઈને બોલ્યા, "અરે વંશ બેટા, આ તે શું કર્યું ? તે તારી પતંગની દોરી ને ખેંચ શું કામ મારી ? તે તારો પતંગ ઉપર લઈ જઈને ઢીલ છોડી હોત તો તારી પતંગ કપાઈ ના હોતી અને હવામાં સ્થિર જ રહેતી." કાંતિલાલભાઈના મોઢામાંથી નીકળેલા શબ્દો જાણે એમને કોઈ સંકેત આપી રહ્યા હતા. એ મનોમન ફરી પોતાનું બોલાયેલું આ વાક્ય બોલ્યા, "જો તે ખેંચી લેવાના બદલે થોડા ઉપર ઉઠીને ઢીલ છોડી હોત તો તારી પતંગ કપાવાના બદલે હવામાં સ્થિર જ રહેતી." અને એમના મનમાં ચાલી રહેલી દ્વિધાનો અંત આવી ગયો.

એમના મનમાં નિર્ણય લેવાઈ ચૂક્યો હતો. "હા જરૂર નાનાભાઈને ત્યાં પ્રસંગમાં હાજરી આપીશ. અહમની આડમાં ખેંચવા કરતાં થોડી ઢીલ છોડવા મજા છે. તો જ સંબંધમાં સ્થિરતા રહી શકશે અને જીવન હંમેશા એક અવસર જેવું લાગશે. ખરેખર માણવાલાયક અવસર ! એક વિચાર માત્રથી કાંતિલાલભાઈનું મન રંગબેરંગી પતંગથી શોભી રહેલા આકાશ જેવું રંગીન અને હળવુંફૂલ થઇ ગયું. મન પર છવાયેલું કાળું વાદળ હટી ગયું અને કાંતિલાલભાઈનો મન વંશ સાથે મળીને મકરસંક્રાંતિના ઉત્સવના રંગમાં રંગાઇ ગયું.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational