નિપુણ
નિપુણ
વહેલી સવારે પાંચ વાગ્યાનો એલાર્મ વાગતા જ વર્ષા, રોજિંદા ક્રમ મુજબ પહેલેથી જ જાગૃત અવસ્થામાં આવીને પથારીમાંથી ઉભા થવા માટે એલામની રીંગના આમંત્રણની રાહ જોઈ રહી હોય, એમ તરત જ પથારીમાંથી ઊભી થઈ ગઈ અને ક્રમ બંધ કાર્યો કરવાથી તે ટેવાયેલું એનું શરીર બાથરૂમમા પ્રવેશ્યું. થોડી જ વારમાં પોતાનાં નિત્યક્રમ પતાવીને પોતાના રૂમની બહારનીકળી અને લિવિંગ રૂમનો દરવાજો ખોલ્યો. દરવાજાની બહાર અગાઉથી દૂધવાળા ભૈયા દ્વારા મુકેલ દૂધની થેલીઓ લઇને તેને રસોડા તરફ કૂચ કરી. રસોડાના પ્લેટફોર્મ પર ગેસ પાસે જઈને એણે ફટાફટ એક બાજુ દૂધ ગરમ કરવા મુક્યું, બીજી બાજુ પરિવારના બધા સભ્યો માટે ચા મૂકી, ત્રીજી બાજુ દાળ ચોખાનું કુકર ચડાવ્યું અને ચોથી બાજુ ગઈકાલે રાત્રે સમારી રાખેલું શાક ફ્રીઝમાંથી બહાર કાઢીને વધારી દીધું.
ચારે બાજુ ગેસ પર મૂકેલી વસ્તુઓ તૈયાર થવા માટે પોત પોતાનો સમય લે ત્યાં સુધી એણે ડબ્બામાંથી લોટ કાઢીને રોટલીનો લોટ બાંધી દીધો. પછી એ ન્હાવા ગઈ અને તૈયાર થઈને બહારનીકળી ત્યાં સુધી પરિવારના બીજા બધા સભ્યો પણ પથારી છોડી, ફ્રેશ થઈને ચાનાસ્તો કરવા માટે તૈયાર થઈ ગયા હતા. વર્ષાએ ફટાફટ કુકર ખોલીને એમાંથી બાફેલી દાળ કાઢીને ઉકાળવા માટે મૂકી, અને બીજી તરફ રોટલી બનાવીને મૂકી દીધી. પછી એ ઉંઘમાંથી ઉઠી ગયેલા પતિ વિનયની મદદથી ચાનાસ્તાની તૈયારીમાં લાગી ગઇ. ધીરે ધીરે બધાજ ચાનાસ્તો પતાવીને પોતપોતાના સવારના કાર્યોની શુભ શરૂઆત કરવા માટે સજ્જ થવા માંડ્યા. વ
ર્ષાએ ફટાફટ પોતાનું, બાળકોનું અને એના પતિ વિનયનુંં ટિફિન તૈયાર કરી દીધું અને બરાબર આઠના ટકોરે પર્સ લઈને ઓફિસ જવા માટે તૈયાર થઈને બહારનીકળી. વર્ષા તૈયાર થઈને ઘરની બહારનીકળવાની તૈયારીમાં જ હતી ત્યાં તો એની નજર સામે મંદિર પાસે એક હાથમાં આરતી અને બીજા હાથમાં ઘંટી વગાડી રહેલા એના સાસુમા જયશ્રીબેન પર પડી. એ સાસુ વહુ બંને સ્ત્રીના જીવન જીવવાના અભિગમ અને દ્રષ્ટિકોણ અલગ હોવાથી સ્વાભાવિક રીતે બંને વચ્ચે ઘર્ષણ તો થતું જ. જયશ્રીબેન પહેલાના જમાનાની એક કુશળ ગૃહિણી સ્ત્રી જેનું જીવન માત્ર ઘર પૂરતું સીમિત હતું જ્યારે વર્ષા આજના જમાનાની સ્ત્રી હતી. એક ગૃહિણી હોવાની સાથે-સાથે એનું એક સ્વતંત્ર વ્યક્તિત્વ હતું, એનું પોતાનું એક સપનું હતું જેને સાકાર કરવા માટે એને ઘરની ચાર દીવાલો થી બહાર પંખ પસારીને ઊડવું હતું. અને એટલે જ એક જ ઘરમાં રહેતી એ બે સ્ત્રીઓ વચ્ચે ઘર્ષણ થવું ખૂબ જ સ્વાભાવિક હતું. બંનેની અલગ સમસ્યાઓ હતી અને એમણે એ સમસ્યાનુંં સમાધાન શોધી લીધું હતું માટે સમય જતા ધીરે ધીરે બંને જણા વચ્ચે ચાલતું શાબ્દિક યુદ્ધ હવે માત્ર આંખોના ઈશારા અને ચહેરાના હાવભાવ પૂરતું જ રહી ગયું હતું.
આજે પણ વર્ષાએ એ બંને વચ્ચે થયેલા ઈશારાની ભાષાને પાર કરીને, ઘરની બધી જવાબદારીઓ નિભાવીને પોતાની ઓફીસ તરફ જવા માટે નીકળી. ઓફિસમાં પહોંચતાની સાથે જ, ચુસ્ત સમય પર હાજર રહેવાના આગ્રહી એના બોસની ચાપતી નજરને સફળતાપૂર્વક પાર કરીને પોતાના ટેબલ પર આવીને ગોઠવાઈ ગઈ. ઓફિસમાં આવીને પોતાનું સ્થાન લઇને લેપટોપ ખોલતાની સાથે જ કેટલા મેલ, મેસેજ અને પૂર્વ આયોજિત મીટીંગો એની રાહ જોઈ રહ્યા હતા. એક પછી એક ઘડિયાળને કાટે બધા જ કાર્ય કરવામાં નિપૂણ વર્ષા બધા કામ પાર પાડી રહી હતી. કામની વચ્ચે થોડો સમય કાઢીને એ ઘરે ફોન કરીને બાળકો અને ઘર વિશે માહિતી પણ મેળવી લેતી. સાંજ સુધીમાં તો ઘર અને ઓફિસના કામો કરીને લગભગ સંતૃપ્ત થઈ ગયેલી વર્ષા માટે હજી ઘરે જઈને સાંજના ભોજનનો પ્રબંધ કરવો એક મોટો પડકાર હતો.
ઓફિસથી બહારનીકળતાંની સાથે એણે ઘરે પોતાની મદદ માટે રાખેલા સોનાબેનને ફોન કરીને સાંજના નક્કી થયેલા ભોજનની પૂર્વ તૈયારી કરવા માટે સૂચના આપી દીધી અને પછી એ ભોજન માટે ખૂટતી સામગ્રીઓ લઈને ઓફિસથી ઘરે પહોંચી. ઘરમાં પગ મૂકતાની સાથે ઘરના અન્ય સભ્યોના ચહેરા કાગડોળે જેની રાહ જોઈ રહ્યા હતા. જેવી વર્ષા હાથમાં બધો જરૂરી સામાન લઈને ઘરમાં પ્રવેશી એની આઠ વર્ષની પુત્રી રિયા દોડતી દોડતી આવી અને બોલી,"મમ્મી, તું આવી ગઈ ? હું તારી જ રાહ જોતી હતી. કાલે સવારે સ્કૂલમાં મારે એક પ્રોજેક્ટ બનાવીને લઈ જવાનો છે જેમાં મારે તારી મદદની જરૂર છે. તુ જલ્દી તારું કામ પતાવી લે એટલે પછી મને મદદ કરી શકે."
વર્ષાએ પોતાની પુત્રી દિયાને સંતોષ થાય એ રીતે ચહેરા પર સ્મિત સાથે માત્ર ડોકું હલાવીને જ હા પાડી અને રસોડામાં જઈને પોતાનું એપ્રન પહેરીને, સોનાબેનની સાથે રસોઈના કામમાં વળગી ગઈ. ત્યાં જ તો એના દસ વર્ષના પુત્ર આરવ એ આવીને કહ્યું કે એની સ્કૂલમાં બીજા દિવસે વાલીઓ અને શિક્ષકો વચ્ચે મીટીંગ હતી જેમાં વર્ષાનુ હાજર રહેવું જરૂરી હતું. વર્ષા એ આરવને સ્કૂલ આવવાની પોતાની સંમતિ આપીને મનોમન બીજે દિવસે ઓફિસમાંથી એક કલાક માટે રજા લેવાનું પ્લાનિંગ પણ કરી દીધું. થોડીવારમાં જ એનો પતિ વિનય પણ ઓફિસે આવી ગયો અને પછી બધા સાથે જમવા બેઠા.
આખા દિવસની બધી જ જવાબદારીઓ પતાવીને વર્ષા પોતાના બેડરૂમમાં પલંગ પાસે ગઈ અને પોતાના ફોનમાં સેટ કરેલા એલાર્મને ફરી એકવાર ચેક કરીને પલંગ પર આડી પડી ગઈ. થાકેલા શરીરને આરામ આપવા અને બીજે દિવસે તેને સોંપવામાં આવેલી બધી જવાબદારીઓ સકુશળ નિભાવવા માટે. વર્ષા એટલે કે આજની સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવતીનારી, ઘર અને બહાર બધા કામમાં જેટલી નિપુણ એટલી જ, એના સ્વપ્ન પૂરા કરતી વખતે એના માર્ગમાં આવતા પારિવારિક અને વ્યવસાયિક અવરોધોને પાર પાડીને પોતાના લક્ષ્ય તરફ આગળ વધવામાં પણ એટલી જ નિપુણ.
