નેગેટીવ ઊર્જા
નેગેટીવ ઊર્જા
બધા લગભગ કોલેજ છોડ્યા પછી ચાલીસ વર્ષે મળ્યા. ચાલીસ વર્ષ પછી મળ્યા એની પાછળ પણ એક કારણ હતું. કારણ બધી જ બહેનપણીઓ નિવૃત્ત થઈ ગઈ હતી નોકરીમાં પણ અને સંસારમાં પણ ખાસ જવાબદારીઓ રહી ન હતી. દરેકના દીકરા દીકરીઓ પરણી ગયા હતા.
એમાંય કોષા,શેષા, અંતિમા બધા ભેગા થયેલા. પરંતુ ખોટ માત્ર પિયાશીની હતી. બધી બહેનપણીઓ એક જ શહેરમાં રહેતી હતી. ફોનના કારણે બધા એકબીજાના સંપર્કમાં રહેતા હતા. આ બધામાં પિયાશીની વાત જ અનોખી હતી. કોઈપણ બહેનપણીનો ફોન આવે તો સહેજે એકાદ કલાક વાત કરતી. એની વાતો કયારેય ખૂટતી જ નહીં. બધી બહેનપણીઓમાં એની લોકપ્રિયતા.
એના મોટા દીકરાએ એની પસંદગીની છોકરી જોડે લગ્ન કરી લીધા. ત્યારે એ દિવસો સુધી ઉદાસ રહી હતી. બધી બહેનપણીઓ એને સમજાવતી કે બીજા દીકરાના લગ્ન ધામધૂમથી કરી તારી ઈચ્છા પૂર્ણ કરજે. પિયાશીને મોટી પૂત્રવધુ પ્રત્યે નફરત હતી કારણ એ એની પસંદગી ન હતી. પરિણામ સ્વરૂપ પત્નીનું થતું સતત અપમાન દીકરો સહન ના કરી શક્યો. એક દિવસ સવારે ઉઠીને તેને પિયાશીને કહી દીધુંકે,"અમે સાંજની ફ્લાઈટમાં લંડન જઈએ છીએ. "
પિયાશી સમજી ગઈ કે એની નફરતને કારણે એને દીકરો ગુમાવ્યો છે. પણ ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું.
બીજા દીકરાને માટે એને જાતે જ છોકરી પસંદ કરી. પરંતુ એમાં એની ધારણા ઊંધી પડી. છોકરી સંસ્કાર વગરની આવી જે પિયાશીનું વાતવાતમાં અપમાન કરતી.
પિયાશી હવે ચૂપ રહેવા મજબૂર હતી. કંઈ પણ બોલે તો બીજો દીકરો પણ ગુમાવવો પડે. જયારે એની સહનશક્તિની હદ આવી ગઈ ત્યારે એ પણ સામુ બોલી. તેથી નાનીવહુએ પણ જક્ક કરી કે આપણે જુદા થઈ જઈએ.
પિયાશી નિરાશામાં ડૂબી ગઈ હતી. જયારે પણ કોઈ બહેનપણીનો ફોન આવતો ત્યારે રડીને એની વ્યથા જણાવતી. બહેનપણીઓ પણ કહેતી, "પિયાશી, કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ સુખી નથી હોતી. અમારે પણ નાની મોટી તકલીફો તો રહેજ છે. " જયારે બહેનપણીઓ એમની વ્યથા કહેતી ત્યારે એ અકળાઈ જતી.
ત્યારબાદ તેના મનમાં એકવાત ઘર કરી ગઈ કે બધા મારી સાથે એમના દુઃખની વાતો જ કરે છે. બધા સાથે વાત કરવાથી આપણી નિરાશામાં વધારો થાય. બધી બહેનપણીઓ તથા સગાવહાલા જોડે વાત કરવાથી એ બધું દુઃખ આપણે વિચારીએ એટલે નેગેટીવ ઊર્જા આપણામાં આવે. તેથી એણે પડોશીઓ, સગાવહાલા, બહેનપણીઓ બધા જોડે વાતો કરવાનું બંધ કરી દીધું. શરૂઆતમાં બધા એની સાથે વાત કરવા પ્રયત્ન કરતાં. પણ એ તો જાણે બધાથી અલિપ્ત થઈ ગઈ હતી.
હવે તો જાણે પિયાશી સાવ બદલાઈ ગઈ હતી. અત્યાર સુધીની હસતી, વાતો કરતી પિયાશી કયાંક ખોવાઈ ગઈ હતી. હવે તેનો સમય ટી. વી પર આવતા પ્રોગ્રામ જોવામાં જતો. ખાસ કરીને યોગ કે બીજી ધાર્મિક ચેનલો. ત્યારપછી તો એ કહેતી હું મેડીટેશન કરૂ છું. કોઈસાથે વાત કરવાને બદલે ભગવાનનું ધ્યાન ધરવાનું. ખરેખર ધ્યાન તો ઘણું અઘરૂ છે. એ કંઈ મનમાં ઉદ્વેગ હોય ને કરો તો શું થાય ? મગજમાંથી વિચારો દૂર કરવા સહેલા ન હતા અને એવી વ્યક્તિ ના કરી શકે કે જે સમાજને નફરત કરતી હોય.
હવે એ બધાથી દૂર થતી ગઈ. એવામાં જ એનો પતિ બિમાર પડી ગયો. દીકરાઓને ફોન કર્યા. પણ મોટા દીકરાએ કહ્યું ,મને રજા નથી" નાના દીકરાએ કહ્યું,"અમે તો અમેરિકા છીએ. તમારે પૈસાની જરૂર હોય તો કહેજો હું મોકલાવી દઈશ. "
પૈસાથી કંઈ બધી મુશ્કેલીઓનો અંત નથી આવતો. પિયાશીએ પતિની બિમારી તરફ ખાસ ધ્યાન ના આપ્યું. કહેતી દેશી ઉપચારોથી રોગો મટી જ જાય. તેથી જાતજાતના પ્રયોગો કરતી. ડોશી વૈદુ પણ ચાલુ જ હતું. પતિની બિમારી વધતી જ ચાલી. વારંવાર ચક્કર આવતાં. તેનું ધ્યાન પણ ધંધામાં રહેતું ન હતું.
પિયાશી તો જોકે મક્કમ હતી કે મારે કોઈ જોડે વાત કરવી જ નથી. એને તો પતિના મિત્રો જોડે પણ સંબંધ ઓછો કરી નાંખ્યો હતો. કારણ હવે એ બધાને નફરત કરતી હતી.
પિયાશીની વાત જયારે બધી બહેનપણીઓને ખબર પડી ત્યારે બધા એ નક્કી કર્યું કે એને આપણી જોડે ગમે તેવું વર્તન કર્યું, એ માનસિક રીતે ભાંગી પડી છે. ગમે તેમ તો ય આપણી એક સમયની બહેનપણી છે. માટે કાલે આપણે બધા એને ત્યાં જ ભેગા થઈશું. આપણે બધા એને મદદરૂપ થવા ઘરેથી નાસ્તા લઈ જઈશું.
બીજા દિવસે બધા એના ઘરે પહોંચ્યા. ત્યારે બધાએ અનુભવ્યું કે એમનું આગમન પિયાશીને ગમ્યું નથી. તેથી જ એ બોલી,"મારે મેડીટેશનનો સમય થઈ ગયો છે. હું તમારી સાથે બેસી નહીં શકું"
છતાં પણ બધી બહેનપણીઓએ કહ્યું,"અમે બેઠા છીએ. તારૂ મેડીટેશન પૂરૂ થતાં સુધી. "
"જુઓ મને વાર લાગશે" પિયાશીએ પીછો છોડાવા માટે જ કહ્યું.
"પિયાશી અમે તો બધા ઘણા વખતે ભેગા થયા છીએ. વાતો કરીશું. તું રૂમમાં જઈ મેડીટેશન કર. "
પિયાશી સમજી ગઈ કે આ લોકો પીછો નહીં છોડે. તેથી બોલી,"ઠીક છે. તમારા ગયા પછી. "
થોડીઘણી વાતો કર્યા બાદ બધાએ પિયાશીને કહ્યું,"પિયાશી, કોઈ તમને નેગેટીવ ઊર્જા નથી આપતું. તારૂ મન મક્કમ રાખ. દુનિયામાં આવું વિચારનાર કયારેય સુખી થતું નથી. જેમ દુનિયામાં દુઃખ છે એમ સુખ પણ છે. તું હમેશાં દુઃખના જ ગાણા ગાયા કરે છે. તું ચિંતા કરવામાં જ ઘરનું વાતાવરણ બગાડે છે. તારા પતિને એના ધંધામાં પણ મન લાગતું નથી તે ઉપરાત તું તારી વ્યથા પતિ પાસે ઠાલવે છે. કોઈ આપણને સુખી પણ કરી શકતું નથી અને કોઈ દુઃખી પણ કરી શકતું નથી. માટે તું તારા જીવનમાંથી "નેગેટીવ ઊર્જા" શબ્દ ભૂલી ને માત્ર "પોઝીટીવ ઊર્જા" શબ્દ જ યાદ રાખ. એ જ જિંદગીની સુખની ચાવી છે. બાકી આપણે જ આપણી જાતને સુખી કે દુઃખી કરીએ છીએ.
અમે તારા ઘરમાં આવ્યા ત્યારથી અમને થાય છે કે કયારે અહીંથી જઈએ. કારણ ખબર છે ? તું સવારથી તારા દીકરાઓ અને એની પત્ની એ તારી સાથે કરેલા વ્યવહારને તું વાગોળ્યા કરે છે. એ બધી એકની એક વાત તું તારા પતિ સાથે કરે છે. તારો પતિ તારી ફરિયાદોથી માનસિક રીતે ભાંગી પડ્યો છે. તને ખબર છે કે આપણે જે બોલીએ એના તરંગો હવામાં ફેલાતાં રહે છે. એના કારણે જ એ ઘરમાં લાંબો સમય રહેવું ના ગમે.
પિયાશી તારા બંને દીકરાઓ લહેરથી રહે છે. એમની તાકાત નથી કે તમને દુઃખ આપી શકે. જો એ લોકો તમારા વગર ખુશ રહેતાં હોય તો તમે કેમ ખુશ ના રહી શકો ?
બધાની સમજાવટથી એના મોં પર હાસ્ય ઘણા વખત બાદ આવ્યું. એના પતિએ એની પત્નીના મોં પર સંતોષ પૂર્ણ હાસ્ય જોયું. પત્નીની બહેનપણીઓ સામે જોઈ બોલ્યો, "દરેકને જો તમારી જેવી સહેલીઓ મળે તો સમાજમાંથી નેગેટીવ ઊર્જા શબ્દ લુપ્ત થઈ જાય."
