STORYMIRROR

Lalit Parikh

Inspirational Others

3  

Lalit Parikh

Inspirational Others

નાનો દીકરો

નાનો દીકરો

3 mins
30.4K


ચેતન હતો તો નાનો ભાઈ પણ તેનું દિલ મોટા ભાઈ કરતા અનેક ગણું વિશાળ હતું. મોટા ભાઈનું નામ તો વિશાલ હતું; પણ મન અતિ સાંકડું હતું. માતાને પણ કોણ જાણે કેમ પહેલા અને મોટા દીકરા પ્રત્યે વધુ અને વિશેષ પ્રેમ રહ્યા કરતો અને તે પણ એટલે સુધી કે બેઉ ભાઈઓની કમાણી દ્વારા ચાલતી -પિતાના નામથી ચાલતી- ‘મહાવીર ગેસ સિલેન્ડર સપ્લાય કંપની’માં પતિના વારસદાર તરીકે પોતાનું નામ જ ચાલુ રાખી, વિશાલને જ પોતાનો નોમિની, વારસદાર અને ભાગીદાર બનાવી દીધો હતો. હકીકતમાં તો નાના ભાઈએ પોતાના ‘વિશાલ રીયલ એસ્ટેટ અને બિલ્ડર્સ’ના પોતાના કામકાજને મોટા ભાઈનું નામ આપી, તેમને માન -સન્માન આપી, અડધી ભાગીદારી સુદ્ધા આપી. એક મોટો બંગલો બનાવી, તેને નામ પણ હોંસે હોંસે ‘વિશાલ ભવન’ આપી, ભવ્યાતિભવ્ય’ ‘ગૃહ -પ્રવેશ સમારંભ’ યોજી, નાની વયે મોટી પ્રગતિ કરી દેખાડી સમાજમાં સહુ કોઈને સાશ્ચર્યાનંદમાં મૂકી દીધા હતા.

મોટા ભાઈના લગ્ન, રિસેપ્શન, હનીમૂન ઈત્યાદિમાં પણ તેણે દિલ ખોલીને, મન મોકળુ કરીને, કોથળીનું મોઢું બેઉ બાજુથી ખુલ્લું મૂકીને ધૂમ પૈસો, પાણીની જેમ ખર્ચ્યો હતો. જૈન હોવા છતાં સાથે ભણેલી ખ્રિસ્તી છોકરી સાથે કોર્ટ- મેરેજ કરવાના કારણે તેનું નામ-માન, માતા તેમ જ મોટા ભાઈ અને ભાભીની નજરમાં નીચું પડી ગયું અને સામે -સાથે રહી દુખી રહેવા કે કરવા કરતા, ચેતન પત્ની પેગી સાથે પોતે જ બાંધેલા એક ફ્લેટમાં રહેવા લાગી ગયો. મોટા ભાઈ ભાભીને તો તેણે લગ્નની ભેટ તરીકે નવી જ નીકળેલી હોન્ડા કાર ભેટ આપી જ હતી; હવે માતા માટે પણ શોફર સાથેની એક વધારાની કાર, માતાની શષ્ટિપૂર્તિના શાનદાર રીતે ઉજવાયેલા મહોત્સવમાં ભેટ આપી.

મોટાભાઈને ત્યાં પુત્ર જન્મ્યો ત્યારે ખુશ ખુશ થઇ તેણે પેંડા વહેંચાવડાવી માને તેમ જ ભાઈ-ભાભીને પ્રસન્ન પ્રસન્ન કરી દીધા. આવવા-જવાનો, મળતા રહેવાનો સંબંધ તો બેઉ ભાઈઓના પરિવારમાં ચાલતો જ રહ્યો; પણ મનની અંદર તો જે ગાંઠ પડી ગઈ તે માતા અને મોટા ભાઈ-ભાભીના મનમાંથી દૂર ન થઇ તે ન જ થઇ. નસીબ કહો કે જોગાનુજોગ કહો નાના ભાઈને ત્યાં પારણું ન બંધાયું તે ન જ બંધાયું અને મોટા ભાઈને ત્યાં એક પછી એક એમ ત્રણ બાળકો થયા અને બધા કલદાર દીકરા જ દીકરા !

નાના ભાઈ ચેતને, છેલ્લે જન્મેલા ભાઈના દીકરાને તે મોટો થાય, થોડો સમજણો થાય તે પહેલા જ ખોળે લેવાની ઈચ્છા પ્રગટ કરી તો મોટાભાઈએ -ભાભીએ અને તેમનાથી પણ વધારે તો માતાએ દેકારો મચાવી દેતા કહ્યું, “પોતે તો વિધર્મીને પરણી વિધર્મી થઇ ગયો; હવે મહાવીર દાદાના પોતરાને પણ ખોળે લઇ તેને પણ વિધર્મી બનાવવાનો કારસો ઘડતા લાજ-શરમ નથી આવતી ?”

આવું આવું સાંભળી ચેતન-પેગીને પારાવાર દુખ થયું. ખાસ કરીને પેગીને કેમ કે ચેતનને પરણ્યા પહેલેથી તેણે ચર્ચ જવાનું, માંસ-મચ્છી ખાવાનું, દારૂ પીવાનું સદંતર છોડી દીધું હતું અને જૈન ધર્મ અપનાવી, જૈન સ્તવનો શીખવાનું, ’ઓમ નમો અરિ હન્તાણમ’નો પાઠ કરવાનું, પરિક્રમા કરવાનું, ચોવિયાર વાળી લેવાનું બધું જ, જૈન ધર્મની પરિપાટીનું શીખી લીધેલું. “પોતે ધર્મ પરિવર્તન કરી શકી અને આ જુનવાણી વડીલો પોતાનું મન પરિવર્તન સુદ્ધા ન કરી શકે ?”

ચેતન તેને સમજાવતો રહેતો કે પોતાને બદલવું પોતાના હાથમાં છે; બીજાઓને બદલવાનું તો આપણા હાથમાં નથી, માટે તેનો શોક ના કરવો. પેગી પણ સમજદાર હોવાથી આ તર્ક સમજી લેતી ,સ્વીકારી લેતી.

પરંતુ જયારે મોટાભાઈએ અને ભાભીએ પક્ષઘાતગ્રસ્ત, વૃદ્ધ અને અશક્ત થતી રહેલી માતાને વૃદ્ધાશ્રમમાં દાખલ કરવાની તૈયારી કરી, ત્યારે નાનો ભાઈ ચેતન રડી પડ્યો, પેગી ગળગળી થઇ ગઈ અને માતાને પોતાના ફ્લેટમાં લાવી, તેમના માટે રાત દિવસની નર્સોની સગવડ- સુવિધા કરી દઈ, વ્હીલચેર અને વોકર સાથે, તેમને સતત સાચવતા રહી. તેમને ગમતું-ભાવતું જમાડતા રહી, તેમની તન મન અને ધનથી સેવા કરવાનું પુણ્ય કાર્ય શરૂ કરી દીધું, ત્યારે તો માતા ગદ ગદ કંઠે હર્ષાશ્રુ વહાવતા બોલી:

”મારા નાનકા, તું તો નાનો છે પણ રાઈનો દાણો છે. તારી વહુ પેગી તો પૈગમ્બર જેવી છે. મારે હવે તમને બેઉને જ મારી વારસદાર બનાવી આપણી ગેસ- સિલેન્ડર કંપની દઈ દેવી છે.” તો નાનો ભાઈ ચેતન બોલી ઊઠ્યો:” ના ના, જે પહેલા આપી દીધું તે આપી દીધું, હવે પાછું ન લેવાય. પાછા એ લોકો કહેશે કે “થૂંકેલું ચાટો છો.”

નાના દીકરાનો આવો પ્રતિભાવ જોઈ પ્રસન્ન- પ્રસન્ન માતાએ, મનપૂર્વક, જે આશીર્વાદ, મૌન વાણીથી અને અશ્રુભીની હૃદય- લેખિનીથી આપ્યા, તેના ફળ સ્વરૂપે પેગીને પુત્ર-પુત્રીનું જોડકું જન્મ્યું. ચેતન -પેગીની પ્રસન્નતાનો કોઈ પાર ન રહ્યો. જો કે મોટાભાઈ ભાભી તો તેમના બળતણિયા સ્વભાવ પ્રમાણે બળતા જ રહ્યા, જલતા જ રહ્યા. વૃદ્ધ વિધવા માતાને ત્યરે કોણ જાણે કેમ બહુ જુનું જાણીતું ગાયન યાદ આવી ગયું, ’જલને વાલે જલા કરે...’


இந்த உள்ளடக்கத்தை மதிப்பிடவும்
உள்நுழை

Similar gujarati story from Inspirational