ના મતલબ ના
ના મતલબ ના
પ્રીતિ આજે ખૂબ ખુશ હતી. એને કોઈ જુદી જ લાગણી અનુભવાતી હતી. કશું સમજાતું નહોતું. પોતાની જાતને આમ રોમાંચિત થતી જોઈને તે મનોમન કહેતી: " ધીરી બાપૂડિયા." જોકે વાત પણ પ્રીતિને રોમાંચિત કરે તેવી જ હતી. તે આજે ૨૧ વર્ષની થઈ. જોગાનુજોગ આ જ દિવસે પ્રીતિને જોવા એક યુવક આવવાનો હતો. આજે જ મનના માણીગરને જોવો એ સ્વાભાવિક રીતે જ રોમાંચ અનુભવાય તેવી આ વાત હતી. પોતે સમજણી થઈ ત્યારથી અરે, ઢીંગલા ઢીંગલી લઈને રમતી હતી ત્યારથી પોતાના મનના ઝરૂખે આવીને ઉભેલા રાજકુમારને જોતી, હરખાતી, શરમાતી. પોતે પોતાના મનના માણીગર માટે કેવાં અને કેટલાં સ્વપ્નો જોયાં હશે એની પ્રીતિનેય ગણતરી નહોતી. આખરે એ સમય પણ આવી પહોંચ્યો. જેની રાહ પ્રીતિ અનિમેષ નયને જોઈ રહી હતી. પ્રીતિ ફટાફટ ઊભી થઈને બીજા ઓરડામાં જતી રહી. દરવાજો બંધ કરી ધમણ જેમ હાંફતી છાતી પર હાથ મૂક્યો. કોણ જાણે કેવો હશે એ યુવક ? કેવો દેખાતો હશે ? ઊંચો તો હશે ને અને ગોરો ? હા, એય હશે જ ને ! અને એને શું ગમતું હશે ! મને ગમે એવું બધું એને પણ ગમતું હશે ? આવા વિચારોએ પ્રીતિને રીતસરની બાનમાં લીધી. થોડીવારે પ્રીતિની મમ્મીએ દરવાજો ખખડાવ્યો. "પ્રીતિ, ઓ પ્રીતિ, સંભાળ, એ લોકો આવી ગયા છે. તું તૈયાર થઈને આવ. જલ્દી." મમ્મીના સાદે પ્રીતિની તંદ્રામાં ખલેલ પહોંચાડી. અચાનક સ્વસ્થ થઈ. "હા, મમ્મી, આવું." એટલું ટૂંકું બોલી પતાવ્યું. આ બાજુ પ્રીતિના પપ્પા જનકભાઈ અને મમ્મી વર્ષાબેન પોતાની દીકરી પ્રીતિને જોવા આવેલા મહેમાનોની સરભરા કરવા લાગ્યાં. થોડીક વાતચીત થઈ. એ દરમ્યાન વર્ષાબેને જાણી લીધું કે છોકરાનું નામ પ્રણવ છે. એ ઉપરાંત ગામ, મોસાળ, પિયર બધું જાણી લીધું. જનકભાઈ સાથે વાતચીત કરી કહ્યું પણ ખરું : "મને તો બધું બરાબર લાગે છે, છોકરો પણ આપણી પ્રીતિને ગમે તેવો છે. એમના માતાપિતાને પણ ગામમાં ઘર અને જમીન છે. શહેરમાં પોતાનો બંગલો છે. બધાં શહેરમાં જ રહે છે. ઘરમાં છોકરાનાં માતાપિતા, એક નાની બહેન અને ઘરડાં બા છે. છોકરાના પિતા એક મોટી કંપનીમાં નોકરી કરે છે. મહિને લગભગ એક લાખ જેટલો પગાર છે. છોકરાનાં મમ્મી ઘર સંભાળે છે. આપણા લાયક છે. મને તો બહુ જ ગમ્યું છે. બસ આપણી પ્રીતિને ગમી જાય એટલે ગંગા ન્હાયાં.' થોડુક અટકીને વર્ષાબેન બોલ્યાં. " તમે શું કહો છો ?" ત્યારે જનકભાઈ બોલ્યા: "તું ભારે ઉતાવળી, હજુ 'ભેંસ ભાગોળે અને છાશ છાગોળે.' ને હજુ પ્રીતિને જોવા તો દે. પ્રીતિ ગમાડે સામે પેલો છોકરો પ્રીતિને ગમાડે પછી આગળની વાત વિચારીએ." પછી ઉમેર્યું "આપણા કુટુંબમાં પણ વાત કરવી પડશેને !, આ તો દીકરી આપવાની વાત છે દીકરી, સાત પેઢીનું સગુ બાંધવાનું. આમાં ઉતાવળ ના હોય પ્રિતું," જનકભાઈ વર્ષાબેનને પ્રીતું કહીને બોલાવે. જનકભાઈની આવી વાતો સાંભળી વર્ષાબેન થોડાં નિરાશ થયાં. એમને થયું કે પ્રીતિના પપ્પા આમને આમ આટલું સરસ માગું ખોઈ બેસશે. પાછાં વળી મહેમાનો સાથે જઈ બેઠાં. આ તરફ પ્રીતિ ચા બનાવી કપમાં ભરી રહી હતી. ત્યાં વર્ષાબેન રસોડામાં પ્રવેશ્યાં. "બેટા, ચા લઈને આવ." "હા મમ્મી, આવું." આટલું બોલતાં પ્રીતિનો ચહેરો શરમથી ગુલાબી થઈ ગયો. હાથમાં ચાની ટ્રે અને એમાં મૂકેલાં કપ રકાબી. પ્રીતિએ ચાલવાનું ચાલુ કર્યું. ઈન્ટરવ્યુમાં જતો ઉમેદવાર કાર્યાલયમાં પ્રવેશ પહેલાં ગભરામણ અનુભવે તેમ પ્રીતિનું હૈયું થડકી રહ્યું. પ્રીતિ પોતાની ચાલ મક્કમ રીતે ચાલતી હતી તોયે ટ્રેમાંનાં કપ રકાબી ધ્રુજી ધ્રુજીને તેની ચાડી ખાતા હતા. પ્રીતિ મહેમાનો બેઠાં હતાં તે ઓરડામાં પ્રવેશી. નીચી નજરે બધાંને ચાના કપ ધર્યા. હંમેશા પોતાના મનના ઝરૂખે ડોકિયાં કરતો રાજકુમાર સામે બેઠો હોવા છતાં પ્રીતિની હિંમત ના ચાલી ઉપર જોવાની. મહામહેનતે સહેજ ત્રાંસી નજરે જોયું અને પાછી વળી ત્યાં તો પ્રણવની મમ્મી બોલી ઊઠયાં: "બેટા, અહીં આવ ! બેસ મારી પાસે." એમ કહી પોતાની બાજુમાં જગ્યા કરી.
પ્રીતિ કાપો તો લોહી ના નીકળે એવી થીઝી ગઈ. પરીક્ષામાં બેઠેલા પરીક્ષાર્થીને અભ્યાસક્રમ બહારનું પુછાઈ જાય અને જેવું થાય તેવો ઘાટ પ્રીતિનો થયો.
પ્રણવની મમ્મી હાથ પકડીને પોતાની બાજુમાં બેસાડશે એવી તો કલ્પના પણ નહોતી કરી તોયે બેસવું પડ્યું.
પ્રણવની મમ્મીએ ધીરેથી પ્રીતિની હડપચી ઊંચી કરીને કહ્યું: "રૂપ રૂપનો અંબાર છે તમારી પ્રીતિ. મને તો બહુ ગમી." આટલું સાંભળતાં તો ગોરા વર્ણની પ્રીતિનો ચહેરો શરમથી ગુલાબી થઈ ગયો.
"બેટા પ્રણવ, જો તો કેવી લાગે છે ?"
પ્રણવ નામ સાંભળતાં તો પ્રીતિનું હૃદય એક થડકારો ચૂકી ગયું. મનમાં કેટલાય વિચારો ઘેરી વળ્યા પણ પાછું મનને મનાવ્યું. છતાં મન માન્યું નહિ.
અત્યંત શરમાળ પ્રકૃતિની પ્રીતિએ શરમ છોડી નજર પેલા યુવક પર નાખી. બે ઘડી પહેલાં જે પ્રીતિનો ચહેરો શરમથી ગુલાબી થઈ ગયો હતો તે ક્રોધથી લાલઘૂમ થઈ ગયો. પ્રીતિ ત્યાંથી કશું બોલ્યા વગર અંદરના ઓરડામાં જતી રહી.
બધાંને લાગ્યું કે પ્રીતિ શરમાઈ ગઈ એટલે અંદર જતી રહી.
વર્ષાબેન અંદર ગયાં અને યુવક સાથે મુલાકાત ગોઠવવાનું વિચારતાં હતાં. પછી બોલ્યાં: " બેટા, આમ ઊભા થઈને આવી જવાય ? કેટલું ખરાબ લાગે ? સંભાળ, હું એમને અંદર મોકલું છું. તું અહીં બેસ અને હા, સરખી રીતે વાત કરજે, છોકરો સારો છે. ઉતાવળે કંઈ નિર્ણય ના લેતી."
"ના" પ્રીતિ બોલી.
"શું"
"હા મમ્મી, ના મતલબ ના, મારે એ છોકરાનું મોઢું પણ નથી જોવું."
"પણ કેમ ? આ તું શું બોલે છે ?" વર્ષાબેનના પેટમાં ફાળ પડી. " તારા પપ્પાને ખબર પડશે તો બરાબરના ખીજાશે તારી ઉપર."
"ભલે ખીજાય"
"તને કાંઈ ભાનબાન છે ? તું શું બોલે છે ?"
"હા, હું પૂરી ભાનમાં જ છું. અને કહું છું આ છોકરાને લીલા તોરણે પાછો વાળો નહિતર મારાથી ભૂંડી કોઈ નહિ હોય !"
"પણ કેમ ?" આ સવાલ વર્ષાબેનના મોઢાપર અનુત્તર રહી ગયો.
વર્ષાબેનના સતત પૂછવાથી પ્રીતિએ વાત કરી.
"મમ્મી, ત્રણ વર્ષ કોલેજ કરી. ક્યારેય કોઈ છોકરા સામે નજર ઊંચી કરીને જોયું પણ નથી. કેટકેટલાં સ્વપ્નો જોયેલાં તે આવા છોકરા માટે ? છી ! પ્રીતિ તિરસ્કાર પૂર્વક બોલી રહી હતી.
અમારી કોલેજની ત્રણ ત્રણ છોકરીઓ સાથે આણે લગ્નની લાલચ આપીને ના કરવાનું કર્યું છે. એ બધી છોકરીઓને તરછોડી દીધી છે. એક જ નિયમ પર ચાલે છે આ માણસ. 'ગરજ સરી ને વૈદ્ય વેરી.'
એમાંથી એક છોકરીએ તો કોલેજ પણ છોડી દીધી હતી. પપ્પાના પૈસાથી બાઈક લઈને છેલ સપાટા કરવા અને મિત્રો અને છોકરીઓ પાછળ પૈસા ઉડાવતો, ફસાવાતો અને છોડી મૂકતો એ એની ફિતરત." પ્રીતિ એકી શ્વાસે બોલી ગઈ.
ત્યાં સુધી તો ઠીક છે પણ એક વાર તો એણે મારો રસ્તો રોકેલો, અને મને બાઈક પર બેસાડવા માંગતો હતો મેં ના પાડી તો એણે મારો હાથ પકડીને જબરદસ્તી બાઈક પર બેસાડવા કોશિશ કરેલી, એનું આ દુઃસાહસ એને યાદ જ હશે અને સાથે મારા હાથની થપ્પડ પણ નહિ ભૂલ્યો હોય ! મારા મનના ઝરૂખે આવો લબાડ ? હટ છી !" પ્રીતિ અટકી.
ત્યાંતો જનકભાઈ આવ્યા. "શું થયું ? શું વાતે વળગ્યાં છો મા દીકરી ?" સહેજ મલકાતાં સ્વરે જનકભાઈ બોલ્યા પણ વર્ષાબેનનો ગંભીર ચહેરો જોઈ પામી ગયા કે કંઈક ખોટું બની રહ્યું છે.
વર્ષાબેને બધી વાત વિગતે કહી. પછી ઉમેર્યું કે ' પ્રીતિ એ છોકરાને મળવાની જ ના પાડે છે'.
જનકભાઈને પણ પાણી પહેલાં પાળ બંધાઈ ગઈ એથી હાશ થઈ. પછી કહ્યું: છોકરાને આવવા દો, પ્રીતિ એના મોઢા પર જ ના પાડી દેશે બરોબર છે ને પ્રીતિ ?"
પ્રીતિએ અનિચ્છાએ પણ કહ્યું : "ઠીક છે."
પ્રીતિ અને પ્રણવ એક ઓરડામાં બેઠાં. પ્રણવ મૂછમાં મલકાતો હતો. મનોમન એમ વિચારતો હતો કે એક સમયે મારી સામે જોવા પણ તૈયાર નહોતી એ કેવી મારી સામે સજીને બેઠી છે.
ત્યાં તો પ્રીતિ બોલી: "સાંભળો મિ.પ્રણવ, તમારું માન જાળવીને કહું છું. મારી નજરમાંથી તો તમે પહેલાંજ ઉતરી ગયા હતા. બાકી હતું એ આજે પૂરું થયું. મને કાલે પણ તમે નહોતા ગમતા,આજે પણ નહિ અને ક્યારેય નહિ."
"પણ પ્રીતિ..."
"મારું નામ તમારા મોઢે બોલવાની લાયકાત નથી તમારી."
"પણ એકવાર વિચાર કરી જો,
" હા, કરી લીધો વિચાર, ના મતલબ ના"
"તને રાણીની જેમ રાખીશ રાણીની જેમ ! ધન,દોલત, ગાડી, બંગલો. શું નથી મારી પાસે ?"
"ચારિત્ર્ય, હા ચારિત્ર્ય નથી. યુ કેન ગો નાઉ મિ.પ્રણવ. દરવાજો આ તરફ છે." પ્રીતિ બોલી અને ઊભી થઈ ગઈ.
પ્રીતિને પોતાની બનાવવાના સ્વપ્નોમાં રાચતો પ્રણવ પ્રીતિ દ્વારા આવું અણધાર્યું અને આટલી હદે અપમાન થશે એવી કલ્પના પણ નહોતી કરી. ધૂંધવાયેલા ચહેરા સાથે તે ઓરડાની બહાર નીકળી ગયો. બધાંની વચ્ચે આવીને બેઠો. પ્રણવના પપ્પા કશુંક પૂછવા જતા હતા ત્યાં તો પ્રીતિ ઉન્નત મસ્તકે ગૌરવભેર મુખ્ય ઓરડામાં પ્રવેશી.
એણે પ્રણવનાં માતાપિતાને પ્રણામ કર્યા અને બોલી: "માફ કરશો તમારો દીકરો મને પસંદ નથી. મારો જવાબ છે ના."
પ્રણવનાં મમ્મી આંખો ફાડીને જોઈ રહ્યાં. બસ એટલું જ બોલ્યાં: " હેં ?"
ત્યારે પ્રીતિ બોલી: " હા, બરાબર સાંભળ્યું, ના મતલબ ના."
પ્રણવ અને એનાં માતાપિતા વિલયેલા મોઢે જનકભાઈના ઘરની બહાર નીકળ્યાં.
આ તરફ પ્રીતિ જનકભાઈ અને વર્ષાબેનને ભેટી પડી.
