Exclusive FREE session on RIG VEDA for you, Register now!
Exclusive FREE session on RIG VEDA for you, Register now!

Mariyam Dhupli

Children Drama Thriller


3  

Mariyam Dhupli

Children Drama Thriller


મૂંઝવણ

મૂંઝવણ

4 mins 13.6K 4 mins 13.6K

વાત છે થોડા વર્ષો પહેલાની જયારે હું સુરત ખાતે એન્ગ્લો ઉર્દુ હાઈસ્કૂલના પ્રાથમિક વિભાગમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હતી. અંગ્રેજી અને ગુજરાતીના વિષય શિક્ષિકા તરીકે જુદા જુદા વર્ગોમાં, જુદા જુદા ધોરણોમાં, ભિન્ન આયુના બાળકોની માનસિકતા સાથે મારો સંપર્ક થતો. બીએડ કરતી હતી ત્યારે અભ્યાસમાં સૌથી ગમતો વિષય મનોવિજ્ઞાન હતો. બાળમનોવિજ્ઞાન દ્વારા બાળકોની માનસિકતાના અભ્યાસ દ્વારા કઈ રીતે એમના સંપૂર્ણ વિકાસમાં એક શિક્ષક સહાયભૂત થઇ શકે એ ખૂબજ ઊંડાણથી સમજ્યું હતું અને તેથી જ કદાચ શિક્ષણ મારો ફક્ત ગમતો વ્યવસાય નહીં પણ મારી રુચિ હતી. બાળકોનું હસવું, બોલવું, એમની તર્કવિહીન છતાં સંપૂર્ણ તર્કયુક્ત એવી વાતો, એમની નિખાલસતા, એમના દર્પણસમા સ્વચ્છ પારદર્શક હ્રદયો, નાના શરીરોમાં વસતા વિશાળ હૈયાઓ, કારણ વિનાના ખડખડાટ હાસ્યો, તદ્દન નજીવી બાબતે આંખોમાંથી સરી પડતા મોતીસમા અશ્રુઓ.. આત્માને જાણે શુદ્ધિકરણ અર્પી જતા. હું એને મારું પવિત્ર વિશ્વ કહેતી જ્યાં ઈર્ષ્યા, ઘૃણા, ઊંચનીચ, દેખાદેખી, અહમ, અભિમાન, અહંકાર ક્શાનુંય અસ્તિત્વ ન હતું.

મારા આ પવિત્ર વિશ્વ્માં એક અજાયબી પણ હતી. ધોરણ ચાર 'ક'માં જ્યાં હું અંગ્રેજી શીખવવા જતી ત્યાં મારી આ અજાયબી પર જયારે પ્રથમ દ્રષ્ટિ પડી હતી ત્યારે પહેલીવાર આંખે નિહાળેલ દ્રશ્ય પર વિશ્વાસ જ આવ્યો ન હતો. કુદરતની કરામત વિશે ફક્ત સાંભળ્યું હતું પણ જયારે વાસ્તવમાં દ્રષ્ટિની સામે એ કરામત આવી ઉભી ત્યારે એક અલગ જ વિસ્મયની લાગણી અનુભવાય ! એ કઈ રીતે શક્ય હોય ? બે બાળકો, બે છોકરાઓ, બે ભિન્ન શરીરો પણ તદ્દન અરીસાસમા એક સરખા ચ્હેરા ! એક સમાન આંખોનો રંગ, એક સમાન નાકનો આકાર, એક સમાન કાનના કદ, તદ્દન આબેહૂબ બે ચ્હેરાઓ. હતા તો બંને ભાઇઓ પણ મને તો જાણે એક જ બાળક અને બીજું એનું ઝેરોક્સ કોપી નીકળી આવ્યું હોય એમ જ લાગતું. માતાપિતા કદાચ બૉલીવુડના મોટા ફેન હશે તેથી જ એકનું નામ 'સલમાન' ને બીજા નું 'શાહરુખ'. ઉપરથી પાછી અટક 'ખાન' એટલે સંપૂર્ણ બૉલીવુડ પેકેજ. મારા આ જુનિયર સલમાન ખાન ને શાહરુખ ખાન મારા શિક્ષણ વ્યવસાયનો સૌથી મોટો પડકાર ! મારો સૌથી મોટો કોયડો : એમાંથી સલમાન કોણ ને શાહરુખ કોણ ? 

શરૂઆતમાં તો સહેલું લાગતું. મને થયું કે ધીરે ધીરે ઓળખાણ પડી જશે. પણ કોયડો જટિલ ત્યારે બન્યો જયારે બન્ને ભાઈઓએ પોતાની ઓળખની રમત શરૂ કરી ! બાળકો એટલે ધમાલના પડીકાઓ અને હોવા પણ જોઈએ બાકી પરિપક્વતા જેવી નીરસ બાબત વિશ્વમાં અન્ય કોઈ નહીં. 

" હું સલમાન છું.. " 

" નહીં ટીચર, હું સલમાન છું.. "

હું તો ફક્ત ટગર ટગર જોયા જ કરતી. એકસરખો ચ્હેરો , ઉપરથી યુનિફોર્મની સામ્યતા ને માતાપિતાએ આપેલી સમાન વાળની હેરસ્ટાઇલ ...આ સામ્યતાનો પુરેપુરો લાભ ઉઠાવી બન્ને ભાઈઓ બધાને મૂંઝવણમાં મૂકી દેતા. પુસ્તકોને નોટબુકની અદલાબદલી, એકબીજાની જગ્યા સાથે અદલાબદલી, હાજરી પૂરતી વખતે એકબીજાના નામો માટે હાજરી પૂરાવવી..બન્ને માટે હવે રમત બની ચૂક્યું હતું અને બન્ને એમાં બરાબરની મજા લઈ રહ્યા હતા. બે ટેણિયાંઓ જાણે મને પડકાર ફેંકી રહ્યા હતા : ' ઓળખી બતાવો તો જાણીયે !'

હું પણ જાણે એ કહ્યા વિનાનો જ પડકાર સ્વીકારી સજ્જ થઈ ગઈ. હવે તો કંઈ પણ થઈ જાય જાણીને જ રહીશ કોણ સલમાન છે ? ને કોણ શાહરુખ ? પણ કઈ રીતે ? રમતમાં મજા આવવા માંડી. નિરીક્ષણ ખૂબજ સૂક્ષ્મ થવા લાગ્યું. નાની મોટી દરેક વાતોની નોંધ લેવી શરૂ કરી. એમના શારીરિક હાવભાવો, વાત કરવાની શૈલી, એમની દરેક ટેવો પર મારી નજર વધુ ને વધુ બારીકાઇથી અનુસરવા લાગી. પણ ટેણિયાંઓ એ પામી ગયા ને પોતાના વર્તનને વધુ ને વધુ સામ્યતા વાળું દર્શાવવા લાગ્યા. મારી આંખોની મૂંઝવણથી એમની આંખોની ચમક વધુ ને વધુ હરખાવા લાગી. બધા જ પ્રયત્નો છેવટે આવી શૂન્ય થઈ જતાં..

એવા જ નિષ્ફ્ળ પ્રયત્નોને અંતે હું એક દિવસ સ્ટાફરૂમમાં બેઠી હતી. મારી સામે મારી ખાસ મિત્ર ને કલીગ ' હાજરા ' બેઠી હતી. હાજરા ધોરણ ચાર 'ક'ની વર્ગ શિક્ષિકા હતી. મારી મૂંઝવણ જયારે એને જણાવી ત્યારે પહેલા તો એ ખડખડાટ હસી અને પછી મને જણાવ્યું કે કઈ રીતે એ જાતે પણ શરૂઆતમાં ગૂંચવાઈ જતી. એણે પણ મારી જેમ પડકાર સ્વીકાર્યો ને પછી પોતે તારવેલા મૂલ્યાંકન દ્વારા મને એક વિશિષ્ટ ટિપ્પણી આપી. આખરે તાળાની ચાવી હાથ લાગી જ ગઈ. કોયડાનો ઉકેલ કેટલો સરળ હતો, જે હું કળી શકી ન હતી.

બીજા જ દિવસથી મને મળેલ ટિપ્પણીને હું અનુસરવા લાગી. મારા આશ્ચર્ય વચ્ચે હાજરાની યુક્તિ ખરેખર કાર્ય કરવા લાગી. બન્ને ટેણિયાંઓ હવે જાતે મૂંઝવણમાં મુકાયા ટીચર કઈ રીતે કળી જાય છે કે કોણ સલમાન છે ને કોણ શાહરુખ ? 

રહસ્ય ખૂબજ સહજ હતું. માનવ શરીર વિજ્ઞાનનું સ્પષ્ટ ને સચોટ જ્ઞાન. બે વ્યક્તિઓ ગમે તેટલી સરખી દેખાતી હોય પણ એમનો 'અવાજ' કદી સરખો હોતો નથી. બે તદ્દન અરીસા સમા ચ્હેરા ધરાવતા મનુષ્યના અવાજ, સ્વર કદી સમાન હોતા નથી. જેનેટિક્સ ડિફરન્સ કહો કે વારસાગત ભિન્નતા ! કુદરતનો કોયડો એના ઉકેલ સાથે જ આવતો હોય છે. 

આખરે ગમે તેવી માનવ મૂંઝવણની જટિલતા કુદરત સામે નહિવત ! 


Rate this content
Log in

More gujarati story from Mariyam Dhupli

Similar gujarati story from Children