મૂલ્યાંકન
મૂલ્યાંકન
કૌમુદિની રાતથી વિચાર કરતી હતી કે ઉપેન્દ્ર તરફથી આવેલું માંગુ સ્વીકારું કે નહીં ? જો કે ઘરના બધાની ઈચ્છા હતી કે કૌમુદિની હવે વધારે હા ના કર્યા વગર આ માંગા માટે હા પાડી દે તો સારું પણ જ્યાં સુધી કૌમુદિની તરફથી લીલી ઝંડી ન મળે ત્યાં સુધી બધું નકામું.
ઉપેન્દ્ર સારો છોકરો હતો. એમ. બી.એ. કરી એક સારી ફર્મમાં મેનેજરની પોસ્ટ પર હતો. ઘરમાં એના મમ્મી - પપ્પા અને એક નાની બહેન હતી. જે કૉલેજના છેલ્લાં વર્ષમાં ભણતી હતી. પૈસેટકે સુખી હતાં ઉપરાંત સમાજમાં સારો માન મોભો ધરાવતાં હતા. છતાં કૌમુદિનીનું મન આનાકાની કરતું હતું. છેવટે એણે વિચાર્યું કે મમ્મીને કહી ઉપેન્દ્ર સાથે ફરી એક મિટિંગ ગોઠવવી જોઈએ.
"અરે! તમે મમ્મી દ્વારા મળવાનું કેમ ગોઠવ્યું ? મને ફોન કર્યો હોત તો હું પણ તમને એક વાર મળવા જ માંગતો હતો." નિખિલ પાર્કમાં બંને મળ્યાં ત્યારે ઉપેન્દ્રએ કહ્યું. થોડીવાર પાર્કમાં ટહેલતાં ટહેલતાં બનેએ થોડી વાતચીત કરી. એની વાતચીતમાં કૌમુદિનીને કંઈ વાંધાજનક ન લાગ્યું. એના મનનું સમાધાન થઈ જવાની તૈયારીમાં જ હતું. એ આ બંધન સ્વીકારવા મનથી તૈયાર થઈ ગઈ હતી પણ એણે ઉપેન્દ્રને કંઈ કહ્યું નહીં. ઘરે જઈ મમ્મી પપ્પા દ્વારા જવાબ મોકલીશ એવું એણે વિચાર્યું.
બંને નજીકની શકુંત હોટલમાં નાસ્તો કરવા પ્રવેશ્યા. ત્યાં જ હોટેલમાંથી બહાર નીકળતો એક માણસ અજાણતાં ઉપેન્દ્ર સાથે અથડાયો. એણે સોરી કહી માફી પણ માંગી તે છતાં ઉપેન્દ્રએ એની સાથે જે ભાષામાં વાત કરી તે સાંભળી કૌમુદિની હેબતાઈ ગઈ. છતાં એણે બહારથી સ્વસ્થ દેખાવાનો પ્રયત્ન કર્યો.
વેઈટર પાણીની બોટલ અને બે ગ્લાસ મૂકી મેનુ લઈ નમ્રતાથી ઊભો રહ્યો. કૌમુદિનીએ પોતાના માટે સેન્ડવીચ અને કોલ્ડ કોફીનો ઓર્ડર આપ્યો અને ઉપેન્દ્રએ બર્ગર અને ગ્રીન ટી મંગાવી. ઓર્ડર આવ્યો ત્યાં સુધી બંને અભ્યાસ અને જોબની વાત કરતાં હતાં.
થોડી વારમાં વેઈટર ઓર્ડર પ્રમાણે વસ્તુઓ લઈને આવ્યો અને ટેબલ પર સજાવવા લાગ્યો. તેમ કરતાં ગ્રીન ચટણીનો એક છાંટો કૌમુદિનીના ડ્રેસ પર ઉડ્યો. વેઈટરે માફી માંગી અને કૌમુદિનીએ પણ "ઈટ્સ ઓકે." કહી ટીસ્યુ સહેજ ભીનો કરી ડાઘ ભૂસી નાંખ્યો. તે છતાં ઉપેન્દ્રએ એ નાની વાતને મોટું સ્વરૂપ આપી હો હો કરી મૂકી. હોટલનો મેનેજર તરત દોડી આવ્યો એણે પણ માફી માંગી છતાં ઉપેન્દ્ર સમજવા તૈયાર જ નહોતો. બંને પ્રસંગે એણે વાપરેલી ભાષાથી કૌમુદિનીના દિલને ખૂબ ધક્કો લાગ્યો. બહારથી સજ્જન દેખાતી વ્યક્તિની ભાષા આટલી હલકી પણ હોય શકે. તે માનવા એનું મન તૈયાર નહોતું થતું.
ઘરે પહોંચી એણે પોતાની આ સબંધ માટે ના છે એમ કહી દીધું. આજના બંને પ્રસંગની વાત કરી એણે ઉપેન્દ્રના વર્તન પરથી પોતે કરેલું મૂલ્યાંકન જણાવી દીધું. જેની ભાષા આટલી હલકી હોય તેના વિચાર ગમે તેટલા ઉચ્ચ હોય તો પણ એ વ્યક્તિ સાથે જીવનભરનું બંધન બંધાઈ નહીં એવું એનું મન કહેતું હતું અને આજ સુધી મનની વાત સ્વીકારતી કૌમુદિનીએ આજે પણ મનની વાત માની લીધી.
