Payal Sangani

Romance

4  

Payal Sangani

Romance

મુલાકાત

મુલાકાત

5 mins
237


કિશોરાવસ્થામાંથી યુવાનીમાં પ્રવેશતાં દરેક છોકરા છોકરીઓની ભાવનાઓ લગભગ સમાંતર જ હોય છે. શારીરિક બદલાવની સાથે વિચારોમાં આવતા આંધી તુફાનો કઈ ઓછા નથી હોતા ! કોઈ છોકરા કે છોકરીને જોઈને મનમાં અને હૃદયમાં થતી જિણજીણાતી દરેકે અનુભવી હશે. 

યશ્ચિ પણ હવે યુવાવસ્થામાં પ્રવેશી ચુકી હતી. પાંચ વર્ષ હોસ્ટેલમાં ગાળ્યા બાદ તે ઘરેથી જ કોલેજ જતી હતી. કોલેજમાં તો છોકરાઓ ટકરાવવાના જ હતા! લાગણી, પ્રેમ અને સંગાથ મેળવવા માટે હર કોઈ કપલ બની રહ્યું હતું. જાણે બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ હોવું ફરજિયાત ન હોય !  પણ આપણી યશ્ચિ તો હતી અંતર્મુખી સ્વભાવની. અજાણ્યા લોકો સાથે ભળતા એને ઘણી વાર લાગે. એટલે એણે કોલેજમાં હજુ સુધી ફક્ત એક જ ફ્રેન્ડ બનાવી હતી કાવ્યા. કાવ્યાનો સ્વભાવ રમુજી હતો. ઓપન માઇન્ડેડ સ્વભાવની કાવ્યા બધા સાથે ભળી જતી. 

એ ઘણીવાર યશ્ચિને બોયફ્રેન્ડ બનાવવાની સલાહ આપતી. ક્યારેક ક્યારેક તો કોઈ છોકરાને તેની સામે ઉભો કરી દેતી. છોકરા તો ઓલવેય્ઝ તેની સાથે ફ્રેન્ડશીપ કરવા તત્પર રહેતા. પણ યશ્ચિ કાવ્યા પર ચિડાઈને ત્યાંથી જતી રહેતી.  કલાસરૂમમાં બેઠેલી યશ્ચિને જોઈને આખરે કાવ્યાએ પૂછી જ લીધું.

"તું ટીનેજર્સમાં કોઈના પ્રેમમાં પડી હતી ?" 

નેણ સંકોચતા યશ્ચિ તેણીને ઘુરવા લાગી.

"કહેવા શુ માંગે છે ?"

"એજ જે તે સાંભળ્યું ! જરૂર સ્કૂલ ટાઈમનું કોઇ પ્રેમ પ્રકરણ હશે. એટલે જ તો તું કોઈ છોકરાને ભાવ નથી આપતી."

બેન્ચ પરની પાટલી પર બેસતા એ બેફિકરાઈથી બોલી. 

"એવું કંઈજ નથી." વાત અવગણતાં એણે બુક કાઢી અને પાના ફફોરવા લાગી. સામે બેઠેલી કાવ્યા સહેજ મલકાઈ.

"મારુ અનુમાન સાચું છે." કહેતા તેણીએ બુક સવળી કરીને યશ્ચિને થમાવી. 

યશ્ચિએ પોતાનું મો બુક પાછળ સંતાડી દીધું. 

"યાર કેટલું શરમાય છે!" કહેતા કાવ્યાએ બુક લઈ લીધી.

"બોલ હવે, કોણ છે એ?"

"છે કોઈ, તારે શુ કામ ?" 

"મારે કામ છે કારણ કે હું તારી ફ્રેન્ડ છું. મારુ જાણવું જરૂરી છે. ચલ શરૂ થઈ જા તારી લવસ્ટોરી કહેવા માટે."

અદબ વાળતી કાવ્યા બોલી.

યશ્ચિ સહેજ મલકાઈ અને કહેવાનું શરૂ કર્યું. કહેતા સમયે તેણીના ગાલ રાતા પડવા લાગ્યા હતા. હરખ અને બેચેની સાફ સાફ વર્તાઈ રહી હતી. 

"એક છોકરો છે. યશ નામ છે. ગામડે મારા મામાની શેરીમાં જ એનું ઘર છે. હું નાની હતી ત્યારે મામાની ઘરે બોવ જતી. ઘણા દિવસ રોકાતી. ત્યાં મારુ ફ્રેન્ડ સર્કલ પણ બની ગયેલું. એજ ફ્રેન્ડ સર્કલમાં યશ પણ શામિલ હતો. પણ એ કંઈક ખાસ હતો. પહેલેથી જ મને એની સાથે રમવું ખૂબ જ ગમતું. હું દર વેકેશને મામાની ઘરે જતી ત્યારે એના ઘરે પણ જતી. "

"પછી આગળ....." બેચેન થતી કાવ્યા બોલી. 

"નાનપણમાં વધુ ભાન નહતી એટલે આખો દિવસ સાથે રમ્યે રાખતા. પણ જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ શરમ પણ અનુભવવા લાગી. છેલ્લી વાર સાતમા ધોરણના વેકેશનમાં મળ્યા હતા. ત્યારબાદ હું હોસ્ટેલ ભણવા જતી રહી. હોસ્ટેલથી થોડું વેકેશન પડતું, એ વેકેશન મારી ઘરે જ હોમવર્ક કરવામાં પતી જતું. ક્યારેય મામાની ઘરે જવાનો સમય જ ન મળતો. પણ હું યશને ભૂલી નહતી. એ હમેશા મારી યાદોમાં રહેતો. જાણતા અજાણતા એ મને ગમવા લાગ્યો હતો. એ ક્યાં હશે ? શુ કરતો હશે ? શુ એ પણ મારા વિશે વિચારતો હશે ? શુ એ પણ એવો જ અનુભવ કરતો હશે ? જેવો હું એના પ્રત્યે કરું છું. જેવા અનેક સવાલો મને હંમેશા સતાવતા." કહેતા સમયે યશ્ચિ જાણે એ સમયમાં ખીવાઈ ગઈ હતી. 

કાવ્યા ખુબજ ઉત્સુકતાથી એની પ્રેમ કહાની સાંભળી રહી હતી. "પછી તમે બંને ક્યારે મળ્યા? કે હજુ મળ્યા જ નથી ?" તેણીની બેચેની વધી રહી હતી. 

યશ્ચિ આગળ બોલી, "હા મળ્યા ને.....! ગયા શ્રાવણ મહિનાની રજામાં હું પાંચ વર્ષે ફરી મારા મામાના ઘરે ગઈ. સાચું કહું આખા રસ્તે મારુ મન બેચેન હતું. અને દિલ સામાન્ય કરતા વધુ જ ધડકી રહ્યું હતું. મારી આંખો એની એક ઝલક જોવા માટે તલપાપડ થઈ રહી હતી.  અઢળક બેચેની, પ્રેમનો આવેગ, હરખ, શરમ અને ડરભર્યા અહેસાસ સાથે હું મામાના ઘરે પહોંચી. સાચું કહું, આખી શેરીમાં હું યશને ગોતી રહી હતી. જાણે હું તેના માટે જ ત્યાં ન ગઈ હોવ ! આ અહેસાસ શુ હતો એ તો હું પણ નહતી જાણતી. મારી આંખો ચકરવકર બનીને વારે ઘડીએ આમતેમ જોઈ લેતી. પણ આંખોને ટાઢક ન વળી !" 

"તો યશ ત્યાં હતો કે નહીં ? ક્યાંક એ શહેર ભણવા ચાલ્યો તો નહતો ગયો ?" 

"હા, એ પણ શહેરમાં જ ભણતો. પણ રજામાં એ તેના ઘરે આવ્યો હતો. આ વાત મેં છેક ચાર કલાક બાદ મારા મામીના મોઢેથી સાંભળી હતી. મારા મનને હાશકારો થયો પણ હૃદય વધુ ધડકવા લાગ્યું. ન ચાહતા હું હસી રહી હતી. કોઈ સામે જોઇને પૂછી ન લે એ માટે હું મારું હાસ્ય છુપાવવા પ્રયત્ન કરતી હતી.  પણ હવે મારે એને જોવો હતો. એ કેવો દેખાતો હશે એનું અનુમાન લગાવતી હું વધુ શરમાઈ જતી. ડેલી ખખડે ને હું ધ્રુજી ઉઠતી. થતું કે ક્યાંક યશ તો નથી આવ્યો ને ! બાદમાં પોતાને જ ઠપકો આપતી કે હવે બાળપણ નથી કે એ અહી રમત રમવા આવે. પોતાના જ માથે ટાપલી મારતી હું પોતાની જાતને રોકવા નિષ્ફળ પ્રયત્ન કરતી."

"પછી એ ક્યારે મળ્યો ? યાર જલ્દી કહેને, હું બેચેન છું જાણવા માટે." 

"ઓકે, મારી અઢળક ભાવનાઓ તને વર્ણવા બેસીસ તો સાંજ પડી જશે. એટલે હું એને મળી એ જ કહી દવ. બોપર પછી અચાનક વરસાદનું આગમન થયું. હું ફટાફટ ધાબે કપડાં લેવા માટે પહોંચી. ધીમો વરસાદ હવે વધવા લાગ્યો. હું ભીંજાતી ઉતાવળે કપડાં લઈ રહી હતી. ત્યાંજ મારુ ધ્યાન ક્રોસમાં પડતા ધાબા પર અટક્યું. બે પળ માટે તો હું શ્વાસ લેવાનું જ ભૂલી ગઈ ! હૃદયના ધબકારા એકાએક વધી ગયા. 

ત્યાં ધાબે યશ ઉભો હતો. અમારા બંનેની સ્થિર નજર મળી. એ પાંચ વર્ષમાં કેટલો સોહામણો થઈ ગયો હતો ! પાતળું શરીર હવે થોડું ભરાઈ ગયું હતું. કપાળને ઢાંકતા વાળ, નમણો ચહેરો, નશીલી આંખો, કોઈપણને મોહિત કરી મૂકે એવી તેની સ્માઈલ. હું તો બસ એને જોતી જ રહી. મારી આંખોને જાણે એની તલાશ પુરી થઈ હોય એમ ટાઢક વળી. એને જોવામાં હું ભૂલી જ ગઈ કે હું વરસાદમાં પલળી રહી છું. ત્યારે વરસાદ મને ખુબજ સોહામણો લાગ્યો હતો. ત્યારથી મને વરસાદમાં પલળવું ખુબજ ગમે છે.  વરસાદ મારા એ અહેસાસને ફરી જીવંત બનાવી દે છે. હું ફરી એજ બધું મહેસુસ કરવા લાગુ છું. નીચેથી જ્યારે મારા નામનો અવાજ સંભળાયો ત્યારે ચેક મારી તંદ્રા તૂટી. હું જબકી ગઈ. હું અને હાથમાં રહેલા કપડાં પલળી ચુક્યા હતા. ફરી નજર સામે કરી તો યશ ઉભેલો દેખાયો. એ વરસાદમાં નાહી રહ્યો હતો. એણે મારા તરફ સ્માઈલ કરી. અનાયસે જ મારા હોઠ પણ મલકાયા. ફરી નીચેથી સાદ આવ્યો અને એક નજર તેના પર નાંખતા હું ત્યાંથી નીચે ચાલી ગઈ." 

"વાવ યાર.....કેટલી મસ્ત લવસ્ટોરી છે!" કાવ્યા બોલી પડી.

"હા, એ મુલાકાત ખુબજ ખાસ હતી. હું કેમેય કરીને તેને ભૂલી નથી શકતી. એની વારંવાર આવતી યાદ મને વધુ ને વધુ પ્રેમમાં પાગલ કરી રહી છે. આ અહેસાસ ખુબજ ખાસ છે, સોહામણો છે. હું મન ભરીને આ અહેસાસને જીવવા માંગુ છું." યશ્ચિ બોલી અને ફરી પોતાનો મલકાતો ચહેરો બુક પાછળ સંતાડી દીધો.


Rate this content
Log in

Similar gujarati story from Romance