બાળમજૂરી
બાળમજૂરી
મેના ફોન પર ઇન્સ્ટાગ્રામમાં રિલ્સ જોવામાં મસ્ત હતી. હિતેન ઓફિસેથી આવ્યો અને લેપટોપ બેગ સોફા પર મૂકી ટીવી ચાલુ કરી. ત્યારે છેક મેનાની તંદ્રા તૂટી. એક નજર તેના પર નાંખી ફરી રિલ્સ જોવામાં વ્યસ્ત થઈ ગઈ.
સોફા પર આડા પડતા હિતેન બોલ્યો, "તે મારા સૂઝ ધોયા?"
"નહીં !" મોબાઇલની સ્ક્રિન પરથી નજર ફેરવ્યા વગર તે બોલી.
"શુ નહી હં ? " હિતેન ભડક્યો. "તને બે દિવસથી કહ્યું છે કે સૂઝ ધોઈ નાખજે. પણ તને તો ફોનમાંથી ટાઈમ મળે તો મારી વાત સાંભળ ને !"
મેના પણ ગુસ્સામાં બોલી, "હું નવરી નથી ! એક તો આખો દિવસ ઓમને સાચવવામાં નવરી નથી થતી અને હવે તમારું કામ પણ કરવું !"
"કોઈ નવાઈ નથી કરી તે ઓમને સાચવીને ! હાઉસવાઈફ છે, આ તારી ફરજ છે."
મેના વળતો જવાબ આપે એ પહેલાં જ આઠ વર્ષનો ઓમ સ્કૂલેથી આવ્યો. બંને ચૂપ થઈ ગયા. હિતેન ટીવી જોવામાં વ્યસ્ત થઈ ગયો. ઓમના નખરા આવતા વેંત ચાલુ થઈ ગયા. સ્કૂલબેગનો ખૂણામાં ઘા કર્યો. ધમપછાડા કરવા લાગ્યો. મેના તેને ફુસલાવવા લાગી.
તેણીએ પોતાના જિદ્દી દીકરાને શાંત પાડ્યો અને નાસ્તામાં મેગી અને ચિપ્સ બનાવી દીધા. ઓમ મોં બગાડતો ડાઇનિંગ ટેબલ પર બેઠો. પણ આગલી જ સેકન્ડે એણે ટેબલ પર મુકેલ નાસ્તાની પ્લેટનો નીચે ઘા કર્યો. મેના સ્તબ્ધ રહી ગઈ. હિતેન દોડીને ત્યાં આવ્યો.
"મારે નથી ખાવું.....મારે આવું નથી ખાવું !" બંને હાથ ટેબલ પર પછાડતા ઓમે ઘર માથે લીધું.
"જોયું તમે.....તમારો લાકડો દીકરો મને કેટલી હેરાન કરે છે એ જોઈ લો." ગુસ્સેથી કહેતા એણે નીચે પડેલી પ્લેટ ઉઠાવી.
હિતેન ઓમને ઊંચકીને ઉભો રહ્યો. ઓમ બસ એક જ રટ લગાવીને બેઠો હતો. "મારે આવું નથી ખાવું....મારે આવું નથી ખાવું!"
"તો શું ખાવું છે મારા ડાયા દિકુને ?" હિતેન બોલ્યો.
"મારે પીઝા ખાવા છે......મારે પીઝા જ ખાવા છે. હું આ નહિ ખાવ." ઓમ વધુ નોટંકી કરતા બોલ્યો.
"હા સારું ચાલો આપણે બહાર જઈએ પીઝા ખાવા." હિતેન બોલ્યો.
એ સાંભળતા જ મેના વધુ ચિડાઈ અને બોલી, "તમારે લીધે જ આ આટલો બધો વાયડો થઈ ગયો છે. શુ જરૂર છે બોલ્યા કોલ જીલવાની ?"
"મારે એકજ દીકરો છે. એને વ્હાલ નહિ કરું તો કોને કરીશ ? તારે આવવું હોય તો આવ નહિ તો અમે જઈએ છીએ." હિતેન બોલ્યો.
થોડીવાર બાદ બાઈક લઈને ત્રણેય પીઝા ખાવા નીકળ્યા. હજુ પણ રસ્તામાં મેના અને હિતેન વચ્ચે દલીલ ચાલુ જ હતી.
"તમે ઓમને બગાડી રહ્યા છો." બાઈકની પાછળની સીટ પર બેઠેલી મેના બોલી.
"અને તું ? તું જ તો રોજ એને ફોન પકડાવી દે છે. એનું કાંઈ નહિ ?" હિતેન બબડયો.
"અત્યારે બહાર પીઝા ખાવા જવાની શુ જરૂર હતી ? તમારે લીધે જ આ આટલો જિદ્દી બની ગયો છે." મેનાએ પણ સંભળાવ્યું.
થોડીવાર બાદ ત્રણેય પીઝા ખાવા હોટેલ પહોંચ્યા. ઓમ તો ખુશ થઈ ગયો. તેના પસંદના જ પીઝા ઓર્ડર કર્યા. જમ્યા બાદ તેઓ બાજુના ગાર્ડનમાં બેઠા. હિતેનને સાંજે જમ્યા બાદ ચા પીવાની ટેવ હતી એટલે બાજુમાં પડેલ ચાની દુકાન પર પહોંચ્યો.
પાટલીએ બેસતા એણે એક ચા મંગાવી. થોડીવાર બાદ એક નવ-દસ વર્ષનો બાળક તેને ચા આપી ગયો. હિતેન હેરાનીથી તે બાળકને જોવા લાગ્યો. તે છોકરો બધા કસ્ટમરને ચા આપવાનું કામ, સાફ સફાઈ, ચાના કપ ધોવાના વગેરે જેવા કામો કરી રહ્યો હતો. હિતેન તે છોકરાનું બારીકાઈથી નિરીક્ષણ કરી રહ્યો હતો. ભણવાની ઉંમરમાં તે છોકરો બાળમજૂરી કરી રહ્યો હતો. તેના કપડાં પણ ઘણા મેલા અને લઘરવઘર હતા. તેની પાસેથી ચાનો કપ લેવા આવ્યો તો હિતેને પૂછી લીધું,
"સાંભળ, તું અહીં કામ કરે છે ?"
તે માસુમ છોકરાએ હકારમાં માથું હલાવ્યું.
"ભણવાની ઉંમરમાં તું આમ મજૂરી કરી રહ્યો છે ? તને ખબર છે આપણા દેશમાં બાળમજૂરી એ ગુનો છે ?" હિતેન બોલ્યો.
"મજૂરી કરવાનો શોખ કોને છે સાહબ ? મજબુરી મજૂરી કરવા માટે પ્રેરે છે ! મારી નાની બહેન ભૂખી મારી રાહ જોતી હશે. અહીંથી થોડાઘણા પૈસા અને ખાવાનું મળશે ત્યારે છેક હું એનું પેટ ભરી શકીશ !" કહીને તે છોકરો જવા લાગ્યો.
હિતેન સ્તબ્ધતાથી તેને જોઈ રહ્યો. તે છોકરો ઉભો રહ્યો અને પાછળ ફરીને બોલ્યો, "સાહેબ, તમારા જેવા ઘણા લોકો મને રોજે પૂછે છે અને બાળમજૂરી પર પ્રવચન સંભળાવે છે ! અફસોસ કે બધા ફક્ત પ્રવચન જ આપી શકે છે, બાળમજૂરીના મૂળને શોધીને તેનો હલ કોઈ નથી શોધતું !" કહી તે છોકરો ચાલ્યો ગયો.
