Payal Sangani

Others

3  

Payal Sangani

Others

દાદાજીનું સ્વપ્ન

દાદાજીનું સ્વપ્ન

6 mins
182


સિલ્વર હાઇટ્સના લક્ઝરી ફ્લેટમાં રુહાન પોતાના રૂમમાં આમથી તેમ આંટા મારી રહ્યો હતો. તેની ચાલમાં ટ્રેસ વર્તાતો હતો. ત્યાંજ તેનો ફોન રણક્યો. તંદ્રા તૂટી હોય એમ તે જબક્યો અને કાચની ટીપાઈ પર પડેલો પોતાનો એપ્પલનો ફોન હાથમાં લીધો. તેની ક્લીગનો ફોન હતો. કોલ રિસીવ કરતા એણે ફોન કાને લગાડ્યો, "હા માયા....બોલ."

"રુહાન..... કંઈ વિચાર્યું તે ? આ નવો પ્રોજેક્ટ તો ખુબજ અટપટો લાગે છે. ખબર નહિ બોસે ક્યાં માથા ફરેલ માણસ સાથે ડિલ કરી છે !હવે એવા પથ્થર તો ક્યાંથી ગોતી લાવવા જે આખા મુંબઈમાં કોઈજ હોટેલમાં ન વપરાયા હોય !" સામે છેડેથી ખુબજ નિરાશાજનક અવાજ આવ્યો. 

"હું પણ એજ વિચારી રહ્યો છું. જોકે મેં કિંમતી પથ્થરો વિશે સર્ચ કર્યું છે પણ એ બધાજ પથ્થરો મુંબઈમાં ક્યાંક ને ક્યાંક તો વપરાયા જ છે. હવે ક્લાયન્ટને પોતાની હોટેલ યુનિક બનાવવી છે એટલે જ આપણી કંપની સાથે સંપર્ક કર્યો છે."

"હા.... એ તો છે. પણ પ્રશ્ન એ છે કે અલગ પ્રકારના અને ખુબજ સુંદર પથ્થરો ક્યાંથી ગોતવા ?" માયાએ પ્રશ્ન કર્યો.

"રાજસ્થાન. મેં સર્ચ કર્યું છે, દેશના સિત્તેર ટકા અવનવા પથ્થરો તો ફક્ત રાજસ્થાનમાં જ જોવા મળે છે. મેં નક્કી કરી લીધું છે.....હું કાલે જ રાજસ્થાન જઈશ." રુહાને પોતાની આગવી સુજબૂજના આધારે નિર્ણય લઈ લીધો. સામે માયાએ પણ કહ્યું કે તે પોતાની રીતેથી બીજી જગ્યાઓએ સર્ચ કરશે અને જો કોઈક નવીન પથ્થર મળ્યો તો તેને ફોન કરશે. 

વાતચીત પૂર્ણ થયા બાદ વિહાને પોતાનો ફોન ફરી ટીપાઈ પર મુક્યો અને પોતાના લેપટોપ પર ફ્લાઇટ્સની ટીકીટ જોવા લાગ્યો. થોડીવાર થઈ હશે કે તેનો ફોન ફરી રણક્યો. સ્ક્રિન પર 'દાદાજી' નામ ઝબક્યું. રુહાને ફોન સ્પીકર પર કર્યો અને લેપટોપ પર જોતા બોલ્યો, "આજે તો આટલા દિવસો બાદ પૌત્રની યાદ આવી ગઈ દાદાજી !" 

સામે છેડેથી સહેજ ઘોઘરો અવાજ આવ્યો, "હું તો તારા ફોનની રાહ જોઈને બેઠો હતો બેટા ! મને થયું કે રુહાન મને ફોન કરશે. પણ છેવટે તો મારે જ ફોન કરવો પડ્યો." 

"દાદાજી......કેટલી વાર કહ્યું કે હું અહી ફ્રી નથી હોતો. તમે વારંવાર આવી રીતેથી રિસાયા ન કરો."

"હા.... હા.... ઠીક છે. 'તારું રાયન્ધુ ઘી ને મારુ રાયન્ધુ પાણી !!'  બસ.....!!" 

"આ એક તમારી દેશી ભાષા મને ક્યારેય સમજાઈ જ નહીં."

"એ તો તું અહીં ગામડે આવે અને રોકાય તો સમજાય ને ?!"

"દાદાજી...... ફરી એ જ વાત ! હું ગામડે નહિ આવું. એકની એક વાત કેટલી વખત કહું ? તમારે અહીં આવવું હોય તો આવી જાવ.....બાકી હું ત્યાં નહિ આવું." અણગમો વ્યક્ત કરતા રુહાન બોલ્યો. 

"તારા કામને ખાતર પણ નહીં આવે ?!" દાદાજીના સવાલે રુહાનને બે ઘડી સ્થિર કરી મુક્યો. તેઓ આગળ બોલ્યા, "તું જે સૌથી અલગ અને સુંદર પથ્થર શોધી રહ્યો છે એ અહીં જ આપણા ગામમાં છે !" 

હવે તો રુહાન રીતસરનો ચોંકી ઉઠ્યો. "પથ્થર ? તમને કઈ રીતેથી ખબર પડી કે હું કોઈ પથ્થરની તલાશમાં છું ?"

"મને તારી બધી જ ખબર હોય છે બેટા. પણ અફસોસ કે તે ક્યારેય મારા સ્વપ્ન પર ધ્યાન ન આપ્યું." સહજતા સાથે નરમ અવાજથી  દાદાજી બોલ્યા. 

"તમે કોઈ પથ્થરની વાત કરી રહ્યા હતા ?"

"હા, એ પથ્થર તને અહીં આપણા ગામમાં જ મળી જશે. તું બસ હવે અહીં આવી જા. જલ્દીથી આવી જા. હું તારી રાહ જોવ છું." કહીને ફોન કટ થઈ ગયો. 

રુહાન આશ્ચર્યથી ફોનને તાકી રહ્યો. દાદાજીને પથ્થર વિશે કઈ રીતેથી જાણ થઈ એ સવાલે તેને ચક્કરે ચડાવી દીધો. લેપટોપ પર ખૂલેલી ફ્લાઈટની સાઈટને બંધ કરીને એણે બસ ટ્રાવેલ્સની સાઈટ ઓપન કરી. 

બીજે જ દિવસે રુહાન પોતાના ગામ જવા નીકળ્યો. પંદર વર્ષનો હતો જ્યારે તે ગામથી મુંબઈ આવ્યો હતો. ત્યારબાદ ભણવાનું અને જોબને લીધે એ ફરી ક્યારેય ગામડે પરત ન ફર્યો. તેના માતા પિતા તો ઘણા સમય પહેલા જ એક્સપાયર થઈ ગયા હતા. ગામડે તેના મકાનમાં દાદાજી એક જ રહેતા. જેઓ અઠવાડિયામાં બે બે વાર રુહાનને ફોન કર્યે રાખતા. હંમેશા એમની એકજ માંગ રહેતી કે તું આપણા ગામ આવ. પણ રુહાને હંમેશા ગામડે જવાનું ટાળ્યું. તેને તો શહેરની હવા એટલી ગમી ગઈ હતી કે ગામડાની ધૂળ વિશે વિચારતા જ એ ના પાડી દેતો. પણ આટલા વર્ષો બાદ તે પોતાના ગામ જઈ રહ્યો હતો, એ પણ પોતાના જ સ્વાર્થને ખાતર !

 ગુજરાતમાં આવેલ હાલાર પ્રદેશમાં રતનપુર નામના ગામનું પાટિયું રોડ પર પડતું હતું. એસ.ટી. બસે તેને રોડ પર ઉતારી દીધો. રુહાનના ચહેરા પરથી તેનો ગુસ્સો અને ગામ પ્રત્યેનો અણગમો સાફ સાફ ઝલકતા હતા. છતાં પોતાના સ્વાર્થને લીધે એ બધું જતું કરી રહ્યો હતો. રોડથી આગળનો કાચો ગાડામાર્ગ હતો. રુહાન પોતાની બેગ ખભે લટકાવી ચાલતો થયો. લગભગ દોઢ બે કિલોમીટરના રસ્તા બાદ છેક ગામ દેખાયું. રુહાન તો ચાલી ચાલીને થાકી ગયો. 

તેનું ગામ સાવ સાદું અને નાનું હતું. શરુઆતમાં જ બે ત્રણ વડલા હતા. જમણી બાજુ ગૌશાળા અને તેની સામે એક મોટો અવેળો. ડાબી બાજુ શંકરનું મંદિર. આંખોના છેડા સુધી સમાઈ જાય એટલું નાનું ગામ. ઓટલે બે ત્રણ ભાભા સફેદ કેડિયું પહેરીને બીડીના ધુમાડા છોડી રહ્યા હતા. રુહાનને યાદ આવ્યું કે તેના દાદાજી પણ આવો જ પહેરવેશ પહેરે છે. તે આગળ ચાલતો થયો. મેઈન બજારમાં જ તેના ઘરનો ડેલો પડતો હતો એટલું તો તેને યાદ હતું. 

ગામમાં જીન્સ અને ટીશર્ટ પહેરેલ કોઈ યુવાનને જોઈને ગામના લોકો નવાઈ પામ્યા. ભાભાઓ એને જોઈને કોઈ ચર્ચાએ વળગ્યા. ઘેટા બકરા લઈને જતો ભરવાડ પણ લાકડીને ટેકો આપીને ઊભો રહ્યો અને રુહાનને જોવા લાગ્યો. રુહાન આ બધું નોટિસ કરી રહ્યો હતો. 

એમને નજરઅંદાજ કરતા રુહાન આગળ ચાલતો થયો. ત્યાંજ પાછળ બેઠેલા ભાભાઓમાંથી એક અવાજ આવ્યો, "એલા..... તું કરસનબાપાના દીકરાનો દીકરો સે ને ?!" 

રુહાન ઊભો રહ્યો અને પાછળ ફરીને હકારમાં માથું હલાવ્યું. ત્યાં સુધીમાં તો તેની આજુબાજુ ગામલોકો ટોળે વળી ગયા. રુહાન એક પછી એક બધાની સામે જોવા લાગ્યો. બીજા વ્યક્તિએ કહ્યું, "તારા બાપાએ તો તને બોવ યાદ કયરો..... ને તું હવે સેક આવસ ?"

રુહાન નવાઈથી તેને જોવા લાગ્યો. ફરી કોઈક બોલ્યું, "તું અહીં દવાખાનું ખોલવા આયવો સે ને ? કરસનબાપા તો બોવ કે'તા કે મારો દીકરો તો મુંબઈમાં બોવ રૂપિયા કમાય સે. ઈ રૂપિયા ભેગા કરીને આયા દવાખાનું ખોલસે."

એ વ્યક્તિની વાત સાંભળીને રુહાનના કાન ચમક્યા. સાથેજ દાદાજી પ્રત્યે થોડી ચીડ પણ અનુભવી. હજાર વખત દાદાજી આજ વાત લઈને બેસતા અને હજાર વખત રુહાન ગુસ્સાથી કહી દેતો કે રૂપિયા ઝાડ પર નથી ઉગતા ! દાદાજીના શબ્દો તેને યાદ આવ્યા, 'બેટા, આપણું ગામ સાવ નાનું છે અને શહેરથી ઘણું દૂર છે. એટલે જ પછાત રહી ગયું છે. અભણ ગામલોકો બીમાર પડે એટલે શેરના ધોડા વધી જાય. ને વળી કારણ વગરના રૂપિયા શહેરી લોકો પડાવી લ્યે એ તો જુદું. આપણા ગામમાંથી એક તું જ આટલો ભણેલો ગણેલો અને નોકરિયાત છે. થોડા પૈસા ભેગા કરીને એક નાનું દવાખાનું ખોલી આપ ને."

દાદાજીની વાત પર રુહાન ચિડાઈને જવાબ આપતો, "દાદાજી, આવા ફાલતુ કામ મને ન સોંપવા ! હું નવરો નથી. આમ પણ જો હોસ્પિટલ બની પણ ગઈ તો ડોકટર ક્યાંથી લાવવા ?!"

તેના સવાલ પર દાદાજી ફરી બહેસ કરતા, "તું ભણેલો ગણેલો છે. શહેરમાં અરજી કરજે ને......એટલે કોઈ સરકારી દાક્તર મુકાઈ જાય તો વધુ સારું."

છેવટે રુહાન ખુબજ ગુસ્સામાં કોલ કાપી નાંખતો. 

આ બધી વાતો દાદાજી ગામલોકોને કહે છે એ જાણીને તે વધુ ચિડાયો. બધાને અવગણીને તે પોતાના ઘર તરફ ચાલતો થયો. ત્યાંજ પાછળથી અવાજ આવ્યો, "હવે ત્યાં જઈને શું કરીશ ? કરસનબાપા તો તારી રાહ જોઈ જોઈને મરી ગયા." 

રુહાનના કદમ ત્યાંજ ચોંટી ગયા. આશ્ચર્યને મારે તેની આંખો પહોળી થઈ ગઈ. તે પાછળ ફર્યો, એકાએક હૃદય પર જાણે કોઈ ભાર આવી ગયો હોય એમ તેના દાદાજીની યાદો હૃદય સોંસરવી નીકળી ગઈ. આંખો અનાયસે જ ભીની થવા લાગી. પણ એક આશ્ચર્ય હજુ જીવંત હતું. નેણ સંકોચતા તે બોલ્યો, "પણ તેઓ તો જીવે છે. કાલે જ મને એમનો ફોન આવ્યો હતો."

"કેવી વાત કરે છે બેટા ! તારો ભ્રમ હશે.....મહિના ઉપર થઈ ગયું એમને ગુજરી ગયા એને." કોઈક સમજદાર વ્યક્તિ બોલ્યો. 

તે વધુ અચંબિત થઈ ઉઠ્યો. કાલે ફોન પર કરેલી વાતો તેને યાદ આવી. એને યાદ આવ્યું કે તેના ફોનમાં ઓટોમેટિક કોલ રેકોર્ડિંગ થાય છે. તરત જ એણે પોતાનો ફોન લીધો અને કોલ હિસ્ટ્રી જોવા લાગ્યો. પણ તેના દાદાજીના નંબર તો દેખાયા જ નહીં !વ્યાકુળતાથી એ ફરી ફરીને જોવા લાગ્યો પણ કાલ સાંજે ફક્ત માયાનો જ કોલ આવ્યો હતો. ત્યારબાદ કોઈ જ કોલ નહતો આવ્યો. 

રુહાનની આંખોમાંથી આંસુ સરી પડ્યા. દાદાજીને છેલ્લી ઘડીએ પણ ન મળ્યો એ વાતનો વસવસો તેને ખાવા લાગ્યો. ત્યાંજ ઘૂંટણિયે પડીને તે રડવા લાગ્યો. ગામલોકોએ તેને હિંમત આપી. 

પોતાની જાતને સંભાળતા રુહાને મનમાં જ દ્રઢ સંકલ્પ કર્યો, "દાદાજી હું તમારું સ્વપ્ન જરૂર પૂર્ણ કરીશ." 


Rate this content
Log in