મુલાકાત
મુલાકાત




મિત્રો, આપણાં જીવનમાં આપણે ઘણાં-બધાં વ્યક્તિઓને મળતાં હોઈએ છીએ, જેમાંથી અમુક વ્યક્તિઓ આપણને આખી જિંદગી યાદ રહી જતાં હોય છે, મારી સાથે પણ આવો જ એક પ્રસંગ બનેલ હતો.
લગભગ એકાદ વર્ષ પહેલાં મારે ગાંધીનગર ખાતે એક સેમિનારમાં જવાનું થયું, આ સેમિનાર બે દિવસનો હતો, અને આ સેમિનારની આયોજક ટીમજ રહેવા અને જમવાની વ્યવસ્થા પુરી પાડનાર હતા, આથી હું સેમિનાર એટેન્ટ કરવાં માટે ગાંધીનગર પહોંચી ગયો. ઉત્સાહપૂર્વક મેં સેમિનારના પહેલાં દિવસમાં ભાગ લીધો. સાંજે આયોજક ટીમના એક સભ્યએ મારી પાસે આવીને મને કહ્યું કે....."સર ! તમારું એકોમડેશન સામેંની બિલ્ડીંગમાં રૂમ નંબર 11માં આપવામાં આવેલ છે...!" - મેં તેનો આભાર માન્યો, અને મારું બેગ લઈને હું તે બિલ્ડીંગ તરફ ચાલવા લાગ્યો, અને સીધો રૂમ નંબર 11 પાસે પહોંચી ગયો !
ગાંધીનગર ખાતે સેમિનાર હોવાથી હું રાજકોટથી સવારે 6 વાગ્યે નીકળ્યો હતો, અને એ દિવસે હું લગભગ 5 વાગ્યે જાગેલ હતો. સવારનું ટ્રાવેલિંગ અને આખા દિવસનાં સેમિનારને લીધે હું એકદમથી થાકી ગયેલ હતો. આથી મેં વિચાર્યું હતું કે હું મારા રૂમ પર જઈને મસ્ત ઊંઘ લઈશ. અને ત્યારબાદ નાહી લઈશ. ઊંઘ લેવાથી મન ફ્રેશ થઈ જશે અને નાહી લેવાથી તન ફ્રેશ થઈ જશે. આવું વિચારતાં - વિચારતાં હું રૂમ નંબર 11 પાસે પહોંચ્યો.
રૂમ નંબર 11 અંદરથી બંધ હતો, આથી મેં ડોરબેલની સ્વીચ દબાવી. થોડીવાર બાદ એક વૃદ્ધ એવા એક અધિકારીએ દરવાજો ખોલ્યો, જે પણ મારી જેમ આ સેમિનારમાં આવેલ હતાં, એમને જોઈ મારા જાણે આંખોના મોતિયા મરી ગયાં હોય તેવી હાલત થઈ ગઈ હતી. મારે આ વૃદ્ધ વ્યક્તિ સાથે રહેવાનું થશે. એવો વિચાર આવતાં હું થોડુંક ડિસકમ્ફર્ટ અનુભવી રહ્યો હતો. મેં જે કંઈ પણ વિચારેલ હતું તેનું જાણે એકજ પળમાં બાળમરણ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું હતું. પછી "એકજ રાત વિતાવવાની છે ને મારે ક્યાં એ વૃદ્ધ વ્યક્તિ સાથે આખી જિંદગી વિતાવવાની છે !" - આવું વિચારીને એક હળવું સ્મિત આપીને હું રૂમમાં પ્રવેશયો !
પછી થોડોક આરામ કર્યો, ફ્રેશ થયો અને પછી હું બહાર લટાર મારવા નીકળી પડ્યો, લગભગ રાતે 10 વાગ્યે હું જમીને મારા રૂમ પર પરત ફર્યો. આખા દિવસની દોડાદોડીને લીધે મને પથારીમાં પડતાં ભેગી જ ઊંઘ આવી ગઈ...!
સવારે હું ઉઠ્યો એ પહેલાં પેલા વૃદ્ધ વ્યક્તિ જાગી ગયાં હતાં, અને ફ્રેશ પણ થઈ ગયાં હતાં, મેં જાગીને તેમને હળવું સ્મિત આપ્યું. જેવો હું બેડમાંથી ઉભો થયો, તો મારું ધ્યાન સફેદ રંગની રજાઈ પર પડ્યું. મને વિચાર આવ્યો કે આ રજાઈ મેં તો રાતે નહોતી ઓઢી. તો અત્યારે મારા બેડ પર આ રજાઈ કેવી રીતે આવી ? - મારી આંખોમાં આ જ પ્રશ્ન હતો !
પેલાં વૃદ્ધ વ્યક્તિએ મારી આંખમાં રહેલ પ્રશ્ન જાણે વાંચી લીધેલ હોય તેમ હળવા સ્મિત સાથે મને કહ્યું, "બેટા ! રાતે તને ઠંડ લાગી રહી હતી. અને ઠંડને લીધે તું કંપી રહ્યો હતો, તારું આખે આખું શરીર ધ્રુજતું હતું. આ દરમ્યાન હું પાણી પીવા માટે ઉભો થયો અને મારું ધ્યાન તારા ધ્રુજતાં શરીર પર પડ્યું આથી મેં તને મારી રજાઈ ઓઢાડી દીધી. જેવી રીતે નાના બાળકને તેની માતાની હૂંફ મળે અને એ શાંત પડી જાય તેવી જ રીતે તને આ રજાઈને લીધે હૂંફ મળી, આથી તું શાંતિથી ઘસઘસાટ ઊંઘવા લાગ્યો !
એનો આ જવાબ સાંભળી મને મારી જાત પ્રત્યે અને મારી એ વૃદ્ધ વ્યક્તિ પ્રત્યેની હલકી માનસિકતા બદલ મને નફરત થવાં માંડી. મને મારી ભૂલ સમજાઈ ગઈ. એ વ્યક્તિ સાથે મારે એકપણ પ્રકારનો સબંધ ન હોવા છતાંય તેના હૃદયમાં મારા માટેની આટલી લાગણી જોઈ મને એ વ્યક્તિ મારું જ કોઈ અંગત સંબંધી હોય તેવું મને લાગી રહ્યું હતું !
ત્યારબાદ હું એજ વૃદ્ધ વ્યક્તિ સાથે સેમિનારમાં ગયો, આખો સેમિનાર એટેન્ડ કર્યો, બપોરે સાથે જમ્યા, જાણે અમારે વર્ષો જુનાં સંબંધો હોય તેવું મને લાગી રહ્યું હતું. અને હાલમાં પણ એ વ્યક્તિનો કોલ મને આવે છે. અને હું પણ ક્યારેક - ક્યારેક એમને કોલ કરું છું.