મુક્ત જીવન
મુક્ત જીવન
અનસૂયાની આંખ આજે સવારે વહેલા જ ખૂલી ગઈ. આજની સવાર એના માટે સ્પેશ્યલ હતી. આજે એનો માત્ર પચાસમાં વર્ષમાં પ્રવેશ જ નહોતો થયો પરંતુ એનો નવો જન્મ થયો હતો. એકદમ નવી અનસુયા. અનસુયા, જે છેલ્લે કેટલાય સમયથી પોતાના જીવનમાં ભજવેલા દરેક પાત્રમાં પોતાનું વજૂદ અને પોતાનું અસ્તિત્વ શોધવામાં પોતાની જાતથી ક્યાંક દૂર જતી રહી હતી. કેટલાય સમયથી એના મનમાં એક જ પ્રશ્ન ઉઠતો કે આખરે મારી ઓળખ શું છે ? પરંતુ ગઈકાલે રાત્રે પુત્રી શ્વેતાએ જ્યારથી પોતાના ઘરે દીકરી જન્મના સમાચાર આપ્યા ત્યારથી અનસૂયાનું મન એકદમ હળવું થઈ ગયું હતું, જીવનયાત્રા જાણે સાર્થક થઈ ગઈ હોય એવું લાગવા માંડ્યું હતું. કદાચ એને પોતાના અસ્તિત્વની ઓળખ મળી ગઈ હતી, એક સ્ત્રી તરીકેની ઓળખ. એને લાગ્યું કે એ માત્ર એક દીકરી, એક પત્ની કે માત્ર એક મા નથી પરંતુ એક સ્ત્રી છે. એને થયું કે પૂર ઝડપે દોડતી જીવનની ગાડી હવે કંઈક ધીમી પડી છે. પોતાના માટે થોડી, માત્ર થોડી જ નિરાંત શોધવા માટે હવાતિયાં મારતું આ ચંચળ મન હવે થોડું સ્થિર થયું છે. જીવનની બધી જ જવાબદારીઓ સુપેરે પાર પાડીને જ હવે થોડી રાહત મળી છે. હવે પોતાના માટે જીવવાનો, પોતાને પ્રેમ કરવાનો અને પોતાના અસ્તિત્વનો આનંદ લેવાનો અમૂલ્ય અવસર ઈશ્વરે આપ્યો છે. તો પછી ફરિયાદ શા માટે ? આ અપેક્ષાઓ શા માટે ? આ સમય તો કેટલી અધૂરી રહેલી ઈચ્છાઓ અનેે સપનાઓ જે સમયના અભાવના કારણે પુરા નથી થઈ શક્યા એ પુરા કરવાની એક સોનેરી તક મળી છે પાનખર ને વસંતમાં ફેરવીને પોતાના વજૂદ, પોતાના અસ્તિત્વનો ખરો આનંદ લેવાનો સમય છે. ખોટી અપેક્ષાઓ કે ફરિયાદ સાથે જીવવું એ તો કદાચ પોતાના જ વજૂદથી પલાયન થવા જેવું છે. એવું કરવાથી પોતાના અસ્તિત્વની પૂર્ણતાનો અનુભવ ક્યારેય ન થઈ શકે એ વાત કદાચ અનસુયા હવે સમજી ગઈ હતી.
અનસૂયા એ તૈયાર થઈને પોતાનો ચહેરો અરીસામાં જોયો. એ ધ્યાનથી પોતાની જાતની જોઈ રહી. જાણે વર્ષો પછી એ પોતાની જાતને મળી રહી હતી. એ જાણે સામે દેખાતા પોતાના પ્રતિબિંબ સાથે મનોમન વાત કરી રહી હતી અને કહી રહી હતી,"પચાસ વર્ષનો સ્પર્શ થતાં જ જીવનમાં જાણે એક બહાર આવી. પાછળ ફરીને જોવું છું તો જાણે ખૂબ જ ધૂંધળું દેખાય છે. યાદ છે મને, જ્યારે 15માં વર્ષમાં પ્રવેશ કર્યો હતો ત્યારે પણ જીવનમાં એક બહાર હતી. 15 થી 50 વર્ષની લાંબી સફરે જીવનમાંં ઘણુંં બધુ શીખવ્યું... એક બહાર જેે ૧૫માં વર્ષે આવી હતી સ્વપ્નાઓ લઈને,અપેક્ષાઓ લઈ, બધુંંજ મેળવી લેવાની ઝંખના, સતત કશુક ગુમાવવાનો ડર, એક અસલામતીની ભાવના સાથે સતત બહારની દુનિયામાં કશુક ઝંખતું આ ચંચળ મન ! એક બહાર જે પચાસમાં વરસે આવી જેમાં એક ખૂબ મહત્વની વાત સમજાઈ કે જે સુખ, શાંતિ, પ્રેમ અને ખુશી સતત બહારની દુનિયામાંં ઝંખતા હતા એ તો ક્યાંક અંતરમાં જ હતી. બહારની દુનિયાથી વિમુખ થઈને અંતરમાંં ડોકિયું કર્યું તો સમગ્ર અસ્તિત્વ જ બદલાઈ ગયું. જીવન જીવવાનો અભિગમ જ બદલાઈ ગયો. મન એકદમ શાંત, શીતળ અને સ્થિર નદી જેવું થઈ ગયું જેમાં ન તો કોઈ રાગ-દ્વેષ છે, ના ઈર્ષા, ના વેર અને ના તો કોઈ ફરિયાદ .બસ છે તો માત્ર પ્રેમ ! કેટલો સુંદર છે અનુભવ......
એક 'મુક્ત જીવન'ની શરૂઆત....!"
