મોહિની
મોહિની


એ રાતે અચાનક સડક પર એક યુવતીને ઊભેલી જોઈ સુધાકરે તેના કારને બ્રેક લગાવી દીધી. ક્ષણનો પણ વિલંબ થયો હોત તો ગંભીર અકસ્માત થયો હોત. સુધાકરે ગુસ્સામાં કહ્યું, “ઓ મેડમ... મરવાનો ઈરાદો છે કે શું ? આમ સડક વચ્ચે શું ઊભા રહ્યા છો?”
બલાની ખૂબસૂરત એ યુવતી મુસ્કુરાતા ચહેરે સુધાકર પાસે આવી અને બોલી, “મરવા નહીં પરંતુ મારી કાતિલ અદાઓથી આવતાજતા લોકોને મારવા અહીં ઉભી છું.” છોકરીએ એક આંખ મીંચકારતા કહ્યું, “ઓ શેઠ... મને લીફ્ટ નહીં આપો...”
સુધાકર એ યુવતીના રૂપથી એવો તો અંજાઈ ગયો હતો કે તેણે તરત કારનું બારણું ખોલી દીધું. યુવતીએ કારની અંદર આવીને બેસતા કહ્યું, “બાય ધી વે મારૂ નામ મોહિની... અને તમારું ?”
કારને ચાલુ કરતા સુધાકર બોલ્યો, “સુધાકર... મેડમ, તમારે ક્યાં જવાનું છે ?”
મોહિનીએ એક આહ ભરતા કહ્યું, “જ્યાં તમે લઇ ચાલો...”
સુધાકર મોહિનીનો ગર્ભિત ઈશારો સમજી ગયો તેણે કારને પાછી વળાવી અને સડક હંકારી મૂકી. મોહિનીએ પર્સમાંથી એક સિગરેટ કાઢીને સુધાકરને ઓફર કરી. સુધાકરે નકારમાં માથું હલાવતા મોહિની ખિલખિલાટ હસી પડી. સુધાકરે મોહિની તરફથી ધ્યાન હટાવીને સડક પર એકાગ્ર કરવાનો પ્રયત્ન કર્યો.
સિગરેટનો કશ લેતા લેતા મોહિની બોલી, “તો શેઠ... મને ક્યાં લઇ જવાનો ઈરાદો છે ?”
ઓચિંતી આકાશમાં વીજળીનો ગડગડાટ થયો. વરસાદના અમી છાંટણા ધરતીને સ્પર્શતા તેની મીઠી મહેકથી વાતાવરણ મહેકી ઉઠ્યું. રાત ઘેરી અંધારી બનતી જતી હતી. મોહિનીએ કાતિલ અદાથી સુધાકર તરફ જોયું પરંતુ સુધાકરનું સંપૂર્ણ ધ્યાન કાર ચલાવવામાં હતું.
મોહિની બોલી, “શેઠ, એક વાત પૂછું ?”
સુધાકરે પૂછ્યું, “શું ?”
મોહિની, “શેઠ, તમે એ ઊંડી ખાઈ તરફ કેમ જઈ રહ્યા હતા ?”
સુધાકરે શાંતિથી કહ્યું, “આત્મહત્યા કરવા.”
મોહિનીએ આશ્ચર્યથી કહ્યું, “કેમ ?”
સુધાકરે કહ્યું, “બસ એમ જ.”
મોહિનીએ કહ્યું, “તો પછી ગાડીને પાછી કેમ વળાવી ?”
સુધાકર બોલ્યો, “કારણ રસ્તામાં તું મળી ગઈ.”
મોહિનીએ કાતિલ અદાથી કહ્યું, “ઓ શેઠ... મારી સાથે જિંદગી વસાવવાનો નિર્ણય તો નથી કર્યો ને ?”
સુધાકર મુસ્કુરાઈ ઉઠ્યો.
મોહિનીએ પૂછ્યું, “હવે તમે ક્યાં જઈ રહ્યા છો ?”
સુધાકરે શાંતિથી કહ્યું, “મારા ઘરે....”
મોહિની અચંબિત થઇ ગઈ, “શેઠ... મારા જેવી યુવતીને ઘરે નહીં પણ કોઈ હોટેલમાં લઇ જવાની હોય.”
સુધાકર બોલ્યો, “તું જાણે છે હું આત્મહત્યા કરવા કેમ જઈ રહ્યો હતો ?”
મોહિની બોલી, “પ્રેમમાં નાસીપાસ થયા હશો...”
સુધાકર બોલ્યો, “મોહિની, હું મારી નાની બહેન શ્વેતાને ખૂબ પ્રેમ કરતો હતો. તે પણ વિજય સાથે લગ્ન કરીને ખૂબ ખુશ હતી પરંતુ શું ખબર અચાનક કોની નજર લાગી ગઈ કે વિજય એક બદચલન સ્ત્રીના ચક્કરમાં ફસાઈ ગયો. જયારે મારી બહેનને આ વાતની જાણ થઇ ત્યારે તેણે આત્મહત્યા કરી લીધી. મારા માટે તેનું મૃત્યુ અસહનીય હતું. તને ખબર છે આજે તેની ખૂબ યાદ આવતાં હું વ્યથિત થઇ ગયો હતો અને આખરે તેને મળવાના ઈરાદે જ મેં આત્મહત્યાનો ઈરાદો ર્ક્યો હતો.”
મોહિની બોલી, “પરંતુ તમને અચાનક તમારી બહેનની કેમ આટલી યાદ આવી ?”
સુધાકરે પૂછ્યું, “મોહિની કાલે ખબર છે કયો તહેવાર છે ?”
વીજળીઓનો ગડગડાટ બંધ થઇ ગયો હતો પરંતુ હજુ ઝરમર વરસાદ વરસી જ રહ્યો હતો.
મોહિનીએ કહ્યું, “ના...”
સુધાકરે કહ્યું, “કાલે રક્ષાબંધન છે. જયારે પ્રથમવાર મેં તને જોઈ ત્યારે જ મને તારામાં મારી બહેન શ્વેતાની છબી દેખાઈ. મોહિની, આ રક્ષાબંધને મારો હાથ રાખડી વગર સુનો રહી જશે એ કલ્પના માત્રથી હું ધ્રુજી ગયો હતો. શું તું મને રક્ષા બાંધીશ?”
આકાશમાં ફરી વીજળી ગગડી પરંતુ આ વખતે મોહિનીની આંખ વરસી પડી. એ બોલી, “આજ સુધી મેં કાયમ પુરૂષોની આંખોમાં વાસના જ જોઈ છે. કદાચ એટલે જ ભાઈ શબ્દ અને રક્ષાબંધનનું મહત્વ જ હું ભૂલી જ ગઈ હતી. આજે તમે મને બહેન પોકારીને મારી અંદરનું આત્મસન્માન જગાડ્યું છે. હું તમારું આ ઋણ કેવી રીતે ચૂકવી શકીશ.”
સુધાકરે શાંતિથી કહ્યું, “મોહિની, મને વચન આપ કે આજ પછી તું કોઈ પર પુરૂષને તારી મોહજાળમાં ફસાવવાનો પ્રયત્ન નહીં કરે. જો તારા જેવી એક પણ યુવતીને હું સુધારવામાં સફળ થઈશ તો મારી બહેન શ્વેતાની આત્માને શાંતિ મળશે.”
મોહિનીએ અશ્રુઓને લૂછતા કહ્યું, “હું વચન આપું છું.”
અંધકારને ચીતરતી કાર માર્ગ પર આગળ ધપી રહી હતી. વાદળો હટી ગયા હતા અને સૂર્યની પહેલી કિરણો સૃષ્ટિમાં ફેલાવવાની સાથે સહુ દુઃખોને લઈને વિદાય થઇ રહી હતી એ રાત.