Alpesh Barot

Romance

4.2  

Alpesh Barot

Romance

મનસ્વી-૧

મનસ્વી-૧

5 mins
185


"હું કોઈ બીજાને પ્રેમ કરું છું." અમીનાં આટલા શબ્દ સાંભળતા જ પાર્થિવને જાણે ચક્કર આવી ગયા. તે જમીન પર બેસી ગયો. જાણે તેની ઉપર આભ તૂટી પડ્યું. આંખો ભીંજાઈ ગઈ. તેનો સ્વભાવ રોતલ ન હતો, તે હસમુખ હતો. નીડર હતો. એક એવો પુરુષ જે પોતાની લાગણીઓને ક્યારેય તેના ચહેરા પર ન આવવા દેતો, પણ આજે તે રડી પડ્યો. સાંભળેલ શબ્દ પર હજુએ તેને વિશ્વાસ ન હતો.

"અમી...અમી....આપણી સગાઈ થઈ ચૂકી છે. આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ. આપણા લગ્ન થવાના છે." કોઈ પ્રત્યુત્તર ન મળ્યો, અમીએ ફોન મૂકી દીધો હતો.

*

"હૈ અમી ક્યાં છે, શું કરે છે? તૈયાર થતાં આટલી બધી વાર ? આપણે કોઈના લગ્નમાં નથી જઇ રહ્યાં, બસ ચા પીવા એક કાફે પર જઈ રહ્યાં છીએ !" પાર્થિવે કહ્યું.

"સાલા અભણ, મને ચા નથી પસંદ. આપણે કોફી પીવા જઈ રહ્યાં છીએ. અને હા મિસ્ટર ફોટોગ્રાફર, તને મારા અંગત જીવનમાં માથું મારવાની કોઈ જ જરૂર નથી. સમજ્યો !" તે પાર્થિવ પર બગડી. તે આવા મજાક પણ મૂંગા મોઢે સહન કરવાની આદત પાડી ચૂક્યો હતો. કદાચ આવી કડવી વાતોને તે મજાક કહી પોતાનું મન મનાવી લેતો હતો. અમીને તે ખૂબ ચાહતો હતો. અમી ખૂબસૂરત તો હતી જ સાથે ખૂબ જ બુદ્ધિશાળી પણ. તેણે અમીને પહેલી વખત જોઈ ત્યારે તેનું મોઢું ખુલ્લું જ રહી ગયું ! તે અમીને પાગલોની જેમ ચાહતો હતો. ભલે તે એની ગર્લફ્રેંડ નથી, પણ તેના જેવા છોકરા સાથે ફરે છે તે જ મોટી વાત હતી.

"ઠીક છે, હું નીચે રાહ જોઇ રહ્યો છું." શબ્દ ખૂબ યાતના પૂર્વક તેના ગળામાંથી બહાર નીકળ્યા.

"તારું મોઢું કેમ વિલું પડી ગયું? ઠીક છે. ફોન મૂક હું આવું છું." અમીએ કહ્યું.

"બાળપણથી જ આવું છે." તે પ્રયત્નપૂર્વક હસ્યો !

તેને દૂરથી આવતી જોઈને પાર્થિવ ખુદને રોકી ન શક્યો ! તમામ ગિલાસિકવા તેને જોતા જ દૂર થઈ જતા હતાં. તે એક અફલાતૂન યુવતી હતી. તેના ખુલ્લા વાળ, તેનો ચહેરો, તેના કપડાં પહેરવાની રીત, તેનું ફેશન સેન્સ બધું જ અદ્ભુત હતું.

"કેમ લ્યા એક ને એક ટી-શર્ટમાં આવ્યો છે?" અમીએ ટીખળ કરી.

"ગયા મહિને પહેર્યો હતો મને યાદ છે ત્યાં સુધી.." પાર્થિવે કહ્યુ.

"તારા જેવા લંગુરથી ક્યાં પનારો પડ્યો?" તે જોરજોરથી હસવા લાગી ! પાર્થિવ એક્ટિવાના મિરરમાંથી બસ તેને જ જોઈ રહ્યો હતો.

સિટી કાફે આ શહેરનું સહુથી મોંઘું કાફે હતું. અહીં આસપાસ બેઠેલા એકલ-દોકલ કપલ પણ બહુ હાઇફાઈ લાગતા હતાં. અમીને આ પ્રકારના કાફે બહુ ગમતા ! અહીંનું રાચરચીલું ખૂબ જ આકર્ષક હતું ! અહીંની વ્યવસ્થા, અહીંની બેઠક, અહીંની ખાણીપીણી ! અમીએ ચોકલેટ કેક મંગાવી ! મને બહુ કંઈ ખબર પડતી નહીં ! તેણે કોફી અને કેકનો ફોટો પોતાના વોટ્સએપ સ્ટેટસમાં મૂક્યું ! મેં ફોટો જોવા માટે મારા વોટ્સએપમાં સ્ટેટસ બાર ખોલ્યું ! અમીનું સ્ટેટસ નોહતું દેખાઈ રહ્યું !

"અમી તારા સ્ટેટસ નથી બતાવી રહ્યાં !" પાર્થિવે કહ્યું.

"હશે કોઈ ટેક્નિકલ ઈશ્યુ." અમીએ કહ્યું.

" લાવ મને તારો ફોન, હું કરી આપું ! " પાર્થિવે ફોન લેવાની કોશિશ કરી પણ અમીએ તેને દૂર હડસેલી દીધો !

"આ તારી મોબાઈલ માસ્ટરી ફરી ક્યારેક બતાવજે. હાલ આપણે અહીં જે કરવા આવ્યા છીએ એ કરીએ?"

પાર્થિવે યંત્રવત મુંડી હલાવી !

"શુંં વિચાર્યું છે આગળ?" અમીએ કહ્યું.

"હાલ કોઈ ખાસ વિચાર નથી, બસ કેટી સોલ થાય તો એલ.એલ.બી કરવું છે."

"એલ.એલ.બી !? આરીસામાં મોઢું જોયું છે? ચાર માણસ ભેગા થઈ જાય તો એમની વચ્ચે તારી બોલતા ફાટે છે. તું એલ.એલ.બી કરીને શુંં ઉખાડી લેવાનો?" અમીના દરેક વાક્યો અર્જુનના તીરની જેમ છાતીએ ખુંપી રહ્યાં હતાં. અમીના સવાલો સામે મારી હાલત તીરો પર સૂતેલા ભીષ્મ જેવી હતી.

"મારો બોયફ્રેન્ડ બનવાનું વિચારે છે ?" અમીએ ફરી એક સળગતો તીર છોડ્યો !

"ના એવું કંઈ નથી !" તેના શબ્દ દારૂડિયાની જેમ લથડાયા !

"તો આટલા મોંઘા કાફેમાં મારી સાથે તું ટાઇમપાસ કરવા આવ્યો હોય, એવું મને નથી લાગતું ! તું એવું કંઈ વિચારતો હોય તો ભૂલી જજે તારા માટે બહેતર છે." અમીની વાતો ગોળીની જેમ આરપાર થઈ જતી હતી.

"તું કહેતો હતો તારા મોટા પપ્પાનું સ્ટુડિયો છે. તું કોઈ મેરજની ફોટો અને વીડિયોગ્રાફી માટે જવાનો છે?"

"ઓહ ! તને યાદ છે?"

"હા તે મને ગયા અઠવાડિયે કહ્યું હતું. તો ક્યારે જવાનો છે?"અમીએ કહ્યું.

"બસ, કાલે સાંજે જ નીકળી જઈશ !" પાર્થિવે કહ્યું.

અમે છૂટાં પડ્યા. કેટલીએ વાતો મને કરવી હતી પણ હું તેની સામે ન બોલી શક્યો ! કદાચ તેની વાતો તીરની જેમ મને ચુભતી હતી. હું અસહાયની જેમ બેઠો રહ્યો. જોતો રહ્યો ! એક પણ બાઈટ મારા ગળે ન ઊતર્યું ! મારા ભાગનો કેક મેં પાર્સલ લઈ લીધું જે તેને બિલકુલ ન ગમ્યું ! પણ મને એના એ અણગમાની કોઈ પરવાહ નહોતી. મેં કાફેની અંદર આવતા પહેલા દરવાજાની બહાર બે ગરીબ બાળકોને જોયા હતાં. મેં કેક તેના હાથમાં આપી દીધો. મેં લગભગ દસ મિનિટ સુધી તેના હાવભાવ જોયા ! તે લોકો કેક જોઈ અમી કરતા વધારે ખુશ દેખાણા !

"ત્યાં નેટવર્કનો ઈશ્યુ હશે. હું તને ત્રણ દિવસ પછી કોલ,મેસજ કરીશ." અમી ચૂપ હતી, એકદમ શાંત. જે મેં આજથી પહેલા તેને ક્યારેય નહોતી જોઈ.

"મેડમ....મેડમ…. તમારું ઘર આવી ગયું !"

તે જાણે તંદ્રામાંથી ઉઠી હોય એમ "હમ્મ, હા..." કહેતી તેના ઘર તરફ ભણી ગઈ.

અમીનો સંગાથ મને ગમે છે. તેની સાથેની દરેક મુલાકાત મને ગમે છે. તેના વિચારોને કેદ ન કરી શકાય ! તે તિતલી છે. તે સમુદ્રમાં તરતું મહાસાગર છે. તે ચંચળ છે. અમી સાથેની દરેક મુલાકાતનાં અવશેષોના ટુકડાઓ હું સાથે લઈને જાઉં છું. દરેક સ્મૃતિઓને હું મારા ઓરડામાં મારી પથારી પર બિછાવું છું. એક એક ટુકડાઓને નીરખું છું. જોઉં છું. દરેક યાદો મને તેના પ્રત્યેનો સ્નેહ વધારી દે છે. તે ટુકડાઓ ભેગા કરી હું પ્રેમ તણો ચિત્ર બનાવું છું. એ ચિત્રમાં હું મને અને અમીને એક સાથે જોવા ઈચ્છુ છું. તે તસ્વીરને દિવાલ પર લગાવી નિરખ્યા કરવાનું મન થાય ! મેડ ફોર ઈચઅધર.. બસ આ શબ્દો સાંભળવા ગમે છે. હકીકતમાં એવું શક્ય છે ખરું? હું હાર નહિ માનું ! થવા માટે કઈ પણ થઈ શકે ! તે મારી સાથે કોફી પીવા આવી શકે તો મારી ગર્લફ્રેન્ડ પણ બની શકે ! હા મારે કોઈ ઉતાવળ ન કરવી જોઈએ ! દિલની વાત કહેવી કઈ રીતે? તેનો યોગ્ય સમય શુંં? હું નથી જાણતો ! હું એને ક્યારેય પ્રપોઝ કરી શકીશ કે નહીં, એ મને નથી ખબર ! પણ હું એને પ્રેમ કરું છું. તે સનાતન સત્ય છે. તે કોઈ નહિ બદલી શકે ! સ્વયં ઈશ્વર પણ નહીં ! કહેવાય છે પ્રેમથી મોટો કોઈ ધર્મ નથી !

ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Romance