મિશન સક્સેસફુલ
મિશન સક્સેસફુલ
સાહિલ નવો નવો જ નોકરીએ લાગ્યો હતો અને થોડાં દિવસમાં જ તેને આ શહેરમાં મોકલી દેવામાં આવ્યો હતો. તેણે શહેરની બહાર આવેલાં તપોવન નામનાં વિસ્તારમાં એક નાનકડો ફ્લેટ ભાડેથી લીધો હતો. સંયુક્ત પરિવારમાંથી આવતો હોઈ તેને અહીં એકલતા કોરી ખાતી હતી. માટે તે દરરોજ સાંજે ઘેર આવીને ઘરનાં ઝરૂખામાં જઈ બેસતો. સાથે જ જાતે બનાવેલી ગરમાગરમ કોફીની લિજ્જત પણ માણતો. ઝરૂખામાંથી પશ્ચિમ દિશામાં ઢળી રહેલો સૂર્ય જોવો તેને ખૂબ ગમતો.
તેનાં ઘરની બરાબર સામે એક મોટી હવેલી હતી. તેનો ઝરૂખો સાહિલના ઘરનાં ઝરૂખાની બરાબર સામે પડતો હતો. ત્યાં ઊભીને કશુંક બોલી રહેલી એક સોળ-સતર વર્ષની, સાધ્વી જેવી લગતી એક યુવતીને તે રોજ સાંજે જોતો. પેલી યુવતી પણ તેને જોઈ રહેતી. પરંતુ, સાહિલને લાગતું કે કોઈ તે યુવતીની સતત ચોકી કરી રહ્યું છે. આજે રવિવાર હતો એટલે સાહિલ ઘેર હતો. રોજ તો તે સાડા સાત વાગ્યાં આસપાસ નોકરી પર જવા નીકળી જતો. સવારનાં સાડા નવ વાગ્યાં હશે અને સામેની હવેલીમાં માણસોનો ધસારો શરૂ થઈ ગયો. હવેલીનાં મોટાં ચોગાનમાં લોકોની હકડેઠઠ ભીડ જામી. થોડીવારમાં એક કન્યાને ચોગાનમાં લાવવામાં આવી. તેને સુંદર સિંહાસન પર બેસાડી હતી.
તે પેલી ઝરુખાવાળી સાધ્વી હતી તે કળતાં સાહિલને વાર ન લાગી. તેણે વૈરાગ્ય પર સુંદર ભાષણ આપ્યું. આવનાર સૌ ધન્યતાનો અનુભવ કરી વારાફરતી તેની ચરણવંદના કરતાં હતાં. લોકો તે યુવતીનાં ચરણોમાં રૂપિયા ધરતાં હતાં અને તે છોકરી પોતાની બાજુમાં રહેલાં પિત્તળનાં ઘડામાંથી દરેકને એકેક ફળ કાઢીને પ્રસાદ સ્વરૂપે આપતી જતી હતી. સૌ એ મેળવવા પડાપડી કરતાં હતાં. અંતે સૌ મીઠીબાઈનો જય બોલાવી વિખરાયાં.
સાહિલ આ બધું કૌતુકભરી નજરે જોઈ રહ્યો. સાહિલને દાળમાં કંઈક કાળું હોવાની શંકા જતાં તેણે બાજુનાં પાનનાં ગલ્લે જઈને પાનવાળા પાસેથી સિફતથી જાણી લીધું કે આ તો રોજનો ક્રમ હતો. મીઠીબાઈની પહેલાં પણ એક બે છોકરીઓ આવી જ રીતે ભાષણ આપતી પણ તેનું શું થયું તે કોઈને ખબર ન હતી. સાહિલે આ વાતનો તાળો મેળવવાની ઘણી નાકામ કોશિશો કરી જોઈ પણ આજુબાજુ રહેનારાં પણ કશું જાણતા ન હતાં. આખરે સાહિલે ઓફિસમાં વાત કરી. તેને ભક્તનો વેશ ધારણ કરી ભીડમાં ભળી જવાનું કહેવામાં આવ્યું.
એક તરફ તેણે પ્લાન મુજબ મીઠીબાઈનાં પાક્કા ભક્ત હોવાનો વિશ્વાસ સ્વયં સેવકોને કરાવી દીધો. તો બીજી તરફ રોજ સવારમાં ઝરૂખામાં પ્રાત:વંદના કરતાં મીઠીબાઈને નમસ્કાર કરીને તેમનો પણ પ્રિય થઈ ગયો. મદદ કરવાને બહાને તે વધુ ને વધુ સમય હવેલીમાં વિતાવવા લાગ્યો.
એકવાર મઠાધિપતિ કહેવાતાં પુરુષોત્તમજી મહારાજ મીઠીબાઈને ધમકાવી રહ્યાં હતાં અને એક જોરદાર લપડાક પણ તેમણે મીઠીબાઈને મારી દીધી એ સાહિલ જોઈ ગયો. જોકે પોતે આ બધું જોઈ ગયો છે તે તેણે કોઈને કળાવા ન દીધું. માત્ર મીઠીબાઈને ખબર પડી ગઈ. બીજે દિવસે સાહિલે મીઠીબાઈની ચરણવંદના કરવાનાં બહાને એક ચિઠ્ઠી તેમનાં પગ પાસે સરકાવી દીધી. તેમાં નાનો મોબાઈલ પણ વીંટેલો હતો. રાત પડી. સાહિલને પોતે આપેલાં ફોન પરથી મેસેજ આવે તેની રાહ હતી. આખરે રાત્રે ત્રણ વાગ્યે તેનાં ફોન પર મીઠીબાઈએ મેસેજ કર્યો. પોતે દક્ષિણ ગુજરાત સાઈડની હોવાનું અને આ ટોળકીએ તેને જબરદસ્તી પકડી લાવીને, અહીં નજરકેદ કરી હોવાનું સાહિલને જણાવ્યું. સાથે જ પોતાને અહીંથી છોડાવવા માટે મદદ પણ કરવા કહ્યું. સાહિલે તેને બેડશીટ જોડીને ઝરૂખામાંથી નીચે ઉતરી જવા જણાવ્યું અને કોલ કરીને પોલીસને પણ જાણ કરી દીધી.
તરત સાદા ડ્રેસમાં પોલીસની આખી કુમક આવી ગઈ. મીઠીબાઈ હીંમત કરીને ઝરૂખા વાટે ઉતરીને હવેલીનાં ચોગાનમાં આવેલાં વ્રુક્ષો પાછળ સંતાઈ ગઈ. સાહિલ હવેલીની વંડી કૂદીને અંદર ચાલ્યો ગયો. ઊંઘતા ચોકીદારનું મોં દબાવી, દરવાજો ખોલાવ્યો. દરવાજો ખૂલતાં જ પોલીસની આખી ટુકડી અંદર દાખલ થઈ ગઈ અને હવેલીમાં જઈને એ તમામ ઢોંગીઓને ઊંઘતા જ ઝડપી લીધાં. સાહિલે ખુદ ફરિયાદી બનીને ફરિયાદ લખાવી. મીઠીબાઈનું કુતૂહલ શમાવવા સાહિલે તેને જણાવ્યું કે તેનાં સિનીયર ઈન્સ્પેકટરે તેનાં પર વિશ્વાસ મૂકીને આ કામ સોંપેલું. એટલે જ સાહિલના એક કોલ પર પોલીસની આખી કુમક તરત હાજર થઈ ગયેલી.
પોલીસને મીઠીબાઈની સાથે સાથે જ આ ઢોંગી બાબાઓની પણ તલાશ હતી. મીઠીબાઈનું પ્રવચન સાંભળીને આવેલાં એક ઓળખીતાની વાત પરથી, મીઠીબાઈ એટલે કે મીરાંનાં માતા-પિતાએ ફરિયાદ કરેલી કે મીઠીબાઈ જ પોતાની ખોવાયેલી દીકરી મીરાં છે. તેમનો વિશ્વાસ જોઈને પોલીસે તરત કાર્યવાહી કરી અને નવાં જ ભર્તી થયેલ સાહિલને મોકલ્યો. તેણે અજબ કુનેહ દાખવીને પોતાને સોંપવામાં આવેલો પહેલો જ કેસ સકસેસફૂલી હેન્ડલ કરીને મીરાંનો તેનાં માતા-પિતા સાથે મેળાપ કરાવી આપ્યો. સાથે જ સમાજને ભક્તિનાં નામે ઠગી રહેલાં ધુતારાંઓને પણ જેલભેગાં કરી દીધાં હતાં.
તમામ બાબાઓની અટકાયતને લીધે હવેલી સુની થઈ ગઈ. સાથે જ સાહિલે પણ મિશન કમ્પ્લીટ થતાં મકાન છોડી દીધું. છેલ્લે જતાં-જતાં સાહિલે પોતાનાં ઝરૂખામાંથી હવેલીનાં નિર્જન ઝરુખાને સ્નેહભરી નજરે નિહાળ્યો. એક છેલ્લીવાર પોતાનાં ઝરૂખા પર દ્રષ્ટી કરી. છેલ્લાં થોડાં દિવસમાં બનેલો તમામ ઘટનાક્રમ તેની નજરે સમક્ષ તરવરી ઉઠ્યો. એક પારેવડી જેવી છોકરીની નિર્દોષતા અને મજબૂરી તેમજ એક ફરજનિષ્ઠ પોલીસ ઓફિસરની નિષ્ઠા અને કુનેહ.....આ તમામ વાતોનાં સાક્ષી બંને માનવવિહોણા ઝરૂખાઓ બની રહ્યાં.
