STORYMIRROR

Bhagwati Panchmatiya

Tragedy

4  

Bhagwati Panchmatiya

Tragedy

ખેલ

ખેલ

6 mins
239

મનહરભાઈ અને સરિતાબેન એક સુખી જોડું પણ શેર માટીની ખોટ. મનહરભાઈ પાંત્રીસ વર્ષનાં અને સરિતાબેન પણ ત્રીસી વટાવી ચૂકેલાં. અનેક બાધા-આખડીઓ પછી ભગવાને સામું જોયું. કલૈયા કુંવર જેવો દીકરો અવતર્યો. નામ રાખ્યું નીલ.

 પોતાની આવક પ્રમાણે જેટલાં લાડ લડાવી શકતાં તે બધાં લાડ માતા-પિતાએ દીકરાને લડાવ્યાં. નીલ સમયની સાથે મોટો થતો ગયો અને માતા-પિતા વૃદ્ધ ! નીલની ઉંમર કરતાં ક્યાંય મોટાં તેનાં સપનાં હતાં. તેનાં બધાં સપનાં પૂરાં કરવાનું મનહરભાઈ માટે શક્ય પણ ન હતું. એ બાબતે નીલનાં મનમાં રોષ વધતો જતો હતો. એમાં પણ કોલેજમાં આવીને તો તે વધુ સ્વછંદી બની ગયો હતો. તેનાં લગભગ બધાં જ મિત્રો શ્રીમંત ઘરનાં બગડેલાં નબીરા હતાં. તેમની સોબતમાં રહીને તે વધુ બગડતો ગયો. માતા-પિતાએ સમજાવી સમજાવીને માંડ એન્જિયરિંગ પૂરું કરાવ્યું. ભગવાની દયાથી એક કંપનીમાં આછી પાતળી નોકરી પણ મળી ગઈ. માતા-પિતાને થોડી શાંતિ થઈ કે હવે જવાબદારી આવશે એટલે દીકરો લાઈન પર આવી જશે પણ થયું ઉલટું જ ! કૉલેજમાં હતો ત્યારે નીલે મોંઘા બાઈકની જિદ કરેલી અને લેવડાવેલું પણ ખરું ! 

મનહરભાઈએ મિત્ર પાસેથી ઉછીના રૂપિયા લઈ બાઈક લઈ આપેલું. આટલાંથી ન અટકતાં, હવે ઓફિસે જવા તેને કાર જોઈતી હતી ! ઘરમાં માથાકૂટ કરીને માતા-પિતા પાસેથી પૈસા પડાવવા કે જોઈતી વસ્તુઓ ખરીદવાની ફરજ પાડવી એ નીલ માટે જાણે ડાબા હાથનો ખેલ બની ચૂક્યો હતો ! એ માતા-પિતાની તકલીફો વિશે ક્યારેય ન વિચારતો. મધ્યમવર્ગનાં પિતા કાર ક્યાંથી લાવી શકે ? એક સાવ સામન્ય નોકરી કરતો કારકુન, દીકરાનાં આવા ઊંચા ગજાનાં શોખ ક્યાંથી પૂરાં કરી શકે ? આમ પૈસા બાબતે નીલને હંમેશા પિતા તરફ નારાજગી રહેતી. તો સરિતાબેન પણ પૈસાનો બગાડ ન કરવા અને પોતાની આર્થિક મુશ્કેલીઓ નીલને સમજાવવાની કોશિશ કરતાં એટલે એમનાં તરફ પણ તેની લાગણી ઓસરવા લાગી હતી. 

મનહરભાઈનાં ભાણેજનાં લગ્ન નજીક હતાં એટલે મનહરભાઈ બેન્કમાંથી સરિતાબેનનાં બધાં દાગીના કાઢી આવેલાં. દાગીના પણ બહુ વધુ ન હતાં. સરિતાબેનનાં પિતાજીએ લગ્નમાં આપેલો એક હાર, બુટ્ટી, વીંટી, સાસરાપક્ષ તરફનું મંગળસૂત્ર અને સોનાની ચીપવાળા ચૂડલાની જોડ તેમજ નીલ માટે માંડ બનાવડાવેલા પાતળાં ચેન અને લકી. મનહરભાઈ પાસે સમ ખાવા પૂરતું પણ એકેય દાગીનું ન હતું. એ દુઃખ તેઓ મનમાં છૂપાવીને પત્ની અને દીકરાને દાગીના પહેરેલાં જોઈ ખુશ થતાં અને કહેતાં કે મને તો સોનું પહેરવું ગમે જ નહીં ! મારે તો આ મારી ઘડિયાળ અને ચશ્માં જ મારાં ઘરેણાં ! હકીકત એ હતી કે તેમને નાનેથી જ ચેન અને વીંટી બનાવવાની બહુ ઈચ્છા હતી પણ જિંદગીએ ક્યારેય તેમને એ મોકો આપ્યો જ નહીં ! "હશે જેવી ભગવાનની મરજી." એમ મનોમન બોલીને મનહરભાઈ જાતને સમજાવતાં.

લગ્નમાં જવાનાં આગલે દિવસે સરિતાબેને નીલને બોલાવીને લકી અને વીંટી પહેરાવ્યાં. મનહરભાઈ હેતથી દાગીના પહેરેલાં દીકરાને જોઈ રહ્યાં. ખાસ્સું એવું ગજું કરી ગયેલાં દીકરાને હવે લગ્નનાં બંધનમાં બાંધવાની તેમની ઈચ્છા વધુ ઉછાળા મારવા લાગી. તેમણે સૂચક નજરે પત્ની સામે જોયું તો પત્નીની આંખોમાં પણ એ જ સપનું સાકાર કરવાની ઈચ્છા ઉછળતી જણાઈ ! બંને સાસુ-સસરા બનવાનાં ખ્યાલે એકબીજાં સામે જોઈને મંદ મંદ હસ્યાં. માણસની ઈચ્છાઓ અને સપનાંઓનો કોઈ અંત નથી હોતો. એક પૂર્ણ થાય ત્યાં બીજું લાઈનમાં ઊભું જ હોય ! માણસ ઈચ્છાઓ અને સપનાંઓ પૂરાં કરવામાં જ લગભગ આખી જિંદગી વિતાવી દેતો હોય છે. જોકે એને ખબર નથી હોતી કે ક્યારે તેનું કયું સપનું તૂટી જશે અને તેની ઈચ્છાઓ પૂરી થવા માટે જીવનભર તરસશે ! બસ, આવું જ કંઈક બન્યું મનહરભાઈ અને સરિતાબેન જોડે ! 

નીલને ખબર પડવાં દીધાં વગર જ તેઓ નીલનાં ભવિષ્ય માટે થોડીક બચત પણ કરી રહ્યાં હતાં. દરેક માતા-પિતાની જેમ જ આ બેલડી પણ પોતાનાં સંતાન માટે પોતાનાં સપનાંઓ જ નહીં પણ જરૂરિયાતને પણ અવગણીને બચત કરી રહી હતી. જયારે જયારે પૈસા બાબત નીલ ઘરમાં માથાકૂટ કરતો ત્યારે સરિતાબેન, નીલ માટેની બચતમાંથી તેને થોડાં રૂપિયા આપી તેને શાંત પાડવા માટે મનહરભાઈને સમજાવતાં પણ મનહરભાઈ એકનાં બે ન થતાં. નીલને જ ભવિષ્યમાં કામ લાગશે તેમ કહી તેઓ સરિતાબેનને સમજાવી લેતાં. જોકે મમ્મી-પપ્પા વચ્ચે થતી આ વાતની નીલને કયારેય ખબર પડી ન હતી પણ આજે તે પેલી રૂપિયાની નાની થોકડી જોઈ ગયો. જયારે સરિતાબેને તેનાં માટે લકી અને વીંટી કાઢી રહ્યાં હતાં ત્યારે નીલ ત્યાં રૂમમાં જ હતો. એ કોઈ પરાયો તો હતો નહીં કે સરિતાબેન તેની સામે દાગીના કાઢતાં પહેલાં વિચારે ! થયું એ કે નીલની મલિન નજર ઘરેણાંની સાથે સાથે પેલી રૂપિયાની થોકડી પર પણ પડી ગઈ ! તત્કાળ પૂરતો તો તે લકી અને વીંટી પહેરીને હોલમાં જતો રહ્યો. 

મધ્યરાત્રિએ તે મનહરભાઈ અને સરિતાબેનનાં ઓરડામાં બિલ્લી પગે પેઠો. સરિતાબેનનાં ઓશિકા પાસેથી ચાવી લઈને કબાટનો દરવાજો ખોલ્યો. જૂનો કબાટ પોતાનાં જૂનાં થઈ ગયાની ફરિયાદ કરતો ચીઈઈઇ.....અવાજ કરી ઉઠયો ! મનહરભાઈની ઊંઘ ઊડી ગઈ. તેમણે જોયું તો કોઈ ઓછાયો તેમનાં કબાટમાંથી કંઈક કાઢી રહ્યો હતો. તેમને ચોર ઘરમાં ઘૂસી આવ્યો હોય તેમ લાગ્યું. સાથે જ હોલમાં સૂતેલાં દીકરાને ચોરે કંઈ કર્યું તો નહીં હોય ને તેવી ચિંતા પણ થવા લાગી. એટલે તેમણે બૂમ પાડી."ની....લ, બેટા ની....લ. તું ક્યાં છો ? જલ્દી આવ. આપણા ઘરમાં ચોર ઘૂસી ગયો છે. બેટા, તું ઠીક છો ને ? ની..લ...ઓ નીલ..." આ બુમરાણ સાંભળીને સરિતાબેન પણ જાગી ગયાં. તેમણે ફટાફટ ઊભાં થઈને લાઈટ ચાલુ કરી. 

એ દરમિયાન મનહરભાઈએ જઈને પેલાંને પાછળથી બાથ ભરી લીધી હતી. જેથી ચોર છટકી ન શકે ! લાઈટ થતાં અજવાળું ફેલાઈ ગયું પણ ચોરને બદલે નીલને ચોરી કરતો જોઈને માતા-પિતા બંનેનાં ચહેરા પર અમાસનું અંધારું છવાઈ ગયું ! નીલે પિતાનાં હાથ છોડાવી ધક્કો માર્યો. સરિતાબેને તેને પકડવાની કોશિશ કરતાં તેમને પણ ધક્કો મારી ભાગી ગયો. સાથે દાગીના અને રોકડ પણ લેતો ગયો. પિતાની પ્રાણપ્રિય ઘડિયાળ પણ તેણે ન છોડી ! નીલનાં ધક્કાથી મનહરભાઈ પડી ગયાં અને તેમને વાગ્યું પણ ખરું. પરંતુ, સરિતાબેનને પલંગનો ખૂણો માથાનાં પાછળના ભાગે એવી રીતે વાગી ગયો કે લોહીની ધાર થઈ. મનહરભાઈએ તેમને માંડ હોસ્પિટલ પહોંચાડ્યાં પણ રસ્તામાં જ તેમનું પ્રાણ પખેરું ઊડી ગયું ! હોસ્પિટલ પહોંચતા જ ડોકટરે ચેક કરીને તેમને મૃત ઘોષિત કરી દીધાં. મનહરભાઈ પર તો જાણે આભ તૂટી પડ્યું ! પુત્ર અને પત્ની બંને તેમને મઝધાર છોડીને ચાલી નીકળ્યાં હતાં !    

યથાશક્તિ પત્નીનાં ક્રિયાકર્મ કર્યા પછી તેમણે એક નિર્ધાર કર્યો. શહેરનાં મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા ચાલતાં વૃદ્ધાશ્રમમાં ચાલ્યાં જવાનો ! પોતાનાં કપડાં અને સરિતાબેનનો ફોટો લઈને તેમણે વૃદ્ધાશ્રમ તરફ લથડતાં પગલે અને ભગ્ન હૃદયે ડગ માંડ્યાં. હોલમાં નીલ ફોટામાં હસી રહ્યો હતો. મનહરભાઈની વૃદ્ધ આંખોમાં આંસુનાં ઘોડાપુર ઉમટ્યાં અને નીલનો ફોટો વધુ ધૂંધળો દેખાઈ રહ્યો.  

છ મહિના પછી તેમને પોલીસ સ્ટેશનેથી એક કોલ આવ્યો. માતાનો હત્યારો નીલ પકડાઈ ગયો હતો. વૃદ્ધાશ્રમમાં ની:શુલ્ક સેવા કરતાં વકીલની મદદથી મનહરભાઈએ દીકરા સામે કેસ કર્યો હતો. મનહરભાઈની જુબાનીનાં આધારે નીલને જન્મટીપની સજા થઈ. નીલ પિતાને કરગરતો રહ્યો પણ પોતાને મઝધારમાં છોડી જનાર પત્નીનાં હત્યારાને મનહરભાઈ માફ કરી શક્યાં નહીં. થોડાં પૈસા અને મોજ શોખ ખાતર માતાની હત્યા કરનાર અને પિતાને જીવનભરનો આઘાત આપનાર નીલની જિંદગી પણ મઝધારે વમળમાં ફસાઈ ચૂકી હતી. જ્યાંથી સહીસલામત બહાર નીકળવાનો કોઈ જ રસ્તો ન હતો ! પોતે જે કર્યું હતું તેને ગણતરીમાં લીધાં વગર નીલ મનોમન પિતા માટે વિચારી રહ્યો કે પિતાએ તેનો હાથ મઝધારમાં છોડી દીધો ! પિતા ધારત તો પોતાને બચાવી શકત. આ બધું જ જોઈ રહેલું ભાગ્ય, પોતાનાં જ રચેલાં ખેલ પર હસી રહ્યું હતું ! માત્ર એ જ સમજતું હતું કે કોણે કોને મઝધારમાં રઝળતાં મૂક્યાં છે !


Rate this content
Log in

Similar gujarati story from Tragedy