Bhagwati Panchmatiya

Tragedy Crime

4.7  

Bhagwati Panchmatiya

Tragedy Crime

ભ્રમ

ભ્રમ

5 mins
482


"ડૉ. સાહેબ, કેમ મને તમારાં કલીનીક પર આવવાની ના પાડો છો ?" પોતાનાં ડોક્ટર પતિ જગદીશને ટાઈ પહેરાવતાં ઈશાનીએ જરા લાડથી કહ્યું. હજુ બે મહિના પહેલાં જ તેમનાં લગ્ન થયેલાં. લગ્ન પછીનાં રીત રિવાજો અને સ્વીટઝરલેન્ડમાં હનીમૂન - આમાં જ તેમનાં બે મહિના ક્યાં પસાર થઈ ગયાં તે ઇશાનીને ખ્યાલ જ ન રહ્યો.

સગાઈ પછી એકવાર કલીનીકની અછડતી મુલાકાત લીધેલી પણ ઈશાનીને તેથી સંતોષ ન હતો થયો. તેનાં પતિદેવ કેવી રીતે કામ કરે છે તે જોવા-જાણવાની તેને ખૂબ ઈચ્છા હતી. તે વિચારતી કે તેમની બેસવાની જગ્યા કમ્ફર્ટેબલ હોય, પોતે તેમનાં કામનાં કલાકો દરમ્યાન તેમને જોઈતી વસ્તુઓનો ખ્યાલ રાખે, તેઓ જાતે હેલ્ધી રહે તે માટે તેમનાં માટે હેલ્ધી ફૂડ બનાવીને પોતાનાં હાથે જમાડે.આવાં કંઈક નાનાં મોટાં સપનાં દરેક નવવધૂની જેમ ઈશાનીની આંખોમાં પણ હતાં. તેનાં મનમાં પોતાનાં પતિ માટે ભારોભાર લાગણી હતી. એટલાં માટે જ તે પોતાનાં પતિદેવને મીઠી ફરિયાદ કરી રહી હતી પણ જગદીશે તેનો હાથ પોતાનાં હાથમાં લઈ પ્રેમથી ના પાડતાં કહ્યું, 

"ઈશી, પ્લીઝ. કલીનીક આવવા માટે ક્યારેય જીદ ન કરીશ. આપણા લગ્નને લીધે બહુ રજાઓ પાળી. કલીનીક ટ્રેઈની ડૉક્ટર્સને ભરોસે છોડ્યું છે તે તું ક્યાં નથી જાણતી ! પહેલાં તો મારે પેન્ડીગ કામોનો પતાવવા છે. ત્યારબાદ ક્લીનીકનું રીનોવેશન પણ કરાવવું છે. એ પણ તારી પસંદગી પ્રમાણે ! ત્યારે તને જરૂર કલીનીક લઈ જઈશ પણ ત્યાં સુધી કલીનીક આવવાની જીદ ન કરીશ, પ્લીઝ. આમ પણ હું તો બીઝી હોઈશ એટલે તું ત્યાં આવીને કંટાળી જશે. માટે ઘેર જ રહે અને હા, હમણાં શહેરમાં વાયરલ બહુ ફેલાયો છે તો તું ત્યાં આવીને વાયરલમાં સપડાઈ જાય તે મને જરા પણ મંજૂર નથી. ડાર્લિંગ, તું બસ ઘેર રહે અને સેફ રહે. ચલ, જલ્દી મને મારો મોબાઈલ આપ એટલે હું ફટાફટ કલીનીક પહોંચું."  

"તમે પણ વાયરલથી સાચવજો." ઈશાની ચિંતિત સ્વરે બોલી ઉઠી. 

પોતાનાં એકાકી જીવનમાં ઈશાની જેવી પ્રેમાળ પત્ની મેળવીને ખુશખુશાલ થઈ ગયેલાં ડૉ. જગદીશે પોતાની ઈનોવા ફટાફટ પોતાનાં કલીનીક તરફ દોડાવી. પતિદેવના ગયાં પછી ઈશાની વિચારી રહી કે લગ્નનો અને હનીમૂનનો ખર્ચ કર્યા પછી હવે આવડાં મોટાં ક્લીનીકનું રીનોવેશન કરવા માટેનાં ખર્ચની વ્યવસ્થા શી રીતે થશે ? રાત્રે પતિદેવ પાસે આ વાત કરતાં તેણે જવાબ આપતાં આંખ મીચકારી.

 "બધું થઈ રહેશે, ડાર્લિંગ. થોડાં ઓપરેશન વધારે ! પણ તું એ બધું છોડ અને મને એ કહે કે આ ડાયમંડ રીંગ ક્યા હાથમાં પહેરાવું ?" આ સાંભળીને ઈશાનીનું મોં આશ્ચર્યથી પહોળું થઈ ગયું. તે બોલી ઉઠી. 

"ડાયમંડ રીંગ !"

"હા, આપણે શોપિંગ કરવા ગયાં ત્યારે તને ગમી ગઈ હતી એટલે લેતો આવ્યો." 

ઈશાની પ્રેમથી પતિને ગળે લાગી ગઈ. તેનો પ્રશ્ન હવામાં ઉડી ગયો અને તેનો પણ એ સરળ છોકરીને ખ્યાલ ન રહ્યો ! 

પછી તો ઈશાની આ વાતને વિસરી પણ ગઈ. સમય પણ જાણે પંખો લગાવીને ઉડી રહ્યો હતો. છ મહિના પછી એક દિવસ જગદીશે, ઈશાનીને રીનોવેશન બાબત પોતાની ટીમ જોડે ચર્ચા કરવા હોસ્પિટલ આવવાનું કહી કાર કલીનીક તરફ ભગાવી. ત્યારબાદ પોતાને ચારેક દિવસથી થયેલી શંકાનું નિવારણ કરવા ઈશાનીએ પ્રેગ્નન્સી ચેકિંગ માટેની મેડીકલ કીટનો ઉપયોગ કર્યો. તેમાં આવેલું પોઝીટિવ રીઝલ્ટ જગદીશને જણાવવા ઈશાની ઉમંગસભર હૈયે ઘેરથી નીકળી. તે હોસ્પિટલ પહોંચી ત્યારે જગદીશ ઓપરેશનમાં વ્યસ્ત હતો. ઈશાની લગભગ બે કલાક તેની રાહ જોઈને બેસી રહી. ઓપરેશન થિયેટરની બહારની બેન્ચ પર બેઠાં બેઠાં તેણે જોયું કે પચીસથી ત્રીસ મિનીટનાં અંતરે યુવતીઓ અંદર જતી અને ઓપરેશન કરાવીને સ્ટ્રેચર પર બહાર આવતી. ઓપરેશન શાનું હતું તે ઇશાનીને ન સમજાયું. 

ઈશાનીની બિલકુલ સામેની બેન્ચ પર એક સાસુ-વહુની જોડી બેઠી હતી. ગભરુ પારેવડી જેવી વહુ, સાસુને વિનંતી કરતી હતી કે પોતાનાં પેટમાં રહેલી બાળકીની હત્યા ન કરો પણ સાસુએ આંખ કાઢીને તેને ચૂપ કરી દીધી. 

એટલામાં તે સ્ત્રીનો વારો આવી જતાં બે નર્સ તેને હાથ પકડીને ઓપરેશન થિયેટરમાં લઈ ગઈ. વીસ મિનીટ બાદ અર્ધ બેભાન અવસ્થામાં પણ રડતી તે સ્ત્રી સ્ટ્રેચર પર બહાર આવી. થોડીવાર પછી ડૉ. જગદીશ બહાર આવ્યાં પણ આખી હોસ્પિટલ ફરી વળવા છતાં ઈશાની તેમને ક્યાંય ન મળી ! ઈશાનીનો ફોન પણ સ્વિચ્ડ ઓફ આવતો હતો. જગદીશે પોતાને સાસરે પણ ફોન કરીને ચાલાકીથી જાણી લીધું કે ઈશાની ત્યાં છે કે નહીં ? બીજાં બે-ત્રણ ઓપરેશન હતાં તે પતાવીને થાકેલો જગદીશ ઘેર આવ્યો. જોયું તો ઘર લોક ! તેણે પોતાની પાસે રહેલી ચાવી વડે દરવાજો ખોલ્યો. અંદર પ્રવેશતાં જ વિશાળ ડ્રોઈંગરૂમમાં સીસમની ટીપોય પર, કાચનાં પેપરવેઈટ નીચે એક ચિઠ્ઠી દબાવેલી પડી હતી. જગદીશે જલ્દીથી ઉપાડીને વાંચવા માંડ્યું.  મરોડદાર અક્ષરોમાં ઈશાનીએ લખ્યું હતું.....

"પ્રિય લખી શકું તેવું હવે શક્ય નથી માટે માત્ર જગદીશ,

આજે ક્લીનીકે આવીને મેં જોયું કે સફેદ એપ્રનનું આવરણ ઓઢીને તમે કેવાં કાળાં કામો કરી રહ્યાં છો ! તમારું માત્ર નામ જગદીશ છે તમે કંઈ ખરેખર જગતનાં ઈશ નથી કે તમે કોઈક જીવની ગર્ભમાં જ હત્યા કરી દો ! તમને એવું કરવાનો હક્ક કોણે આપ્યો ? એ અજન્મા જીવનો ગુનો શું છે ? માત્ર એ જ કે તે છોકરો નહીં છોકરી છે ? એનાં શ્વાસ બંધ કરનાર તમે કોણ ? આવાં કામ કરીને ભેગાં કરેલાં રૂપિયા મને ન જોઈએ. હવે મને સમજાયું કે તમે મને શા માટે કલીનીક આવવાની ના પાડતાં હતાં ! મને ચેપ ન લાગી જાય તેવી વાત કરવા પાછળ તમારો પ્રેમ નહીં સ્વાર્થ બોલતો હતો. મારો એ ભ્રમ આજે ભાંગી ગયો !

હા, એક વાત તો કહેવાનું રહી જ ગયું ! મારાં પેટમાં પણ તમારો અંશ પાંગરી ચૂક્યો છે. રીનોવેશનની ચર્ચાની સાથે, હું એ સમાચાર રૂબરૂ આપવા અને તમારાં ચહેરા પરની એ અવણર્નીય ખુશી જોવા ત્યાં આવી હતી પણ મને ખબર ન હતી કે જેને હું મારું સર્વસ્વ માનું છું, એ મારો પતિ આવાં કામો કરી રહ્યો છે ! તમારામાં ને હત્યારામાં ફેર શો એ મને સમજાવશો ? ત્યાં વિતાવેલાં બે-અઢી કલાક મારી જીંદગીનાં સૌથી વધુ ખરાબ કલાકો હતાં. મને તમારાં દાગીનાં, મોંઘા કપડાં કે મકાનનો મોહ નથી. એ બધું જ છોડીને જઈ રહી છું. મને શોધવાની કોશિશ કરશો નહીં. 

મારાં પેટમાં પણ જો દીકરી હશે તો ? તો એની પણ તમે એવી જ રીતે હત્યા કરી નાંખશો તો ? માટે હું મારાં અંશને લઈને એવી જગ્યાએ જતી રહીશ જ્યાં તમારાં જેવાં હત્યારાનો પડછાયો પણ તેનાં પર ન પડે. 

ગુડ બાય ફોર એવર. 

લિ. આઠ મહિનાથી રસ્તો ભટકી ને હવે સાચે માર્ગે પ્રયાણ કરનાર ઈશાની."


આ વાંચીને જગદીશ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો. ઈશાનીએ ઉતારીને ટેબલ પર મૂકેલાં દાગીનાની ચમક જગદીશના મોં પર કાલિમા પાથરી ગઈ. થોડીવારે સ્વસ્થ થઈને તેણે પોલીસને ફોન લગાડ્યો. 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy