અંધશ્રદ્ધા
અંધશ્રદ્ધા
નીલાબેન રસ્તે ચાલતાં ચાલતાં અધવચ્ચે ઊભાં રહી ગયાં. તેમનાં પતિદેવે કારણ પારખી જતાં કહ્યું, "ફરી બિલાડી જોઈ કે શું ?" "અરે, હા. એટલે જ તો ઊભી રહી ગઈ. સારાં કામે જતાં હોઈએ ને આવાં બિલાડાં અપશુકન કરાવે છે. બે વાર આડી ઉતરી આજ તો. હવે શિખરને સ્કૂલમાં એડમીશન મળશે કે નહીં કોણ જાણે ?"
વાત એમ હતી કે આજે નીલાબેન અને રમેશભાઈ, નાનકડાં શિખરને શાળામાં ઈન્ટરવ્યુ માટે લઈ જઈ રહ્યાં હતાં. જેવાં ઘરેથી બહાર નીકળ્યાં ત્યાં જ બિલાડી આડી ઉતરી એટલે નીલાબેન ઊભાં રહી ગયેલાં. રમેશભાઈ શિખરને આગળ બેસાડીને, સ્કૂટર ચાલુ કરીને રાહ જોઈ રહ્યાં હતાં. મોંઘા ભાવનું પેટ્રોલ બળી રહ્યું હતું એ જોઈને રમેશભાઈ મનોમન ધૂંધવાતા હતાં. નીલાબેનને આવી અંધશ્રદ્ધા ન રાખવા અનેક વાર સમજાવી ચૂક્યાં હોવા છતાં નીલાબેન તેમની વાતો ક્યારેય ગળે ન ઉતરી. આજે પણ એ જ થયું. નીલાબેને હાથ જોડીને મનમાં અગિયારવાર પ્રભુનું નામ લીધું પછી જ સ્કૂટર પર બેઠાં. રમેશભાઈને ગુસ્સો તો ખૂબ આવ્યો પણ પત્નીનાં ચહેરાની નિર્દોષતા અને બિલાડીનાં થયેલાં અપશુક્નથી નીલાબેનને થઈ રહેલી ચિંતા જોઈને કશું બોલ્યાં નહીં.
નીલાબેન બધી રીતે સર્વગુણસંપન્ન પણ એક અંધશ્રદ્ધાને બાદ કરતાં ! મિલનસાર સ્વભાવ, પરોપકારી, તમામ ગૃહકાર્યમાં કુશળ, સાસરામાં પણ બધાંને પ્રિય, પ્રેમાળ જીવનસાથી અને મમતાળુ માતા....પણ આ બધું હોવા છતાં રમેશભાઈને તેમની અંધશ્રદ્ધા ભારે ખટકતી. છીંક આવે તો ઉભું રહી જવાનું, કોઈ જતું હોય તો પાછળથી બોલાવવાનાં નહીં, કોઈ બહાર જતું હોય તો ક્યાં જાવ છો તેમ ન પૂછતાં શીદ જાવ છો એમ પૂછવાનું, ખાવાનું નામ લઈને બહાર ન જવું. કાચ ફૂટે, મીઠું ઢોળાય કે દૂધ ઉભરાય તો તેને અશુભ ગણવું.....આવી તો અગણિત અંધશ્રદ્ધા તેઓ ધરાવતાં હતાં. ભગવાનનો દીવો પવનથી ઠરી જાય તો, તે દિવસે નીલાબેન અશુભ ન થાય તે માટે ભગવાનને વિનવતાં આખાં દિવસનો ઉપવાસ જ કરી નાખતાં ! ભગવાનને પ્રાર્થના કરવા સુધી તો ઠીક છે પણ આવી રીતે ભૂખ્યાં રહીને અશક્તિને નોતરે એ રમેશભાઈને જરાપણ ન ગમતું.
તેમની વચ્ચે બહુ પ્રેમ હતો. તેથી બીજી કોઈ બાબત માટે ક્યારેય ગુસ્સો ન કરતાં રમેશભાઈ ઉપવાસની વાત સાંભળીને નીલાબેનને ધમકાવી નાખતાં. જોકે નીલાબેન ક્યારેય ઊંચે સાદે પતિ સામે બોલતાં નહીં. ચૂપચાપ તેમની વઢ ખાઈને રડી લેતાં. પછી રમેશભાઈનો પણ જીવ બળતો કે નીલા મારી બધી વાતો સ્વીકારી શકે છે પણ હું તેની આ એક નબળાઈ પણ નથી સ્વીકારી શકતો. જયારે રમેશભાઈ આવી બાબતોમાં ગુસ્સે થયાં હોય અને નીલાબેન ફળિયામાં જઈને છાનાંમાના રડતાં હોય ત્યારે રમેશભાઈ તેમની પાસે જઈને ચૂપચાપ પોતાનાં કાન પકડી લેતાં. આ જોઈને નીલાબેન રડતાં બંધ થઈને પતિને કાન પકડતાં રોકતાં. પતિનાં ચહેરા પર તેઓ ઉદાસી જોઈ ન શકતાં અને બધું નોર્મલ કરવાની કોશિશમાં લાગી જતાં. જીવન ફરી દોડવા લાગતું. નીલાબેનની વધતી જતી અંધશ્રદ્ધા જોઈને રમેશભાઈને નીલાબેનની ચિંતા પણ થતી કે જો આમને આમ ચાલ્યું તો નીલાનું શું થશે ?
જયારે શિખરનો જન્મ થયો ત્યારે તેનું મોઢું જોયાં પછી નીલાબેને તરત જ પતિને શિખરની જન્મકુંડળી બનાવવા મોકલી દીધેલાં. જયારે કુંડળી બની ગઈ અને બધું બરાબર હોવાની ખાતરી થઈ પછી જ નીલાબેને નિરાંતનો શ્વાસ લીધેલો. શિખર સાવ નાનો હતો ત્યારે તેને નજર ન લાગે એ માટે નીલાબેન તેને કયારેય ખુલતાં કલરનાં કપડાં પહેરાવતાં નહીં. યશોદાજી જેમ કાનાની નજર રોજ ઉતારતાં તેવી જ રીતે નીલાબેન પણ શિખર બહારથી રમીને આવે એટલે તેની નજર ઉતારતાં. ક્યારેક રમેશભાઈને ઢીલાં જુએ એટલે નીલાબેન તેમની પણ નજર ઉતારતાં ! રમેશભાઈને સમજાતું નહીં કે પત્નીનાં આ કાર્ય માટે ગુસ્સે થવું કે પોતાનાં માટેનાં પ્રેમ બદલ ખુશ થવું ?
શિખર હવે પંદર વર્ષનો થઈ ગયો હતો. એકવાર તેની સ્કૂલમાંથી જૂનાગઢ પિકનિકમાં લઈ જવાનાં હતાં. આમ તો નીલાબેન શિખરને એકલો ક્યાંય જવા દેતાં નહીં પણ આ વખતે શિખરની જિદ સામે ઝૂકવું પડ્યું. સામાન કરતાં પણ વધુ વજનદાર સૂચનાઓનાં પોટલાં સાથે શિખરને રવાના કર્યો પણ શિખરની નજર ઉતારવાનું ભૂલી ગયાં હોવાથી નીલાબેનનું મન એકદમ ઉચાટ અનુભવી રહ્યું હતું. શિખર એકલો પહેલીવાર બહારગામ ગયો હતો. પડખાં ફેરવતાં નીલાબેને રાત તો માંડ પસાર કરી. સવારથી જ નીલાબેનનું મન અશાંત હતું. તેમનો જીવ ક્યાંય લાગતો ન હતો. તેમણે પૂજાપાઠમાં મન પરોવવાની કોશિશ કરી જોઈ પણ એય ઠગારી નીવડી. રવિવાર હોવાથી રમેશભાઈ ઘેર હતાં અને સવારથી નીલાબેનનો આ ઉચાટ જોઈ રહ્યાં હતાં. તેમણે નીલાબેનને સમજાવવાની કોશિશ કરી જોઈ પણ બધું નિરર્થક ! એમાં પણ દીવાની જ્યોત પવનને કારણે થરથરવા લાગી એટલે નીલાબેને દોટ મૂકી તેને સ્થિર કરી. તેમનું રડવું શરૂ થઈ ગયું હતું તો રમેશભાઈનું મન પણ ક્યાંય લાગતું ન હતું. છાપું બાજુ પર મૂકીને તેમણે ટી.વી. ચાલુ કર્યું. સર્ફિંગ કરતાં કરતાં એક લોકલ ન્યૂઝ ચેનલ પકડાઈ ગઈ. તેમાં સમાચાર આવી રહ્યાં હતાં કે શહેરની એસ.કે. વિદ્યાલયની બાળકોને પીકનીક લઈ જઈ રહેલી બાળકોની બસને એક વિચિત્ર કહી શકાય તેવો અકસ્માત નડ્યો છે. જુનાગઢના વિલીંગડન ડેમ નજીક ચાલતી બસનું ટાયર ફાટ્યું છે અને ઘણાં બાળકો કાળવા નદીનાં પાણીમાં ગરકાવ થઈ ગયાં છે. તેમાં થયેલી જાનહાનિ વિશે વિસ્તૃત માહિતી અમે થોડીવારમાં આપીએ છીએ. અમારી સાથે જોડાયેલાં રહેશો.
આ સમાચાર સાંભળતાં જ પૂજાઘર પાસે બેઠેલાં નીલાબેને પોક મૂકી. રમેશભાઈ પણ રડતાં રડતાં બોલી ઉઠ્યાં. "તેની કુંડળીમાં પાણીની ઘાત હતી. જ્યોતિષીએ મને તેનાં જન્મ વખતે જ કહેલું પણ હું તેમની વાત માન્યો નહીં. મેં બહુ મોટી ભૂલ કરી કે તેને પાણી પાસે જવા દીધો. નીલા, મને માફ કરી દે." પછી ભગવાનની છબી સામે ઘૂંટણીયે પડીને દીકરાને હેમખેમ રાખવા કરગરવા લાગ્યાં. શિખરની પાણીની ઘાત વિશે સાવ જ અજાણ નીલાબેનને ઘાતની વાત સાંભળીને એટલો જોરદાર આઘાત લાગ્યો કે તેઓ પૂજાઘર પાસે જ બેભાન થઈ ગયાં. રમેશભાઈએ નીલાબેનને ભાનમાં લાવવાની કોશિશ કરી પણ વ્યર્થ ! તેમણે ફોન કરીને એમ્બ્યુલન્સ મંગાવી અને નીલાબેનને હોસ્પિટલમાં એડમિટ કર્યા.
ઘણી ટ્રીટમેન્ટ પછી પણ નીલાબેન ભાનમાં ન આવતાં તેમને આઈ.સી.યુ.માં શિફ્ટ કરવામાં આવ્યાં. હોસ્પિટલ સ્ટાફનાં અને મિત્રોને ભરોસે નીલાબેનને મૂકીને રમેશભાઈ દીકરાની સ્કૂલે ગયાં. ત્યાંથી સમાચાર મળ્યાં કે ટાયર ફાટ્યું જરૂર હતું પણ બધાં જ બાળકો હેમખેમ છે. સાથેનાં શિક્ષકો, પટાવાળા ભાઈ-બહેનો અને ડ્રાઈવર પણ સહીસલામત છે. કોઈ કોઈ બાળકને એકદમ સામાન્ય કહી શકાય તેવી ઈજાઓ થઈ છે. બપોર સુધી બધાં બાળકોને સ્કૂલ દ્વારા સુરક્ષિત પોત પોતાને ઘેર પહોંચાડી દેવામાં આવશે. આ સાંભળીને રમેશભાઈ અને બીજાં બધાં વાલીઓનાં જીવમાં જીવ આવ્યો. દીકરાનાં ક્ષેમકુશળ જાણીને રમેશભાઈએ રોતી આંખે ઉપરવાળાનો આભાર માન્યો અને હોસ્પિટલ તરફ દોડ્યાં. બપોર સુધી શિખર તેમની પાસે પહોંચી ગયો. તેને કપાળ પર થોડું વાગેલું એટલે એક ઢીમચું થયેલું. બાકી કોઈ જ ઈજા થઈ ન હતી. બે દિવસમાં તો એ ઢીમચું પણ મટી ગયું. પરંતુ, નીલાબેન હજુ બેભાનાવસ્થામાં આઈ.સી.યુ.માં જ હતાં.
ચાર દિવસ પછી તેમણે આંખો ખોલી. ભાનમાં આવતાં જ તેમણે સામે બેઠેલાં રમેશભાઈને અને શિખરની સામે જોયું પણ ઓળખી ન શક્યાં. તેમને લાગેલાં આઘાતને કારણે તેમનો સ્મૃતિભ્રંશ થઈ ગયો. તેમની જિંદગી બસ એ જ વાત પર આવીને અટકી ગયેલી કે તેમનો દીકરો શિખર પીકનીક પર ગયો છે. તેને પાણીની ઘાત છે ને એને લીધે પાણીમાં ડૂબી ગયો છે ! કેટલાંય ઉપચાર કરાવ્યાં છતાં રમેશભાઈ નીલાબેનને આ મનોસ્થિતિમાંથી બહાર ન લાવી શક્યાં ! આખો દિવસ બસ ગુમસૂમ બેસી રહેતાં અને મનમાં આવે ત્યારે બોલી પડતાં."મારો શિખર પાણીમાં ડૂબી રહ્યો છે. તેને પાણીની ઘાત છે. કોઈક તો બચાવો. મારો શિખર....મારો શિખર...." અને પછી કલાકો સુધી રડ્યાં કરતાં. ત્યારે તેમને ઊંઘની દવા આપી સુવડાવી દેવા પડતાં. રમેશભાઈ અને શિખરથી નીલાબેનની આ હાલત જોઈ ન જતી પણ સેવા સિવાય બંને બીજું કંઈ કરી શકે તેમ પણ ન હતાં. નીલાબેન ક્યારેક એમ પણ બોલતાં કે હું જ મારાં દીકરાની નજર ઉતારવાનું ભૂલી ગઈ અને મારો દીકરો પાણીમાં ડૂબી ગયો. બધો વાંક મારો જ છે. હું કેમ ભૂલી ગઈ તેની નજર ઉતારવાનું ? આ માટે તો મારો પ્રભુ મને ક્યારેય માફ નહીં કરે.
રમેશભાઈ અને શિખર નીલાબેનનાં આ અનન્ય પુત્રપ્રેમ અને તેમનાં મનમાં ઘર કરી ગયેલી અંધશ્રદ્ધા બંનેને લાચાર બનીને જોઈ રહેતાં. નીલાબેનનું મન તો બસ શિખરની પાણીની ઘાત અને તેથી થયેલાં અકસ્માત પર આવીને અટકી ગયું હતું. શિખર પણ મમ્મીને સમજાવવાની લાખ કોશિશો કરતો કે હું સાજો સારો તારી સામે છું, મમ્મી પણ દીકરાનાં અકસ્માતનાં આઘાતથી આહ્ત થયેલું તેમનું મન એ આઘાતને જીરવી ન શક્યું. પરણી ગયેલો શિખર અને તેની પત્ની વીણા જયારે જયારે નીલાબેન શિખર...શિખર કરીને રડતાં હોય ત્યારે નાનાં બાળકને તેડે તેમ નીલાબેનને બાથમાં લઈને શાંત કરવાની કોશિશ કરતાં. આ જોઈને રમેશભાઈની વૃદ્ધ આંખોમાં આંસુની સાથે ભાવોની ભરતી પણ ઊઠતી ! જીવનસાથીની અસહનીય હાલત, પોતાનાં એકાકીપણાનું દુઃખ અને સમજદાર તેમજ લાગણીશીલ પુત્ર અને પુત્રવધૂનો નીલાબેન પ્રત્યેનો અપાર સ્નેહ અને કાળજી.
જીવનમાં કોઈ કોઈ આઘાતો એવાં હોય છે કે વ્યક્તિ તેને જીરવી નથી શકતી અને હસતો રમતો પરિવાર આ આઘાતની અસર તળે હંમેશા માટે દુઃખી થતો રહે છે. આવાં સમયે એ નક્કી કરવું મુશ્કેલ થઈ જાય છે કે આઘાત પામીને તેની અસર તળે રહી ગયેલ વ્યક્તિ વધુ દુઃખ ભોગવે છે કે તેનાં સ્વજનો ?
