Niranjan Mehta

Inspirational Children

4.3  

Niranjan Mehta

Inspirational Children

મિશન દીપાવલી

મિશન દીપાવલી

5 mins
53


દીપાવલી એ દીવાઓનું પર્વ. જ્યાં અમાસના અંધકારને દીવાના પ્રકાશ વડે દૂર કરાય છે. સામાન્ય રીતે આ તહેવાર બહુ ધામધુમથી ઉજવાય છે પણ આ વર્ષે તે શક્ય નથી કોરોનાની મહામારીને કારણે. લોકો માટે ઘર બહાર જવાની શક્યતા ઓછી છે અને વળી ધંધા રોજગારમાં મંદી છે ત્યારે કઈ રીતે આ તહેવાર ઉજવાય ? બસ, આ જ મૂંઝવણ આ સોસાયટીના બાળકોને પણ હતી. ઘણી હોંશ હતી કે દર વર્ષની જેમ આ વખતે પણ ધડાકા કરીને વાતાવરણને ગજવી દઈએ પણ અફસોસ આ શક્ય ન હતું.

દિવાળીના ચાર દિવસ પહેલા ચાર યુવાનો સોસાયટીના કંપાઉંડમાં રોજની જેમ સાંજે ભેગા થયા અને પોતાની વ્યથાની ચર્ચા કરવા લાગ્યા. એક તો કોલેજ બંધ અને સોસાયટીના પ્રતિબંધક નિયમો એટલે સામાન્ય જીવનમા તકલીફ, દિવાળી નજીકમાં છે પણ તે ઉત્સવ ઉજવવાનું વિચારી પણ ન શકાય. પણ દર વર્ષે આ તહેવાર જે રીતે ઉજવાતો તેની યાદ તો આવેને ? તો આ વર્ષે હવે કેમનું કરશું ?

પણ જો સોસાયટીમાં રહેતા આવું વિચારે તો સામેની ઝુંપડીઓમાં રહેતા લોકોની શું હાલત થાય ? આમેય તે પેટે પાટા બાંધી જીવન ગુજારનારને શું દિવાળી કે શું હોળી. પણ તેમ છતાં નાના બાળકોને રાજી કરવા ક્યાંકથી થોડા ફટાકડા અને એકાદ નાનું મીઠાઈનું બોક્ષ જેમતેમ કરીને દર વર્ષે લાવી આપતા. પણ આજની વાત તેમને માટે જુદી જ બની રહી. ત્યાં વસતા મોટાભાગના લોકો દૈનિક મજૂરી કરી જીવનનિર્વાહ કરી લેતા પણ છેલ્લા કેટલાક સમયથી તે પણ શક્ય ન હતું. તેનાથી કંટાળીને અમુક તો પોતાને વતને યેનકેનપ્રકારેણ રવાના થઇ ગયા હતા. પણ જેમને જવા માટે અન્ય કોઈ વતન ન હતું ને હોય તો પણ જવા માટે કોઈ સાધન કે અર્થવ્યવસ્થા ન હતી તેઓ તો મહાપરાણે અહી જ જીવન વ્યતિત કરતા હતાં. 

‘કેમ દોસ્તો, આજે નિરાશ ચહેરે બેઠા છો ?’ મનસુખભાઈનો અવાજ સંભળાયો. વયસ્ક હોવાને કારણે તે ઘરમાં જ રહેતા હતા પણ ભોંયતળિયે ફ્લેટ હતો એટલે સાંજના ઘરની બહાર ખુરશી નાખી રોજ એકાદ કલાક બેસતા અને આવતાજતા અન્યોને સાહેબજી સલામ કરતા. પરિચિતો સાથે બે મિનિટ વાતો પણ કરી લેતા. આમ જાતે તો સમય પસાર કરી લેતા પણ વાતચીત કરીને અન્યોનું મન પણ હળવું કરવામાં સહાયરૂપ બની રહેતા. સોસાયટીમાં તે કાકા તરીકે જ ઓળખાતા કારણ તે જુના સભ્યોમાંના એક હતા.

‘કાકા, તમને તો ખબર છે આ કોરોનાની મહામારીએ કેવો કેર વર્તાવ્યો છે. લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અમારે તો કોલેજ પણ બંધ છે એટલે રોજ ઘરમાંને ઘરમાં રહી કંટાળી ગયા છીએ. મિત્રોને મળી પણ નથી શકાતું.’ ચારમાંના એક સંજયે કહ્યું.

‘આ તો છેલ્લા સાત મહિનાની વાત છે અને હવે તો લોકો આવી પરિસ્થિતિથી ટેવાઈ પણ ગયા છે તો આજે અચાનક આમ અફસોસ અને નિરાશા કેમ ?’

‘કાકા, સાત મહિનાથી જે સહન કર્યું છે તેની ફરિયાદ કરવાનો કોઈ અર્થ નથી તે અમે જાણીએ છીએ અને સમજીએ પણ છીએ. પણ આવતી દિવાળીની આજે યાદ આવી અને અમે બધા દર વર્ષે કેવી ધામધુમથી દિવાળી ઉજવતા હતા તેની પણ યાદ આવી. હવે આ વર્ષે કોરોનાને કારણે અમે તેમ નહીં કરી શકીએ એટલે અમે નિરાશા અનુભવીએ એ સ્વાભાવિક છે. તમે પણ અમને દર દિવાળીએ થોકબંધ ફટાકડા ફોડતા જોયા છે. વળી અમારી સાથે સોસાયટીના અન્ય નાના મોટા સભ્યો પણ ભાગ લેતા હોય છે અને આપણા સૌના આનંદમાં વધારો કરતા હોય છે તે તમે પણ જોયું છે. એ બધું યાદ આવ્યું.’ પંકજે કહ્યું.

‘જુઓ દોસ્તો, હું જે પણ કહીશ તે કદાચ તમને ન પણ ગમે કારણ તે તમારા વિચારોથી વિરુદ્ધ પણ હોય. કદાચ અપ્રિય પણ લાગે પણ એક વડીલને નાતે મને કહેવા દેશો ?’

‘કાકા, તમારી વાતથી અમને ખરાબ નહીં લાગે. અગાઉ પણ એક બે વાર તમેં અમને સલાહ આપી છે અને તે યોગ્ય જ હતી એટલે આ વખતે પણ તમે યોગ્ય માર્ગદર્શન આપશો જ.’ હવે રાજન બોલ્યો.

‘તો હું તમને વગર ફટાકડાંએ આ વર્ષની દિવાળી ધામધુમથી ઉજવવાનો ઉપાય બતાવું.’

‘વગર ફટાકડાંએ ધામધુમથી ? એ કેવી રીતે ?’ બધા એક સાથે બોલી ઉઠ્યા.

‘ન કેવળ તમને તે ગમશે પણ તમારા વડીલો પણ તે જાણી સહાય કરવા તૈયાર થશે. અને સોસાયટીના અન્ય ઘરોમાં પણ આ વાતની જાણ થશે તો તેમાંના બધા તો નહીં પણ થોડાકને પણ આ વાત ગમશે અને સહકાર આપશે તે પણ માનજો.’

‘અમે તે વાત જાણવા ઉત્સુક છીએ.’ પંકજ ઉવાચ.

‘તમને તમારી હાલની મુસીબતને કારણે અન્ય વાત તરફ ધ્યાન ન હોય તે સમજી શકાય છે પણ હું તો આજુબાજુ ની પરિસ્થિતિથી વાકેફ છું. મારી ઉંમરને કારણે હું બહુ કાંઈ કરી ન શકું પણ તમે યુવાન લોકો જરૂર મને તેમાં સાથ આપી શકો.’

‘સારું કામ હોય તો શું કામ સાથ ન આપીએ ? તે બહાને અમારો સમય પણ પસાર થઇ જશે અને સમયનો સદુપયોગ કર્યાનો આનંદ મળશે તે જુદું.’ રાજને કહ્યું.

‘તમને તમારા ઘરેથી દર વર્ષે આ તહેવાર નિમિત્તે ખર્ચ માટે તમારા પિતા પૈસા તો જરૂર આપતા હશે.’

‘હા, પણ આ વર્ષે કોઈ ઉત્સવ નથી મનાવવાનો એટલે માંગવાની વાત જ ઊડી ગઈ.’ સંજયે કહ્યું.

‘એ તો હું પણ સમજુ છું. પણ મારી વાત તેમના કાને નાખશો તો જરૂર તે નાં નહીં કહેશે.’

‘કહો અમારે શું વાત કરવાની છે ?’

‘સૌ પહેલા તો કાલે તમે સામેની ઝૂપડપટ્ટીમા રહેતા બાળકો પાસે જાઓ. તેમને માટે ચોકલેટ લઇ જાઓ. પછી તેમના માતા પિતાને સમજાવો કે તમે તેમને ભણાવવા માંગો છો. તેમને પરિસ્થિતિનો ખ્યાલ છે પણ તેઓ તમારી વાત માટે તરત સંમત નહીં થાય. પણ હિંમત ન હારતા. મને ખાત્રી છે કે તમે ચાર મિત્રો આ ‘મિશન દીપાવલી’ને પાર પાડશો.

‘તમે ત્યાં જી ભણાવો તે કદાચ તમારા ઘરેથી પસંદ ન પણ હોય. તો તેને માટે પણ રસ્તો છે. આપણી સોસાયટીનું આવડું મોટું કંપાઉંડ શા કામનું ? હું સેક્રેટરીને વાત કરીને સમજાવીશ અને તે પણ સમજદાર છે એટલે બહુ વાંધો નહીં આવે. હા, આપણે દૂરતાના નિયમનું પાલન કરવું જરૂરી છે એટલે રોજ દસ બાળકોથી વધુને નહીં બોલાવવાના. તમે ચાર મિત્રો જુદા જુદા વિષય હાથમાં લઇ આ અભિયાન કરશો એમ કહું તો ખોટું નથીને ?’

‘વાહ, કાકા. જે વાત અમારે ઘણાં વખત પહેલા વિચારવી જોઈતી હતી તેનું તમે આજે ભાન કરાવ્યું. પણ કાકા, ત્યાં દસથી વધુ બાળકો હોય તો કેમનું કરશું ?’ પંકજે પૂછ્યું.

‘તેનો પણ ઉપાય છે. દરેક જણ અડધો કલાક એક વિષય ભણાવે એટલે સવારના બે કલાક. એ જ રીતે સાંજનાં બે કલાક. આમ તમે વીસ બાળકોને અભ્યાસ કરાવી શકશો. અરે જો જો, એકવાર શરૂ કરશો તો કેટલીક મહિલાઓ પણ તમારા કાર્યમાં સહભાગી થશે. તેમ થાય તો વધુ બાળકોને આ લાભ મળી રહેશે. એકવાર શરૂ કરો પછી જુઓ કેવા કેવા સકારાત્મક પરિણામ આવે છે. હું તો ત્યાં સુધી માનું છું કે એકવાર મહિલાઓ ભાગીદાર થશે તો આ પર્વે તેઓ આ બાળકોને સારા કપડાં આપશે અને સારો નાસ્તો પણ કરાવશે.’

‘માનના પડે, કાકા.’ સૌ મિત્રો એક સાથે બોલી ઉઠ્યા.

વધુ કહેવાની જરૂર છે ? આનંદમંગલ સોસાયટી હકીકતમાં આનંદમંગલ બની ગઈ અને ‘મિશન દીપાવલી’ને કારણે ન કેવળ ચાર જણની પણ આખી સોસાયટીની દિવાળી અનન્ય રીતે એક તહેવાર બની રહી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational