STORYMIRROR

Pravina Avinash

Inspirational Tragedy

3  

Pravina Avinash

Inspirational Tragedy

મિજાજ

મિજાજ

2 mins
28.9K


ટપ ટપ ચાલનો અવાજ આવતો હતો. સુરીલી ખૂબ ગુસ્સામાં હતી. આલાપ સાથે ઝઘડો થયો હતો. વાત સાવ મામૂલી હતી. નાકને ટેરવે મિજાજ રાખતી સુરીલીથી તે કેમ સહન થાય? આજે તેને સિનેમા જોવા જવું હતું. નવો સિનેમા હોય એટલે તેને આદત હતી કે 'પ્રિમિયર' શૉમાં જોવા જવાનું. આલાપના પાપા કંઈ કામ માટે મુંબઈ આવી રહ્યા હતા. તેમણે કહ્યું પણ ખરું “તમે લોકો જાવ સિનેમા જોવા હું, ટેક્સી કરીને ઘરે આવી જઈશ.

આલાપને બાળપણ યાદ આવી ગયું તે જ્યારે બેંગ્લોર મેડિકલ સ્કૂલમાં ભણતો હતો. ઘરે આવતો ત્યારે પાપા અચૂક ગાડીમાં તેને લેવા આવતા. અરે તેને ટ્રેનમાં અગવડ ન પડે તેથી આલાપની ના છતાં પણ પ્લેનમાં ઘરે બોલાવતા. એરપોર્ટ ગાડીમાં લેવા આવતા, મમ્મા કહેતી ડ્રાઈવર જઈને લઈ આવશે પણ ના, માને તેવા પાપા ન હતા. તેઓ આજે આવી રહ્યા હતા કેમ કરીને તે સિનેમા જોવા જઈ શકે. આ વાત સુરીલીને સમજાવી શકવા આલાપ અસમર્થ હતો.

આલાપે કહ્યું, "તારે જવું હોય તો જા. હું પાપાને લઈને ‘લાબેલા’માં જઈશ. તેથી તને કોઈ અગવડ ન પડે." જો કે રસોઈ તેણીને નહોતી કરવાની ઘરમાં રસોઈઓ હતો. સુરીલી વિફરી, આલાપે અવગણના કરી. એટલું જરૂર કહેવું પડશે, આલાપ હંમેશાં સુરીલીની આંખે ન જોતો. હા, તે તેને જાનથી પણ વધુ ચાહતો હતો. તેની હથેળીમાં હરગિજ રમવાને તૈયાર ન હતો. સુરીલીના માતા પિતાને તે આદર આપવામાં જરાય પાછી પાની ન કરતો.

સુરીલી સિનેમા જોવા ન ગઈ અને ઘરે મહારાજને રસોઈમાં શું બનાવવું તે સમજાવી ખરીદી પર નીકળી ગઈ. આલાપ પાપાને લઈને ઘરે આવ્યો છતાં, મેમસાહિબા ઘરે આવ્યાં નહોતાં. આલાપ નારાજ થયો પણ બતાવ્યું નહીં. મહારાજને પાપા માટે સરસ એલચી અને કેસરવાળી ચા બનાવવાનું કહી બાપ દીકરો વાતે વળગ્યા.

લગભગ કલાક પછી સુરીલી આવી. હા, નામ પ્રમાણેજ તેનો અવાજ હતો. પ્રેમથી મોડા આવવાનું કારણ 'ટ્રાફિક' બતાવી પાપા સાથે વાતે વળગી. આલાપને ખબર હતી કે કારણ બોદું છે પણ ગુસ્સો ગળી ગયો.

બાપ, દીકરા ચાને ન્યાય આપી રહ્યા હતા. સુરીલી આલાપને રાજી કરવા તેની ચામાં ભાગ પડાવી વાતમાં જોડાઈ ગઈ. તેના મનમાંથી સિનેમા જોવા ન જવાયું તે ખસ્યું નહીં. પાપા તો ચાર દિવસ રહીને પાછા જતા રહ્યા.

કાગનું બેસવુંને ડાળનું પડવું. સુરીલીના મમ્મીને પડી જવાથી હાડકું ભાંગ્યું હતું. તેઓ સૂરત રહેતા આલાપ ડોક્ટર હતો તેથી આવા પ્રસંગે મુંબઈ આવવા નીકળ્યા. સુરીલી બહેનપણીઓ સાથે મહાબળેશ્વર ગઈ હતી. આલાપ પર જ્યારે ફોન આવ્યો ત્યારે તે ટ્રેન પર લેવા પહોંચી ગયો અને ઝાટકિયાની હોસ્પિટલમાં ફર્સ્ટ ક્લાસમાં દાખલ કરી સત્વરે ઓપરેશનની વ્યવસ્થા પણ કરી આપી. મહાબળેશ્વરથી રાતના નીકળાય તેમ હતું નહીં.

પુષ્કળ વરસાદ હતો. સુરીલી જ્યારે મુંબઈ પહોંચી ત્યારે મ્મ્મા ઓપરેશન થિયેટરમાંથી બહાર રૂમમાં આવી ગયાં હતાં. સુરીલીના પાપા તો જમાઈબાબુના વખાણ કરતા થાકતા નહીં. સુરીલી શરમથી પાણી પાણી થઈ ગઈ હતી. તેના ચક્ષુ સમક્ષ રમી રહ્યો હતો પ્રસંગ કે જ્યારે આલાપના પાપા અવ્યા ત્યારે તેનું વર્તન કેટલું બેહુદું હતું. તેને થયું ‘મિજાજ’ ક્યાં અને ક્યારે કાબૂમાં રાખવો તે વિશે તેણીએ સજાગ રહેવું પડશે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational