મીરાંબાઈ ચાનુ
મીરાંબાઈ ચાનુ
ઑલમ્પિક્સમાં સન્માન મેળવનાર મીરાંબાઈ ચાનુ ટ્રક ડ્રાઇવરોને સન્માને છે.
વેઇટ-લિફ્ટિન્ગમાં ચન્દ્રક મેળવનાર મણિપુર રાજ્યની મીરાંબાઈ ચાનુ વિશે માધ્યમોમાં વાંચેલી એક વાતથી આંખો ભરાઈ આવી.
મીરાએ દોઢસો જેટલા ટ્રક ડ્રાઇવર્સનું સન્માન કર્યું. તેના યુ-ટ્યુબ પરના વિડિયોઝમાં લાગણી અને વિનમ્રતાભરી મીરાંબાઈની મુદ્રા સ્પર્શી જાય છે.
ડ્રાઇવર્સ અને તેમના સાથીદારો માટે તેણે જમણવાર ગોઠવ્યો અને દરેકને પ્રતીક ભેટ આપી. આ શા માટે ? એટલા માટે કે મીરાંબાઈને આ શ્રમિકોએ મદદ કરી હતી, જેને એ બહુ ઊંચી સિદ્ધિના અવસરે પણ ભૂલી ન હતી.
મીરાંબાઈની સિદ્ધિ બાદ, હવે આપણે એ જાણીએ છીએ કે તે રાજ્યનાં પાટનગર ઇમ્ફાલથી પચીસેક કિલોમીટર દૂરના ગામના ખેતમજૂર પરિવારની દીકરી છે. માથે ઇંધણાં ઊપાડીને માઇલો ચાલવું એ તેની જિંદગીનો હિસ્સો હતો. તેના પિતા બાંધકામ મજૂરી પણ કરે છે, માતા મજૂરી કરવા ઉપરાંત ગામમાં ચાનો ગલ્લો ચલાવે છે.
મીરાંબાઈએ વેઇટ લિફ્ટિંગ માટેની તાલીમ ઇમ્ફાલનાં તાલીમ કેન્દ્રમાંથી મેળવી છે. ગામથી સવાર-સાંજ તાલીમ ખાતર ઇમ્ફાલ જવા માટે જે પાંખી બસ સર્વીસ હતી તેના માટે ય આવવા-જવાના ભાડાંના પૈસા મીરાંબાઈના પરિવારને પોષાય તેમ ન હતા.
એટલે મીરાંબાઈ વર્ષો લગી તાલીમમાં જવા માટે મીરાંબાઈ ઘણી વાર તેના ગામ બાજુથી ઇમ્ફાલ તરફ માલસામાન લઈને જતી ટ્રકોમાં અવરજવર કરતી.
ટ્રકવાળા તેના માટે રોકાતા, તેને લિફ્ટ આપતા અને પૈસાય ન લેતા. તેની મહેનતની કદર કરતા, તેની સલામતી જાળવતા.
કૃતજ્ઞતાના એક અત્યંત ઉમદા કાર્ય તરીકે મીરાંબાઈએ શુક્રવાર 6 ઑગસ્ટે ટ્રક ડ્રાઇવર્સ અને તેમના મદદનીશો એમ કુલ દોઢસો વ્યક્તિઓનું સન્માન કર્યું. તેણે એમને મિજબાની આપી અને દરેકને એક શર્ટ અને મણિપુરી હાથરૂમાલ (સ્કાર્ફ) ભેટ આપ્યા. તેણે માધ્યમોને એ મતલબનું કહ્યું કે મારી સિદ્ધીમાં આ બધાનો પણ બહુ મોટો ફાળો છે.
સેલિબ્રિટિઝ સહિત સમાજનો એક મોટો હિસ્સો તમામ પ્રકારના શ્રમિકો માટે કદર અને અહેસાનની લાગણી ગુમાવતો જાય છે. એવા સમયમાં, દુનિયાનું એક ખૂબ ઊંચું સન્માન મેળવનાર યુવતી - સામાન્ય રીતે આપણાં મનમાં ભાગ્યે જ આવતા - ટ્રકવાળાનું સન્માન કરે તે માણસાઈના ઇતિહાસમાં અચૂક નોંધવી પડે તેવી ઘટના છે.
