મીરા
મીરા
મીરા નાનપણથી જ ખૂબ શાંત અને સહનશીલ હતી. ચાર ભાઈ બહેન વચ્ચે તે સૌથી મોટી. પિતા મજૂરી કામ કરી જીવન ગુજારતા હોવાથી ઘરમાં ઘણુંય મીરાને સાચવવું પડતું હતું. મીરાનું સાત સુધીનું ભણતર પૂર્ણ થતા તેના પિતાએ તેના લગ્ન કરાવી દીધા.
છોકરો ખુબજ સારો હતો. અને વ્યવસાયે દરજી હતો. ત્યાં પણ મીરા ને મોટું પરિવાર હતું. ચાર ભાઈ વચ્ચે મીરાનાં પતિ સૌથી મોટા . . . આમ મોટા પરિવારને સાચવવાની આવડત તો મીરા માં હતીજ તેથી તેણે સાસરે પણ બધું સારી રીતે સાચવી લીધું. વર્ષો વીતતાં ગયાં અને મીરા ધીરે ધીરે સાસરે રમી ગઈ. તેને પિયરની જરાક પણ યાદ આવતી ન હતી.
મીરા ને બે બાબા અને એક બેબી હતી. પરિવાર ધીરે ધીરે મોટો થઈ રહ્યો હતો. અને મીરા અને તેના પતિ વચ્ચેનું પ્રેમ પણ ગાઢ થઈ રહ્યું હતું.
પરંતુ એક દિવસ અચાનક તેના પતિ બીમાર પડ્યા. સામાન્ય દવા પર તેઓને કોઈ અસર ન થઈ તેથી તેઓએ રિપોર્ટ કરાવ્યા અને રિપોર્ટ આખા પરિવાર ને હલાવી દે તેવા હતા. મીરાનાં પતિ મોઢાના કેન્સરથી પીડાઈ રહ્યા હતા. મીરા પતિને જ્યાં ને ત્યાં બતાવતી નાશિક, મુંબઈ, અમદાવાદ, ઔરંગાબાદ જેને જ્યાં કીધું તે દરેક જગ્યાએ બતાવ્યું. દરેક જગ્યાથી એકજ જવાબ ઑપરેશન અને કૅમો. . આખરે તેને માંડ માંડ ઘર અને ખેતર વેચી પતિનું ઑપરેશન કરાવ્યું અને આખી ટ્રીટમેન્ટ ચાલુ રાખી. . તેમ છતાં તેમની હાલત બગડતી ને બગડતી જ જતી હતી પરંતુ કોઈ સુધાર ન હતો. આખરે એક રાતે બે વાગે કેન્સર સાથેનો મીરા તેમજ તેના પતિના સંઘર્ષનો અંત આવ્યો અને તેના પતિ તેને અને પરિવારને મઝધારે છોડી જતા રહ્યા. . . . મીરા પર જાણે દુઃખોનું પહાડ તૂટી પડ્યું હોય.
આજ તે વાતને ત્રણ વર્ષનો સમય વીતી ગયો છે. મીરાનો મોટો પુત્ર જોબ કરે છે. મીરા પોતે ખેતરે મજૂરી કરે છે અને નાના પુત્ર તેમજ પુત્રીને ભણાવે છે.
