મીંઢળ
મીંઢળ
દીકરી રીટાની નાજુક કલાઈ પર બંધાયું મીંઢળ. ઉછળતી કૂદતી ઝરણાં સમ દીકરી નદી જેવી ધીર ગંભીર બની. ભારે હૈયે સાસરે વિદાય કરી. ખુશહાલ જિંદગી જીવી રહેલ રીટાને કોઈની નજર લાગી હોય તેમ બેજ વર્ષનાં લગ્ન જીવનમાં ભૂકંપ સર્જાયો, પતિની ઓચિંતી ચિરવિદાયથી.
રીટાના વૃધ્ધ સાસુ સસરા આઘાતને પચાવી પુત્રવધુ ને સાંત્વન આપતા. રીટા નાં માવતરને પણ રીટાની ચિંતા ન કરશો રીટા હવે અમારી જવાબદારી છે એવું કહેતાં. સમય જતાં રીટાને પ્રેમથી સમજાવી બીજા લગ્ન માટે તૈયાર કરી. આજે ફરીથી રીટાનાં હાથે મીંઢળ બંધાયું. રીટાનાં સાસુ સસરા એ રીટાનું કન્યાદાન કર્યું. મીંઢળ બાંધ્યા હાથને એનાં પતિનાં હાથમાં મૂકી રાજી થયા. રીટાને વિદાય કરી જવાબદારી નિભાવ્યાનો આનંદ પામ્યા.