મહોરાં પાછળનાં ચહેરાં
મહોરાં પાછળનાં ચહેરાં
"આ શહેર તમારાં મનસુબાં, ઉથલાવી દે, કહેવાય નહીં.
એક ચહેરા પર બીજો, ચહેરો ચીપકાવી દે, કહેવાય નહીં."
= રમેશ પારેખ
આ વાત છે માયાનગરી મુંબઈની. કામિનીને શોખ હતો. જુદાં જુદાં ગ્રુપમાં સભ્ય થવું અને બધાંથી ચડિયાતાં હોવાનો દેખાવ કરવો. એનાં પતિ કમલભાઈની કાંઈ એવી આવક નહોતી કે એનાં બધાં શોખ પુરાં કરે. પણ કામિની જેનું નામ, ઉછીનું લઈ, કોઈનું માગીને પહેરવાંમાં એને કોઈ છોછ નહોતો. બસ ટોપ દેખાવું જોઈએ.
એક વખત તેમને કમલભાઈનાં શેઠને ત્યાં લગ્ન પ્રસંગે જવાનું થયું. કામિનીએ વિચારી લીધું કે ત્યાં તો મોટાં મોટાં લોકો હશે તો મારે પણ કાંઈક એવી રીતે જ તૈયાર થઈને જવું જોઈએ.એ તો એની ફ્રેંડનો સોનાનો ભારે એવો દાગીનો લઈ આવી અને લગ્ન માણવાં ઊપડી. પાછા વળતાં ટ્રેનમાં કોઈ ગઠીઓ કારીગરી કરી ગયો અને ડોકમાંથી દાગીનાની ચીલઝડપ થઈ ગઈ. ખુબ પ્રયત્નો કર્યાં છતાં કાંઈ હાથમાં આવ્યું નહીં.
આજનાં સોનાનાં ભાવ પ્રમાણે એની કિંમત લાખોમાં થતી હતી. કમલભાઈને હકિકતની ખબર પડી ત્યારે એમને તો એટેક આવતાં આવતાં રહી ગયો. કામિનીની ફ્રેન્ડ એટલી સારી કે હપ્તે હપ્તે રકમ ચુકવવાની વાત કરી. આજ સુધી કમલભાઈ અને કામિની હપ્તાં ભરે છે પણ માગીને માભો મારવાની કામિનીની આદત છુટી ગઈ.
