Hina dasa

Drama Others

4  

Hina dasa

Drama Others

મહેકતાં થોર ભાગ ૭

મહેકતાં થોર ભાગ ૭

4 mins
253


(આગળના ભાગમાં જોયું કે વ્યોમ તાબડતોબ ઉભો થઈ સીધો હોસ્પિટલ જવા નીકળે છે, હવે આગળ....)

વ્યોમ હોસ્પિટલ પહોંચ્યો. એના પિતાની મોટર બહાર ઉભેલી જોઈ. વ્યોમને લાગ્યું કે હવે તો મરી ગયા જ સમજો. શું કર્યું હશે આ ડોબાએ ? મનોમન ગુસ્સો કરતો વ્યોમ સીધો જ એના પિતા બેઠા હતા ત્યાં જ ગયો. 

પ્રમોદભાઈના ચહેરા પર પહેલી વખત આટલો ગુસ્સો વ્યોમે જોયો. બધા ઓફિસમાં બેઠેલા હતા. ને રઘલો નીચે જોઈને ઉભો હતો. વ્યોમે ગુસ્સામાં ઈશારો કરી રઘલાને પૂછવા ધાર્યું કે શું કર્યું તે, પણ રઘલો તો નીચે જોઈને ઉભો હતો તો વ્યોમ સફળ થયો નહિ. 

વાત જાણે એમ હતી કે વ્યોમનો આજે બીજો દિવસ હતો ડ્યુટીનો. પહેલે દિવસે એને સખત કંટાળો આવ્યો, બહુ કઈ કામ હતું નહીં ને રાત્રે એક વખત r.m.o. વીઝીટ માટે આવ્યા પછી કોઈ આવ્યું નહિ તો વ્યોમને લાગ્યું કે એટલું મહત્વનું કઈ કામ નથી. રઘલાએ એની પાસે પૈસા માગ્યા ત્યારે જ એના મનના વિચાર આવ્યો કે રઘલાને પોતાની જગ્યાએ બેસાડી ઘરે આરામથી સુઈ રહેશે. ને કઈ તકલીફ જેવું હશે તો પિતાજીનું નામ આપી દઈશ તો બચી જઈશ.  પણ પાસા આપણે ધારીએ એમ જ પડતા હોય તો વાત જ શી હતી. એના માટે શકુનીની જેમ હાડકાના પાસા બનાવવા જેટલી મહેનત કરવી પડે. ખેર, આ તો વ્યોમ મહેનત ને, ને વ્યોમને તો આડવેર. વ્યોમના તો બધા પાસા ઉલટા પડ્યા. 

પ્રમોદભાઈ એમનમ બેઠા હતા કઈ બોલ્યા નહિ. આર.એમ.ઓ., ડિન, રઘલો ને વ્યોમ પાંચ જણ કેબિનમાં હાજર હતા. ડિન બોલ્યા, 

"વ્યોમ આ તમે શું કર્યું તમને કઈ ખબર છે ? એક ડૉક્ટર થઈ તમે આ વ્યક્તિને હોસ્પિટલમાં કેમ મોકલી શકો. જો તમે પ્રમોદભાઈના છોકરા ન હોત તો અત્યારે સસ્પેન્સન લેટર આવી ગયો હોત." - આર.એમ.ઓ. બોલ્યા, 

"સર! હું વિઝીટમાં ગયો ત્યારે આ ભાઈ સુતા હતા. મેં ઉઠાડયા તો કહે, મને તો વ્યોમભાઈએ મોકલ્યો છે."

ડિન બોલ્યા, "પ્રમોદભાઈ, હવે તમે જ કહો શું કરવું જોઈએ. આ બહુ ગંભીર બેજવાબદારીપણું કહેવાય, આ ચલાવી ન લેવાય."

પ્રમોદભાઈ બોલ્યા, "હવે તમારે જે કરવું હોય તે છૂટ છે. વ્યોમ ટ્રસ્ટીનો છોકરો છે એમ વિચારી નહિ એક વિદ્યાર્થી છે એમ વિચારી તમે જે કરશો એ મને મંજુર છે, ને વ્યોમને પણ..."

ડિન બોલ્યા, "વ્યોમને આવી બેદરકારી બદલ હું સસ્પેન્ડ કરી શકું એવી સત્તા મારા હાથમાં છે."

વ્યોમ હવે ડઘાઈ ગયો. એને એનું સ્વપ્ન રોળાતું લાગ્યું. એ ડિન સરના પગમાં પડી ગયો. અને બોલ્યો,

"સર ! પ્લીઝ આ મારી છેલ્લી વખતની ભૂલ છે, હવે હું આવી ભૂલ ક્યારેય નહીં કરું, મારું કરિયર બરબાદ થઈ જશે. સર, એક વખત જવા દો હું તમારે પગે પડું છું. હું એક મહિનો અહીં મારી ડ્યુટી પુરી ઈમાનદારીથી નિભાવીશ. પ્લીઝ સર માફ કરી દો."

ડિન સરને લાગ્યું કે વ્યોમ હવે નાદાની નહિ કરે, એણે થોડી સૂચના આપી રઘલાને પણ ખખડાવ્યો ને બંનેને રવાના કરી દીધા. બહાર નીકળીને વ્યોમે રઘલાનો વારો ચડાવી દીધો.

"એલા ડફોળ કેમ સુઈ ગયો હતો, તને કહ્યું તો હતું કે કોઈ આવે તો આડાઅવળો જતો રેજે. ફસાવી દીધો ને મને."

રઘલો બોલ્યો, - " અરે વ્યોમભાઈ ઊંઘ આવી ગઈ એમાં હું શું કરું, ને ખરે સમયે જ પેલો ચોકીદાર આવી ગયો."

વ્યોમ હસતા હસતા બોલ્યો, "એ ચોકીદાર નથી. આર.એમ.ઓ. છે. ચલ હવે તું નીકળ અહીંથી. પેલા પ્રમોદભાઈ જોઈ જશે તો ફરી ગુસ્સે થશે, હજુ તો એ માણસ ઘરે જઈને મારો વારો પાડશે."

આટલું થવા છતાં વ્યોમ હજુ પણ મજાકના મૂડમાં જ હતો. કોલેજ હજુ ચાલુ હશે એમ વિચારી વ્યોમ સીધો કોલેજમાં ગયો. એમાં પણ મોડો પડ્યો એટલે ફરી સાંભળવું પડ્યું. આમ પણ વ્યોમનું આ રોજનું થઈ ગયું, બધા લેક્ચરમાં એને તો કઈ ને કઈ સૂચના હોય જ કા તો સજા હોય. વ્યોમ હવે તો રીઢો ગુનેગાર થઈ ગયો હતો. એને કોઈ ફરક જ ન હતો પડતો. ક્યારેક તો અડધું લેક્ચર વ્યોમને સૂચન આપવામાં જ જતું રહેતું. બધા પર આની અસર થતી, પણ વ્યોમ તો વ્યોમ હતો એને કોઈ અસર ન થતી. 

આજે પણ એને સર ખીજાયા એટલે એ બહાર નીકળી ગયો. હજુ તો ઘરે બબાલ થવાની બાકી હતી. કારણ કે પ્રમોદભાઈ હોસ્પિટલે તો કશું બોલ્યા જ ન હતા, એમનો બધો ગુસ્સો ઘરે જ વરસવાનો હતો.  ઘરે પ્રમોદભાઈ રાહ જોઈને બેઠા હતા. વ્યોમ પહોંચ્યો એટલે સીધો જ રુમમાં બોલાવ્યો. પ્રમોદભાઈએ ગુસ્સા પર કાબુ રાખી, બહુ ધીરજથી વાત ચાલુ કરી,

"જો વ્યોમ હું તને બીજું કશું નહીં કહું પણ એટલું યાદ રાખજે એક ડૉક્ટરને આવું બધું શોભે નહિ. જો તને ન ફાવતું હોય તો તું આપણા બિઝનેસમાં જોડાઈ શકે છે, ડૉક્ટર બનીને લોકોના જીવ સાથે મજાક કર એ વાત મને મંજૂર નથી. હવે હું વારે ઘડીએ બચાવવા નહિ આવું યાદ રાખી લેજે. તને હોસ્ટેલમાં ફાવતું ન હતું એટલે મેં બહુ પ્રયત્ન કરી તને ઘરે રહેવા મંજૂરી લીધી હતી. હવે હું વારે ઘડીએ તને બચાવવા નહિ આવું યાદ રાખી લેજે."

વ્યોમ બોલ્યો, "પપ્પા હવે કોઈ ફરિયાદ નહિ આવે..."

એટલું કહી વ્યોમ બહાર નીકળી ગયો. જમીને આજે નાઈટ ડ્યુટી પર સમયસર પહોંચી ગયો. પોતાનું કામ પણ બહુ સરસ રીતે કરવા લાગ્યો. જાણે થોર મટી વ્યોમ ફૂલ બની ગયો હોય એવું લાગ્યું...


Rate this content
Log in

Similar gujarati story from Drama