મહેકતા થોર - 3
મહેકતા થોર - 3
(આગળના ભાગમાં આપણે જોયું કે ધૃતી વ્યોમને સુધારવા પ્રયત્નો કરે છે, પણ વ્યોમ અલ્લડતામાં જ જીવ્યે રાખે છે...)
ધૃતી શર્મા. ઉદયપુરની એક મહત્વાકાંક્ષી છોકરી. દરેક કામમાં પરફેક્ટ. કોઈ પણ પ્રશ્ન હોય એની પાસે જવાબ હાજર જ હોય. પોતાની કાર્યદક્ષતાને ધીરજથી પચાવી લેનાર છોકરી. નામ મુજબ જ ગુણ ધરાવતી હતી.
શ્યામવર્ણી છતાં મનમોહક. આંખે ચશ્મા એણે કરેલી મહેનતની ચાડી ખાતા હતાં. મૂળ ગુજરાતી પરિવારની જ છોકરી પણ એના પિતાજી વ્યવસાયને કારણે રાજસ્થાન સ્થાયી થયા હતાં. ધૃતીની ઈચ્છા હતી કે એ ગુજરાતના કોઈ શહેરની જ મેડિકલ કોલેજમાં એડમિશન લે. ને એને વડોદરાની એમડી. મેડિકલ કોલેજમાં એડમિશન પણ મળી ગયું.
વ્યોમની ખાસ મિત્ર, જોકે એ એવું માનતી, વ્યોમ તેને મિત્ર કે ખાસ માનતો હશે એ પણ રહસ્યમય પ્રશ્ન છે.
વ્યોમ, નિશાંત ને ધૃતી હંમેશા સાથે જ હોય. નિશાંત દેસાઈ એક સામાન્ય પરિવારનો છોકરો. જાત મહેનતથી અહીં સુધી આવ્યો હતો. વ્યોમના પિતાજીએ હોસ્ટેલમાં રહેવાની વ્યવસ્થા કરી દીધી હતી એટલે એ વ્યોમને ખૂબ જાળવતો. જો કે વ્યોમ ક્યારેય એનો ફાયદો ન ઉઠાવતો.
કેન્ટીનમાં ત્રણેય સાથે જ ચા પીતા. કલાસમાં વ્યોમ સૌથી પાછળ બેસતો. ધૃતી ને નિશાંત તો હોશિયાર ને ડાહ્યા ગણાતા તો એ આગળ જ બેસતા.
આજે ચા પીતા પીતા ધૃતી બોલી, " વ્યોમ, આજે પ્રેક્ટિકલનો ડેમો આપવાનો તારો વારો છે યાદ છે ને ! "
વ્યોમ બોલ્યો, " એ તો પપ્પા કઈક જુગાડ કરી લેશે, મેં સાંજે એમને વાત કરી હતી."
ધૃતી ને નિશાંત ને આ વાત ન ગમી. કારણ કે વ્યોમ જો આમ જ કર્યા રાખશે તો એ ઘાતક ડૉક્ટર બનશે, જે દર્દી માટે પણ જીવલેણ સાબિત થઈ શકે એમ હતું.
નિશાંત બોલ્યો, " યાર, આટલું તો કરી લે થિયરી તો વાંચી પણ લઈશ પણ આ પ્રેક્ટિકલ પછી થોડું શીખી શકીશ."
વ્યોમ બોલ્યો, " મારે ક્યાં શીખવું છે. આપણો તો એક જ ટાર્ગેટ છે, બસ આ ડોકટરની ડીગ્રી. મારે થોડી કોઈનું ઓપરેશન કરવું છે. એયને મસ્ત મોટી એક મલ્ટીસ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલ ખોલીશ ને તમારા જેવા ડૉક્ટર રાખી લઈશ આપણે તો ખાલી મોનીટરીંગ જ કરવાનું છે."
નિશાંત ને ધૃતી તો જોતા જ રહ્યા, ને વ્યોમ માટે આ કઈ અશક્ય ન હતું. એના પિતા પાસે અઢળક પૈસા હતાં તો એ એનું સપનું પૂરું કરી શકે એમાં કોઈ નવાઈ ન હતી.
રઘલો ચા લઈને આવ્યો ને બોલ્યો, " વ્યોમભાઈ મને પણ રાખજો ને તમારી હોસ્પિટલમાં."
વ્યોમ તો હસી પડ્યો, " કા તારે ઓપરેશન કરાવવાનું છે ?"
રઘલો કે," એમ નહિ હું ત્યાં એક મોટી કેન્ટીન ખોલીશ, એકદમ આમ હોટલ ટાઇપની."
વ્યોમ કહે," હા કેમ નહી તારી કેન્ટીનનું જમીને પછી મારી હોસ્પિટલમાં બધા દાખલ થશે, તું દર્દીઓને લાઈનમાં ઊભાં કરતો રહેજે."
ને બધા જોરજોરથી હસી પડ્યા.
કલાસનો સમય થયો એટલે બધા ગોઠવાયા. વ્યાસ સર આવ્યા. આજે બધા સ્ટુડન્ટસે પ્રેક્ટિકલનો ડેમો આપવાનો હતો, બધી સાધન સામગ્રી ગોઠવાઈ ગઈ. પહેલું જ નામ વ્યોમનું બોલાયું. વ્યોમ તો છક થઈ ગયો. એણે તો પિતાજીને કહ્યું હતું કે કંઈક જુગાડ કરે ને આ એનું નામ કેમ બોલાયું. હવે શું કરવું કારણ કે એને તો કઈ જ આવડતું ન હતું. ધ્યાન આપ્યું ન હતું ક્યારેય, તો આવડવાનો તો કોઈ પ્રશ્ન જ ન હતો. વ્યોમ ઊભો થયો ને બોલ્યો,
" મને આ આવડતું નથી, હું મારી પનીશમેન્ટ ભોગવવા તૈયાર છું."
વ્યાસ સર બહુ ઉગ્ર સ્વભાવના એ બેજવાબદાર વર્તન જરાય સાંખી ન લે. એને વ્યોમનું સ્ટેટ્સ કઈ અસર ન હતું કરતું. એકદમ તટસ્થ વ્યક્તિ. સજા તો વ્યોમને આપવાની જ હતી. વ્યાસ સરે ઉગ્ર શબ્દોમાં વ્યોમની ઝાટકણી કાઢી નાખી.
"વ્યોમ, આ તું શું બોલે છે, આટલો બેજવાબદાર કોઈ વ્યક્તિ કઈ રીતે થઈ શકે. તું આ કોલેજને લાયક જ નથી, આ તો પ્રમોદભાઈની મહેરબાની છે જે તું આજે અહીં છે બાકી તારા જેવો છોકરો અહીં સુધી પહોંચી જ ન શકે."
વ્યોમ સામે મરક મરક હસતો હતો. હવે વ્યાસ સરના ગુસ્સાનો પાર ન રહ્યો વાત એચઓડી. સુધી પહોંચી. વ્યોમ એમની ઓફિસમાં ગયો. હજી પણ એ જ અલ્લડતા એના ચહેરા પર દેખાતી હતી.
એચ ઓ ડી. મેડમ આમ બહુ સમજદાર ને સ્થાનને શોભાવે એવું વ્યક્તિત્વ. વ્યોમની ઘણી ફરિયાદો છતાં તેઓ બહુ કડક ન થતા. પણ પોતે નરમ વલણ ધરાવે છે એવું જતાવવા પણ ન દેતા. આજે પણ એમ જ કર્યું.
મેડમ બોલ્યા, " આખરે તમે અહીં સુધી પહોંચ્યા ખરા વ્યોમજી. હવે મારે કોઈ વાત સાંભળવી નથી સીધો નિર્ણય જ કહેવાનો છે. આજથી એક મહિનો તમે અહીં હોસ્પિટલમાં નાઈટ ડ્યુટી કરશો. સિનિયર ડૉક્ટર જે કઈ પણ કામ સોંપે એ તમારે કરવાનું થશે. ગમે તે એટલે પછી ગમે તે હોઈ શકે. સફાઈ પણ હોઈ શકે ને સર્જરી પણ હોઈ શકે. ધીસ ઇઝ એન ઓર્ડર....."
વાત ખતમ વ્યોમ દલીલ કરવા જતો હતો ત્યાં જ મેડમ બોલ્યા, " યુ મે ગો નાઉ...."
હવે કોઈ વિકલ્પ જ ન હતો. વ્યોમને સજા સ્વીકારવી પડે એમ જ હતી.......!
ક્રમશઃ
