Nirali Shah

Inspirational

4.8  

Nirali Shah

Inspirational

માઉન્ટ આબુ

માઉન્ટ આબુ

3 mins
276


મને આજે પણ યાદ છે, મારી પ્રથમ મમ્મી - પપ્પા વગરની ટૂર. ત્યારે હું છઠઠ્ઠા ધોરણમાં ભણતી હતી. પાંચમા ધોરણ સુધી તો અમે ખાલી વન - ડે પિકનિક માં જ ગયા હતા. આ વખતે પ્રથમ વાર જ અમારી શાળામાંથી ચાર દિવસની નાની ટૂરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમને ઈડર, ખેડબ્રહ્મા, અંબાજી, માઉન્ટ આબુ, મહુડી વગેરે સ્થળો એ લઈ જવાના હતા.

     મમ્મીની તો મને મોકલવાની જરા પણ ઈચ્છા નહોતી, પણ પપ્પાએ આગ્રહ કરી ને મને મોકલવા માટે મમ્મી ને રાજી કરી લીધી ને મારી ખુશીનો તો પાર નાં રહ્યો. ટૂરમાં સાથે લઈ જવા માટે પપ્પાએ બધી જ વસ્તુઓ મારી મનપસંદ અપાવી હતી. જાત જાતના ક્રીમ બિસ્કિટ, વેફર બિસ્કીટ, ચોકલેટ્સ, બબલગમ, ને બીજું કેટલુંય. મને નવા સેન્ડલ અપાવ્યા હતા અને બે નવા ફ્રોક, જીન્સ અને ટી - શર્ટ, પણ ખરા. મમ્મીએ થોડી દવાઓ પણ બેગમાં ભરી દીધી, તાવ, શરદી, ઉધરસ, ડાયેરિયા, ઉલ્ટી, ને એવી બધી, સાથે વિક્સની ડબ્બી પણ મૂકી. મમ્મી એ ખાસ તાકિદથી ઊન નું મફલર મુકાવ્યું બેગમાં ને કહ્યું કે રાત્રે અચૂક પહેરવું તથા, દિવસે જ્યારે બારી નો કાચ ખુલ્લો હોય ત્યારે પહેરી લેવું. અમારી શાળાએ બે લક્ઝરી બસો બુક કરી હતી. એકમાં બધાજ છોકરાઓ, બધા સરો, રસોઈયા,પટાવાળા ભાઈ તથા બીજી બસમાં બધી જ છોકરીઓ, બધા જ ટિચરો, ને બે આયા બહેનો હતા.

 આખરે એ દિવસ પણ આવી ગયો. સવારે 7:00 વાગે અમને શાળામાં બોલાવ્યા હતા, બધા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ આવી ગયા એટલે અમારી હાજરી પૂરી ને અમને લાઈન બનાવી ને વારાફરતી બસમાં બેસાડવામાં આવ્યા. બરાબર આઠ વાગે અમારી બડી ઉપડી ને સૌથી પહેલા અમને મહુડી લઈ જવામાં આવ્યા. મહુડી જૈનોનું પવિત્ર તીર્થધામ છે, ત્યાં અમે ઘંટાકર્ણ મહાવીર ભગવાન નાં દર્શન કર્યા અને સુખડીનો પ્રસાદ ખાધો, અમારા ટીચરે ખાસ તાકીદથી અમને કહ્યું હતું કે ભૂલે ચૂકે સુખડી નો પ્રસાદ બહાર નાં લઈ જતા, તેને લઈ જવાની મનાઈ છે. પછી અમે ત્યાંથી વૈષ્ણવો નાં કુળદેવતા શ્રી કોટયૅક ભગવાનનાં દર્શન કરી ને અંબાજી જવા રવાના થયા, રસ્તામાં એક જગ્યાએ બસો ઊભી રાખી ને રસોઈયા એ બનાવેલ શીરો, પૂરી, વટાણા બટાકાનું શાક, દાળભાત,પાપડ, કચુંબર જમ્યા, અને પછી અંબાજી જવા રવાના થયા.

અંબાજી પહોંચી ને અમે મા અંબાનાં દર્શન કર્યા, પ્રસાદ ને ચૂંદડી ખરીદી ને અમને જ્યાં ઉતારો અપાયો હતો તે જૈન અતિથિ ગૃહમાં આવ્યા, બધા નાહી ધોઈને ફ્રેશ થયા ને રાત્રે સરસ ખીચડી, કઢી, શાક, અથાણું, પાપડ ખાધું. ને બધા અંતાક્ષરી રમી ને સૂઈ ગયા. સવારે વહેલા ઊઠી, નાહી ધોઈ ને ગબ્બર ચઢવા ગયા ને બપોરે પાછા આવી ને જમી ને અમે બસમાં બેસી ને આબુ જવા રવાના થયા.

અરે ! બાપ રે ! આબુ જવાનો રસ્તો તો કેવો ખતરનાક છે, કેવા ભયાનક વળાંકો છે, અમે બારીમાંથી દેખાતા સુંદર પહાડો ને ખીણ ને જોતા જોતા આબુ પહોંચ્યા, ત્યારે સાંજ પડી ગઈ હતી. અમને સનસેટ પોઇન્ટ લઈ ગયા, ત્યાં બધાએ સૂરજ ઢળતો જોયો. બધા થાકી ગયા હતા, એટલે પાછા આવ્યા કે તરત જ અમને સૌને જમાડી ને અમે જ્યાં રોકાયા હતા તે ગેસ્ટ હાઉસમાં અમને બધા ને અમારી રૂમોમાં સૂઈ જવા કહ્યું, કેમકે બીજે દિવસે સવારે અમારે સાઈટ સીન માટે જવાનું હતું. બધા બહુ જ થાકેલા હતા એટલે પથારીમાં પડતા જ બધા ઘસઘસાટ ઊંઘી ગયા.

સવારે જ્યારે આંખ ખુલી ત્યારે બધા એકબીજાની સામુ જોઈને પેટ પકડી ને હસવા લાગ્યા, એનું કારણ હતું અમારા બધાનાં મોં પર લિપસ્ટિકથી દોરેલી મૂંછો, અમારા ટીચરે બધી છોકરીઓ ને મૂંછો ને અમારા સરોએ બધા છોકરાઓ ને લિપસ્ટિક કરી દીધી હતી, આથી બધા જ કાર્ટૂન લાગતાં હતાં, બધાજ ઉઠતાં વેંત બાથરૂમમાં ભાગ્યા ને પોતપોતાના મોં સાફ કરવા લાગ્યા, પછી ચા કોફી ને નાસ્તો પતાવી ને અમે સાઈટ સીન માટે ગયા. ગુરુ શિખર, બ્રહ્માકુમારી ગાર્ડન, નેચર પાર્ક, નખી લેક, વગેરે. રાત્રે ભાજીપાંઉ ને પુલાવ જમીને અમે સૂઈ ગયા ને બીજા દિવસે સવારે ચા કોફી નાસ્તો કરીને નાહી ધોઈને પાછા અમદાવાદ આવવા નીકળ્યા, રસ્તામાં ખેડ બ્રહ્મા ને ઈડર પણ ગયા ને સાંજે અમે અમદાવાદ પહોંચ્યાં.

મમ્મી ને પપ્પા બંને મને લેવા શાળા પર આવી ગયા હતા. હું આબુથી મમ્મી માટે સરસ બુટ્ટી લાવી હતી, ને પપ્પા માટે કિચેન. બંને ખૂબ ખુશ થઈ ગયા. ખરેખર મારા માટે તો આ એક યાદગાર ટૂર બની ગઈ.

#TravelDiaries


Rate this content
Log in

Similar gujarati story from Inspirational