Shaurya Parmar

Children Classics Fantasy

4  

Shaurya Parmar

Children Classics Fantasy

માટીનો પાવાગઢ

માટીનો પાવાગઢ

2 mins
15.2K


એકવાર ફરીથી બાળપણનો એક પ્રસંગ યાદ આવે છે. ફળીયાનાં મિત્રો ભેગાં થઈને અમે એક પ્રવ્રુતિ કરતાં હતાં તેનું વર્ણન કરું છું. નવરાત્રીનાં થોડા દિવસો પેહલાં અમે આ કાર્ય શરૂ કરતાં અને પછી મોજથી નવરાત્રી મનાવતાં.

નવરાત્રીનાં અગાઉનાં દિવસોમાં અમે મિત્રો ભેગાં થઈને અમારાં કણજરી ગામનાં મહોણીયા વડેથી ચીકણી માટી લાવવાનું શરૂ કરીએ. કોઈ સાયકલ પર લાવે, કોઈ કોથળામાં લાવે, કોઈ રીક્ષામાં મૂકીને લઈ આવે, બધાં પોતપોતાની રીતે પ્રયત્ન કરે. પછી અમારાં ઘરની સામેજ લખુકાકાનું ઘર, ત્યાં એમનાં ઘરની ભીંતે માટીનો ખડકલો થાય. ત્યારબાદ પાવાગઢ બનાવવાની તૈયારીઓ શરૂ થાય.

એ માટીને સૌપ્રથમ ભીંતે ગોઠવી શંકુ આકાર આપવામાં આવે. પાણી છાંટીને મજબૂત કરવામાં આવે. ત્યારબાદ દરેક મિત્રો જાણે કોઈ શિલ્પકાર હોય તે પાવાગઢની ટોચે માતાજીનું સ્થાનક બનાવવાં થોડી સમથળ માટી કરે અને ત્યાંથી વાંકાચૂકાં રસ્તા કંડારવાનું શરૂ કરે. એ રસ્તા માટીનાં પાવાગઢની છેક નીચે સુધી આવે. એકદમ સરસ લાગે. બધાંજ મિત્રોને કહી દેવામાં આવે કે ઘેર જે જે રમકડાં હોય તે લેતા આવો. કોઈ ગાડી લાવે તો કોઈ ખટારો, કોઈ સાયકલ લાવે તો કોઈ રીક્ષા, કોઈ વિમાન લાવે તો કોઈ બાઈક! જોતજોતામાં અઢળક રમકડાં ભેગાં થઈ જાય. પછી દરેક રમકડાને એ વાંકાચૂકાં રસ્તા પર મૂકવામાં આવે. એવું લાગે કે, જાણે માતાજીનાં દર્શને જતાં હોય.

આતો કંઈ નથી. કેટલાંય વડીલ મિત્રો ડૉક્ટરની પાસે જઈને જૂનાં વપરાયેલાં ગ્લુકોઝનાં બોટલ ને તેની સાથેની પાઇપ લેતાં આવે. પછી એ બોટલને પાવાગઢની બાજુમાં રાખે. એ પાઇપને જમીનમાંથી ખાડો કરી તેની સોય જમીનની ઉપર રહે તે રીતે આયોજન કરવામાં આવે. પછી બોટલમાં પાણી ભરીને પાઇપ શરૂ કરે એટલે જમીનમાંથી ફુવારો થાય. આજુબાજુ ઝીરોનાં બલ્બ મૂકે એટલે આહા! નયનરમ્ય વાતાવરણ ઊભું થાય. અમારો પાવાગઢ શોભી ઊઠે. અંતે આખા પાવાગઢની ઉપર લાઇટિંગ કરવામાં આવે.લાલ, પીળી, લીલી, ભૂરી ભાતભાતની લાઈટો. અંતે યોગ્ય સમય જોઈને માતાજીની છબી બિરાજમાન થાય. ત્યારે અમારી સઘળી મેહનત રંગ લાવે. પાવાગઢ જાતે અમારે આંગણે આવ્યો હોય એવું લાગે.

આ પાવાગઢની નવ દિવસ અને નવ રાત ખૂબ દેખભાળ થાય. રોજ સવારે અને સાંજે આરતી થાય. રાત્રે ગરબા ગવાય. આખું ફળિયું ભેગું થાય એયને! આનંદ આનંદ! પણ એક વાત સાચી કહીશ કે અમે નાનાં એટલે અમારું ધ્યાન વધારે પડતું માતાજીનાં પ્રસાદમાં રહે. પ્રસાદ વહેંચવાનું કહે એટલે અમે આગળ પડીને કામ કરી લઈએ.

ખરેખર, અમે એટલાં ભાગ્યશાળી હતાં કે માતાજી પાવાગઢ લઈને અમારી જોડે જાતે આવતાં. અમારે પાવાગઢ જવાની જરૂર ના રહેતી. આજે પણ આ વાતને યાદ કરતાં એ આખું ચિત્ર આંખો સમક્ષ ઊભું થાય છે. જાણે ગીતા જ્ઞાન આપવાં માતાજી આવ્યાં હોય એમ!


Rate this content
Log in

Similar gujarati story from Children