Lalit Parikh

Inspirational Others

3  

Lalit Parikh

Inspirational Others

માતૃ- મંદિર

માતૃ- મંદિર

6 mins
14.1K


સાવ નાની ઉમરમાં જ વિધવા થઇ ગયેલી જ્યોત, પોતાના રાંકના રતન જેવા એક માત્ર લાડકડા પુત્ર કીર્તિને, સારામાં સારું ભણાવી-ગણાવી એન્જીનિયર બનાવવાનું સ્વપ્ન રાત-દિવસ જોતા રહી, પતિની પણ એવી જ ઈચ્છા હતી, તે યાદ રાખી, તે પ્રમાણે પોતાની દિનચર્યા અને જીવનશૈલી અપનાવેલી. એ માટે તે રાત-દિવસ ઘરે-ઘરે ફરી, અર્ધી રાત સુધી કરેલા ખાખરા, નાસ્તા માટેની, મીઠા-જીરાની તેમ જ ફરસી સ્વાદિષ્ટ પુરીઓ, પાણી-પુરીની ફૂલેલી પુરીઓ, ભેળપુરીની પૂરીઓ વગેરે નાસ્તા વેચતી. ઉનાળાના તડકામાં ખીચાના-સાબુદાણાના પાપડ-પાપડી બનાવી, સૂકવી-વેચે, તેમજ બપોરે-સાંજે, જેને જરૂર હોય તેને જમવાના ટિફિન પહોંચાડી, પોતાનો ઘર-ખર્ચ તેમ જ કીર્તિને ભણાવવાના ખર્ચને પહોંચી વળવા અથાગ પ્રયાસ કરતી રહેતી.

માની ઈચ્છા, ભાવના અને સ્વપ્નને પૂરું કરવા કીર્તિ પણ ખંતથી, હોંસથી અને પૂરા પરિશ્રમથી ભણતો રહેતો. જ્યોતના પતિ રશ્મિનના ખાસ મિત્ર, જેને જ્યોત સગા ભાઈથી પણ વિશેષ માનતી તે, પ્રોફેસર વસંત, કીર્તિને શિષ્યવૃત્તિ અપાવી, હૈદરાબાદ શહેરની નજીકના જ શહેર વારંગલની રીજનલ એન્જીનિયરિંગ કોલેજમાં એડમિશન અપાવી, તેને ૪ વર્ષમાં સિવિલ એન્જીનિયર બનાવી, એક જાણીતા ઉદ્યોગપતિ અને મોટા બિલ્ડરને ત્યાં તેને નોકરી પણ, બહુ વધારે નહિ,બહુ ઓછો નહિ, તેવા પગારે, પોતાની ઓળખાણના આધારે અપાવી દીધી.

પ્રોફેસર વસંતના ચારે ચાર પુત્રો અમેરિકા પહોંચી ગયા હતા-બે ડોક્ટર થઈને, તો બે એન્જીનીયર થઈને. કીર્તિ સાથે ભણેલા લગભગ બધાજ મિત્રો સ્ટુડંટ-વિસા લઇ અમેરિકા પહોંચી ગયા હતા. કીર્તિને પણ અંદરથી બહુ મન થતું કે પોતે પણ ત્યાં અમેરિકા પહોંચી ખૂબ કમાઈ-ધમાઈ, પોતાના મિત્રોની જેમ, પોતાનું કરિયર બનાવે.

તેણે ડરતાં-ડરતાં માતા જ્યોતને પોતાની ઈચ્છા દર્શાવી. જ્યોત પુત્રનું ભવિષ્ય સુધરે અને તે ખૂબ-ખૂબ સુખી થાય તેમ હૃદયપૂર્વક ઇચ્છતી હતી; પણ એકના એક પુત્રના વિદેશ જવાથી જે લાંબો વિયોગ સહેવો પડશે તેની કલ્પના માત્રથી ડરી રહી હતી. તેણે બિલકુલ તટસ્થ ભાવે સલાહ આપી:”તું સહુથી પહેલા વસંત મામાને મળી આવ અને તેઓ જેમ કહે તેમ નક્કી કરજે. તેમના તો ચારે ચાર પુત્રો અમેરિકા જ ગયેલા છે; અને તું ત્યાં જઈશ તો તને તેમની મદદ પણ મળી જશે. તું સીધો ફોન કરી તેમને મળી આવ. હું તેમને કાંઈ પણ મારા તરફથી કહેવાની નથી. તેઓ સાચી અને યોગ્ય જ સલાહ આપશે.”

કીર્તિ તો ખુશ-ખુશ થતો,રાજી-રાજી થતો વસંતમામાને ઘેર પહોંચ્યો. તેને ખાતરી હતી કે પોતાના પુત્રોને મોકલી તેમનું ભવિષ્ય બનાવનાર મામા, તેને પણ ત્યાં જવા માટે પ્રોત્સાહિત કરશે જ અને કૈક સગવડ પણ કરી આપશે.

વસંત અને તેની પત્ની એક વાર વેકેશનમાં ત્યાં જઈ આવ્યા હતા.તેમણે દિલ ખોલીને કીર્તિ સાથે લંબાણથી વાતચીત કરી અને સાચી સલાહ આપતા કહ્યું: “જો, દૂરથી ડુંગરા રળિયામણા લાગે. ત્યાં મહેનત-મજૂરી ગધેડાની જેમ કરવી પડે છે અને જોબમાં પૂરા આઠ કલાક વૈતરું કરવું પડે છે. ભણવાનું મોંઘુ પણ છે અને જો સાથે મળે તો નાનો-મોટો જોબ પણ કરવો જ પડે છે. તું ત્યાં બે વર્ષ ભણીશ, તે પછી એક-દોઢ વર્ષ જોબ કરી એચ-વન વિઝા મેળવી અહીં પરણવા આવીશ. તે પછી બે ટિકિટ લઇ પાછો ત્યાં જઈશ. છેક પાંચ વર્ષ પુરા થશે અને તે ગ્રીનકાર્ડ મળ્યા પછી બીજા પાંચ વર્ષે સિટિઝનશિપ મળશે. એટલે તું જ વિચાર કર, તારા માટે રાત-દિવસ મહેનત- મજૂરી કરી, તને ભણાવીગણાવી, એન્જીનિયર બનાવનાર, તારી માતાનું ત્યાં સુધી તેને અહીં એકલી મૂકી છોડી ત્યાં અમેરિકા ચાલી જઈ, તું તેનું શું ભલું કરીશ-શું દળદર ફીટવાનો ? ભાગ્ય માણસનું પોતાની સાથે જ હોય છે. તું અહીં પણ ભવિષ્યમાં ઘણો સુખી થઈશ જ. કાંઈ નહિ તો તારી માતાને તો સુખી કરીશ જ.પરણીશ તો દીકરા-વહુ સાથે રહેવાનો, તેને લ્હાવો પણ મળશે. મારી સલાહ માની લે અને માતાની સેવા કર, તેના આશીર્વાદથી, અહીં જ સુખેથી રહે. પ્રભુ તને સદબુદ્ધિ આપે.”

કીર્તિને ક્ષણભર તો મામાની સલાહ થોડી અળખામણી અને કડવી લાગી; પણ ઘર જતા-જતા તેને તે વાત ગળે ઉતરી અને ઘેર પહોંચી માતા જ્યોતને જોઈ, ત્યારે લગભગ રડી પડતા, ગદગદ કંઠે બોલ્યો: “બા, તને છોડી મારે ક્યાય જવું નથી. તું જ મારું અમેરિકા છે, તું જ મારું સ્વર્ગ છે.” જ્યોત પુત્રની સાચી લાગણી જોઈ, તેની ભાવના જાણી ,તેનો માતૃપ્રેમ અનુભવી, રોઈ પડી. તેને મામાએ સાચી જ સલાહ આપી. મા તો પ્રેમાળ હોય જ; પણ મામા તો બે મા જેટલા, પ્રેમાળ નીકળ્યા. તે રાતે તેને પતિનું સ્મરણ કરતા-કરતા અને પુત્રના સુખમય ભવિષ્યનું સ્વપ્ન જોતા જોતા ઘણી શાંતિભરી ગાઢ ઊંઘ આવી.

જે બિલ્ડર પાસે તે કામ કરતો હતો, શીખતો હતો ત્યાં પોતાની સૂઝ-સમઝ થી તેણે ઘણું બધું જાણી લીધું. તેનો પગાર પણ વધતો ગયો અને તે એક વાત બરાબર સમજી ગયેલો કે કરકસર મોટો ભાઈ છે, તેથી તે ઉડાઉપણાથી હમેશા બચેલો રહેતો અને બચતમાંથી જ્યાં, જયારે, જેવી અને જેટલી મળે તેટલી જમીનો ખરીદે જતો. તે સો ટકા સમજી ગયો હતો કે દુનિયામાં ત્રણ ભાગ પાણી છે અને એક જ ભાગ જમીન છે, તેથી જમીનના ભાવ તો વધવાના જ વધવાના. બે વર્ષના અનુભવ પછી કીર્તિએ પોતાનું કામકાજ શરૂ કરી દીધું.

સસ્તા ભાવે લીધેલા મોટા પ્લોટ પર, મધ્યમવર્ગના પરિવારો માટે નાના-બે-ત્રણ રૂમના ખૂબ સગવડભર્યા ફ્લેટો બનાવી, ઠીક-ઠીક કમાણી કરી લીધી. તે પછી તો એકથી બીજે, મોઢે-મોઢ વખાણ થતા, તેને બાંધકામના ઓર્ડરો પણ મળવા લાગ્યા. મમ્મીને બધા મહેનત-મજૂરીના કામ તો તેણે બહુ પહેલાજ છોડાવી દીધા હતા. નાનકડી ટી.વી.એસ. સ્કૂટીથી શરૂ કરેલી તેની સફર મોટરબાઈક સુધી પહોંચી અને એક મોટા કામકાજમાં ધૂમ કમાણી થતા તે કાર પણ ખરીદી શક્યો. કારનો રંગ પસંદ કરવા તે મમ્મીને સાથે લઇ ગયો, તેમાં તેને બેસાડી અને પછી ચલાવી, ઘર જતા પહેલા,ઘરની પાસેના નાનકડા મંદિરમાં જઈ, ભગવાનને પગે લાગી, કારની પૂજા કરી, કારને હાર ચડાવી, નારિયેળ વધેરી, કારમાં સહુથી પહેલા તે વસંત મામાને ત્યાં મમ્મીને લઇ જઈ, તેમને પગે લાગ્યો.

”તમારી સલાહ માનવાથી હું અને મમ્મી સુખી જ સુખી થયા છીએ.” આશીર્વાદ આપતા વસંત મામાએ કહ્યું:

”આ તો શરૂઆત છે.આગે આગે દેખિયે હોતા હૈ ક્યાં?”

અને તેમની વાત સાચી જ નીકળી, સોએ સો ટકા સાચી જ પુરવાર થઇ. પોતાના એક નહિ-નાના, નહિ- મોટા એવા પ્લોટ પર, પોતાનું મકાન પણ બાંધ્યું. તે પ્લોટને અડીને એક બીજો પણ મોટો પ્લોટ સસ્તામાં મળી ગયો, તો તે પણ લઈને રાખ્યો. હવે તે સામાજિક કાર્યોમાં પોતાનું યોગદાન આપવા લાગી ગયો. પોતે ભણતી વખતે મુશ્કેલીઓ જોઈ હતી એટલે સહુથી પહેલા તો સમાજ માં તેણે બુક-બેંક ઊભી કરી. તે માટે પોતે બહુ જ મોટું દાન આપ્યું, ચારે બાજુથી ફંડ-ફાળો કરી તે બુક્ બેંકને સદ્ધર બનાવી. મેડિકલથી લઈને, એન્જીનિયરિંગ સુધીના અને બીજા પણ બધાજ અભ્યાસક્રમો માટે જેને જોઈએ, તેને ભણવા માટે ગમે તેટલા મોંઘા હોય તો ય, બુક્બેન્ક્માંથી પાઠ્યપુસ્તકો, રેફરેન્સબુકો પણ મળી શકે, તેવી વ્યવસ્થા કરાવી અને પોતે જ તેનો ચેરમેન બન્યો.

ખૂટતા પૈસા ભેગા કરવાની અને એમરજન્સીમાં પોતે જ જોઈતી જરૂરી રકમ ભોગવી લેવાની તેની તૈયારી જોઈ મોટા મોટા દાતાઓ પણ મોંમાં આંગળા નાખી ગયા. આ બુક બેંક ભણતા જરૂરતમંદ વિદ્યાર્થીઓ માટે વરદાન સમાન પુરવાર થવા લાગી. તે પછી તે મંદિરો માટે દાન-ધર્માદો ભેગો કરવા લાગ્યો અને પોતે પોતાની આવકનો દસમો ભાગ તો આપતો જ હતો અને અન્નદાનનો પણ અઠવાડિયે એક વાર, જુદા-જુદા સ્થળોએ કાર્યક્રમ ગોઠવતો. બીજાઓને પણ તે પ્રમાણે દસ ટકાનું નિયમિત દાન આપવાની પ્રેરણા દેવા લાગ્યો. મંદિરના બાંધકામની ફી તો તે લેતો જ નહિ, તેથી તેનું જાહેરમાં માંન-સન્માન થવા લાગ્યું.

પોતાની માતાની સ્થિતિ તે એક વિધવા તરીકે જોઈ ચૂક્યો હતો અને તેથી તેણે નિ:સહાય એવી વિધવાઓ માટે અને તેમના બાળકો માટે ભણાવવા-ગણાવવાની, રહેવાની નિ:શુલ્ક વ્યવસ્થા કરવાના આશયથી, પોતાના ઘરની પાસેના, અડીને જ ઊભેલા પ્લોટ પર, વિશાળ, અનેક માળવાળું ભવન બાંધ્યું અને તે આશ્રયભવનને ‘માતૃમંદિર’ નામ આપ્યું અને તેનું ઉદ્ઘાટન પોતાની મમ્મીના હાથે જ કરાવ્યું, જેમાં મુખ્ય અતિથી તરીકે તેના વસંતમામા જ હતા.

બે શબ્દોમાં તે એટલું જ બોલ્યો: “મને અમેરિકા ન જવાની સાચી સલાહ આપનાર અને મારી માતાનું જ સુખ જોનાર આવા મામા સહુને મળજો. મને અહી ધન તો ખૂબ-ખૂબ મળ્યું જ છે; પણ સાથે-સાથે માન -સન્માન પણ પુષ્કળ મળ્યું છે. આ બધું મારી માતાના આશીર્વાદનું ફળ છે તેથી આ ‘માતૃ- મંદિર’ તેમનાવરદ હસ્તે જ લોકાર્પણ કરું છું.” હાજર રહેલા સહુ કોઈએ તાળીઓના ગડગડાટ થી તે લોકાર્પણ વધાવી લીધું.

અનેક અનેક નિરાશ્રિત નિ:સહાય વિધવા માતાઓના નેત્રોમાંથી આશીર્વાદમિશ્રિત હર્ષાશ્રુ વરસ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational