માતૃ હદયમાં બદલાતી મૌસમ
માતૃ હદયમાં બદલાતી મૌસમ
પરિવારમાં હેતનો દરિયો મનાતી સુરભીએ પતિનાં અકસ્માતમાં મૃત્યુ બાદ હિંમત અકબંધ રાખી નોકરી કરવાં સાથે અઢળક સ્નેહ વરસાવી વ્હાલથી બે બાળકોને મોટા કર્યા અને દીકરીને સાસરીએ વળાવી. બે દીકરાઓને પણ સરસ ભણાવી નોકરીએ લાગતાં હિરોઈન જેવી વહુઓ પણ ઘરમાં આવતાં રોનક પ્રસરી ગઈ હતી.
સમય જતાં દીકરાઓનું મા સુરભી પ્રત્યેનું હેત ઓછું થવાં લાગ્યું અને વ્હાલ વહુઓ પર વરસવા લાગ્યું. વહુઓને સુરભી પ્રત્યે સહુ આદર રાખતાં હોવાથી ઈર્ષ્યા જાગી. વહુઓએ યુક્તિપૂર્વક પોતાનાં પતિઓને પોતાનાં કહ્યાગરા બનાવી દીધાં.
"વિભાગ થયાં હવે સ્નેહનાં, પુત્ર થયાં હવે સાવ વહુઘેલા
માવતર તણી થતી હાલત આ કળજુગમાં, મા રહે મજધારે."
સુરભીના સ્નેહની હવે કદર રહી નહીં. સુરભી જરીક વ્હાલ છલકાવે કે તરત વહુઓ કટાક્ષ કરતાં બોલે, "સાસુમા દીકરાઓ હવે ઝીંણકા નથી મોટા સાહેબ બની ગયાં છે ઈ યાદ રાખો."
સુરભી શિક્ષકની નોકરીમાંથી નિવૃત થતાં બધાં પૈસા દીકરાઓને આપી દીધાં હતાં. પાસે પૈસા ન હોવાથી હવે તેની કિંમત ઘરમાં ઘટી રહી હોય તેમ લાગ્યું. દીકરાઓ પણ હવે પાસે બેસતાં પણ ન હતાં. આ જોઈને કાયમ વ્હાલ છલકાવનાર સુરભી અકળાઈ રહી હતી. એકવાર દીકરાને પાસે બોલાવતાં દીકરો બોલ્યો, "મા તું હવે સાવ નવરી થઈ છે પણ અમે ક્યાં નવરા છીએ."
સુરભી બોલી, "બેટા હું નોકરી કરતી હતી તો પણ નવરી જ હતી પરિવાર માટે."
આ સાંભળતાં જ અચાનક આવેલ વહુ બોલી, "સાસુમા અમારી પાસે બેસવાનો તમારાં દીકરાને થોડો સમય મળે છે તેમાંય તમે મેણાં ટોણા મારો છો ? બીજી વહુ બોલી, "હાથમાં માળા ધરી ચુપચાપ ભગવાનનું નામ લ્યો તો કલ્યાણ થાશે."
સુરભીને તો જાણે હસતો રમતો પરિવારમા સ્નેહ છલકતો મૌસમનો મિજાજ હવે બદલાઈ ગયો હોય ઍમ લાગ્યો. તે વિચારવાં લાગી કે, "આ બધાને હવે મારા સ્નેહભાવની કોઈ કિંમત રહી નહીં. હું જાણે બોજ બની ગઈ છે તેવુ સ્પષ્ટ જણાય છે. મારા જીવનમાં મેં સુખ મેળવ્યું જ નહીં બધું જ બાળકો પર વરસાવી દીધું છે. તો હવે આગળ શું કરવું ?"
"વ્હાલા અતિ તે અવળા ફરે, હ્નદય હવે મા તણું ઘણું રૂંધાય,
વસમી ઘણી આ હૈયાની વેદનાં, મા થી ન કહેવાય ન સ્હેવાય."
એટલામાં જ વ્હાલી દિકરી રીટા સાસરેથી માને મળવાં આવી. ખુબ જ વ્હાલા કરતી દીકરીને જોઈ સુરભીને ઘણો સંતોષ મળ્યો. એક બે દિવસ રીટા રોકાઈ અને મા પ્રત્યેનું ભાઈ ભાભીઓનું વર્તન જોઈ ખુબ જ ખિજાઈ અને બોલી, "મા આ ઘરમાં સહુનો મિજાજ બદલાઈ ગયો છે. મારા સાવજ જેવાં ભાઈઓ બકરી બની ગયાં છે. વહુઓ તને મા તરીકે સ્વીકારતી નથી. હવે ચાલ મારા ઘેર. જલ્દી ઉપાડ બિસ્તરા પોટલાં તારાં !"
સુરભી ધીરજ ધરી બોલી, "બેટા તું સમજદાર છે તારી વાત સાચી પણ હું મા છું. મારા દીકરાને વગોવીને જવા માંગતી નથી. મારા દીકરા ભલે ખુશ રહે. બેટા મારા પર વિશ્વાસ રાખજે. હું હજી મનોબળથી મજબૂત છું એટલે હું જરૂર કાંઈક રસ્તો શોધી લઈશ."
માંડ માંડ મનાવીને દીકરીને સાસરે મોકલી. વહુઓ છણકો કરતાં બોલી, "સાસુમા તમારી દિકરી પણ તમારાં જેવી જ નાની નાની વાતમાં વાંધાં વચકાં ગોતનારી છે. જમાઈ સારા મળ્યાં કે સહન કરે છે નહીંતર અમારે જ માથે પડત."
"ખબરદાર... ! મારી દિકરી વિશે એકપણ શબ્દ બોલવાનો હક નથી તમને." સુરભી પ્રથમવાર ખિજાઈને બોલતાં દીકરાઓ પણ રૂમની બહાર ડોકિયું કરી જોવા લાગ્યાં. સુરભી બોલી, "વહુ બેટા મારા દીકરાઓને સંસ્કાર આપી મોટા કર્યા તે તમને ગમે છે. તેમ મારી દીકરીને પણ મેં ભણાવી ગણાવી મોટી કરી છે એટલે એ પણ સહુને ગમે જ સમજી ગયાં. ખામી તમારી નજરમાં છે. ઇર્ષ્યાભાવથી હું અને મારી દિકરી તમને ગમતાં નથી."
વહુઓ જોરથી બોલી, "ક્યાં ગયાં બહાર આવો જૂવો તમારી મા હવે અમારી ખામી શોધે છે. સવાર સાંજ અમે ભોજન બનાવીને પીરસીએ છીએ તોય."
નાછુટકાનાં બંને દીકરાઓ બહાર આવી પોતાની વ્હાલી વહુને સારું લગાડવા મોટો ધીરજ બોલ્યો, "મા શું તું પણ ઝગડાં કરે છે આટલી ઉમરે ! ભગવાનનું નામ લેતી હોય તો." નાનો દીકરો જરીક લાગણી થતાં બોલ્યો, "મા હવે સમય મુજબ શાંતિ જાળવવી જરૂરી છે. તમારી વહુઓ તમારી સેવા ન કરતી હોય તો કહો."
"બસ બહુ થયું. તમે બંને ચૂપ થઈ જાવો ! " મા અકળાઈ બોલી,
"હું મારી તકલિફ માટે કદાપિ નથી બોલી પણ તારી બહેન વિશે આ વહુઓ ખરાબ બોલી એટલે કહું છું. તમારી ભણેલી હોશિયાર વહુઓને અને તમને હું બોજરૂપ લાગુ છું એ હું શાનમાં સમજી ગઈ છું. મારા ઘરનો બદલાતો મૌસમ અને બદલાતો મિજાજ મને અનુભવાય છે. હવે મારુ મન રૂંધાઇ રહ્યુ છે. થોડો સમય મને એકલી રહેવા દયો પ્લીઝ."
"પાણી હવે તો માથે ચડ્યું, સ્વમાન મા તણું હવે ઘવાય,
તોય માવતર પુત્રને શું કહે, જયારે પોતાનાં જ પારકાં થઈ જાય."
વહુઓ મોઢું મરડીને પગ પછાડતી રૂમમાં ગઈ અને વહુઓને સારું લગાડવા વહુઘેલા દીકરાઓને પણ ધીમે પગલે પાછળ જતાં સુરભી મૌન બની જોઈ રહી.
સવારે વહેલા ઉઠીને તૈયાર ફરી બેગ ખભે લટકાવી બહાર નીકળતી સુરભીને વહુઓ નવાઈથી જોતી જ રહી પણ પૂછવાની હિંમત ન કરી શકી. સુરભી પહોંચી અનાથાશ્રમ અને તે પગ મૂકતાં જ બાળકોએ ફૂલોથી વધાવી લીધી અને હરખથી બોલ્યાં, "મા આવી ગયાં. મા આવી ગયાં."
નવી નોકરી થોડો પગાર પણ રહેવાં જમવાની સગવડ અને ફરી એજ હેત છલકતો ઘર જેવો માહોલ જોઈ સુરભીનાં હ્નદયમાં સુકાયેલો સ્નેહ સાગર છલકાઈ ગયો અને હેતથી બાળકોને ભેટી વારાફરથી વ્હાલ કરવાં લાગી પરિચય કેળવવા લાગી. ટૂંક સમયમાં જ અનાથ બાળકોએ સુરભીને પોતાની સાચી મા તરીકે સ્વીકારી લીઘી.
સુરભીની પોતાની દિકરી માના સમાચાર સાંભળતાં જ તેને લેવા આવી. તો મા હસીને બોલી,
"જો બેટા હું અહી પંદર બાળકોની મા બની ગઈ છું. તેમણે માના હેતની જરૂર છે અને મને બાળકોના સ્નેહની. ભગવાને મારા લાયક યોગ્ય જગ્યાએ મને પહોંચાડી દીધી છે. ફરી મૌસમ મારા જીવનમાં બદલાઈ ગયો. હવે હું ખુશ છું. તમે સહુ ખુશ રહો તેવી પ્રાર્થના."
"હૈયું રડે માવતર કેરું, સાંભળી પુત્રની પ્રેમ વિહોણી વાત,
ખીજે નહીં તોય પુત્ર પર, એ તો દુઃખી હદયે પણ આપે આશીર્વાદ."
દિકરી માની હદયની વાત સમજી ગઈ કે માનો મિજાજ ફરી બદલાયો પણ દીકરાઓ ન સમજી શક્યાં કે, "માતૃ દેવો ભવ..!"
