Lalit Parikh

Inspirational Thriller

3  

Lalit Parikh

Inspirational Thriller

માસ્ટર બેડરૂમ

માસ્ટર બેડરૂમ

4 mins
8.2K



રેસિડન્સી દરમ્યાન રેસીડન્ટ ડોક્ટર્સ ક્વોર્ટર્સમાં પાંચ પાંચ વર્ષ રહી રહી સર્જન બનેલા શ્રવણ અને સગુણા હવે બોર્ડની પરીક્ષા આપવા માટેની તૈયારી કરવા લાગી ગયા. બેઉની બોસ્ટન ખાતેની મૌખિકી પરીક્ષા તો હતી જ હતી; સાથે જ સાથે સદભાગ્યે તેમને, ત્યાં જ એક મોટી હોસ્પિટલમાં જોબ માટેની ઓફર પણ હોવાથી, તેનો પણ ઇન્ટરવ્યુ હોવાથી, એક પંથ ડો કાજની જેમ, બધું અરેન્જ કરી-કરાવી, બોસ્ટન ખાતે જ પોતાની સહિયારી કારમાં સાત સાત કલાકનું ડ્રાઈવ કરી પહોંચી ગયા. હજી બે કાર લેવાની વ્યવસ્થા થવાની બાકી જ હતી. તેમનો એક હૈદરાબાદની ગાંધી મેડિકલ કોલેજનો સિનિયર મિત્ર હિતેશ અને તેની પત્ની હિતાલી, પોતાની સર્જરીની રેસિડન્સી પૂરી કરી, ત્યાં જ સારો ગમતો-ફાવતો -સારી ઓફરવાળો મનગમતો જોબ મળતા, ત્યાં જ સેટલ થયેલ હોવાથી, તેમને ત્યાં જ ધામા નાખી, તેમને આ બે મોટા અભિયાન પૂરા કરવાના હતા.

સગુણા સાવકી મા અને તેના પત્ની-પરાધીન બની ગયેલા પિતાને ત્યાં, પોતાની નાનપણથી ભણતર માટેની કેળવેલી ચીવટ અને લગનના કારણે મેડિકલ કોલેજ સુધી પહોંચી હતી. શ્રવણના માસીએ શ્રવણને અમેરિકા બોલાવવા માટે પોતાની બહેન સુવર્ણાને બોલાવી અને સુવર્ણાએ બહેનને ત્યાં છ મહિના સુધી રહી-રોકાઈ, શ્રવણ માટે સ્પોન્સર કરી, તેને ત્યાં બોલાવ્યો અને તરત જ ભારત આવી પોતાની પ્રેમિકા સગુણા સાથે સાથે લગ્ન કરી, તે પાછો અમેરિકા ફર્યો. થોડા જ સમયમાં સગુણાને વિસા મળતા તે પણ અમેરિકા પહોંચી ગઈ. બેઉ મિત્ર હિતેશ-હિતાલીની મદદથી, તેમની સાથે રોકાઈ જરૂરી એવી ઈ.સી એફ.એમ. જી પરીક્ષા પાસ કરી, રેસિડન્સી મળતા જ તેઓ જ્યાં મળી ત્યાં -સિરેક્યુસમાં, રેસિડન્સી માટે કાર્યરત થઇ ગયા.

હવે બોસ્ટનમાં મિત્રના શહેરમાં જોબ મળતા જ તેઓ વધારે ખુશ ખુશ થતા હાઉસની તપાસમાં લાગી ગયા. સદભાગ્યે મિત્રના ઘરના એરિયામાં જ તેમને પોષાય એવું એક હાઉસ મળી જતા, તેઓ તેમાં સેટલ થઇ ગયા.સરસ મઝાનું નાનકડું હાઉસ હતું.

મોટો લિવિંગ હોલ, ડાયનિંગ હોલ, ફેમિલીરૂમ, કિચન-ડાયનિંગ એરિયા, માસ્ટર બેડરૂમ, ઉપર બે ગેસ્ટ રૂમ અને નીચે બેસમેન્ટ કુલ મળીને આ હાઉસ તેમને બહુ જ ગમી ગયું. હવે માબાપને બોલાવવાનો અવસર પણ જલ્દી જ આવી ગયો, કારણ કે તેઓ પોતે માબાપ બનવાના હતા. ટિકિટો મોકલી તેમને વિઝિટર્સ વિસા પર બોલાવી લીધા. સારા નસીબે બાય વન ગેટ ટુની ડીલની જેમ સગુણાએ પુત્ર-પુત્રીની બેલડીને જન્મ આપ્યો અને શ્રવણના હોંસીલા માતાપિતા બેઉ બાળકોને સાચવવા -સંભાળવા લાગી ગયા. ઉપરના પોતાના ગેસ્ટ રૂમમાંથી વહેલી સવારે જ આવી જઈ બાળકોનું રૂટીન સમજી લઇ, ડોક્ટર પુત્ર-પુત્રવધૂ હોસ્પિટલ જાય ત્યાંથી લઈને છેક સાંજ સુધી, સુવર્ણા અને તેના નિવૃત્ત પતિ શંકર બેઉ બાળકોને હૈયાના પ્રાણની જેમ જોવા -રમાડવા લાગ્યા. વચમાં મળતા સમયમાં બેઉ મળીને પોતાનું લંચ બનાવી લે, જે બીજે દિવસે દીકરા-વહુને લંચ તરીકે આપી શકાય તેનો વેંત પણ રાખી લે. રાતનું ડિનર પણ બની જાય અને બધા સાથે જ સાથે જમવા બેસી જાય. બાળકો પણ ડાહ્યા તે મોટે ભાગે સૂતા હોય યા એકલા એકલા પોતપોતાના ક્રિબમાં રમતા હોય.

બધું સરસ મઝાનું વ્યવસ્થિત ચાલતું હતું તેમાં એકાએક સુવર્ણાને સ્ટ્રોક આવ્યો અને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવાથી અને તાબડતોબ ઈલાજ થવાથી એ બચી તો ગઈ. પણ તેનો એક પગ ખોટો થઇ ગયો અને થેરપી પછી પણ તેમાં કોઈ કરતા કોઈ સુધારો ન થયો તે ન જ થયો. ઘરે લાવતા પહેલા ચેર- લિફ્ટથી તેને ઉપર વોકર સાથે લાવી-લઇ જઈ શકાય એવી વ્યવસ્થા પણ કરાવી લીધી. પરંતુ સુવર્ણા તે માટે તૈયાર ન થઇ શકી. તેને ચક્કર આવવા લાગ્યા, મુંઝારો થવા લાગ્યો અને પારાવાર ગભરામણ પણ થવા લાગી. તદુપરાંત નીચે તેમ જ ઉપર વોકર સાથે કોઈને કોઈ હોય તે પણ હવે બરાબર સમજાતા, આ વ્યવસ્થા જોઈએ એટલી ફાવટવાળી અનુકૂળ ન જણાઈ. રસોઈ-પાણીનું કામ તેમ જ બાળકોને સાંભળવાનું કામ તો સુવર્ણાના કર્મઠ પતિ શંકર મેનેજ કરી લેતા હતા. પરંતુ હવે સહુથી મોટો પ્રાણપ્રશ્ન હતો સુવર્ણાના બેડરૂમનો.

શ્રવણ અને સગુણાએ એ પ્રાણ પ્રશ્નનું સમાધાન અને નિરાકરણ પળભરમાં કરી લીધું અને બેઉ પ્રેમપૂર્વક આદરપૂર્વક બોલ્યા: "અમારો બેડ રૂમ હવે પપ્પા-મમ્મી, આજથી તમારો થઇ જશે. રૂમ કોઈનો હોતો જ નથી, જયારે જેવી જેને જરૂર પડે ત્યારે તે તેનો રૂમ બની જવો જોઈએ. અમે ઉપર શિફ્ટ થઇ જઈશું. આમે ય અમે ઘરમાં હોઈએ છીએ કેટલી વાર માટે? રાતે આવીને જમી કરી સૂવાનું જ હોય છે અને જ્યાં સૂઓ ત્યાં ઊંઘ આવી જ જવાની છે.’ 'ઊંઘ ન જુએ ઓટલો અને ભૂખ ન જુએ રોટલો’ એ કહેવત ખોટી થોડી જ બની હશે? હવે આજથી અમે ઉપર અને તમે બેઉ અમારા બેડરૂમમાં .”

“પણ એ તો તમારો માસ્ટર બેડરૂમ છે ને?” સુવર્ણ અને શંકર બેઉ સાથે જ સાથે બોલી ઊઠ્યા.

“હવે નવું મકાન લઈશું ત્યારે નીચે બે બેડરૂમ વાળું હાઉસ લઈશું અને ત્યાં સુધી તો આ માસ્ટર બેડરૂમ તમારો જ તમારો બેડરૂમ રહેશે. હા, આ બેઉ બાળકો તમારી સાથે જ સૂશે -તમારા માસ્ટર બેડરૂમમાં- અને તેમના ક્રિબમાં.”

એ રાતે સુવર્ણા સાક્ષાત શ્રવણ જેવા પુત્ર અને સગી દીકરી જેવી વહુના વિચારો કરતી કરતી મોડી રાતે સૂતી ત્યારે સપનામાં તેને પોતાના સાસુસસરા દેખાયા, જે પ્રસન્ન પ્રસન્ન મુદ્રામાં આશીર્વાદ આપતા આપતા કહી રહ્યા હતા “બેટા, વાવે તેવું લણે એ કહેવત ખોટી થોડી જ બની છે? અમારી સેવા તમે બેઉએ કેટલી બધી કરેલી? રસોડામાં સૂઈને તમે અમને તમારા રૂમમાં સૂવડાવેલા, તે તો જન્મો જન્મ અમને યાદ રહેશે અને શ્રવણે તો એ જોયું છે અને જેણે જોયું છે તે આવું જોયા પછી પણ આવું ન કરી શકે તો તો એ નગુણા જ કહેવાય”.

નામ પ્રમાણે શ્રવણ શ્રવણ નીકળ્યો અને સગુણા સગુણા નીકળી, એ કરેલી સેવાનો બદલો હશે કે ઈશ્વરકૃપા હશે, તેનો વિચાર કરતા કરતા સુવર્ણા સૂઈ રહેલા બેઉ નાના ભલા ભોળા ભુલકાઓને જોતી જોતી, ક્યારે સ્વપ્નમાંથી નિદ્રામાં સરી ગઈ એ તેને દીકરાવહુના આરામદાયક માસ્ટર બેડરૂમમાં જરા કરતા જરાય ખબર જ ન પડી.

(અર્ધ સત્ય કથા)


Rate this content
Log in

Similar gujarati story from Inspirational