BINAL PATEL

Inspirational

4.8  

BINAL PATEL

Inspirational

"મારુ અસ્તિત્વ"

"મારુ અસ્તિત્વ"

6 mins
1.2K


અસ્તિત્વની ઓળખ મને ત્યારે થઇ, જયારે હું મારા જ અસ્તિત્વની શોધમાં ગઈ,

માણસની ઓળખ મને ત્યારે થઇ, જયારે હું માણસની મનની નબળાઈને પારખી ગઈ,

કળિયુગની ઓળખ મને ત્યારે થઇ, જયારે હું જ સચ્ચાઈ સાથે પણ હારી ગઈ,

મનમાં રહેલા કપટની ઓળખ મને ત્યારે થઇ, જયારે હું ગોરા રંગ પર વારી ગઈ,

મધ નાખી ખંજર મારે એવાની ઓળખ મને ત્યારે થઇ, જયારે હું ખુદ ખંજર ખાઈને ઉભી થઇ.'

ગીતાબેન આજે ૬૫ વર્ષની ઉંમરે આવીને ઉભા છે, સમય આખો આંખના પલકારામાં સમાપ્ત થયેલો નજરે પડે છે, આજે પટેલ સમાજનો મેળાવડો જામ્યો છે, ગીતાબેનનું સન્માન સમારંભ રાખેલ છે, રીટાયર થયાના બીજા જ દિવસે સમારંભના સ્ટેજ પર ઉભા રહીને માઈક હાથમાં લઈને પોતાના વક્તવ્યની શરૂઆતમાં ગીતાબેન બોલે છે અને બસ ત્યાં જ આંખમાંથી આંસુ સારી પડે છે. આમ ઓળખાણ આપું તો ગીતાબેન એકલા જ રહેતા. છોકરા અમેરિકા સેટ થયા અને હવે પોતે પણ ત્યાં જ જવાના હતા કાયમ માટે એટલે આ એમનું સત્કાર સમારંભ કહો કે વિદાય સમારંભ બંને સાથે જ હતું. ૧૦ વર્ષથી એમના પતિ સાથેનો એમનો સુમેળ સાથ છૂટી ગયો અને પછી મનને મનાવીને નોકરીએ લાગી ગયા એટલે સમય ક્યાં પસાર થઇ ગયો એની ખબર જ ના રહી. આજે પટેલ સમાજમાં એમના નામનો ડંકો વાગે ખરો.

ગીતાબેન સ્ટેજ પર ઉભા છે અને પછી બોલે છે કે,

આજે લાગણીઓ એટલી ભેગી થઇ ગઈ છે કે એને શબ્દોમાં કેવી રીતે વર્ણન કરવું ને એ સમજાતું નથી. પટેલ સમાજમાં મારો જન્મ, ભણી ગણીને સાસરે પણ પટેલ સમાજમાં જ આવી અને પછી જિંદગીની નવી શરૂઆત થઇ, સમય પાણીના વહેણની જેમ રેલાતો ગયો. ૨૪ વર્ષે પરણી ને સાસરે આવવાથી લઈને અત્યારે રિટાયરમેન્ટનો આ દિવસ.... અહાહાહા!!! કેટલો મોટો સફર, પરંતુ જાણે કે કાલે જ શરુ થયો હોય ને આજે પતી ગયો હોય એવી ભાવનાઓનો અનુભવ થાય છે. આજે મારે બધાનો આભાર માનવ સાથે એક બહુ જ નિખાલસપણે એક વાત આજની અને આવનાર પેઢી બંનેને કરવાની છે અને એનું નામ છે, "મારુ અસ્તિત્વ".

૨૧મી સદી છે, કાળા માથાનો માનવી અને એમાં પણ કળિયુગની કામણગારી નજરો, એટલે તકલીફ તો પડશે જ પરંતુ અસ્તિત્વની ઓળખ તો દરેક વ્યક્તિને હોવી જ જોઈએ. પોતાનું જ અસ્તિત્વ જોખમાઈ જાય એવા કોઈ પણ કાર્યમાં સાથ ના એવો અને એવા કોઈ પણ કાર્ય કરવા નહિ આ વાત બહુ પ્રેમથી અને નિખાલસપણે હું આપની સમક્ષ રજુ કરું છે. આ વાત હું અહીંયા કેમ કરવા જઈ રહી છું એ પણ જણાવી દઉં. જેમ આગળ મેં કહ્યું એમ કે આ હવે કળિયુગની શરૂઆત છે એમાં પેલા દોહામાં કહેવાયું છે ને કે,

એસા કલજુગ આયેગા, હંસ ચુંગેગા દાના, કૌઆ મોતી ખાયેગા!

સાચાનું ખૂટું અને ખોટાનું સાચું થતા જરાય વાર લાગવાની નથી અને સત્યવાદી ને હંમેશા થોડું વધારે જ સહન કરવાનું છે એમાં આવા સમયે જો આપણે આપણા જ અસ્તિત્વની ઓળખ ખોઈ દઇશુ તો શું કરવાનું?? આપણે જ આપની કદર નહિ કરીએ, આપણે જ આપની જાતને નહિ ઓળખીયે તો કોઈ બીજા પાસેથી એ ઉમ્મીદ રાખીને શું ફાયદો છે સાહેબ??

છોકરી છે એટલે એનું અસ્તિત્વ ખાલી એના પિતા, ખાનદાન અને પતિના નામ પૂરતું જ સીમિત રાખવું છે?? એને પોતાની અલગ ઓળખ બનાવનો હક નથી? કેમ એની સામે આવેલા પડકારોનો સામનો કરવા માટે એને સક્ષમ બનાવવામાં નથી આવતી?? કેમ એને એવું કહેવામાં આવે છે કે,'રહેવા દે એ તારાથી નહિ થાય.' કેમ?? લગ્ન પછી એની અલગ ઓળખ કેમ ના હોવી જોઈએ?? છોકરી તમારા ઘરની વહુ બની ગઈ છે પરંતુ કોઈના ઘરની તો એ છોકરી હતી જ ને? અને રહેશે જ ને?? કેમ એ છોકરીને એવું માનવા પર મજબૂર કરવાની કે, હવે, એ કોઈના ઘરની વહુ છે, છોકરી નહિ.' કેમ?? (સન્નાટો છવાઈ જાય છે. સૌ મૌન બેઠા છે. બધાના ચહેરા ગંભીર છે.)

આજે હું મારી જ વાત કરું તો મને આજે આ સ્ટેજ પર ઉભી રહી શકું એટલી કાબિલ બનાવવા પાછળ મારા માતા-પિતા, પરિવારના સભ્યો અને મારા સાસરે પક્ષના મારા વડીલો, સાસુ-સસરા, પતિ અને બાળકોનો બહુ મોટો ફાળો રહેલો છે. આજે તમે 'ગીતાબેન પટેલ'ના નામથી મને ઓળખો છો એ નામ બનાવવા પાછળ કેટલી મહેનત, કેટલું સંઘર્ષ અને કેટલી કુરબાની છે એ તો ફક્ત ભગવાન જ જાણે છે. હું જયારે મારા પોતાના અસ્તિત્વની લડાઈ માટે આગળ આવી ત્યારે મારે પણ ૧૦૦૦ સવાલોનો વરસાદ અને કેટલા કટુ વચનોનો સામનો કરવો પડ્યો છે પરંતુ આજે એ બધાની સામે એકલા હાથે લડીને આપ સહુની સમક્ષ ઉભી છું. એવું નથી કે બધા એ સાથ નથી આપ્યો પરંતુ એક સ્ટેજ પછી તો તમારે પોતે જ પોતાનો સહારો બનવું પડે,પોતાના સારથી બનવું પડે, પોતાની જ હિંમત બનવું પડે. દરેક પરિસ્થિતીમાંથી બહાર કાઢવા માટે દુનિયાનો હાથ મળે જ એ જરૂરી નથી. ક્યારેક એ પરિસ્થિતીનો સામનો એકલા હાથે પણ કરવો પડે અને એટલે જ હું બહુ ભાર સાથે કહું છે કે પોતાની આગવી ઓળખ દરેક વ્યક્તિએ બનાવવી જ જોઈએ અને એમાં કઈ જ ખોટું નથી. મારો કહેવાનો ભાવાર્થ જરાય એ નથી કે દરેક છોકરા-છોકરીઓએ અભિમાની થઇ અહં સંતોષવા, બીજા ઉપર પોતાની હુકૂમત ચલાવવા માટે અસ્તિત્વની ઓળખ રાખવી. શબ્દોને સમજજો સાહેબ, મારી લાગણીઓને દિલમાં ઉતારજો કારણ કે આજે હું જ કઈ પણ બોલી રહી છું એ મેં કોઈ સ્ક્રિપ્ટમાંથી વાંચીને, રટટો મારીને નહિ પરંતુ મારા પોતાના અનુભવની ઓઢણી અને ઠોકરોના ઘાવથી અંતરમાં ઉઠેલી લાગણીઓ દ્વારા બોલી રહી છું.

ખાસ મહત્વની વાત સાહેબ, 'પોતાની જાતને કોસવાનું બંધ કરી દો. પોતાની જાતને અરીસામાં જોઈને ભગવાનને કોસવાનું બંધ કરી દો.

ભગવાને મને થોડી ગોરી બનાવી હોત તો!

થોડી હાઈટ વધારે હોત તો!

થોડી પાતળી હોઉં તો વધારે સારી લાગુ!

થોડી જાડી થાઉં તો ફિગર સારું લાગે!

થોડો હૅન્ડસમ હોઉં તો ૨-૪ છોકરીઓ પાછળ ફરીને જોવે ને!

થોડા વધારે પૈસા આપ્યા હોત તો! .....

બહુ સાચી અને કડવી વાત આજે કહી દઉં છે કે સાહેબ, તમે તનથી ગોરા હશો, રંગે રૂડા-રૂપાળા હશો, પૈસે ટકે સુખી હશો પરંતુ જો મન મેલું હશે, અસત્યના આશરે રહેતા હશો, વાણીમાં કડવાશ હશે અને અહમનો ભંડાર હશે ને તો પછી આ રંગ-રૂપ અને પૈસો બધું જ નકામું છે.

'નજરો ઊંચી રાખી પોતાની જાતને અરીસામાં ખુમારીથી જોઈ શકો ને તો જ જિંદગી સાચી બાકી તો બધું ધૂળ-ધાણી જ છે. છોકરી કે કોઈ સ્ત્રી એની ઓળખાણ એના તનની સુંદરતાથી નહી પરંતુ 'મનની' પવિત્રતાથી થાય ને તો આ સમાજ અને આપનો દેશ બને ખૂબ પ્રગતિ કરે સાહેબ. સ્ત્રીઓએ પોતાના અસ્તિત્વની ઓળખ બીજાને આપવા કરતા પહેલા પોતાની જાતને આપવી ખૂબ જરૂરી છે. જયારે સ્ત્રી પોતે પોતાનું અસ્તિત્વ અને માન-સમ્માન જાળવશે ત્યારે આખો સમાજ એની નોંધ જરૂરથી લેશે. '

(તાળીઓનો ગડગડાટ.........)

વાત તો બહુ લાંબી અને કલાકો નીકળી જાય એટલી મોટી છે પરંતુ આપ સહુનો વધારે સમય ના લેતા હું એટલું જ કહીશ કે,

સૂરજના કિરણો સમા તેજ સાથે વધ તું આગળ,

ચાદંનીની શીતળ છાંવમાં સપનાનું અજવાળું તું પાથર,

હોય ભલે વિરોધ કોઈ વાતમાં,

સત્ય,અહિંસા અને પ્રેમથી તું કર એને પાછળ,

લડવું પડે તો લડી લે, અસત્ય સામે ઝઝૂમી લે.

પરંતુ ના બુઝાવા દઈશ તું 'અસ્તિત્વ'ની જ્યોતને,

ના બુઝાવા દઈશ તું 'અસ્તિત્વ'ની જ્યોતને..

આટલું કહીને ગીતાબેન માઈક સંચાલકના હાથમાં આપીને પોતાની ખુરશી પર બિરાજમાન થયા.

સંચાલકે શાલ ઓઢાડી એમનું સમ્માન કર્યું અને પછી ગીતાબેનના વકત્વને વખાણીને આજના દિવસે ખુબ જ મહત્વની વાત કરવા બદલ ગીતાબેનનો ખૂબ આભાર માન્યો.

પટેલ સમાજના સુધીરભાઈ પોતાના પરિવાર સાથે આવ્યા હતા. આખા કાર્યક્રમના અંતે બધા ઘરે પાછા ફર્યા અને ગાડીમાં સુધીરભાઈએ એમની દીકરી વંદનાને એક સવાલ પૂછ્યો.

'વંદુ, તારે બી.જે મીડીકલમાં એડમિશન માટેના ફોર્મની ડેટ આવી ગઈ?? ભૂતકાળને ભૂલી નવા સૂરજની નવી કિરણ સાથે આગળ વધ બેટા. હું નીલેશના ઘરવાળા સાથે વાત કરી લઈશ કે મારી દીકરી ડોક્ટર બનશે પછી જ તમારે ઘરે એક પુત્રવધુ બનીને આવશે અને જો આ વાત તમને મંજુર હોય તો આપણે સંબંધ જોડીએ. હજી તો ખાલી વાત જ ચાલે છે ને!! આટલું તો હું હક થી કહી જ શકું ને!'

વંદના પહેલા ચોંકી ગઈ પછી ચાલુ ગાડીએ પપ્પાના ગળે લાગી ગઈ અને આજના દિવસના આ થોડા કલ્લાકો એને ખૂબ ફળ્યાં. પપ્પાની થોડા જ ક્ષણોમાં બદલાતી વિચારસરણી જોઈને મનોમન ગીતાબેનનો આભાર માન્યો અને નવી સફર પર નિકળી પડી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational