મારા પપ્પા પણ, ગુરુ પણ
મારા પપ્પા પણ, ગુરુ પણ
જી હા, મારા પિતા એક સાચા અર્થમાં મારા ગુરુ છે. એક શિક્ષક અને પિતાનાં નાતે અમારું ઘડતર અને પાયાનું આદર્શ શિક્ષણ અમને આપ્યું છે.
બાળપણમાં 3 વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવી. દાદા પુનમચંદ જે. પંડ્યા સ્વાતંત્ર્ય સેનાની હતા, દેશસેવામાં એવા ઓતપ્રોત કે બાળકો - પત્નિ સામે પણ જોવાનો પણ ટાઈમ નહીં. પપ્પા મા ચંચળની સાથે ડુંગરાઓ ચઢી ઊતરી ને ગામડે ગામડે ફરી( ભિક્ષા) સીધુ માંગી લાવે. આ રીતે જીવન ગુજારો કરી ભણ્યા ને શિક્ષક બન્યા. લગ્ન પછી મમ્મીને ભણાવી, શિક્ષક બનાવી.
આજના શિક્ષકોને પ્રેરણા મળે એવા અનોખા ને ઉત્સાહી. શાળામાં સાહેબ, ઘરે પપ્પા. પણ એવા પ્રેમાળ કે ઘરે પપ્પાની બીક ના લાગે, શાળામાં એટલી જ શિસ્તમાં અન્ય બાળકોની જેમ રહેવું પડે. સફાઈ પણ કરવી પડે, વારા મુજબ આવતી તમામ પ્રવૃત્તિઓ કરવી જ પડે. પ્રાથમિક શિક્ષણ આપવાની અનોખી રીત. પાયાનું જ્ઞાન એટલું દ્રઢ થઈ જાય કે આજીવન ના ભૂલાય. અક્ષર સુંદર આવે તે માટે પથ્થરની સ્લેટમાં લોખંડની ખીલ્લી વતી એકબાજુ ડબલ લીટી ને બીજી બાજુ ખાના દોરી આપે. એમાં જ લખવાનું જેથી નાનપણથી જ અક્ષરો મરોડદાર આવે. રોજ રાતે સૂતા સૂતા અમે બધા સાથે ઘડિયાગાન કરતાં કરતાં જ સૂઈ જવાનો નિત્ય નિયમ.
રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રાપ્ત કરેલ પંડ્યાજી હંમેશાં શિક્ષણ ક્ષેત્રે અવનવાં સંશોધનો કરતાં રહેતાં. 1983 થી 2003 સુધી લગાતાર દર વર્ષે વિજ્ઞાનમેળામાં દ્વિતીય નંબરે રહેતાં.
નાથાવાસ, ગાયવાછરડા અને વૈયાં ગામમાં ગામલોકોમાં વ્યાપેલ અંધશ્રદ્ધાઓ દૂર કરવા ને સત્ય રજૂ કરવા ખૂબ મહેનત કરવી પડેલી. એક ભૂવા એ તો સાહેબને ચેલેન્જ કરેલી કે આ તારીખે રાત્રે 12:05 વાગે તમારું મોત થશે, ભૂવાની ચેલેન્જ ખોટી પાડી. ભૂવો કરગરી ગયો પગમાં, પડી ગયો, માફી માંગી. આ જ રીતે એકવાર ગામલોકોની ના હોવા છતાં પણ( મમ્મી) બેનને લઈને રાતે બાર વાગે જે વડલા નીચે ભૂત આવતુ ત્યાંથી નીકળેલા. રોજરાતે અમૂક જગ્યાએ પથ્થર પડે છે. તેવી અફવા સાંભળી રાતે ટેકરી પરની શાળામાં રોકાઈને પથ્થર ફેંકનાર માણસને પકડી પાડ્યો હતો. અંતે 'વિજ્ઞાન જાથા'માં જોડાઈ ને ગામલોકોની અંધશ્રદ્ધા ને ડર દૂર કર્યા હતા.
અને હા, આ જ અંધશ્રદ્ધાઓ દૂર કરવા ને સત્ય ને વિજ્ઞાન સાથે સમજાવવા તેઓ જાદુ પણ કરતા. તેમને લોકો જાદુગર પંડ્યાજી પણ કહેતા.
વેદમાતા ગાયત્રીના પરમ ઉપાસક અને મેઘરજ ગામના પ્રથમ ગાયત્રી પ્રચારક એવા પંડ્યા સાહેબે ઘણા વર્ષો સુઘી ગાયત્રી અનુષ્ઠાનો કર્યા હતા. શાસ્ત્રોમાં રસ ને જીજ્ઞાસા હોઈ એક કાશીના પંડિત પાસેથી અષ્ટા્ધ્યાયી રુદ્રી શીખ્યા. મને પણ તેમણે રુદ્રી નો એક અંશ (અધ્યાય) શીખવ્યો જે પુરુષ સુક્તમ નામે ઓળખાય છે. ને ત્યારથી તે મારા આધ્યાત્મિક ગુરુ છે.
સાથે સાથે તેઓ સામાજીક સેવાઓ પણ કરતા. ગામડાના લોકોમાં તે સમયે કુટુંબનિયોજન માટેની સમજ પૂરી પાડી ઑપરેશન માટે પણ સમજાવતા અને સરકારી દવાખાનામાં દાખલ કરવાથી માંડીને છેક રજા આપે ત્યાં સુધી હાજર રહી મદદ કરતા. જમવાની, રહેવાની અને આર્થિક સહાય પણ કરતા.
હજુ પણ આ ઉંમરે તે એટલા જ સક્રિય છે. હજુ પણ નિયમિત 11 થી 5 શાળા સંભાળી શકે તેટલા સક્ષમ છે. તેઓ ભલે વૃધ્ધ છે પણ તેમના હસ્તાક્ષર તો હજુ એટલા જ જુવાન છે.
સ્વચ્છતા, સુઘડતા, કરકસર ને ચોકસાઈ તો ગાંધીબાપુએ વારસામાં આપ્યું છે. આજની તારીખમાં પણ અંધારામાં પણ તેમના કબાટમાંથી કંઈ પણ વસ્તુ મળે, એ રીતે વ્યવસ્થિત ગોઠવીને રાખેલી હોય. ઊ. દા. પંચ કે કાતર જોઈતી હોય તો પપ્પા કહે કે વચ્ચેના ખાનામાં ડાબી બાજુ જો.
