Click Here. Romance Combo up for Grabs to Read while it Rains!
Click Here. Romance Combo up for Grabs to Read while it Rains!

Abid Khanusia

Inspirational


4  

Abid Khanusia

Inspirational


માનવતાની મહેક

માનવતાની મહેક

4 mins 59 4 mins 59

મારા એક સંબંધીની બાયપાસ સર્જરી કરવામાં આવી હતી તેમની ખબર જોવા માટે મારે એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં જવાનું થયું હતું. રવિવારની રાત્રિનો સમય હતો. હોસ્પિટલમાં બધું રાબેતા મુજબ ચાલતું હતું તેવામાં સરકારશ્રીની મફત સેવા ૧૦૮ની એમ્બ્યુલન્સમાં એક દર્દીને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો જેને હૃદય રોગનો હુમલો આવેલ હોય તેવું લાગતું હતું. હાજર મેડીકલ સ્ટાફે તેની ટ્રીટમેન્ટ શરુ કરી. કાર્ડિયોગ્રામ લીધો, ૩-ડી ઈકો કાર્ડિયોગ્રાફી થઈ અને એન્જીઓગ્રાફી પણ કરવામાં આવી. હૃદયની ત્રણ નળીઓમાં સિત્તેરથી નેવું ટકા બ્લોકેજ હતું. દર્દીની ઉંમર ચાલીસ-બેતાલીસ વર્ષની આસપાસ હતી. ડોક્ટરોની ટીમે રિપોર્ટ જોઈ એન્જીઓપ્લાસ્ટી કરવી કે ઓપન હાર્ટ સર્જરી કરવી તે બાબતે ચર્ચા કરી છેવટે ઓપન હાર્ટ સર્જરી કરવાનો નિર્ણય લીધો અને દર્દીને આઈ.સી.સી.યુ.માં દાખલ કરી સારવાર શરુ કરી.

દર્દીનું નામ વિકાસ શુકલ હતું. દર્દીના નજીકના સંબંધીઓમાં તેની પત્ની સ્વાતિબેન ઉપરાંત એક અઢાર વર્ષની પુત્રી અને પંદર વર્ષનો પુત્ર હતા. ઈન્ચાર્જ ડોકટરે સ્વાતિબેનને દર્દીની શારીરિક સ્થિતિ સમજાવી અને ઓપન હાર્ટ સર્જરીના ઓપરેશન માટે ત્રણ લાખ રૂપિયા જમા કરાવવાનું કહ્યું. સામાન્ય આવક ધરાવતા કુટુંબને તાત્કાલિક આટલી મોટી રકમ જમા કરાવવાનું અઘરુ થઈ પડ્યું. તેમના ચહેરા પર વિષાદ ફરી વળ્યો. ડોકટરે જણાવ્યું કે દર્દીની સ્થિતિ ખુબ નાજુક છે અને જો સમયસર નિર્ણય લેવામાં નહી આવે તો જાનનું જોખમ છે. સ્વાતિબેને તો હૃદય કઠણ કરી પોતાની જાત પર કાબુ રાખ્યો પરંતુ બંને બાળકો રડવા લાગ્યા.

બાળકોને રડતા જોઈ મને આ કુટુંબ પ્રત્યે અનુકંપા જાગી. આ હોસ્પિટલને “મા અમૃતમ” યોજના હેઠળ સરકારે માન્યતા આપી હોવાની વિગત ડોક્ટર પાસેથી મેળવી મેં વિકાસની પત્ની સ્વાતિબેનને પૂછ્યું, “તમારી પાસે “મા અમૃતમ” કાર્ડ છે ? તેમણે રડમસ આવાજે જવાબ આપ્યો “ મુરબ્બી, અમે “મા અમૃતમ “ કાર્ડ વિષે સાંભળ્યું છે પરંતુ હજુ સુધી બનાવડાવ્યું નથી.” મેં ડોક્ટરને પૂછયું “ સાહેબ, મોડામાં મોડું ક્યારે ઓપરેશન કરવું પડશે ?” સિનિયર ડોક્ટર બોલ્યા, “ દર્દીની પરિસ્થિતિ જોતાં કાલે તો ઓપરેશન કરવું પડે તેમ છે પરંતુ આત્યારે જે સારવાર આપી રહ્યા છીએ તેનો જો દર્દીનું શરીર હકારાત્મક પડઘો પાડે તો બે દિવસ પછી ઓપરેશન કરીએ તો ચાલે.” મેં તરત જ એક નંબર જોડ્યો. જોડાણ થતાં મેં કહ્યું, “ મોબીન, તાત્કાલિક હોસ્પિટલ પર આવી જા. ખુબ જ ઈમરજન્સી છે. હું તને હોસ્પિટલનું નામ, સરનામું અને લોકેશનનો વોટ્સએપ પર મેસેજ મોકલું છું.” તેના જવાબની રાહ જોયા વિના મેં જોડાણ કાપી નાખ્યું.  

મોબીન અમારી સોસાયટીમાં રહે છે. તેની ઉંમર પાંત્રીસ વર્ષની આજુબાજુ છે. બહુ ભણ્યો નથી પરંતુ ખુબ ચાલાક અને ચપળ છે. કોઈનું પણ કલેકટર કચેરી, મામલતદાર કચેરી, આર.ટી.ઓ. કચેરી, પોલીસ સ્ટેશન, વિદ્યુત બોર્ડ, સિવિલ હોસ્પિટલ વિગેરમાં કામ અટક્યું હોય તો તે તેનો ઉકેલ લાવી દે તેવા તેના સંબંધો અને નેટવર્ક છે. અડધા કલાકમાં મોબીન આવી પહોંચ્યો. મેં તેને આખી પરિસ્થિતિ સમજાવી અને વિકાસના કુટુંબને માનવતાના ધોરણે મદદરૂપ થવા માટે ઈમરજન્સીમાં ગમે તેમ કરીને “ મા અમૃતમ” કાર્ડ બાનવડાવવા માટે જે કોઈ કાર્યવાહી કરવાની થાય તે તાત્કાલિક કરવા વિનંતી કરી.  

મોબીને કહ્યું, “અંકલ કુટુંબનું આવકનું પ્રમાણપત્ર મેળવવામાં બે દિવસ લાગી જશે અને કુટુંબના વડા હાલ આઈ.સી.સી.યુ.માં છે એટલે તેમને તો ડિસ્ટર્બ કરી શકાશે નહિ માટે તાત્કલિક કાર્ડ બનાવવું થોડુક અઘરું છે.” મોબીનની વાત સાંભળી વિકાસની દીકરી બોલી, “મોબીનભાઈ, મેં આ વર્ષે હમણાં “ક્રીમી લેયર સર્ટીફીકેટ “ લેવા આવકનો દાખલો મેળવ્યો છે તે ચાલશે?” મોબીનની આંખોમાં ચમક આવી ગઈ. તે બોલ્યો “અંકલ, આપણે ઈડરીયો ગઢ જીતી ગયા છીએ. બાકીનું કામ મારી પર છોડી દો. કાલે બપોર સુધીમાં “મા અમૃતમ” કાર્ડ બની જશે.” મોબિનની વાત સાંભળી મારા, વિકાસના કુટુંબના સભ્યો અને ડોક્ટરોની ટીમના સભ્યોના ચહેરા પર ખુશી ફરી વળી. મોબીને વિકાસની પુત્રીને પ્રેમથી કહ્યું “ બેન, તું સવારે આવકનો દાખલો, રેશન કાર્ડ, ઈલેકશન કાર્ડ અને આધાર કાર્ડ વિગેરે અસલમાં લેતી આવજે.”

મોબીન સવારે વહેલો હોસ્પિટલમાં આવી પહોચ્યો. તેની પાસે “ મા અમૃતમ” કાર્ડ બનાવવા માટે સરકારે નિયત કરેલું કોરું ફોર્મ હતું જેમાં તેણે વિકાસના દસ્તાવેજોમાં જોઈ જરૂરી વિગતો ભરી. વિકાસની હાલત અત્યારે રાત કરતાં સારી હતી. વિકાસની સહી લઈ મોબીન “ મા અમૃતમ” કાર્ડ બનાવતી કચેરીમાં પહોચ્યો. તેણે તેની વગ અને સબંધોના નેટવર્કનો ઉપયોગ કર્યો અને માનવતાની દુહાઈ આપી બપોરે “મા અમૃતમ” કાર્ડ બનાવનાર આખી ટીમને લેપટોપ, પ્રિન્ટર અને ફિંગરપ્રિન્ટ લેવા બાયોમેટ્રિક મશીન વિગેરે સહિત હોસ્પિટલ લઈ આવ્યો. વિકાસના આંગળાની છાપ અને કુટુંબનો ગ્રુપ ફોટો લેવાયો. થોડીવારમાં “મા અમૃતમ” કાર્ડ બની ગયું જેને મોબીને તેના મોબાઈલ મારફતે એકટીવેટ પણ કરી દીધું. 

બીજા દિવસે વિકાસની સફળ બાયપાસ સર્જરી પણ થઈ ગઈ અને માનવતાની નાનકડી જયોતથી એક આર્થિક રીતે નબળા પરીવારના વડાની જીવન જયોત બુઝાતી બચી ગઈ. મોબીનની કામગીરીથી માનવતા મહેકી ઊઠી.  


Rate this content
Log in

More gujarati story from Abid Khanusia

Similar gujarati story from Inspirational